અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં લખેલું છે, જ્યારે ભૂકંપ આવ્યો અને રોકેટો પર ધૂળ પડવા માંડી ત્યારે બીજા વૈજ્ઞાનિકો પોતાનો જીવ બચાવતા હતા અને અબ્દુલ કલામ મિસાઈલોને ઢાંકતા હતા, કારણ કે છત પરથી એક ભૂખરીની કણી પણ જો તેમાં પડી ગઈ હોત, તો પછી એ મિસાઈલો ક્યારેય કામમાં ન આવેત. અબ્દુલ કલામે આ પોતાના માટે નથી કર્યુ, આ તેમણે દેશ માટે કર્યું છે. કેટલાક પુષ્પો ભમરા માટે જ બનેલા હોય છે. અને તેને તોડીને રાજકુમાર લઈ જાય !
દુનિયાની સૌથી ક્લાસિક અને પ્રખ્યાત નવલકથાનું નામ તમે સાંભળ્યું હશે, ગ્રેટ ગેટ્સ્બી. કુમારપાળ દેસાઈએ ચારેક વર્ષો પહેલા તેના વિશે લખેલું. તે યાદો મારા મનસપટ પર થોડી ધુંધળી છવાયેલી છે. કોઈ ભૂલ હોય તો જણાવજો. કારણ કે ચારેક વર્ષ પહેલા મેં તેમાં મેક્સવેલ પરકિન્સ વિશે વાંચેલું. મેક્સવેલ લેખકોની ધૂળ કાઢી નાખતા એડિટરોમાના એક હતા. અને આવુ જ ધૂળ કાઢી નખાવતું કામ તેમણે એફ. સ્કોટ. ફિઝરગેરાલ્ડ પાસે કરાવ્યું હતું.
27 ઓગસ્ટ 1924માં ફિઝરગેરાલ્ડની ઊંમર 28 વર્ષની હતી. તેમણે એડિટર મેક્સવેલને એક પત્ર લખ્યો. આ પત્ર સાથે તેની નવલકથા ગ્રેટ ગેટ્સ્બીનો ડ્રાફ્ટ પણ હતો. નવલકથા વંચાયા બાદ તેમાં રહેલી ક્ષતિઓ અને સાહિત્યક બદીઓને દૂર કરવાની જરૂર મેક્સવેલને લાગી. તેમણે નક્કી કર્યું કે, આને રિ-રાઈટ કરવી પડશે.
ફિઝરગેરાલ્ડે લખેલા પત્રમાં જણાવેલું કે, મેં નવલકથા લખી છે. અને તે 50,000 શબ્દોમાં પથરાયેલી છે. તો કૃપ્યા આપ તેના ટાઈટલનું સમાધાન અને રિ-રાઈટ કરવામાં મદદ કરશો. તેની આ માગને સ્વીકારવામાં આવી. પરંતુ મેક્સવેલ નવલકથામાં કેટલાક ફેરફાર ઈચ્છતા હતા. તેમણે ફિઝરગેરાલ્ડને સામે લખ્યું, ‘નવલકથાનું કથાવસ્તુ બરાબર છે, પરંતુ વચ્ચે જે 6 અને 7 નંબરનું ચેપ્ટર છે, તે મને યથાયોગ્ય નથી લાગતું. કમનસીબે આપણે તેમાં બદલાવ લાવવો જોઈએ. આ માટે મેં એક નવો સીન તૈયાર કરેલો છે, જો તારી ઈચ્છા હોય, તો આપણે આ બંન્ને પ્રકરણમાં આ સીનનો ઊપયોગ કરી નવલકથાને વધારે સારી બનાવી શકીએ.’
તે વાતને ઉમળકાભેર વધાવતા ફિઝરગેરાલ્ડે પોતાના એડિટરને લખ્યું, ‘બરાબર છે, પણ સાહેબ હું નવલકથા પહેલા ટાઈટલની મૂંઝવણ અને ગૂંચવણમાં અટવાયેલો છું, આપ શ્રીમાન ઈચ્છો તો હું સૌ પ્રથમ નવલકથાના ટાઈટલ વિશે વિચારવા માગુ છુ. મેં નવલકથાના ચારેક ટાઈટલ આપ્યા છે. ટ્રિમાલ્ચિઓ, ઓન ધ રોડ વેસ્ટ એગ, ગોલ્ડ હેટેડ ગેટસ્બી અને ધ હાઈ બાઊન્સિંગ લવર.’
જ્યારે ફરી નવલકથા તૈયાર થઈ ત્યારે મેક્સવેલે તેમની પ્રશંસામાં લખ્યું, ‘ડિયર સ્કોટ, તને ખ્યાલ નહીં હોય, પણ એક એડિટરના નજરીયાથી જોવામાં આવે તો નવલકથા માસ્ટરપીસ બની ગઈ છે. તેનું ટાઈટલ આપવાની કોઈ ઊતાવળ નથી. અત્યારે તે પોતાના માર્વેલસ તબક્કામાંથી પસાર થઈ રહી છે.’
આ પત્ર વ્યવહારમાં સૌથી મોટી કસોટી તમારી ધીરજની થાય. ક્યારે પત્ર આવે ક્યારે પત્રમાં લખેલી વાતોને અનુલક્ષીને લખવું. ફેરફાર કરવો અને એડિટરની સામે રાઈટરને યોગ્ય ન લાગે તો પોતાનો મત રજૂ કરવો.
