કેયૂરી કબાટ ગોઠવી પાછી થોડીવાર મેગેઝીન વાંચતી આડી પડી. છેલ્લો મહિનો જતો હતો અને આકરા સ્વભાવના સાસુ કપિલાબેનનો મૂડ પણ હમણાંથી ઘણો સરસ રહેતો હતો. નાનકડા ગામમાંથી પરણી અહીં આવી હતી. બેત્રણ વાર સાંભળવા મળ્યું હતું,
“ત્યાં ગામડામાં તારી માને ત્યાં શું સગવડ…? અહીં જ ડિલિવરી કરવાની”
વાતવાતમાં કેયૂરીની વિધવા મા પણ સપાટામાં આવી ગઈ. ખાવાપીવામાં કેયૂરીની ખુબ કાળજી રાખતા હતા હમણાં હમણાં કપિલાબેન. કેયૂરીને તો પહેલીવાર રાજરાણી જેવી જિંદગી લાગવા માંડી હતી.
“આ નારિયેળ પાણી પી લે જરા, પેલા રીટાબેન કહેતા હતા નારિયેળ પાણીથી છોકરું બહુ ગોરું આવે”
ડાઇનિંગરૂમમાંથી અવાજ આવ્યો કપિલાબેનનો. એટલામાં પીન્કેશ પણ ઑફિસથી જમવા આવી ગયો અને કપિલાબેને જમતી વખતે પણ આવનારા બાળકની કાળજી માટે વાર્તાલાપ ચાલુ રાખ્યો.
થોડા દિવસમાં કેયૂરીની મમ્મી આવીને માસીને ત્યાં રહી અને કેયૂરી સાથે ખુબ બેસીને એની બાળપણની વાતો કરે, પપ્પા કેવા લાડથી રાખતા. કેયૂરી કોલેજના પહેલા વર્ષમાં આવી અને પપ્પાનું મૃત્યુ થયેલું. માસીની ઓળખાણમાં અહીં પીકેશ સાથે લગ્ન કરી આવી ગયેલી પણ મમ્મી એકલી છે તે બહુ સાલ્યા કરતુ. ડિલિવરી સરસ રીતે થઇ ગઈ અને સુંદર બાબાનો જન્મ થયો. કેયૂરીની મમ્મીએ સવારથી સાંજ સાથે અહીં બધું સાચવી લીધું. મહેમાનો સાથે બેસીને કપિલાબેને નવા આવેલા બાળકનો દેખાવ અને લક્ષણો કેવા એમના પરિવાર પર પડયા છે તેનો વાર્તાલાપ ચાલુ રાખ્યો. કેયૂરીની મમ્મી તો બાળકની કાળજી લેવામાં અને રસોડામાં વ્યસ્ત રહેતા. એમની ઓળખાણ આવનારા મહેમાનો સાથે કરાવવાનું કપિલાબેને જરૂરી નહિ સમજ્યું. નામ પાડવાની વિધિ પણ પતી, ત્યારબાદ ત્રણ એક મહીના પછી કેયૂરીની મમ્મીએ ગામ જવાની તૈયારી કરી અને કેયૂરીને દુઃખની સાથે થોડી હાશ પણ થઇ, વિચાર્યું આવી ઓશિયાળી કેદમાંથી તો છૂટી, હું મેનેજ કરી લઈશ અને હવે કુળદીપક તો સાસુજી સાચવશેને…?
બાબો એક વર્ષનો થયો પણ એની વર્ષગાંઠમાં મમ્મીને બોલાવવાનું કોઈએ જરૂરી નહીં સમજ્યું. કેયૂરીએ પીન્કેશને કહ્યું,
“કંઈ નહીં, હું બાબાને લઇ માને ત્યાં બે દિવસ રહી આવીશ એને પણ આનંદ થાય”
લાઈફ પાછી રૂટિન ચાલતી રહી. હવે તો બાબો બહારનો ખોરાક પણ લેતો થઇ ગયેલો, કિચનમાં રસોઈની તૈયારી કરી રહેલી કેયૂરીને કપિલાબેને કહ્યું,
“આ છોકરી આવી છે બાબાને સાચવવા માટે તેને રાખી લો, સાંજે શાક ઘણું વધ્યુ હતું ને ભાખરી એ પડી છે તે ઉપયોગમાં લઇ લેજો, અને મારે તો આજે કીટી છે તે રેસ્ટોરન્ટમાં લંચ છે. પીન્કેશને તો કોન્ફેરન્સમાં જમવાનું છે”
અને બાબાને બધું તાજું બનાવીને કેવી રીતે ખવડાવવાનું વગેરે સૂચના પેલી છોકરીને આપવા માંડયા.
થોડીવારમા સાસુજી પર્સ અને કોઈને આપવા માટેનો ફૂલનો બુકે લઇ નીકળયા. કેયૂરી પેલી છોકરી બાબાને વ્હાલથી ગાલ પર હાથ ફેરવતી જોઈ રહી હતી તેની પાસે જઈ બેસીને ભણવાનું બધુ પૂછવા માંડી. થોડીવારમાં બાબો ઊઘી ગયો. પેલી છોકરીને કહેતા ઉભી થઈ.
“ચાલ બેન જમી લઈયે આ બધુ,આપણે થોડા દેવના દીધેલ છીએ?”
-મનીષા જોબન દેસાઈ
Leave a Reply