પ્રિય સખી !
આનંદમાં હોઈશ. હું પણ અહીં કુશળ છું અને નિરંતર તારું સ્મરણ મને ભીતરથી સતત ભીંજાયેલો અને તરોતાજા રાખે છે. એમ કહેવું મને ગમે છે, કારણ કે ગમતી વાતનો સ્વીકાર એટલે ભીતરથી આખેઆખા વ્યક્તિત્વ નો સ્વીકાર. કેમ ખરું ને ?
પણ આજે મારે વાત કરવી છે કંઈક અલગ જ. સખી ! તેં જોયું હશે કે કેટલાક વ્યક્તિત્વ એટલા ખુશમિજાજ હોય છે કે ગમે તેવી વિપરિત પરિસ્થિતિ હોય, સંજોગો બહુ જ કપરા હોય, અરે ઘણીવાર તો અન્ન અને દાંતને વેર હોય એટલી દરિદ્રતા હોય, કપડાં ય થીંગડાં વાળા હોય અને તેમ છતાંય હસતાં ને હસતાં. એમની ખુશમિજાજી જોઇને એમની ઇર્ષા કરવાનું મન થઇ આવે. આપણને એમ થાય કે આટલી તકલીફો વચ્ચે પણ આ માણસ ખુશ કેવી રીતે રહી શકતો હશે…?
આનાથી તદ્દન વિપરિત કેટલાક માણસો અનેક સગવડો વચ્ચે પણ નારાજ જ રહેતો હોય છે. તમે તેની થાળીમાં તેની મનગમતી વસ્તુ પીરસો, તેને મનગમતા કપડાં લઈ આપો, તેને તાપ ન લાગે માટે તેને એ.સી. ની ઠંડકની વ્યવસ્થા કરી આપો, અરે તેને મનગમતી ટી.વી. ચેનલ જોઈ શકે માટે તેને ટી.વી. સેટ ગોઠવી આપો છતાંય જ્યારે જુઓ ત્યારે માણસ નારાજનો નારાજ જ હોય. તેને ગમે તેટલા સુખમાં ઝબોળો તોય એ તો નારાજને નારાજ જ દેખાય. અરે ભલા માણસ, તને બે ટાઇમ સારું ખાવાનું મળે છે, અને એ પણ મનગમતું, તારી પાસે પહેરવા સારા કપડાં છે, પછી તારે જોઇએ છે શું, કે આમ દરેક વાતે નારાજ જ રહે છે…?
કદાચ આવા માણસોને ખબર જ નથી હોતી, કે પોતાને શું જોઈએ છે ? અથવા તો એમ કહી શકાય કે આવા લોકો કાલ્પનિક દુનિયામાં જ જીવતા હોય છે. એ મનોમન કલ્પના કરે છે, કે મારે તો આખા દુનિયા ફરવી છે. પણ, તેઓ એ નહીં વિચારે કે ખિસ્સામાં પૈસા કેટલા છે ! સપના જુઓ, જરુર જુઓ, સપના જોવાનો દરેકને અધિકાર છે. પણ, એ સપના પુરા થાય જ એ જરુરી નથી. માણસે મહદ્દઅંશે વાસ્તવિક બનીને જીવતાં શીખવું જોઈએ. કાલ્પનિક અને વાસ્તવિક દુનિયામાં આભ-જમીનનું અંતર છે, એ સમજવું અને સમજીને સ્વીકારવું બહુ જ જરુરી છે. અને જરુરી નથી કે તમારા બધા જ સપના કે બધા જ અરમાનો પુરા થાય.
વળી કોઈ તમને ખુશ રાખી રાખીને કેટલું રાખી શકે ? ખુશી તો તમારી ભીતર હોવી જોઈએ, તો જ તમે ખુશ રહી શકો. ઉપરાંત તમને નારાજ રહેવાની જો આદત જ છે, તો કોઈ કશું જ કરી શકવાનું નથી. ઉલટાનું તમારા આ સ્વભાવ ના કારણે ધીમે ધીમે લોકો તમારાથી દૂર જતા જશે. સૌ એવું જ વિચારશે કે આ માણસને તમે ગમે તેટલા ખુશ રાખવાની કોશિશ કરો છતાં એ નાખુશ જ રહે છે, તો રહેવા દો. આપણે તેની સાથેની બિનજરુરી વાતો ટાળો જેથી તેમની નકારાત્મકતા આપણા પર હાવી ન થાય.
આપણે સૌએ એક વાત સમજવા જેવી છે કે કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયામાં આભ-જમીનનું અંતર છે, જેવું વિચારીએ તેવું જ જીવી શકાય એ શક્ય જ નથી. આપણે વાસ્તવિકતા ન સ્વીકારી શકીએ તો હંમેશા દુઃખી જ રહેવાના. આપણે સમય, સંજોગોને અનુકુળ થઇને જીવતાં શીખવું જ જોઈએ. હંમેશા આપણી મરજી મુજબ વર્તી શકીએ કે આપણી ઇચ્છા અનુસાર જીવવા માંગીએ તો એ ક્યારેય બની શકવાનું જ નથી. કારણ આપણે સૌ સમય અને સંજોગોને આધારિત છીએ અને માટે જ દરેક પરિસ્થિતિને હસતાં હસતાં સ્વીકારી એ મુજબ વર્તતાં શીખીએ તો ક્યારેય દુઃખી થવું ન પડે. સાથોસાથ હંમેશા નારાજ રહેવાથી જે બધાને અપ્રિય થઇ જઇએ છીએ, તેનાથી મુક્ત રહી શકાય. આખર તો નારાજ રહેવાથી ખુદને જ હેરાન થવું પડે છે, અને સૌ આપણાથી દૂર ભાગે છે. એટલા માટે લોકો તમારાથી દૂર નથી ભાગતા કે તમે તેનાથી નારાજ છો કે તેઓ તમારાથી ડરે છે. લોકો મનોમન એવું વિચારે છે કે જવા દો ને યાર, આમને તો આદત પડી અને આમ તમારી અવગણના થવા લાગે છે.
સખી ! અંતમાં મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે હરહાલમાં ખુશ રહેતાં શીખીશું તો હંમેશા સૌને પ્રિય રહીશું અને અંગત રીતે પણ ખુશમિજાજ રહેવાથી દિલને અનેરી શાતા મળશે. તો આજથી જ નક્કી કરીએ કે ગમે તેવી વિપરિત પરિસ્થિતિ આવે, પણ ખુશ રહેતાં શીખીએ. બરાબર ને ?
લિ. તારો મિત્ર
~ જ્યોતિ ભટ્ટ
Leave a Reply