મેક્સવેલે વધુમાં જણાવ્યું કે, ‘ગેટ્સ્બીનું જે પાત્ર છે એ હજુ મનોમંથનમાં જોડાયેલું નથી. ભવિષ્યમાં તેને ખરાબ ક્રિટીસિઝમનો સામનો કરવાનો વારો આવશે. અને તુ નેચરલ રાઈટર નથી. તુ મહેનત કરીને લેખક બન્યો છો. એટલે તારે હજુ નવલકથામાં થોડા ફેરફાર કરવા પડશે. ઊપરથી ટોમ, ડેઈઝી અને જોર્ડનનું પ્રેઝન્ટેશન ક્લિયર નથી થઈ રહ્યું.’
આટલી માથાકૂટ કોઈ મારી સાથે કરે તો હું ભાગી જ જાવ. અને તે પણ પત્રમાં !
મેક્સવેલે તેમના નવા ડ્રાફ્ટનો જવાબ આપતા કહેલું કે, ‘સ્કોટ ટાઈટલ હજુ મારા ધ્યાનમાં નથી આવ્યું. હું તારૂ આપેલું ટાઈટલ ટ્રિમાલ્ચિનો અને ગેટસ્બી પર વિચાર કરી રહ્યો છું. ઊપરથી હજુ મને ચેપ્ટર 6 અને 7 કોઈ રીતે કનેક્ટ થતા હોય તેવું લાગતું નથી. કિન્તુ મેં તારા નવા ડ્રાફ્ટમાં 1000 જેટલા કરેક્શન કરેલા છે. અને હા, મને એક ફ્રેન્ચ ભાઈ મળેલા. (સસ્પેન્સ આગે ખૂલેગા)
આટલી માથાકૂટ અને મથામણ પછી 10 એપ્રિલ 1925માં આ બુક છપાઈ અને ઈંગ્લીશ લિટરેચરની ક્લાસિક કૃતિ બની ગઈ. કેટલીય ટેલીવીઝન શ્રેણીઓ અને ફિલ્મ બની. માની લો કે એડિટર મેક્સવેલના આપેલા સૂચનોનો નવલકથામાં ફિઝરગેરાલ્ડે ઊપયોગ ન કર્યો હોત તો…? એડિટર એટલા માટે તો હોય છે.
હવે આગળ જે વાતને અધૂરી મુકી તેની વાત કરીએ…? આમ તો ફિઝરગેરાલ્ડના મનમાં એક જ ટાઈટલ દોડતું હતું અને તે ટાઈટલનું નામ હતું, ટ્રિમાલ્ચિઓ. પરંતુ પત્ની ઝેડાએ આખરે સૂચન આપ્યું કે ગ્રેટ ગેટ્સ્બી રાખો, જ્યારે પત્ર લખીને મેક્સવેલને આ જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું બરાબર છે, આ ટાઈટલ સાથે હું સહમત છું. પરંતુ અંતે એક ઘડી એવી પણ આવી જ્યારે ટાઈટલ ફાઈનલ કરવામાં આવ્યું અને ફિઝરગેરાલ્ડ આ ટાઈટલ બદલવા માગતા હતા. આખરે મારી મચળીને તેમણે ગ્રેટ ગેટ્સ્બી ટાઈટલ આપી દીધુ. અને આજે ફિઝરગેરાલ્ડ આજ નામથી પ્રસિદ્ધ છે.
ફિઝરગેરાલ્ડને પાર્ટીઓનો ઘણો શોખ હતો. અને એટલે જ તમે તેની નોવેલ વાંચશો કે લિઓનાર્ડો અને ટોબી મેંગ્વાયરનું ફિલ્મ જોશો, તો પાર્ટીના સીન્સ ખૂબ આવશે. આખરે ‘જે ગેટ્સ્બી’ એટલો અમીર પણ હતો !
અત્યારે તો આટલા વર્ષે પણ આ નવલકથા ક્લાસિક અને હિટ છે. પ્રથમ વખત જ્યારે પબ્લિશ થઈ ત્યારે તેની 20,000 કોપી વેચાઈ હતી. અને આજે 2017માં આ નવલકથાને ગ્રેટ અમેરિકન નોવેલમાં સ્થાન મળી ગયું છે.
ફ્રાન્સમાં 1913માં એક નવલકથા લખાઈ હતી. જેનું અડવીતરૂ ટાઈટલ હતું લે-ગ્રાન્ડ-મેલ્યુનલ. હવે આ નવલકથાની થોડી આડી અવlળી ઊઠાંતરી એટલે આપણો ગેટ્સ્બી. જો કે આજે પણ ફ્રાન્સની આ નવલકથાને કોઈ નથી ઓળખતું. તેનું કારણ ફિઝરગેરાલ્ડ નથી મેક્સવેલ છે. સમજને વાલે કો ઈશારા કાફી.
ફિઝરગેરાલ્ડની એક ગર્લફ્રેન્ડ હતી. જેનું નામ હતું ગીનવેરા કિંગ. બસ, નવલકથાનું પાત્ર ડેઈઝી ફિઝરગેરાલ્ડની ગર્લફ્રેન્ડ પર આધારિત હતું. જો આ રિલેશનશિપ ફિઝરગેરાલ્ડ માટે એટલુ ઈમ્પોર્ટન્ટ નહોત, તો નવલકથાના બીજ રોપાત જ નહીં.
~ મયૂર ખાવડુ
(ફોટો – ઉપર ફિઝરગેરાલ્ડ – નીચે મેક્સવેલ)
Leave a Reply