Sun-Temple-Baanner

એક પત્ર દીકરીને ( રેખા શુક્લ )


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક પત્ર દીકરીને ( રેખા શુક્લ )


કિરણ બેટા,

તું હજુય ના દેખાય એવા એવા વિચારે મને ઢંઢોળી છે કે ન જાણે સ્મૄતિના કંઈ કેટલાયે પડળો ખૂલી રહ્યાં છે. સંબંધના સમીકરણો ખુલે ને મળો ન મળો ને તળિયાં નજરે પડે તેથી સાચવી ને રહેજે. બારી બહારે શૈશવ તારું જો જાણે ડોકાયું છે.

ઝરમર ઉગ્યા ડાળે ડાળે
ટહુક્યા પંખી પાળે પાળે
પર્ણો સૂર્ય ને ચાળે માળે
કૂમળાં સપના તાણી માણે
નજરૂં ઝંખે ઓઝલ સ્મર્ણે

~ રેખા શુક્લ

પાછલે બારણેથી પ્રવેશી લહેર લઈજા ઉડ ઉડ પત્ર ઉતાવળો…જા પુત્તરની પાસ, પ્રત્યુત્તર લઈ આવજે નહીંતર થઈશ હું ઉદાસ. ભલે તમે લોકો ટેકનોલોજીને ઈ બધામાં આગળ વધો પણ મોઢું જોઈને જે આનંદ થાય તને ભેટુંને જે સંતોષ થાય તે મારે તો બધું મન મનાવાનું- મન મારવાનું ન ગમે !

તું તારા સંસારમાં થઈ જાય વ્યસ્તને મારા દહાડા તો થઈ ગયા છે લાંબા. મૂવો આ સમય પણ, જરાય જતો જ નથી. નથી આવતી ટપાલ કોઈની હવે. તારા વિના જૂઇ અને ચંપો સૂકાઈ ગયા ને ઓલો બટમોગરોય મરવાના વાંકે માંદો માંદો ઉગે છે મુરઝાયેલો. આતો ઉખડ ઉખડ થાતા ભીંગડા,

સાંજ ટપકતી રહી રાતે કોઈ આવ્યું નહીં
ડોકાયું આકાશ બારીએ કોઈ આવ્યું નહીં

કોફી કપમાં ઠરી પ્રતિક્ષા કોઈ આવ્યું નહીં
પંખી જ ગાઈ પોઢી ગયું કોઈ આવ્યું નહીં

~ રેખા શુક્લ

તારી બેનપણ ઓલી મંજુડીય દેખાઈ નથી જે દી’થી તું ગઈ બસ ત્યારે છેલ્લે જોયેલી. તને ભાવતી વેડમી (પૂરણપોળી) બનાવાનું બંધ કર્યું છે હવે. બધું બદલાઈ ગયું. મીઠા, મરચાંને મસાલા વગરની રસોઈ જેવું બધુ જ ફીકું ફીકું જીવન આકરું થઈ ગયું છે. તે હું કહું છું દીકરા જલ્દી આવને હવે. એજ આશામાં છું દીકરા.

લોકો ભૂલી ગયા કે યાદ નથી કરતા…? દેશમાં વસ્તુ અને વસ્તી વધી ગઈ છે, પણ ઘટ્યો છે સંતોષ. પણ મારી મમતા થઈ ગઈ છે આતુર ને અધીરી, વળી વળીને આપણા શામજીભાઈ પોસ્ટમાસ્ટર ક્યારેક અમસ્થા ખબર અંતર પૂછી જાય છે. પણ, તેમના હાથમાં વાદળી ઇન્લેન્ડ લેટર હોતો નથી અને મારી નજર નિરાશ પાછી ફરે છે.

તોય બીજો દી’ થાયને સૂરજ ઉગેને એજ ઇંતજાર. આજે તો થાય કે દીકરા આંખ મિંચાઇ જાય તે પેહલા આવી જા, તારું મુખડું દેખાડી જા. આંખની તરસ અને આંસુની ભીનાશથી લાગે છે આવે છે ઝાંખપ હવે !!

જુઓ બોક્સ સાઈઝ્માં બોક્સ ના નામ અલગ છે
તમને ખપે ના ખપે તો પણ પૂરાવું પડે છે (૧)

સગપણ નામના બોક્સે ઓળખાણ ભરી મૂકી છે
ગોળ પીઝા ચોરસ બોક્સે ભૂખ ભરી પડી છે (૨)

ડોક્ટર આપે લખી મોત નામે દવા ભરી જડી છે
ઘુંઘટે શરમ છૂપી ને કફન બોક્સે દેહ પડી છે (૩)

ઝીણકા બોકસે વીંટી નહીં પ્રપોઝલ ભરી મૂકી છે
ગંગા-જમના નીકળે છે રડે પર્વત તો મળી છે (૪)

કૂદકાં મારી ભાગે માછલી સાગરે બોક્સે જડી છે
લીધા શ્વાસ કોખે ત્યારે જગત બોક્સ માં રડી છે (૫)

મારે ટપલી શીખે રડતા લીધા શ્વાસ હ્રદયે ભળી છે
ઘર નામે બોક્સ માં લાગણીઓ વસી ઉછરી છે (૬)

વૄધ્ધત્વ રૂંવે આશ્રમ બોક્સે સમજણ થોડી પડી છે
માળા નામે બોક્સ્માં વ્હાલ પંખીડે અડી છે (૭)

ઘર બદલ્યુ વિદાયવેળાએ સાસરિયે સગાઈ છે
મંડપ-સ્તંભ-ચોરી ફેરા, બંધન-વ્હાલે વળગી છે (૮)

સઘળું છોડી કબરે કે કળશે અસ્થીમાં ગૂમ બળી છે
સ્ટેશન સ્ટેશન જર્ની ફરતી કરાવે ટ્રેન વળી છે (૯)

જીવ પ્રકાશી ઝળહળે રે બ્રહ્માંડી બોક્સમાં ભળી છે
જ્યોતિ નામે આંખ કરે અવલોકી ને ઠરી છે (૧૦)

~ રેખા શુક્લ

તું ખોળામાં બેસેને વર્ષગાંઠ્ની કેક ખાય બધુય યાદ આવે છે. શું કરું બેટા, મા છું ને…? જાન લઈ ગઈ “જાન” મારી આંગણ સૂનું ને દિલમાં ખાલીપો. પીપળાની ડાળે ખાલી ઝૂલે છે ઝૂલો. હવાને શું ખબર દીકરા વગરનો ખાલી ઝૂલો ના હલાવાય.

સંતોકમાસીએ છેલ્લા અઠવાડિયે ત્રણ વાર યાદ કરેલ. તારા વગર ખાંડવીને તને ભાવતી હાફૂસ કેરીનો સૂંડલો મારે ભાણીયાને પાછો લઈ જવા કહ્યું, તે ઇ લઈ ગયો કેમ કે તારા વગર કંઇ નથી ભાવતું મને.

શબ્દોના જ પરિચય નો સંબંધ છે
લાગણીઓ હ્રદયની હંમેશ અંધ છે

ક્યારેક ખીલે છે ફુલ પાનખર માં
પ્રસંગોને ન હોય બંધ કોઇ સંબંધમાં

બાજુવાળા અમુકાકા કાલે તારે ગામ આવે છે, તો તેમની સાથે આ પત્ર મોકલું છું સાથે સુખડીનો ડબ્બોને ઝીણા મોતીનો સેટ છે રાખી લેજેને પહેરજે હા. તારી ઢીંગલી માટે ઘૂઘરીવાળી ઝાંઝરી પણ છે, હો બેટા !! આખા ઘરમાં છમછમ પેહરીને નાચશે.

તને પણ મને મળવાનું મન થતું જ હશે હા, દીકરો કહુ પણ દીકરીએ તો સાસરે જ રેહવું પડે ! મારો ડાહ્યો દીકરો, બહાદુર દીકરો તું… આખુંય ઘર સંભાળી લે છે, અને મનોરમાબેન તો વખાણ ખૂબ કરે છે. સાચું કહું મોં તો સાકર ખાધી હોય તેવું ગળ્યું ગળ્યું થઈ જાય છે સાંભળીને હો ! ભાણીયો કોઈ રૂપાળીને મળ્યો છે, તો લગ્ન લેવાનું કહે છે. માગશર મહિનામાં તો અગાઉથી સાસરેથી રજા ની સગવડ કરી લે જો જેથી બેચાર દા’ડા અહીં રોકાવાય.

બધાને મારી યાદને ઢીંગલીને વ્હાલી વ્હાલી સાથે ઝાઝેરાં આશિષ. જમાઈને કરું છું યાદ હવે એજ મારા સાચા દીકરા, એકના એક દીકરા. હું તો ખર્યું પાન કેહવાંઉ તું શ્રાવણ મહિનામાં બિલિપત્ર ચઢાવા જાતી હશે. આ પગ ગયા પછી હવે ઘરમાં જ શિવલિંગ પર અક્ષત ચોખાને બિલિપત્ર માની ચઢાવું છું. મારા ભોળાનાથ, શંભુ બધું માની લે છે. મારા બધા કામ પાર પાડ્નાર એજ છે ને ચાલ બેટા, હવે તો અક્ષરો પણ બહુ સારા નથી દેખાતાને આંખેથી ટપકે ઇ પેહલા બંધ કરું

મળશું-મળશું જલ્દી મળશું
આશની જલતી એક ચિનગારી
પ્રતીક્ષાની પળોને ઝાંઝવાના નીર
ઉમટતા તરંગો ને હૈયાની કિનારીને બધું જોખમ. સાથે સાચવીને આવજો બેટા. બસ એજ આશા સહ.

લી.મમ્મીના
અંતઃકરણ પૂર્વક્ના શુભાશિષ.

~ રેખા શુક્લ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

One response to “એક પત્ર દીકરીને ( રેખા શુક્લ )”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.