Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

કોરો કાગળ ( પ્રકરણ – ૧ )

એક લેખક જયારે ‘સેલીબ્રીટી’ બની જાય છે, ત્યાર બાદ એ લેખક એ લખવા માંડે છે, જે એના વાચકો વાંચવા માંગે છે… ! પણ હું ફેમસ થયા બાદ પણ જમીન સાથે જોડાયેલો જ રહ્યો. મેં એ જ લખ્યું, જે મારે લખવું હતું, જે મારે કહેવું હતું, જે મારે vહતું… અને કદાચ એટલે જ મારી ચોથી અને પાંચમી બુક ઓછી વેચાઈ !

Advertisements

રસ્તા વચ્ચે ચારેય તરફથી હોર્નના અવાજો આવી રહ્યા હતા અને મારી કાર લગભગ ટ્રાફિકની વચ્ચોવચ્ચ અટવાઈ ગઈ હતી… ! એક તો પહેલાથી ઘણું જ લેટ થઇ રહ્યું હતું, અને ઉપરથી મુંબઈનો આ ટ્રાફિક !

“સાડા દસ થઇ ગયા આજે તો… આજે તો ખરેખર બહુ જ મોડું થઇ ગયું છે… મમ્મીને કહ્યું પણ હતું કે પછી વાત કરું, પણ એ છે કે ફોન મુકવાનું નામ જ નહિ !” ઓફીસ પંહોચી બબડાટ કરતા કરતા, મેં ગાડી પાર્ક કરી અને ઝડપથી ઓફીસના દાદરા ચડવા માંડ્યો.

“ગુડ મોર્નિંગ એવરી વન…” અંદર ઘુસતાની સાથે ચેહરા પર એક સ્મિત રમવી મેં બધાનું અભિવાદન કર્યું અને સડસડાટ મારી કેબીનમાં ચાલ્યો ગયો. પાછળથી ‘ગુડ મોર્નિંગ સર’નો હળવેકથી અવાજ સંભળાયો.

“લીના… આજના દિવસ માટે કંઈ ખાસ ખબર ?” કેબીનમાં કામ કરી રહેલ મારી પર્સનલ સેક્રેટરી લીનાને મેં ખુરસી પર સ્થાન લેતા પૂછ્યું.

“યસ સર… આજે તમારે બપોરે ‘રાઈટીંગ સ્કીલ્સ’ પર એક સેમીનાર આપવા જવાનો છે. જેની વિગતો મેં તમારા ડેસ્ક પર મુકેલ ફાઈલમાં મુકેલ છે, અને બીજું એ કે આ સેમીનાર માટે જે એડવાન્સ પેમેન્ટ મળ્યું હતું, એ ચેક પણ પાસ થઇ ગયો છે…”

“ગુડ…” કહી મેં ફાઈલના પાના ફેરવવા માંડ્યા.

“અને આજના ટુડે-ન્યુઝમાં આપનો આર્ટીકલ આવ્યો છે અને એ પણ તમારા ડેસ્ક પર જ પડ્યું છે… હેવ અ લુક એટ ધેટ.”

બાજુમાં ભૂંગળી વાળીને ગોઠવેલ ન્યુઝપેપર ખોલતા મેં જોયું. લાસ્ટ સેકન્ડ પેજ પર મારો મસમોટો આર્ટીકલ છપાયો હતો. અને જોડે બે-પાંચ પ્રશ્નોનો નાનકડો ઈન્ટરવ્યું, અને વર્ષોથી છપાતો મારો એકનો એક ફોટો પણ… ! લગભગ હવે આ આર્ટીકલ અને ઈન્ટરવ્યુ મારા માટે રોજના થઇ ગયા હતા… પણ આજે પણ તેમને જોઈ રેહવાનો આનંદ લગીરેય ઓસર્યો નથી ! હું મારા દરેક આર્ટીકલને એમ જોઈ રેહતો હોઉં છું કે જાણે મારો પહેલો આર્ટીકલ ન હોય !

“બધાને મારા તરફથી ચા-સમોસાની નાની એવી પાર્ટી આપી દેજે…!” મેં આર્ટીકલ પર હાથ ફેરવતા કહ્યું.

“સ્યોર સર.”
“પણ સર… હવે તો આ ફોટો અપડેટ કરો, વર્ષોથી આ જ જુનો ફોટો…” કહી એ હસવા માંડી. હું પણ જરાક હસ્યો. આમ વાત તો એની પણ સાચી હતી, પણ મેં ક્યારેય ફોટા જેવી બાબતે ધ્યાન નથી આપ્યું. કારણકે લેખકને એના શબ્દોથી ઓળખવો જોઈએ, એના ચેહરાથી નહી !

“અને હા સર એક અગત્યનો ફોન પણ આવ્યો હતો…” લીનાએ કહ્યું.
“કોનો ફોન…?” મેં તેની તરફ જોતા પૂછ્યું.
“મી.બંસલ નો…”
હું ચમકી ઉઠ્યો અને મનોમન બબડ્યો,“મર્યા હવે…. નોટ અગેઇન !”
“શું કહ્યું એમણે…?” મેં લીનાને પૂછ્યું.
“સર… ફોન પર તેઓ ઘણા ગુસ્સામાં લાગતા હતા અને કહી રહ્યા હતા હજી સુધી આ લેખકનો બચ્ચો ઓફીસ નથી આવ્યો ? આવે એટલે તરત ફોન કરાવજે…!”

“હમમમ…”
હું બસ ‘હમમમ’ કરતો રહી ગયો. કારણકે મી.બંસલનો મારા પરનો ગુસ્સો વ્યાજબી હતો. અને મને તો એ ગુસ્સાની પણ નાનપણથી જ આદત પડેલી હતી. મી.બંસલ મારા પિતાના ખાસ મિત્ર હતા અને તેઓ અવારનવાર અમારા ઘરે આવતા જતા રહેતા. તેઓ અનેક મેગેઝીન અને બુક્સના પબ્લિશર્સ હતા. નાનપણમાં હું તેમને મારી લખેલી વાર્તાઓ અને કવિતાઓ બતાવતો. અને ક્યારેક સારી કવિતા કે વાર્તાને તેઓ કોઈક મેગેઝીનમાં સ્થાન આપતા. અને આજે હું જે કંઇ પણ છું, તેની પાછળ તેમનો ઘણો મોટો ફાળો છે…! બેશક તેઓ મારી લખેલી બુક્સ છાપે છે અને ત્યારે જઈ હું વેચાવું છું પણ એ ઉપરાંત પણ તેઓ એક વડીલ, એક માર્ગદર્શક તરીકે મારા જીવનમાં એક આગવું સ્થાન ધરાવે છે.

“લીના, એમને ફોન જોડ…”
“જી સર…” કહી લીના ટેલીફોન પર નંબર ડાયલ કરવા માંડી.
“હલ્લો… યસ મી.બંસલ ! સર વોન્ટસ ટુ સ્પીક વિથ યુ…”
“આપ એ લેખકના બચ્ચાને…” રિસીવરમાંથી મેં મી.બંસલનો કર્કશ અવાજ સાંભળ્યો.
“યસ મી.બંસલ… કેમ છો…?”
“કેમ છો, એમ પૂછે છે? મારા બેટા, તું મળ મને ખાલી…” મેં ઇશારાથી લીનાને બહાર જવા જણાવ્યું અને એ પણ હસતી હસતી બહાર ચાલી ગઈ. એને પણ અંદાજ તો આવી જ ચુક્યો હતો કે એના બોસની આજે ક્લાસ લાગવાની છે !

“મી.બંસલ… કુલ ડાઉન… કુલ ડાઉન…” મેં કહ્યું. હું એમને નાનપણથી મી.બંસલ જ કહું છું… ક્યારેક ‘કાકા’ ,‘અંકલ’નું સંબોધન લગાવ્યું જ નથી.

“વ્હોટ કુલ ડાઉન… હવે તું એમ બોલ, હવે નવી સ્ટોરી ક્યારે આપે છે ? તને ખબર છેને મેં એડવાન્સ પૈસા આપ્યા છે તને…”

“હા, ખબર છે… અને મારો વિશ્વાસ કરો હું તમારી સ્ટોરી પર જ કામ કરી રહ્યો છું…” હું જુઠું બોલ્યો.
“આ જ વાત તું મને છેલ્લા છ મહિનાથી કહી રહ્યો છે ! તને એડવાન્સ આપ્યે પણ એક વર્ષ વીતવા આવ્યું છે… ! કાં તું મને સ્ટોરી આપ, કે પછી પૈસા પાછા આપ.”

“મી.બંસલ… તમે નાહકના ગુસ્સે થાવ છો… તમને પૈસા પાછા જોઈતા હોય તો હું આપવા તૈયાર છું પણ પૈસાની બદલે કંઇ પણ એલફેલ સ્ટોરી તમને નથી આપવા માંગતો. સાચું કહું છું એક ધમાકેદાર સ્ટોરી પર કામ ચાલુ જ છે એટલે જ તો થોડો વધારે સમય લઇ રહ્યો છું !” હું ફરી જુઠું બોલ્યો.

“થોડો સમય..? અરે બે વર્ષ થયા, તને કોઈ નવી બુક લખ્યે… ! તું ભૂલીશ નહિ તારી છેલ્લી બંને બુક ફ્લોપ રહી હતી…”

“એ મને યાદ છે મી.બંસલ અને મને એનો કોઈ અફસોસ નથી… !” મારો અવાજ જરા તંગ થયો.
“જાણું છું ‘દીકરા’…” તેઓ જયારે વધારે ભાવુક થતા, ત્યારે મને ‘દીકરા’ કહી બોલાવતા. તેમણે આગળ ચાલુ રાખ્યું.

“એ પણ જાણું છું, કે તારી પહેલી ત્રણ બુક બેસ્ટ-સેલર રહી હતી અને છેલ્લી બે પણ વાચકોએ વખાણી જ હતી. કારણકે તારો કોન્સેપ્ટ નવો હતો. પણ હવે એ વીતી ગયું… હવે આગળ શું ? યુ નીડ અ ન્યુ બુક… પ્રોબેબલી અ ન્યુ બેસ્ટ સેલર…! તું સમજે છેને દીકરા…”

“યસ… આઈ વિલ ટ્રાય માય બેસ્ટ… મને હજી થોડોક સમય આપો… !”
“હું પહેલાથી જ તને ઘણો સમય આપી ચુક્યો છું… છતાં પણ થોડોક વધારે સમય આપી દઉં છું. હવે જલ્દી કરજે દોસ્ત…” કહી તેમણે ફોન મૂકી દીધો.

ફોનનું રીસીવર મૂકી, હું ખુરસી પર જ માથું ઢાળી પડી રહ્યો.
મારી નજરો સામેથી મારો ભૂતકાળ વહેવા માંડ્યો.. એક ભવ્ય ભૂતકાળ !
નાનપણથી જ ભણવામાં ઝાઝું કંઇ ઉકાળ્યું ન હતું. પરાણે પાસ થઇ શકું એટલા જ માર્ક્સ આવતા. પણ ઈત્તર વાંચનનો ગજબનો શોખ હતો. મારા સમવયસ્ક મિત્રો ક્રિકેટ અને હિરોઈનોની વાતોમાં રચ્યા પચ્યા રેહતા અને હું મારા પુસ્તકોમાં ! ધીરે ધીરે કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરુ કર્યું, ક્યારેક પપ્પાને બતાવતો, અને ક્યારેક મી.બંસલ પાસે પણ અભિપ્રાય માંગતો. કોઈક વધારે સારી લાગતી તો મી.બંસલ ક્યારેક એમના મેગેઝીનમાં સ્થાન આપતા. અને મેં આજ સુધી એ દરેકે દરેક કટિંગ સાચવી રાખયા છે. ધીરે ધીરે ફ્રી પ્લેટફોર્મ પર લખવા લાગ્યો, લોકો ઓળખતા થયા. બ્લોગ્સ લખવા માંડ્યા, એક વફાદાર વાચકવર્ગ બન્યો ! ‘લખવું’ મારો શોખ છે કે પેશન એ આજ સુધી નથી સમજાયું…! પણ હા, કંઇ પણ એલફેલ લખવું ક્યારેક ગમ્યું નથી. કંઇક સચોટ, કંઇક નક્કર લખ્યે જ દિલને સંતોષ થયો છે અને પછી એ જ સમયમાં જોડેજોડે અંગ્રેજી ભાષા સાથે એક નોવેલ પર પણ કામ કરવા લાગ્યો હતો. જોગાનુજોગ એ જ નોવેલનો કોન્સેપ્ટ મી.બંસલને ગમી ગયો અને મારી પહેલી બુક પબ્લીશ કરી. અને તેનું પણ ઘણા જ ટૂંક સમયમાં બેસ્ટ સેલરની યાદીમાં સામેલ થઇ. એક નાનકડો બાવીસ વર્ષનો છોકરો, જેણે ક્યારેય એટલી મોટી ઉંચાઈઓ વિષે વિચાર્યું પણ ન હતું, એને એ ઉંચાઈઓ પ્રાપ્ત થઇ !

ત્યાર બાદ બીજી બુક, ત્રીજી બુક આપવી. એ બંને પણ બેસ્ટ સેલર ! અને પછી ચોથી અને પછી પાંચમી અને કદાચ અંતિમ ! ત્યાર પછી બસ જાણે મારી કલમ જ અટકી ગઈ.

એક લેખક જયારે ‘સેલીબ્રીટી’ બની જાય છે, ત્યાર બાદ એ લેખક એ લખવા માંડે છે, જે એના વાચકો વાંચવા માંગે છે… ! પણ હું ફેમસ થયા બાદ પણ જમીન સાથે જોડાયેલો જ રહ્યો. મેં એ જ લખ્યું, જે મારે લખવું હતું, જે મારે કહેવું હતું, જે મારે vહતું… અને કદાચ એટલે જ મારી ચોથી અને પાંચમી બુક ઓછી વેચાઈ !

અલબત એ પણ સ્વીકારું છું, કે એ માત્ર એક આંકડો જ છે… પણ એ વાતની ખુશી પણ છે કે જેટલા એ પણ વાંચી એ દરેકને ગમી હતી… કારણકે એમાં એક ટીપીકલ સ્ટોરી ન હતી… ! એમાં કંઇક નવતર પ્રયોગ હતો !

આવા વિચારો કરતા કરતા, હું એક ઝટકા સાથે ખુરસી માંથી ઉભો થઇ ગયો. કેબીનમાં સામેના ખાના પર મુકેલ ત્રણ ટ્રોફી નજરોએ ચઢી. બેસ્ટ સેલરની ટ્રોફી… ! આજે એ ટ્રોફીઓ જરા ખૂંચી ગઈ… ! એ મારા શબ્દો માટે હતી, કે મારા વેચાણ માટે..?

“સર.. સેમીનાર સ્થળેથી તમને લેવા માટે ગાડી આવી ગઈ છે.” લીનાએ કેબીનનું બારણું અડધું ખોલી, અંદર ડોક્યું કરતા કહ્યું.

“એમને જવા માટે કહી દે… હું મારી કાર લઇને ત્યાં પંહોચીશ… ”
“ઓકે સર.”

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |

Advertisements

8 thoughts on “કોરો કાગળ ( પ્રકરણ – ૧ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: