કાળા બુરખામાં સજ્જ એક જવાન છોકરી ઝડપથી હિન્દુ વિસ્તારને ચીરતી પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહી હતી. એના કાળા કપડાના કારણે હાથમાં રાખેલ સફેદ પરબીડિયું દુરથી પણ દેખી શકાય તેમ હતું. એ છોકરી જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં ઉભેલ અન્ય દરેક વ્યક્તિ રસ્તાની કિનારે ઉભી રહી જતી, અને બસ એને જ જોયે રાખતી ! અને સાથે સાથે અન્યો સાથે કાનાફૂસી પણ થતી કે,
‘રામ જાણે આ છોકરી કરવા શું ધારે છે ? ગામ આખાને તો ભડકે બાળ્યું જ છે… હજી શું બાકી રહી જતું હશે ‘આ લોકોને’?’
‘અરે બધી લાજ શરમ નેવે મુકીને ‘આપણા લોકોની’ પાછળ જ પડી ગયા છે !’
‘માંડ વર્ષમાં એકાદ હરખનો તહેવાર શાંતિથી પરિવાર સાથે ઉજવવા મળતો હોય, પણ એમાં પણ એકાદ કાંડ થઇ જાય !’
‘અરે યાર જવાદે ભાઈ, આમની વચ્ચે પડીશું તો વગર લેવાદેવે પોતાના ઘરમાં આગને નોતરું દેવાનું થશે !’ વગેરે જેવા શબ્દો તેના કાને પણ પડ્યા અને લગભગ શૂળની જેમ ભોંકાયા ! પણ તેણે મક્કમ ગતીએ સ્ટેશન તરફ ચાલ્યે રાખ્યું.
સ્ટેશન સુધી પંહોચતા સુધીમાં લોકોની ચલપહલ ઘટી ચુકી હતી. અને સ્ટેશનની નજીક સાવ નિર્જનતા વ્યાપતી હતી, અને એથી પણ ભયાનક શાંતિ ! એ શાંતિને વીંધતા, તેણે સ્ટેશનનો ઝાંપો હડસેલ્યો, જે ઉંઝણની કમી ની કારણે ‘ચીચુડ… ચીચુડ’ અવાજ સાથે ખુલ્યો. અને એ સાથે અંદર ટેબલ સામે બેઠો ગીરધર સભાન થયો. તેણે આળસ ખાતા રહી બહાર તરફ ડોકાવ્યું, અને ત્યાં સુધીમાં એ છોકરી આંગણું વટાવી, બે પાંચ દાદરા ચઢતી સ્ટેશનના દરવાજે આવીને ઉભી રહી ચુકી હતી !
તે ઉભા ઉભા પણ હાંફી રહી હતી. અને સ્ટેશનમાં હાજર કોન્ટેબલ તેને જોઈ રહ્યો છે તેમ જોતાં એ ઘડીભર દરવાજા પર જ ઉભી રહી ગઈ ! તે નખશીખ કાંપી રહી હતી ! તેનું હૃદય તો જાણે સામાન્ય ગતિએ ધબકવું જ ભૂલી ચુક્યું હતું !
“જી… આપની કઈ રીતે મદદ કરી શકુ?”, ગીરધરે વિનમ્રતાથી પૂછ્યું અને ખુરશીમાંથી ઉભો થયો. અલબત્ત તહેવારની રાત્રે એકલી છોકરીને પોલીસ સ્ટેશન પર જોઈ તેને પણ આશ્ચર્ય તો થયું જ હતું… પણ આ પૂછવું એ તેની ફરજમાં આવતું હતું !
“મારે સાહેબને મળવું હતું !”, છોકરીએ ટેબલ તરફ આગળ વધતા કહ્યું.
“સાહેબને…? રાઠોડ સાહેબને…? પણ અત્યારે શું કામ પડ્યું…?”, ગીરધરે તેની પર પ્રશ્નોનો મારો ચલાવ્યો.
“જી… એ હું સાહેબને મળીને ‘જ’ કહીશ…!”, ‘જ’ પર વિશેષ ભાર આપતા તે બોલી. અને એ સાંભળી ગીરધર થોડો ખાસીયણો પડ્યો અને બોલ્યો,
“સાહેબ તો અંદર લોકઅપ એરિયા સાઈડ ‘કામ’ અર્થે ગયેલ છે. તમે બેસો…”, કહેતાં તેણે સામેની બેંચ તરફ નિર્દેશ કર્યો.
બુરખામાં આવેલ એ છોકરીએ બેંચ પર જગ્યા લીધી. તે વારેવારે હાથમાંનું પરબીડિયું બીડતી અને એની સાથે રમત રમ્યા કરતી જે પરથી એની નર્વસનેસ સાફ છતી થતી હતી.
અને ગીરધર થોડીથોડી વારે એ છોકરી તરફ ઉડતી નજર નાંખી ‘એ કોણ હોઈ શકે’ ની અટકળો લગાવતો બેઠો હતો. બુરખાની કારણે માત્ર તેની આંખો જ જોઈ શકાતી હતી, અને ફક્ત આંખોથી એને ઓળખવું એ કદાચ મુશ્કેલ હતું. થોડુંક વિચાર્યા બાદ બુરખાને ધ્યાનમાં રાખતાં, તેના મનમાં એક નામનો ચમકારો થયો, પણ જાણે ગીરધર એ શક્યતા જ નકારી દેવા માંગતો હોય એમ માથું ધુણાવ્યું, અને મનમાં સ્વગત જ બોલી ઉઠ્યો, ‘ના… ‘એ’ અહીં ક્યાંથી હોય…? ના… આ છોકરી ‘એ’ તો ન જ હોઈ શકે !’
“મેડમ તમારે કોઈ ફરિયાદ લખાવાની છે…? જો મિસિંગ કમ્પ્લેન હશે તો 24 કલાક બાદ જ નોંધી શકાશે…!” ગીરધરે તેની સાથે વાત કરી તેના અવાજ નો તાગ મેળવવા પ્રયાસ કરવા માંડ્યો. પણ તે છોકરી પણ ચબરાક હતી, તેણે ડોકું નકારમાં ધુણાવીને જ વાતનો અંત આણી દીધો, અને એટલું ઓછું હોય તેમ ગીરધરની હાજરીને જ અવગણીને સ્ટેશનની અંદર તરફ નજરો જમાવી સાહેબની આવવાની રાહ જોવા માંડી !
ગીરધરથી આ અવગણના સહન ન થઇ. અલબત્ત જો આ છોકરી જો ‘એ’ જ હોય જે ગીરધર ધારતો હતો, તો તે એને મદદ કરવા માંગતો હતો. પણ છોકરી પોતાની વાતથી ટસથી મસ થવા પણ તૈયાર ન હતી.
અને ત્યાં જ સેલ તરફથી આવતા અવાજો નજીક આવતા હોય તેમ લાગી રહ્યા હતા. ધીરે ધીરે સાહેબ લોકઅપ રૂમના સામા છેડાથી કેદીઓની સર્વિસ કરતા કરતા આ તરફની સેલ તરફ આગળ વધી રહ્યા હતા. બહાર સુધી સંભળાતી એ ચીસો પરથી તેમના પર થઇ રહેલા ટોર્ચરનો તાગ મેળવવો પણ મુશ્કેલ હતો. અને ત્યાં જ એકાએક એક ઓળખીતો અવાજ સંભળાયો… એક ચીસ ! ગીરધરે એ અવાજ ઓળખ્યો, એ ચીસ ધરમની હતી ! અંદર સેલમાં રાઠોડ સાહેબે ધરમની પડખામાં એક લાત ઠોકી હતી, અને એ સાથે જ ધરમ ચિત્કારી ઉઠ્યો હતો.
અહીં બહાર જેવી એ ચીસ સંભળાઈ કે તરત જ એ છોકરીની આંખો મીંચાઈ હતી ! કારણકે એ પણ એ ચીસને ઓળખતી હતી ! એ ‘તેના’ ધરમની ચીસ હતી. ગીરધરે છોકરીની એ ક્રિયા બખૂબી રીતે નોંધી હતી, અને એની પ્રતિક્રિયા રૂપે એ પ્રશ્ન જે પોતાને મનમાં સ્વગત પૂછવા માંગતો હતો તે એ છોકરીને પૂછી બેઠો, “મઝહબી…!?”
તે લગભગ મોં ફાડીને તેની તરફ જોઈ રહ્યો હતો. એ છોકરીએ કોઈ જવાબ ન આપ્યો, બસ તેની નિસહાયતા તેની આંખોમાંથી ઝળહળી રહી !
ગીરધરે આજુબાજુ નજર કરી, અને કોઈ ન હોવાની ખાતરી કરી, તેની નજીક સર્યો, “મઝહબી…? તું મઝહબી છે…? અહીં શું કરે છે તું…?”
“મેં કહ્યુંને હું સાહેબને મળીને જ વાત કરીશ…”, તે મક્કમ અવાજે બોલી અને આ વખતે ગીરધરે તેનો અવાજ પણ ઓળખ્યો. ધરમની ધરપકડ સાથે પોલીસે આ છોકરીના કેટ-કેટલાય બયાનો લીધા હતા, અને તેમાંથી મોટાભાગના ગિરધરની હાજરીમાં લેવાયા હતા, એટલે તેણે અવાજ ઓળખવામાં થાપ ખાધી હોય એ શક્ય જ ન હ્તું ! હવે તેને એ વાતમાં કોઈ બેમત ન હતો કે એ છોકરી મઝહબી પોતે જ હતી !
“તારે સાહેબને મળવું છે…? પણ કેમ…!? તને એ બાબતનું ભાન નથી કે તું કેટલી મુશ્કેલીમાં મુકાઇ જઈશ…!”, ગીરધરે ફરી એકવખત લોકઅપ તરફ નજર કરતા કહ્યું.
“મુશ્કેલી…? કેવી મુશ્કેલી…? સ્ટેશનમાં એક સામાન્ય નાગરિક ન આવી શકે તેવો તો કોઈ કાયદો નથી જ… એટલું તો હું પણ જાણું છું !”, તેણે બખૂબી દલીલ કરી અને કહ્યું, “હું સાહેબને મળવા આવી છું, તમે સાહેબને બોલાવો !”
ગિરધરને લાગ્યું કે એ છોકરી સાથે દલીલ કરવાથી એ માનવાની નથી જ. માટે તેણે શાંતિથી કામ લેવાનું નક્કી કર્યું,
“વેલ… તું અહીં એક સામાન્ય નાગરિકના દરજ્જાથી આવી જ શકે તેમાં કોઈ બેમત નથી. પણ પાછલા દિવસોમાં જે કંઇ પણ બન્યું એ બાદ ‘તારું’ અહીં આવવું હિતાવહ નથી !”
“જી એ મને ખ્યાલ છે જ. પણ તમે સાહેબને બોલાવો… મારે સાહેબનું કામ છે !” તેણે વાત ઉડાવી મુકતા જવાબ આપ્યો.
“બોલવું છું… સાહેબને પણ બોલવું છું ! પણ પહેલા મને કહે તારે સાહેબ સાથે શું કામ છે… કારણ સાહેબને મારે જ સમજાવવા પડશે, બાકી તને જોતાની સાથે જ તેમનો પિત્તો જશે…!”
મઝહબીને પણ એ વાત વાજબી લાગી, અને એટલે તેણે કહ્યું કે એ શા માટે આવી છે, “મારે ધરમને મળવું છે…!”
“એ કોઈ કાળે શક્ય નથી. અત્યારે તો નહીં જ ! મીટીંગ અવર્સ સિવાય કોઈ કેદીને ન મળી શકાય ! બહેતર છે તું અહીંથી ચાલી જા…!”
“પણ સાહેબ…”, તેણે ગિરધરને પણ હવે ‘સાહેબ’ કહી સંબોધવા માંડ્યો.
“મઝહબી વાતને સમજ. સાહેબ તને હમણાં એમ પણ નહીં જ મળવા દે. માટે નાહકમાં સ્ટેશનમાં અડધી રાત્રે ‘હો હા’ કરાવવાની કોઈ જરૂર નથી !”
“ના… હું ધરમને તો મળીને જ જઈશ ! અને નહીં તો કમ સે કમ મારો આ પત્ર તો તેને પંહોચાડીને જ જઈશ… બસ !”, કહેતાં તેણે હાથમાંનું પરબીડિયું બતાવતાં કહ્યું.
ગીરધરે એ પત્ર હાથમાં લેવાનો પ્રયાસ કરતા પૂછ્યું, “શું છે આ પત્રમાં….”
અને ત્યાં જ રાઠોડ લોકઅપ રૂમ તરફથી બહાર આવ્યો હતો. તે આવ્યો ત્યારે ગીરધર અને મઝહબી બંનેના હાથમાં એ પત્ર પકડેલ હતો. અલબત્ત બુરખાની કારણે એ છોકરીને ઓળખવી તો શક્ય ન હતી, પણ તેણે જે દ્રશ્ય જોયું એ પરથી એણે બીજી જ અટકળ લગાવી, અને એ રીતસરનો બરાડી ઉઠ્યો,
“ગીરધર…! શું છે આ બધુ…!?”
રાઠોડને આવેલો જોઈ ગીરધરના હોશ ઉડી ગયા, અને તેણે પત્ર છોડી દીધો. અને અહીં બીજી તરફ મઝહબી તો ઉત્સાહમાં આવી ગઈ, તે તરફ જ રાઠોડ પાસે પંહોચી અને બોલી,
“સાહેબ… મારે કોઈને મળવું હતું…”
રાઠોડે ગીરધર તરફ તીરછી નજરે જોયું, અને એ છોકરી તરફ જોતા કહ્યું, “લિસન મિસ… આ કોઈ ધર્મશાળા નથી. આ પોલીસસ્ટેશન છે. અહીં તમે કહો ત્યારે અને તમે કહો તેને મળવું શક્ય નથી…!”
“સર… ઇટ્સ અરજન્ટ ! પ્લીઝ સર… મારે ધરમને મળવું છે. પ્લીસ…”
ધરમનું નામ સાંભળતા જ રાઠોડ અકળાઈ ઉઠ્યો, અને બરાડ્યો,
“કોણ છે તું…? અને શું કામ છે તારે ધરમનું…?”, ગુસ્સાની કારણે એ ‘તું’ કારે વાત કરવા માંડ્યો હતો.
અને ત્યાં જ ગીરધર તુક્કા લગાવતો વાતમાં વચ્ચે પડ્યો,
“સર આ મઝહબીની દોસ્ત છે. બસ એની વાતોમાં આવી ધરમને મળવા આવી ગઈ. હું એને સમજાવી પાછી જ મોકલી રહ્યો હતો, અને ત્યાં જ તમે આવ્યા…”, ગીરધરે બચાવ કરતા કહ્યું. તે મઝહબીની નજીક આવ્યો અને એના કાંડા પર પોતાનો હાથ દબાવી તેને ઇશારાથી ચાલી જવા સમજાવ્યું. તે નહોતો ઈચ્છતો કે અડધી રાત્રે સ્ટેશનમાં કંઇક બફાટ થાય અને ગામને ફરી બે પાંચ દિવસ અદ્ધરશ્વાસે કાઢવા પડે !
પણ આ તો રહી મઝહબી… એમ થોડી માને !
તેણે બીજી જ સેકન્ડે એક બફાટ કરી નાંખ્યો. તેણે બુરખો ઉપર કર્યો અને બોલી, “સર… હું મઝહબી જ છું !”
એ ક્ષણે ગીરધરણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની ઈચ્છા થઇ આવી. રાઠોડ સાથે હવે પોતે કેમ કરીને નજર મેળાવશે એ વિચારોથી જ ગણતરીની સેકન્ડોમાં તેના કપાળે પરસેવો બાઝી આવ્યો હતો !
પણ અહીં બીજી તરફ રાઠોડની હાલત કંઇક અલગ જ હતી. એ નિષ્પલક બની મઝહબીના ગૌર ચેહરા તરફ તાકી રહ્યો હતો. માફકસરના નાક, હોઠ અને હડપચીની રચના, માદક ગુલાબી હોઠ, કાળી ભમ્મર આંખો, કપાળ પર બુરખાની પટ્ટી નીચેથી ડોકાતા લાલશ પડતા વાળ, અને એ ક્ષણે ચહેરા પર ઝળકતો આત્મવિશ્વાસ ! માત્ર એટલું જ રાઠોડને ‘આફરીન’ પોકારી ઉઠવા પુરતું હતું. અને તેનો ચેહરો તો તેના સોંદર્યની માત્ર એક ઝાંખી હતું, તે નખશીખ સોંદર્યની મિસાલ હશે એમ ધરવું પણ રાઠોડને અતિશયોક્તિ ભર્યું ન લાગ્યું !
ક્ષણભર માટે તો વિસરી જ ચુક્યો કે પોતે ઓનડ્યુટી ઈન્સ્પેક્ટ હતો, એ છોકરી મઝહબી હતી, એની સામે ગીરધર તેને જોઈ રહ્યો હતો, બધુ જ ! એ ક્ષણે તે ખજુરાહોની ગુફામાં હાજર કોઈ અદ્ભુત નકશીકામનો નમુનો જોઈ અભિભૂત બનેલો કોઈ દર્શક બની ગયો હતો ! અને ત્યાં જ ગીરધરે તેના ધ્યાનમાં ભંગ પાડ્યો, “આઈ એમ સોરી સર. મેં પણ એને એ જ કહ્યું હતું કે હમણાં મળવું શક્ય નથી, એ પાછી વળી જાય એ જ બહેતર રહેશે !”
“તમે વચ્ચે ન બોલો… અને મેં કહ્યુંને હું ધરમને મળ્યા વિના નથી જ જવાની !”, મઝહબી મક્કમ સ્વરે બોલી.
તેની આંખોમાં દેખાતો આત્મવિશ્વાસ હવે જાણે રાઠોડને ખુદને પડકાતો હોય તેમ લાગ્યું. અને એ ગુસ્સાથી ટેબલ તરફ ધસ્યો, અને ફોનનું રીસીવર ઉઠાવી કાને માંડ્યું અને કોઈ નંબર ડાયલ કરવા માંડ્યો, અને બોલ્યો,
“હું પણ જોઉં છું તું કઈ રીતે પાછી નથી જતી ! હમણાં જ તારા ભાઈને ફોન જોડું છું. હરામજાદાએ બહુ રોફથી કમ્પ્લેન નોંધાવીને ‘અમારા વાળા’ ને અંદર કરાવ્યો હતો ને… આજે એને પણ એની બહેનની કરતૂતોની ખબર તો પડવી જ જોઈએ…!”, અને તેણે ઝડપથી નંબર ડાયલ કરવા માંડ્યો.
ગણતરીની સેકન્ડોમાં જ આ બધુ બન્યું હતું, અને એથી પણ ઝડપથી મઝહબી ટેબલ પાસે ધસી હતી. અને “પ્લીઝ સર…” કહેતાં તેણે રીતસરથી રાઠોડના નંબર ડાયલ કરી રહેલા મજબુત હાથ પર પોતાના બંને હાથો મૂકી તેને અટકાવ્યો હતો. અને એ જોઈ ગીરધરના શ્વાસ અદ્ધર થઇ આવ્યા હતા.
મઝહબી જીવ પર આવી ગઈ હતી. જો તેના ભાઈને એ વાતનો અણસાર પણ આવે કે પોતે ધરમને મળવા સ્ટેશન સુધી આવવાનું કારનામું કરી ચુકી છે તો હવે એ ત્યાં ને ત્યાં જ તેની ખાલ ઉધેળતા પળનો પણ વિલંબ ન કરે !
મઝહબીની એ હરકતથી રાઠોડ નંબર ડાયલ કરતો અટક્યો હતો, અને એ કારણે તેનો પિત્તો ગયો હતો. તે લગભગ રીસીવર ટેબલ પર પછાડતા બરાડી ઉઠ્યો, “છોકરી તને ભાન પણ છે, તું કરી શું રહી છે…? એક ઓનડ્યુટી ઓફિસરની કામમાં દખલ દેવાનું પરિણામ શું આવી શકે એ તને ખબર પણ છે…?”
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply