“દેસાઈ એક ફોન કરી શકું…?”, કહેતાં રાઠોડે દેસાઈના કેબીનમાં ટેબલ પર પડેલ ટેલીફોનનું રીસીવર ઉઠાવ્યું હતું, અને ઝડપથી નંબર ડાયલ કરવા માંડ્યો. એ પહેલા એ ગિરધરને બોલાવી લાવ્યો હતો, ગીરધરને શું કરવાનું હતું એ તેને ખબર નહોતી, પણ રાઠોડની ઝડપ પરથી એ એટલું તો કડી જ શકતો હતો કે પોસ્ટમોર્ટમમાં નક્કી કોઈ ગંભીર બાબત સામે આવી હોવી જોઈએ. અને હમણાં રાઠોડ જે ઝડપથી એકશનમાં આવ્યો હતો એ જોતા લાગતું હતું કે નક્કી એને કોઈ કડીઓ મળી છે, જેને એ ગુમાવવા નથી માંગતો.
થોડી સેકન્ડો સુધી રીંગ વાગતી રહી પણ કોઈ ફોન ઉઠાવતું નહોતું. અને એ વાતની ખીન્નતા રાઠોડના ચેહરા પર સાફ વર્તાતી હતી… અને અકળાઈને એ રીસીવર પટકવા જ જતો હતો અને સામે છેડેથી કોઈએ ફોન ઉઠાવ્યો અને ‘હલ્લો’ નો અવાજ આવ્યો.
“હલ્લો… ક્યાં હતા આટલી વખતથી…? ફોન ઉઠાવવાની સમજ નથી પડતી કે શું…?”, રાઠોડ તાડૂક્યો.
ગીરધર અને દેસાઈ ભાવવિહીન રહી તેને જોતા રહ્યા, રાઠોડે કોને ફોન લગાવ્યો હતો એ તેમને ખબર ન હતી.
“પહેલી વાત તો એ કે તમે જરા તમીઝથી વાત કરો… તમે પોલીસચોકીમાં ફોન કર્યો છે, કોઈ હોટલમાં નહી…!”, સામેથી કોન્સ્ટેબલ તાડૂક્યો. રાઠોડે તેની જ ચોકીમાં કંઇક કામ અર્થે ફોન કર્યો હતો, પણ એની અન્ડર કામ કરતાં કોન્સ્ટેબલે તેને જે જવાબ આપ્યો હતો એનાથી એને પોતાનો અહમ ઘવાતો હોય એમ લાગ્યું.
“તારી હોટલની હમણાં કહું હું…”, કહેતાં રાઠોડ હોઠ સુધી આવેલ ગાળ ગળી ગયો અને બોલ્યો,
“લિસન… ઈન્સ્પેક્ટ રાઠોડ હિયર…”
“સર…!” કહેતાં એ કોન્સ્ટેબલે યાંત્રિક રીતે જ એક પગ પછાડ્યો અને જાતે જ એનો એક હાથ સલામી ઠોકવા ઉંચો થઇ ગયો.
“તારા સાહેબનો અવાજ પણ તને નથી ઓળખતો..!?”, રાઠોડે કંઇક કટાક્ષમાં પૂછ્યું.
“ના સર એમ નહીં… આ રીસીવરમાં કંઇક પ્રોબ્લેમ થયો લાગે છે. એટલે જ તો ફોન ઉઠાવવામાં મોડું થયું, રીંગ વાગવાનો અવાજ પણ દબાઈ જતો હતો…! લાગે છે કોઈક ડફોળે રીસીવરને ટેબલ પર પટક્યું હશે…!”, અને રાઠોડને યાદ આવ્યું કે રાત્રે તેણે જ ગુસ્સામાં રિસીવરને ટેબલ પર પછાડ્યું હતું. પણ હમણાં એ બધી વાતોનો સમય ન હતો.
“ઓકે… હમણાં એ બધું છોડ. અને હું કહું એ ધ્યાનથી સાંભળ… અને ના સંભળાય તો કાનને રિસીવરમાં ઘુસાવી દે… પણ જો મેં કહ્યું એમાં થોડી પણ ભૂલ થઇ તો…”, રાઠોડે તેનું વાક્ય અધૂરું છોડી દીધું.
સામેની બાજુએ વાત કરી રહેલ કોન્સ્ટેબલ પણ તેના સાહેબની દહેશતથી વાકેફ જ હતો, તેણે કાનને રીસીવર સાથે બરાબર ગોઠવ્યું અને સાંભળવા માંડ્યું.
“ઓકે લિસન… હું હમણાં જ થોડીવારમાં ચોકી પર પંહોચુ છું, પણ એ પહેલા તારે થોડો બંદોબસ્ત કરવાનો છે ! એક તો ધરમની સેલની બહાર એક કોન્સ્ટેબલને ઉભો રાખી દે, બીજું પાછળની બાજુએ જ્યાં બધી સેલના વેન્ટીલેટર ખુલે છે એ તરફ ચોકીમાંનું કે ચોકી બહારનું કોઈ પણ જાય નહિ એનું ધ્યાન રાખવાનું છે, અને હા, કોટની ફરતે બંદોબસ્ત સાબદો કરાવી દે. આજની ઘટનાનું સબુત આપણને ચોકીમાંથી જ મળી શકશે, અને ધ્યાન રહે આમાં કોઈ પણ ચૂક થશે તો સબુત હાથમાં કદાચ ન પણ આવે…”, અને રાઠોડ રીસીવર મુકવા ગયો પણ અચાનક કંઇક યાદ આવતો હોય એમ રીસીવર ફરી મોઢે લગાવી બોલ્યો, “… અને બીજું એક કામ… એક કોન્સ્ટેબલને ધરમની પેલી બગલબચ્ચી મઝહબીના ઘરની પાસે ગોઠવાઈ જવાનું કહી દે… મારે એ છોકરીની હવે પછીની દરેક હરકતનો અહેવાલ જોઇશે…! નાવ ગેટ ગોઇંગ…, હું પંહોચુ જ છું થોડીવારમાં…!”, કહી રાઠોડે ફોન મુક્યો.
અને ઘડીભર ખુરશીમાં ફસડાઈને પડ્યો હોય એમ બેસી ગયો. એ જેમ જેમ વિચારતો જતો હતો તેમ તેમ તેનું માથું ફાટતું જતું હતું.
દેસાઈ અને ગીરધરે ફોન પરના એકતરફી સંવાદો સાંભળ્યા હતા,અને એ પરથી તેમને અંદાજ તો આવી જ ચુક્યો હતો કે રાઠોડે ક્યાં ફોન કર્યો હતો.
પણ નવાઈ તો ગીરધરને લાગી હતી. એના મનમાં એક જ પ્રશ્ન પછડાતો રેહતો હતો, ‘રાઠોડને દેસાઈને ત્યાંથી ફોન કરીને આવા ઓર્ડર દેવાની શું જરૂર હતી?’
પણ રાઠોડને મનમાં કંઇક અલગ જ શંકાઓ ઉઠતી હતી. દેસાઈના રિપોર્ટસ મુજબના સગડ તેને માત્ર લોકઅપમાંથી મળી શકે તેમ હતા. પણ એને કંઇક અલગ જ દહેશત હતી, જો એ ખૂની કે તેની સાથે ભળેલા લોકો જો ધરમના લોકઅપ સુધી પંહોચી શકતા હોય તો ચોક્કસ એ લોકો ત્યાંથી સબુત હટાવવા પણ પ્રયાસો પણ કરે જ ! આખરે કોણ ખૂની એમ ઈચ્છે કે ખૂન થઇ ગયા બાદ પોતે પકડાઈ જાય ?
થોડીવાર સુધી દેસાઈએ એને બીજી થોડીક વિગતો આપી, અને આ વખતે ગીરધર પણ આખી વાત સાંભળી રહ્યો હતો. એ પહેલા તેણે ગિરધરને એના અગાઉની માહિતી પણ સમજાવી હતી. આમ તો ગીરધર પણ એક સામાન્ય કોન્સ્ટેબલ જ હતો, પણ આ મઝહબી-ધરમ કેસમાં છેક શરૂઆતથી ઇન્વોલ્વ હતો… થોડીવાર પહેલા રાઠોડને જ ગીરધર પર શંકાઓ આવી હતી, અને એ હમણાં એની ચકાસણી પણ કરતો હતો. દેસાઈની વાત ની સાથે સાથે એ ગીરધરના ચેહરાના હાવભાવ બખૂબી નોંધી રહ્યો હતો, અને એ પરથી એને પોતાને લાગતું હતું કે તેણે ગીરધર પર નાહકની શંકાઓ ખાધી. અને ખરેખર એ અંદાજો ખોટો પણ હતો. ગીરધર તો સપનામાં પણ એની વર્દી સાથે ગદ્દારી ન કરે !
દેસાઈ હજી વાત કર્યે જતો હતો, અને અહીં રાઠોડને ચોકીએ પંહોચવાની ઉતાવળ હતી. એણે દેસાઈને તેની સાથે આવવા કહ્યું, પણ તેણે આનાકાની કરી,
“રાઠોડ હું હમણાં ડ્યુટી પર છું…”
“હા તો મારે ક્યાં તને ચા પાણી કરાવવા લઇ જવો છે, મારે તને કામ અર્થે જ લઇ જવાનો છે, ચાલ હવે…”, અને વધુ થોડી દલીલો બાદ રાઠોડે તેને જોડે આવવા મનાવી લીધો.
રાઠોડે એક કોન્ટેબલને હોલ્પીટલમાં જ રેહવા જણાવ્યું. હજી ધરમના રીપોર્ટ અને બોડી કલેકટ કરવાનું બાકી હતું. અલબત્ત એમાં રાઠોડની જરૂર પડવાની જ હતી, પણ અત્યારે ચોકી પર જવું વધુ અગત્યનું હતું. રાઠોડ, દેસાઈ અને ગીરધર, અને જોડે બીજા બે કોન્સ્ટેબલ જીપગાડીમાં થઇ પોલીસ ચોકીએ આવ્યા.
રાઠોડે જે મુબજ ઓર્ડર્સ આપ્યા હતા, બરાબર એ જ મુજબની કામગીરી થઇ હતી. રાઠોડ તરત ધરમની સેલ તરફ ગયો, જોડે બીજા કોન્સ્ટેબલ અને ગીરધર પણ ગયો. દેસાઈ બહારના ભાગમાં જ ઓફિસમાં બેસી રહ્યો. એણે બેસીને ચા નાસ્તો કર્યા સિવાય કઈ જ કરવાનું ન હતું.
અંદર જઈ રાઠોડે શું કરવાનું છે તેની કામગીરી સમજાવી.
“બધાએ ગ્લવ્ઝ પહેરીને કામગીરી કરવાની છે, જેથી ક્યાંય નવા ફિંગરપ્રિન્ટ્સ ન ઉપજી આવે. થોડાક કોન્સ્ટેબલે ધરમની સેલની બારીકાઈથી તપાસ કરવાની છે, જેમાં કંઇ પણ શંકાસ્પદ લાગે કે તરત એને ફોરેન્સિક રીપોર્ટસ માટે સેમ્પલ કલેક્ટ કરતી કોથળીમાં ભરવાની છે. અને ખાસ તો એક કાગળ શોધવાનો છે, મને એ વિષે કંઇક વધારે શંકા આવી રહી છે.”, રાઠોડ બોલ્યો, અને એ સાથે ગીરધરની આંખમાં ચમક આવી. એનો સાહેબ પણ એ જ વિચારી રહ્યો હતો, જે એ પોતે વિચારતો હતો. “… અને અમુક જણે આ જ કામગીરી પાછળના ભાગમાં જ્યાં વેન્ટીલેટર ખુલે છે, એ ભાગમાં કરવાની છે. નાવ ગેટ ગોઇંગ…”, રાઠોડે ઓર્ડર્સ પુરા કર્યા અને બધા ધડાધડ કામગીરી પર લાગી ગયા. લોકપ રૂમ અને ચોકીનો પાછળનો ભાગ ધમધમી ઉઠ્યો.
દરેક ચીજની બારીકાઇથી તપાસ થઇ રહી હતી. અને શંકાસ્પદ ચીજ રાઠોડ પાસે ભેગી કરવામાં આવી રહી હતી.
લગભગ અડ્ધા કલાકની મહેનત બાદ પણ કંઇક એવું નક્કર હાથમાં ન લાગ્યું, જેથી આગળની કડીઓ જોડી શકાય !
બધા તદ્દન હતાશ થઇ શાંત ઉભા હતા, ત્યાં બે કોન્સ્ટેબલ કંઇક ગુસપુસ કરી રહ્યા હતા.
“અરે કહી દે સાહેબને…”
“ના હવે ! આ એટલું પણ અગત્યનું નહી હોય, સાહેબ નાહકના ગુસ્સે થશે, કહેશે, શું જ્યાં ત્યાંથી કચરો વીણીને લઇ આવું છું…”
“અરે કઈ નહી કહે સાહબે, તું એમને બતાવ તો ખરી..”
અને રાઠોડ એમને કંઇક પૂછે એ પહેલા જ એણે એવીડન્સ કલેક્ટ કરવાની એક નાનકડી થેલી ટેબલ પર બુકી અને કહ્યું,
“સર… આ પાછળના ભાગમાં વેન્ટીલેટરથી થોડેક દુર પડેલું મળ્યું હતું, મને એમ કે કંઇ કામનું નહિ હોય, એટલે મેં તમને બતાવ્યું નહી…”
“શું ધૂળ આ કામનું નહિ હોય !! આ જ તો કામનું છે, આને શોધવા તો આટલી માથાકૂટ કરી છે…”
“પણ સર, તમે તો કોઈ કાગળ શોધવા કહ્યું હતું… આ તો પરબીડિયું છે…” અને રાઠોડને પોતે આપેલા ઓર્ડર્સ યાદ આવ્યા, ત્યાં એણે પરબીડીયાનો ઉલ્લેખ સુદ્ધાં પણ કર્યો ન હતો.
તેણે ગુસ્સા પર કાબુ રાખીને થેલી હાથમાં લીધી અને પરબીડિયાણે જોવા માંડ્યું. ગીરધર પણ બાજુમાં ઉભો એ થેલી જોઈ રહ્યો હતો.
એક સાથે બંનેની આંખ ચમકી ! અને પળભર તો બંન્નેને આંખો પર વિશ્વાસ જ ન આવ્યો કે એ જે જોઈ રહ્યા છે, એ ખરેખર હ્કીકત છે કે સપનું !
પરબીડિયું આંખુ આમ તો સાબદું હતું, અને એના પર થોડી ઘણી કરચલીઓ પણ પડી હતી. એ પરથી અંદાજ આવતો હતો કે ધરમએ એનો ડૂચો કરી બહાર ઘા કર્યો હશે. પણ જે વાત ચોંકાવનારી હતી એ, એ હતી કે પરબીડીયાનો આગળનો ભાગ મિસિંગ હતો ! જ્યાં સ્ટેપલર પીનો મારીને તેને સીલ કરવામાં આવ્યો હતો. હવે તો કોઈ નાનું બાળક પણ બે વત્તા બે કરી શકે તેવી વાત હતી.
પણ હવે સવાલ એ આવતો હતો, કે જો પરબીડિયું સાબદું હોય, તો પછી એની અંદરનો કાગળ ક્યાં…!?
અરે કાગળ તો ઠીક, કાગળનો નાનકડો ટુકડો પણ ધરમની સેલમાંથી કે પાછળના ભાગમાંથી મળ્યો ન હતો.રાઠોડે ફરી બીજાઓને પૂછી જોયું કે હજી કોઈ એવી વસ્તુ મળી હોય અને તેમણે બતાવી ન હોય તો બતાવી દે ! એણે સમજાવ્યું પણ ખરું કે ક્યારેક નાની વસ્તુ જ મોટા રહસ્યો ઉકેલી જતી હોય છે…!
પણ હવે કોઈ પાસે બતાવવા જેવું કંઈ જ હતું !!!
હવે રાઠોડ અને ગીરધર પરસ્પર અટકળો લગાવી રહ્યા હતા કે કાગળ ક્યાં હોઈ શકે… અને ત્યાં જ ગીરધર વાત વાતમાં બોલી ગયો, “સાહેબ કદાચ એવું પણ બની શકે કે, એ કાગળ ધરમ ગળી ગયો હોય…!!!”
રાઠોડને પણ એની વાત તાર્કિક લાગી. અને એ સાંભળી દેસાઈ જરા ચમક્યો હોય એમ બોલ્યો,
“રાઠોડ, મારે એક ફોન કરવો પડશે…”, અને એણે ફોન ઉઠાવી નંબર ડાયલ કરવા માંડ્યો. રાઠોડ અને ગીરધરની ગડમથલ તેને સમજાતી ન હતી, પણ એટલું તો સમજાતું હતું કે વાત કોઈક કાગળ પર આવી અટકી પડી છે. અને ગીરધરનો તર્ક સાંભળી તેને કંઇક યાદ આવ્યું અને તેણે હોસ્પિટલમાં ફોન જોડ્યો, અને થોડીક માહિતી મેળવી. દેસાઈના બદલાતા જતા હાવભાવ અને એકતરફી સંવાદો સાંભળી રાઠોડ અને ગીરધર મુંજાયા હતા. થોડીવારે દેસાઈએ વાત પૂરી કરી અને કહ્યું,
“રાઠોડ તારા આ કોન્સ્ટેબલનો તર્ક સાચો છે…!”
“મતલબ…?”, રાઠોડ અને ગીરધર બંને સાથે બોલી ઉઠ્યા.
“મતલબ એમ કે, એણે સાચે જ મરતા પહેલા એ કાગળ ગળી લીધો હતો !”
“તને એવું ક્યાંથી ખબર..?”, રાઠોડે પૂછ્યું.
“પોસ્ટમોર્ટમ મેં કર્યું કે તે…?”, અને એ પ્રશ્ન સાથે રાઠોડને એનો જવાબ મળી ગયો.
“તો તે મને પહેલા કેમ ન કહ્યું..?”
“એ કહું તને…! મેં જેમ તને કહ્યું કે એને પોઈઝન આપવામાં આવ્યું હતું, પણ એ માત્રા ખુબ ઓછી કહી શકાય. અને માટે જ જોડે સ્ટેપલ પીન આપવામાં આવી જેથી મોત નક્કી થાવનું એક બીજું કારણ પણ કામ કરી જાય. પણ ભલે પોઈઝનની માત્રા ઓછી હતી, પણ વધુ સમય બાદ ખબર પડવાથી એ આખા શરીરમાં પ્રસરી ગયું. અને માટે મોત નીપજ્યું. હવે એ વચ્ચે મને આંતરડા અને પેટના ભાગમાંથી રેસા જેવું કંઇક મળ્યું હતું, પણ ઝેરના કારણે એ કંઇક વધુ પ્રમાણમાં વિઘટન પામ્યા હતા. માટે એ રેસાઓએ કાગળ છે કે કંઇક અન્ય એ માટે લેબટેસ્ટ અનિવાર્ય હતા. અને મને જ્યાં સુધી એ વાતની ખાતરી ન થાય ત્યાં સુધી હું તને કઈ રીતે જણાવું…? અલબત્ત નાનામાં નાની ડીટેલ રીપોર્ટમાં તો આવવાની જ છે, પણ આપની વાત થઇ ત્યારે મને ત્યારે એની ખાતરી ન હતી, અને બીજું એ કે મને મર્ડર માટે ના બે કારણ લોજીકલ લાગ્યા હતા. માટે મેં ત્યારે તને એ ન જણાવ્યું…! પણ હમણાં એ બધા લેબટેસ્ટ પણ થઇ ચુક્યા છે, અને જાણવા મળ્યું છે કે એ કાગળના રેસા હતા !
“ઇટ્સ ઓકે દેસાઈ… હમણાં માહિતી આપીને પણ મારી ઘણી મોટી મદદ કરી છે.”, રાઠોડે વિનમ્રતાથી કહ્યું.
“પણ સર, મને એક વાત નથી સમજાતી… તમે એ કાગળ પાછળ કેમ પડ્યા છો. કદાચ આ એક આત્મહત્યા પણ હોઈ શકે ને…?”, એક લેડી કોન્સ્ટેબલે તર્ક કર્યો.
પણ રાઠોડ કઈ બોલે એ પહેલા જ ગીરધર બોલી ઉઠ્યો,
“ના…! એવું બને નહી…! ચાલ એક ક્ષણ માટે માની પણ લઈએ કે આ આત્મહત્યા હોઈ પણ શકે, અને એ માટે તેણે સ્ટેપલર પીનો ગળી હોય ! પણ, તો પછી એના શરીરમાંથી મળેલું પોઈઝન..? એનું શું…? અને આત્મહત્યા માટે તો એ રાત્રે સેલની દીવાલે માથું ભટકાવીને પણ મરી જ શકે ને… આ તો ખૂન જ છે !”,
અને ગીરધર જે પ્રમાણેની દલીલ અને તર્ક રજુ કરતો હતો એ પરથી રાઠોડને ખાતરી થઇ ગઈ કે ગીરધર કોઈ પણ રીતે આમાં સંડોવાયેલો ન હતો.
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply