હ્રદયને નહીં પણ દાંતને હચમચાવી નાખતા પાંચ પ્રેમપત્રો
ડોક્ટરનો પ્રેમપત્ર
તે તારા હ્રદયમાં એક સામટા આટલા બધા પાત્રોને સ્થાન આપ્યું છે કે ભવિષ્યમાં તારે બાયપાસ સર્જરી કરાવવી જ પડશે. તારી નસેનસમાં મારો પ્રેમ રક્તકણોરૂપે વહી રહ્યો છે. મને ખ્યાલ છે આજ સુધી તે રક્તદાન નથી કર્યું. એક ડોક્ટર તરીકે તારી આ નિષ્ઠુરતા સમજીને જ મારે તને પ્રેમ નહોતો કરવો જોઈતો, પણ મારા હ્રદયના વાલ્વે મારો સાથ ન આપ્યો. તારી યાદો મારા હ્રદયના કર્ણકો અને ક્ષેપકોમાં સંગ્રહિત છે. પેરાસિટામોલની સવાર સાંજ અને બપોર, સફેદ-પીળી ગોળીઓ ખાઈ ત્રણ ટાઈમનો કોર્સ કર્યો છતાં તું મારા મગજમાંથી નહોતી હટતી. અને એટલે જ મેં ગુજરી ગયેલા મનસુખભાઈના ઉધાર લોહીથી તને પ્રેમપત્ર લખેલો. હવે તું રાડ પાડી ઉઠીશ, ‘‘એ તારું નહીં મનસુખનું લોહી હતું ’’ તો હું તને કહી દઉં કે મારું અને મનસુખ ભાઈનું બ્લડ ગ્રુપ એક સરખું જ છે. તારી વાતો સાંભળી મારા કાનમાં રહેલ હથોડી, એરણ અને પેંગડુ બધા મળીને મારા મગજને સમજાવતા હતા, કે દોઢડાહ્યા રહેવા દે. કાનમાં રહેલ એ હથોડીએ મારા મગજ પર ખૂબ પ્રહારો કર્યા પણ હું સમજી ન શક્યો. કંઈ વાંધો નહીં તું મારા મગજના અર્ધજાગ્રત મનમાં સંગ્રહાયેલી રહીશ. ફુપ્ફુસીય શિરામાં દબાયેલી રહીશ. હાલ તો તારા સ્મરણમાં મારા રૂધીરમાં રહેલ શ્વેતકણોની સંખ્યા 5000થી 7000 પ્રાપ્ત થઈ રહી છે. બસ હવે…
-લી. એ જ તારો ડોક્ટર પાંસડી કુમાર શરીરચંદ્ર દેહવેદી
રસાયણશાશ્ત્રીનો પ્રેમપત્ર
મેં તારા જીવનને હાસ્યવાયુ, નાઈટ્રસ ઓક્સાઈડથી ભરી દીધું અને તે મારા જીવનને હિરોશીમા અને નાગાસાકીમાં વપરાયેલ પરમાણુ બોમ્બના ઘાતક કેમિકલ જેવું કરી નાખ્યું. શું નહોતું આપ્યું મેં તને તારા જીવનનો હું રસાયણોનો રાજા એટલે કે સલફ્યુરિક એસિડ હતો. પણ તે તો મારા જીવનને પોટેશિયમ સાઈનાઈડ બનાવી દીધું. તને ખબર પણ નહીં હોય પોટેશિયમ સાઈનાઈડ શું છે, એક વિષ છે. કોઈવાર ગ્રહણ કરવાનું મન થાય તો મારી કંપનીએ આવજે. હું તને એવું પોટેશિયમ સાઈનાઈડ આપીશ કે તારી અંદર રહેલ પ્રોટીનનો બંધારણીય એકમ તુટી જશે. મને લાગે છે તારા શરીરમાં હ્રદયની જગ્યાએ ધરતી પરની સૌથી સખત એવી ઈરેડિયમ ધાતુ છે. પાણીનું ઉત્કલનબિંદુ 212 ફેરનહિટ હોય છે, પણ હું જોઉં છું, જ્યારથી તું પેલા સુરેશ સાથે રખડે છે, ત્યારથી તારો પારો 212 કરતાં પણ વધી ગયો છે. તે મને છોડ્યો એ પછી હું મોર્ફિનનું સેવન કરું છું. હું યાદ રાખીશ. મારા જીવનમાં આવેલ હાઈડ્રોજન જેવું હલકું તત્વ તું જ હતી. આશા રાખું ભવિષ્યમાં તારું કોલેસ્ટ્રોલ વધી જાય.
-લી તારો ભૂતકાળ – બ્રોમીન કુમાર કાર્બનભાઈ શાશ્ત્રી
ઈતિહાસના પ્રોફેસરનો પ્રેમપત્ર
ઈસ 2011માં આપણા પ્રેમની શરૂઆત થઈ હતી. પણ તેનો અંત આટલો ઘાતક આવશે કોને ખબર. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જે ખુવારી સહન કરવાનો વારો આવ્યો હતો તેવો જ વારો મારો આવ્યો છે. મારા માટે તો તું પાણીપતના ત્રીજા યુદ્ધ જેવી સાબિત થઈ છે. તારા હ્રદયમાં ઉત્ખનન કરીશ તો મોહે-જો-દરો સમયથી ધરબાઈને પડેલા મારા પ્રેમના અવશેષો તને જોવા મળશે. મારી અંગત રોજનીશીમાં પણ મેં તને મહેરૂનિસ્સા જેવો ઈલ્કાબ આપેલો છે. જ્યારે પણ હું તને જોતો ત્યારે મારું હ્રદય પંદર તોપોની સલામી તને દેખતા અને તેર તોપોની સલામી ખાનગીમાં મારતું હતું. તારા પ્રેમમાં પાગલ થઈને મેં નવું રાજ્ય પણ વસાવેલું પણ તું તો….. રહેવા દે હવે… આપણા પ્રેમનો ભાતીગળ ઈતિહાસ છે. હું તને 12-2-2016નાં રોજ સ્વતંત્રતા આપું છું. આશા રાખું કે તારું રજવાડું સુખી રહે.
– લી. એ જ તારો લોથલ કુમાર ઉત્ખનનભાઈ ઈતિડા
એક વિવેચકનો પ્રેમપત્ર
ગઈકાલે આપણા સંબંધોનું તિરોધાન થઈ જતા બે વર્ષના પ્રેમનો અંત આવ્યો. આપણે આપણી સ્નેહકથાને પ્રેમના ઢાંચામાં ઢાળવાની ખૂબ કોશિશ કરી. પણ આપણી ઝિંદગીનું વ્યાકરણ અને પ્રેમની જોડણીમાં સતત પારિવારિક મતભેદો સર્જાતા રહ્યા. આપણો પ્રેમ પરંપરાગત પાત્રો જેવો નથી રહ્યો, કોઈના કારણે તો એ દુર્લક્ષ સેવી જ રહ્યો છે ! નાયક અને નાયિકાનું જ્યાં મિલન થવું જોઈએ ત્યાં જ સૃષ્ટીના કથનકારે તારા ઉતરાર્ધમાં મોહિતને મુક્યો. વિલક્ષણ પ્રતિભા ધરાવતા અને તારા પ્રેમમાં અતિક્રમી ગયેલા મોહિત સાથે મારી અનાયાસે મુલાકાત થઈ ગયેલી. જ્યાં પણ તેણે મારી અવગણના કરેલી. તારા પ્રેમમાં મળેલી નિષ્ફળતાના કારણે જ મારું જીવન મને અકૃતકાર્ય લાગવા માંડ્યું હતું. નહીંતર આપણો પ્રેમ વસ્તુસંકલના અને રસવિધાનની દ્રષ્ટિએ પૂર્વસૂરીઓ કરતાં પણ ચડે તેમ હતો. કવિઓ કહી ચૂક્યા છે કે પ્રેમની એક સીમા હોય છે, કામુ અને રિલ્કેએ આવું કંઈ કહેલું કે નહીં તે મને યાદ નથી આવી રહ્યું. પણ આપણો પ્રેમ ઉન્નતભ્રૂ હતો. બીજા શબ્દોમાં કહું તો પ્રેમ વિદગ્ધની શ્રેણીમાં આવતો હતો. તારા પિતાએ જે મૌલિક સંવાદો પ્રયોજ્યા, તે ભાષાના અન્વયો અને પ્રેમનાં માળખામાં બંધ નહોતા બેસતા. પણ મારી દારૂણ સ્થિતિનું ચિત્ર કેમેય તારી આંખો સમક્ષ પ્રગટ ન થયું તે હજુ પણ મારા માટે તલાવગાહી છે. જીવનની આ ક્ષણોમાં મને માલુમ થાય છે કે આપણા પ્રેમમાં અર્થસંધિગ્તાનો પણ અભાવ હતો. આપણા પ્રેમનું અવલોકન કરતા મને ખ્યાલ આવ્યો કે કાનજી અને જીવી જેવી નિર્દોષતા અને કાળુ-રાજુ જેવા પરિમાણો માત્ર પુસ્તકમાં હોય છે. આપણા સંબંધોમાં પ્રિયજનના નાયક અને નાયિકાની જેમ ચર્ચા કરવા સિવાય કંઈ બાકી નથી રહેતું. એ કૃતિના પૃષ્ઠો જેટલો જ સુક્ષ્મ આપણો સંબંધ રહ્યો. આશા રાખું કે તારા હ્રદયમાં મારા રસબોધને ઉંડણ સુધી પ્રગટાવનારા આ શબ્દો તું સમજી શકીશ.
– લી. એ જ તારો તત્વકુમાર આલેખનભાઈ કથાનક
રોડ બનાવનારનો પ્રેમપત્ર
સૃષ્ટીનો સર્જનહાર પણ કેવો છે તારા અને મારા સપાટ રોડ જેવા પ્રેમની આડે જૂનાગઢના ગિરનાર પર્વત જેવડો રોદો બનીને આવી ગયો. ચોમાસાના પહેલા વરસાદે જ રોડના પોપડા ઉખડી જાય તેમ તું મારી જીંદગીમાંથી એકાએક ઉખડી ગઈ. આજે એ ખાડામાં પણ મને તારા ગાલના ખંજનના દર્શન થાય છે. ઉનાળાની ધગધગતી ગરમીમાં રોડ પર ડામર ઠલવો અને ધરતીને જેવી અનુભૂતિ થાય એવી હાલત મારા હ્રદયની છે. તું વિખૂટી પડી ત્યારથી મારું કામમાં ધ્યાન નથી રહેતું. મારા બનાવેલા રોડ દર ચોમાસે તૂટવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર જ્યારે લોકો રોડને લઈ મજાક કરે છે ત્યારે ત્યારે મને તારા પ્રેમનું સ્મરણ થઈ આવે છે. પણ બધા પ્રેમ કંઈ નેશનલ હાઈવે જેવા સફળ નથી જતા. કેટલાક પ્રેમને અમદાવાદનાં જીવરાજ ચાર રસ્તા જેવું બનવું પડે છે. જ્યાં દર ચોમાસે ભૂવો પડી જાય.
– લી. એ જ તારો હાઈવેકુમાર કાંકરીભાઈ ખાડાવાળા
ને ઉપરનું સમસ્ત લખનાર – મયૂર ખાવડુ
~ મયૂર ખાવડુ
Leave a Reply