શાસન કાળ – ૧૪૩૩થી ૧૪૬૮
આયુષ્ય (અંદાજીત) – ૫૦ વર્ષ
પિતાનું નામ – મહારાણા મોકલ
માતાનું નામ – સોભાગ્યવતી દેવી
પુત્ર (ઉત્તરાધિકારી) – ઉદાસિંહ , રાયમલ સિંહ
મહારાણા મોકલના મૃત્યુ(ઈ.સ. ૧૪૩૧માં) પછી એમના મોટા દીકરા રાણા કુંભકર્ણ (કુંભા) વિક્રમ સંવત ૧૪૯૦ એટલે કે ઈ.સ.૧૪૩૩માં ચિત્તોડના સિહાસન પર આવ્યા. એ સમય દરમિયાન રાણા કુંભા હજુ બાળક હતા. પણ છતાંય મહારાણા મોકલ જેવા પરાક્રમી મહારાણાના પુત્ર કુંભકર્ણને સાહસ, શૌર્ય અને વીરતા જાણે કે જન્મ સાથે જ વિરાસતમાં મળી હતી. રાણા કુંભા(કુંભકર્ણ) મેવાડી ઇતિહાસના સૌથી પરાક્રમી, વિદ્વાન, દાની, કળા પ્રેમી તેમજ મહાપ્રતાપી રાજા હતા. રાણા કુંભાએ ગાદી પર આવતાની સાથે જ પોતાના પિતાની મોતનો બદલો વાળવામાં લાગી ગયા હતા. એમને જાણ મળી જ ગઈ હતી કે રાણા મોકલની હત્યા એમના કાકા, મેરા અને મહપા પરમારે દગો દઈને કરી હતી. જો કે રાણા મોકલની હત્યાને અંજામ આપ્યા પછી તરત જ આ ત્રણેય જણા દુર્ગમ પહાડોમાં જઈને ક્યાંક છુપાઈ ગયા હતા. રાણા કુંભા દ્વારા આ જોતા એમને દંડિત કરવાનું કાર્ય મહારાણા મોકલના મામા રણમલ રાઠોડને આપીને એમની પાછળ મોકલી દીધા. રણમલ રાઠોડના આક્રમણ દ્વારા કાકા અને મેરા તો લડાઈ દરમિયાન માર્યા ગયા, પણ કાકાના દીકરા અને મહપા જેમ તેમ કરીને ત્યાંથી ભાગી નીકળ્યા. જાન બચાવીને ભાગ્ય પછી એમણે માળવા (માંડું)ના મુઘલ શાસક સુલતાનના ત્યાં શરણ લીધી. રાણા કુંભાએ આ જાન થતા જ વિદ્રોહિયોને સુપરત કરવા માટે સુલતાનને સંદેશ આપ્યો. પણ, પોતાના શરણાગતોને અમે કોઈ હાલમાં પાછા નહિ મોકલી શકીએ એમ કહીને માળવાના સુલતાને રાણાનો સંદેશ પાછો મોકલાવી દીધો. રાણા કુંભા કોઈ પણ ભોગે પિતાના હત્યારાઓને છોડવા તૈયાર ન હતા. આ સ્થિતિના કારણે માંડું(માળવા) અને મેવાડ વચ્ચે યુદ્ધની સંભાવનાઓ વધી ગઈ.
છેવટે વિક્રમ સંવત ૧૪૯૮ એટલે કે ઈ.સ.૧૪૩૭માં સારંગપુર નજીક માળવાના સુલતાન મહમૂદ ખીલજી અને રાણા કુંભા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. જેમાં અંતે સુલતાને હારીને માંડુંના કિલ્લામાં શરણ લીધી, આ જોઇને પણ રાણા કુંભાએ શાંત થવાના સ્થાને માળવા પર આક્રમણ કર્યું. મહમૂદ ખીલજી આ યુદ્ધમાં પણ ભયંકર રીતે પરાજિત થયો અને રાણા કુંભા એને બંદી બનાવી ચિત્તોડ લઈ આવ્યા. જો કે પાછળથી રાણા કુંભાએ એને કેદમાં રાખ્યા પછી ક્ષમા પણ આપી દીધી.
ઇસ ૧૪૩૭ પહેલા પહેલા જ એમણે દેવડા ચૌહણોને હરાવીને આબુ પર પણ પોતાનું શાસન મેળવી લીધું હતું. માળવાના સુલતાન મહમૂદ ખીલજીને પણ એમણે એજ વર્ષે સારંગપુર આસપાસ ભયંકર રીતે હરાવીને એના વિજય સ્મારક સ્વરૂપે ચિત્તોડવિખ્યાત કીર્તિ સ્તંભનું નિર્માણ કરાવ્યું. ક્યાંક રાઠોડો ફરી મેવાડ પોતાના હસ્તગત કરવાની લાલચે આક્રમણ ન કરી બેસે એ શંકાના આધારે એમણે રણમલને પણ મારાવીને ટૂંકા ગાળા માટે મંડોર રાજ્ય જીતીને પોતાના હસ્તગત કરી લીધું. સત્તા પર આવ્યાના સાત વર્ષના અંદર અંદર જ એમણે સારંગપુર, નાગૌર, નરાણા, અજમેર, મોડાલગઢ, બુંદી, ખાટું, ચાટુસ જેવા મજબુત કિલ્લાઓને પણ જીતી લીધા હતા. ત્યારબાદ એમણે દિલ્લીના સુલતાન સૈયદ મુહમ્મદ શાહ અને ગુજરાતના સુલતાન અહમદશાહને પણ હરાવ્યા. એમના દુશ્મનોએ વારંવાર બદલો લેવાનો પ્રયત્ન કર્યો, પણ એમને એકેય વખત સફળતા ન મળી. આ સમયગાળામાં માળવાના સુલતાને પાંચ વાર મેવાડ પર આક્રમણ કર્યું. નાગૌરના રાજા શમ્સ ખાંએ ગુજરાતની મદદ વડે સ્વતંત્ર થવાનો અસફળ પ્રયત્ન કર્યો. આવી જ સ્થિતિ આબુના દેવડા જાતિના લોકોનો પણ થયો. માળવા અને ગુજરાતના સુલતાનો સાથે મળીને મેવાડ પર આક્રમણ કર્યું છતાં મુઘલ સેનાઓ ફરી પરાસ્ત થઇ. રાણા કુંભાએ ત્યાર બાદ પણ અનેકો જીત મેળવી. ડીડવાના(નાગૌર) નામક ખાન પાસેથી ત્યારબાદ ખંડેલા, આમેર, રણથંભોર, ડુંગરપુર, સીહારે જેવા સ્થાનો પર પણ વિજય મેળવી. આ પ્રકારે રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર, ગુજરાત, માળવા અને દિલ્લીના કેટલાક ભાગો જીતીને મેવાડને એમણે મહારાજ્ય બનાવી દીધું. પણ, છતાય મહારાણા કુંભાની મહત્વતા એમના વિજય કરતા એમના સંસ્કૃતિક કર્યો સાથે પણ અભિન્ન પણે જોડાયેલી છે. એમણે પોતાના શાસન દરમિયાન અનેક દુર્ગો તેમજ તળાવોનું નિર્માણ કરાવ્યું. ચિત્તોડ રાજ્યને એમણે અનેક પ્રકારના કર્યો દ્વારા સજ્જ કર્યું. કુંભળગઢનો પ્રસિદ્ધ કિલ્લો પણ એમના દ્વારા નિર્મિત એક કૃતિ સમાન જ છે. બસંતપુરને એમણે ફરી વસાવ્યું તેમજ એકલિંગજી મહાદેવના મંદિરનો જીર્ણોદ્વાર પણ કરાવ્યો. ચિત્તોડગઢમાં સ્થિતિ કીર્તિસ્તંભ જગવિખ્યાત સ્થાપત્યોમાંનું એક છે. કારણ કે આ સ્થાપત્ય એમની વિજયનું પ્રતિક છે, એના એક એક પથ્થર પર શીલ્પાનુરાગ, વૈદુષ્ય અને વૈક્તિત્વની છાપ છે. એ વિદ્યાના અનુરાગી હતા, સંગીત જેવા અનેક ગ્રંથોની રચના સાથે ચંડીશતક અને ગીતગોવિંદ જેવા ગ્રંથોની વ્યાખ્યાઓ પણ એમણે આપી છે. તેઓ નાટ્યશાસ્ત્ર અને વીણાવાદનમાં પણ કુશળ હતા. કીર્તિસ્તંભોની રચનાઓને અનુલક્ષીને એમણે ગ્રંથની રચના કરી, મંડન જેવા સુત્રધારોના આધારે શિલ્પશાસ્ત્રની રચના કરી. આ મહાન હિંદુ સમ્રાટની હત્યા એમના જ પુત્ર ઉદા સિંહના હાથે થઇ હતી. જો કે પાંચ વર્ષ પછી ઉદાસીહનું મૃત્યુ થયું અને એના નાના ભાઈ રાયમલ સિંહ, મેવાડના મહારાણા બન્યા. જેમના પુત્ર મહારાણા સાંગા પણ પોતાના શૌર્ય માટે યાદગાર સ્થાન ધરાવે છે.
મહારાણા કુંભાનો શાસનકાળ ૧૪૩૩થી ૧૪૬૮ સુધીનો માનવામાં આવે છે. મહારાણા કુંભા જેમનું મૂળ નામ મહારાણા કુંભકર્ણ હતું, એમનું સ્થાન ભારતના અન્ય રાજાઓના સ્થાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બપ્પા રાવલ પછીના સામ્રાજ્યમાં બધા જ રજાઓ માંડ માંડ પોતાની સ્વતંત્રતા બચાવવામાં જ રચ્યા પચ્યા રહ્યા હતા. જ્યારે રાણા કુંભાએ મુઘલ સમ્રાજ્યોને પોત-પોતાના સ્થાને હરાવીને રાજપૂત ઈતિહાસને એક નવા જ સ્વરૂપે પ્રસ્થાપિત કર્યું હતું. મહારાણા કુંભા રાજસ્થાનના રાજપૂત ઇતિહાસમાં આજે પણ સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ૩૫ વર્ષની વયમાં જ એમણે બત્રીસ જેટલા ભવનો અને મહેલોનું નિર્માણ કાર્ય પણ કરાવ્યું હતું. જેમાં કુંભળગઢ, ચિત્તોડગઢ, અચલગઢ જેવા સ્થાપત્યો મહત્વના ગણાય છે. એમની વિજયના ગુણગાન કરતા એમના દ્વારા નિર્મિત વિશ્વ વિખ્યાન વિજય સ્તંભ આજે પણ ભારતના ઇતિહાસની અમુલ્ય ધરોહર ગણાય છે. મેવાડ સામ્રાજ્ય આસપાસના ઉદ્વત રાજ્યો પર પણ એમણે પોતાનું શાસન કાયમ કર્યું હતું. શૌર્ય, પરાક્રમ સાથે સાથે એમનું સાહિત્ય ક્ષેત્રે પણ અદ્વિતીય પ્રદાન છે. જેમાં એમની મહાન રચના ‘સંગીતરાજ’ સર્જનનો કીર્તિસ્તંભ ગણાય છે.
મહારાણા કુંભા વિશેના તથ્યો
• મહારાણા કુંભાનો જન્મ ઈસ્વીસન ૧૪૧૭ (અમુક જગ્યાએ ૧૪૨૭નો ઉલ્લેખ પણ છે.)માં થયો હતો.
• મહારાણા કુંભાના પિતાનું નામ રાણા મોકલ હતું. એમના કાકા મેરા, ઇક્કા અને પંવાર હતા જેમણે મહારાણા મોકલની હત્યા કરી નાખી એ સમયે રાણા કુંભા હજુ બાળક હતા.
• મહારાણા કુંભાની માતાનું નામ સોભાગ્ય દેવી હતું. જે પરમાર વંશના રાજા જૈતમલ સાંખલાની દીકરી હતા. એમના નામનો ઉલ્લેખ માયા કંવર તેમજ સુહાગ’દે તરીકે પણ કરવામાં આવ્યો છે.
• મહારાણા કુંભાના ૧૧ દીકરાઓ હતા જેમના નામો – [૧] ઉદા (ઉદય સિંહ) [૨] રાયમલ સિંહ [૩] નગરાજ સિંહ [૪] ગોપાલ સિંહ [૫] આસકરણ સિંહ [૬] અમર સિંહ [૭] ગોવિંદદાસ સિંહ [૮] જૈત સિંહ [૯] મહરાવણ સિંહ [૧૦] ક્ષેત્ર સિંહ [૧૧] અચલદાસ સિંહ
• મહારાણા કુંભાના ઉપનામો – રાજગુરુ, તાત ગુરુ, ચાપ ગુરુ (એવા શિક્ષક કે જેઓ ધનુષ્ય વિદ્યાના જાણકાર છે.), છાપ ગુરુ, હાલ ગુરુ, શૈલ ગુરુ (ભલા દ્વારા યુદ્ધની તાલીમ આપનારા ગુરુ), પરમ ગુરુ, નાટકરાજના કર્તા, ધીમાન, રાણો રાસો, રાણે રાય, ગણપતિ, નરપતિ, અશ્વપતિ, હિંદુ સુરત્રાણ, અભિનવ ભરતાચાર્ય (નવા ભારતના નિર્માણકારના સંબોધનાત્મક અર્થમાં), નંદીકેશ્વરાવતાર, રાજસ્થાનમાં કળાના જનક વગેરે…
• મહારાણા કુંભા સર્જિત સાહિત્ય – સંગીતમીમાંસા, ગિતગોવિંદ, સુડપ્રબંધ, કામરાજ રતિસાર, સંગીતરાજ, રસિકપ્રિયા, એકલિંગ મહાત્મ્યનો પ્રથમ ભાગ (જે કુલ ૧૦-૧૨ ગ્રંથ છે)
• એમના રાજ્યમાં શિલ્પ વિદ્વાન તરીકે મંડન કુશળ હતા, જેમના પુત્રનું નામ હતું ગોવિંદ.
• મેવાડમાં નિર્મિત ૮૪ કિલ્લાઓમાંથી સૌથી વધારે ૩૨ કિલ્લા રાણા કુંભાએ બનાવેલા છે.
• રમાબાઈ અને ઈન્દ્રા’દે મહારાણા કુંભાની પુત્રીઓ હતી. રમાબાઈના લગ્ન ગુજરાત રાજ્યમાં ગિરનારના રાજા માંડલિક સાથે થયા. રમાબાઈ સંગીત શાસ્ત્રમાં નિપૂર્ણ હતા એટલે એમને વાગીશ્વરી નામે પણ ઓળખવામાં આવતા હતા. તેમજ ઈન્દ્રા’દેના લગ્ન આમેરના રાજા ઉદ્વર્ણ કછવાહા સાથે થયા હતા.
• ૧૪૩૩માં રાણા કુંભાનો બાળપણની વયમાં જ પિતાની અચાનક મૃત્યુથી રાજ્યાભિષેક થયો. અમુક સંદર્ભો અને આંકડાઓ જોતા મોકલની મૃત્યુ અને કુંભાના રાજ્યાભિષેક વચ્ચેનો બે વર્ષનો સમયગાળો અનિર્ણાયક રહ્યો હતો. જ્યારે સિંહાસન માત્ર નવા રાણાની પ્રતીક્ષા કરતુ રહ્યું હતું.
• કર્નલ જેમ્સ ટોડ દ્વારા કુંભાનો રાજ્યાભિષેક ૧૪૧૮મુજબ દર્શાવાયેલો છે. અને મીરાબાઈને એમના પત્ની તરીકે દર્શાવાયા છે. જ્યારે મીરાબાઈ અને રાણા કુંભાકાળ વચ્ચે ૧૦૦ વર્ષનો અંતરાલ જોવા મળે છે. (રાણા કુંભા જેવા એકલિંગજીના ભક્ત અને ન્યાયપ્રિય રાજા સાથે ઝેરનો કટોરો મોકલાવી એમને મોતને ઘાટ ઉતારવાની તથ્યો દર્શાવતી મીરાબાઈની જીવની પણ કોઈ પ્રકારે આ તથ્યો મુજબ બંધ બેસતી નથી.)
• મહારાણા કુંભાનો કાળ ‘કળા અને વાસ્તુકળા’નો સુવર્ણયુગ માનવામાં આવે છે.
• મહારાણા કુંભા જૈન આચાર્ય હીરાનંદને પોતાના ગુરુ માનતા હતા.
• મહારાણા કુંભાએ આચાર્ય સોમદેવને કવિરાજની ઉપાધી આપી હતી.
• મહારાણા કુંભા ગીત, વાદ્ય અને નૃત્ય એમ ત્રણ સંગીતની કળાઓના વિદ્વાન હતા.
• મહારાણા કુંભાએ જનકાચલ પર્વત અને અમૃદાચલ પર્વત તેમજ ૧૪૩૭માં દેવડા રાજપૂતોને હરાવીને આબુ પર્વત પર પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું.
યુદ્ધભૂમિમાં અજેય રાજા
મહારાણા કુંભા મેવાડના રાજા હતા. એમણે ૧૪૩૩થી ૧૪૬૮ સુધી શાસન કર્યું. મહારાણા કુંભાએ રાજપૂત ઈતિહામાં સુવર્ણ અક્ષરે આખો મેવાડી ઈતિહાસ લખાય એટલા શૌર્ય, સાહસ અને પરાક્રમ દ્વારા વિજય ધ્વજો લહેરાવ્યા. આ પ્રકારની વિજય કુછ વિશે એમના પહેલાના રજાઓ કદાચ વિચારી પણ નહિ શકયા હોય. એક પ્રકારે એમ પણ કહી શકાય કે રાજપુતાના રાજનીતિને આખા અલગ જ પ્રકારે એમણે સ્થાપિત કર્યો હતો. મહારાણા કુંભકર્ણની પ્રસિદ્ધિ રાણા કુંભા નામે જ ઇતિહાસમાં અંકિત છે.
સત્તા પર આવ્યાના સાત વર્ષના અંદર જ એમણે સારંગપુર, નાગૌર, અજમેર, મંડોર, મોડાલગઢ, બુંદી, ખાટું, ચાટુસ જેવા મજબુત કિલ્લો પણ જીતી લીધા. એટલું જ નહિ પણ દિલ્લી સલ્તનતના સુલતાન સૈયદ મુહમ્મદ શાહ અને ગુજરાતના સુલતાન અહમદશાહને ધૂળ ચાટતા કરીને એમણે આખા હિન્દુસ્તાનમાં મુઘલ સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું. કુંભાની શૂરવીરતાની વિચિત્ર વાત તો એ પણ છે કે દુશ્મનો દ્વારા વારંવાર એમના પર આક્રમણો થયા હોવા છતાં કોઈ એમનો વાળ પણ વાંકો ન કરી શક્યું.
કળા અને કૌશલ્યમાં અદ્વિતીય રાજા
યુદ્ધોમાં વિજય કુચ સાથે સાથે કળા અને કૌશલ્ય સાથે પણ રાણા કુંભા સદંતર જોડાયેલા રહ્યા. માત્ર ૩૫ વર્ષની ઉમરે એમણે સ્થાપત્ય કલાના જે અદ્વિતીય નિર્માણ કરાવ્યા છે, એ આજ પણ આખી દુનિયામાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. એમના દ્વારા બનાવાયેલા ૩૨ કિલ્લાઓમાં ચિત્તોડગઢ, કુંભળગઢ અને અચલગઢ સુરક્ષાના આધારે આજે પણ સૌથી મહત્વના ગણાય છે. આ ડુંગરાળ ભૂમિ પર સ્થાપિત કિલ્લાઓમાં ચમત્કારિત દેવાલયો પણ બનાવાયા છે. કુંભા દ્વારા બનાવેલો વિશ્વ વિખ્યાત વિજય સ્તંભ આજ પણ ભારતની અમુલ્ય ધરોહર છે.
રાણા કુંભાએ શક્તિ અને સંગઠન સાથે પોતાની રચનાત્મક કલાઓના પણ દિલ ખોલીને પ્રદર્શનો કર્યા છે. સંગીત ક્ષેત્રે એમનો ગ્રંથ ‘સંગીતરાજ’ આજે પણ સાહિત્યનો કીર્તિ સ્તંભ ગણવામાં આવે છે. એમણે પોતાના શાસનકાળ દરમિયાન અનેક કિલ્લાઓ, મંદિરો અને તળાવો બંધાવીને કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે પણ મેવાડને સુસજ્જ કર્યું હતું. સ્થાપત્ય કળા ક્ષેત્રે કુંભલગઢ કિલ્લો એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ છે. સાથે સાથે બસંતપુર એમણે ફરીથી વસાવ્યું અને એકલિંગજી મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર પણ કરાવ્યો. કળા અને સંસ્કૃતિમાં રસ ધરાવતા આ રાજાએ અનેક સંગીતને લગતા ગ્રંથોની રચના કરી, સાથે સાથે ચંડીશતક અને ગીતગોવિંદ જેવા ગ્રંથોની વ્યાખ્યાઓ પણ આપી છે.
તલવારના સહારે દુશ્મનોને કચડી શકવાની ક્ષમતા ધરાવતા આ આ રાજા કલમના પણ એટલા જ મહાન યોદ્ધા હતા. એ માત્ર નાટ્યશાસ્ત્ર જ મહી પણ વીણાવાદનમાં પણ નિપૂર્ણ હતા. કીર્તિસ્તંભની રચના પર તો એમણે પોતે એક ગ્રંથ લખ્યો તેમજ મંડન જેવા સુત્રધારોના આધારે શિલ્પશાસ્ત્રના ગ્રંથો પણ લખાવ્યા.
કુંભા નિર્મિત કુંભલગઢ
રાજસ્થાનના રાજસમંદ જીલ્લમાં આવેલ કુંભલગઢ કિલ્લાનું નિર્માણ રાણા કુંભાએ કરાવ્યું હતું. આ કિલ્લાની દીવાલ કે જે ૩૬ કિલોમીટર લાંબી(વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દીવાલ) અને ૧૫ ફૂટ પહોળી છે. સમુદ્ર કરતા સપાટી લગભગ ૧૧૦૦ મિટરની ઊંચાઈ પર છે. આ કિલ્લાનું નિર્માણ સમ્રાટ અશોકના બીજા દીકરા સમ્પ્રતિ દ્વારા બનાવાયેલા કિલ્લાના અવશેષો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લાના નિર્માણમાં ૧૫ ( સમય ૧૪૪૩થી ૧૪૫૮) વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ કિલ્લાના નિર્માણકાર્યના પત્યા પછી મહારાણા કુંભાએ સિક્કાઓ પણ છપાવ્યા હતા, જેમના પર કિલ્લો અને કિલ્લાના નામની કોતરણી અંકિત કરાઈ હતી.
કુંભલગઢનો કિલ્લો અનેક ઘાટીઓ અને ડુંગરોના મિશ્રણ દ્વારા બનાવવામાં આવ્યો છે. કદાચ આ પ્રાકૃતિક સાનુકુળતાના કારણે જ આ કિલ્લો વર્ષો સુધી અજેય રહ્યો. આ કિલ્લામાં દરેક મકાનો, મહેલો અને મંદિરો ઊંચા-નીચા ભૂમિ ભાગ પર બનાવવામાં આવ્યા છે. જ્યારે સમતલ ભુમીભાગનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવ્યો. એ જ પ્રકારે ઢોળાવ વાળા વિસ્તારો દ્વારા જળાશયો વિકસાવીને આ કિલ્લાને સ્વાવલંબી પણ બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લમાં ૩૬૦ કરતા વધુ દેવ મંદિરો છે, જેમાં ૩૦૦ જેટલા પ્રાચીન જૈન મંદિરો છે અને બાકીના હિંદુ દેવી-દેવતાના મંદિરો.
આ કિલ્લાના અંદર બીજો એક ગઢ પણ છે, જેને કટારગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ કટારગઢ સાત વિશાળ દરવાજાઓ અને મજબુત રક્ષણાત્મક તરકીબો દ્વારા સુરક્ષિત છે. આ ગઢના ઉપરના ભાગે વાદળમહેલ અને કુંભા મહેલ સૌથી ઉપર છે. આમ જોતા મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ એક રીતે મેવાડ સામ્રાજ્યની સંકટના સમયની રાજધાની રહ્યું છે. મહારાણા કુંભાથી લઈને મહારાણા રાજ સિંહના સમય સુધી મેવાડ પર થયેલા આક્રમણો દરમિયાન રાજપરિવાર આ જ કિલ્લામાં રહ્યો હતો. આ જ કિલ્લામાં પૃથ્વીરાજ અને મહારાણા સાંગાનું બાળપણ પણ વીત્યું હતું. મહારાણા ઉદય સિંહનું રક્ષણ પણ પન્ના ધાય દ્વારા આ જ કિલ્લામાં છુપાવીને કરવામાં આવ્યું હતું.
રાણા કુંભાની મૃત્યુ
રાણા કુંભાની મૃત્યુ અંગે બે લોકવાયકાઓ છે. જેમાં એક નીચે પ્રમાણે છે.
રાણા કુંભાનો જેષ્ટ દીકરો ઉદા સિંહ ભગવાન શિવના સ્વરૂપ એકલિંગ મહાદેવના મંદિરમાં પીઠ પાછળ ખુલ્લી તલવાર લઈને કોઈકનો ઇંતજાર કરતો ઉભો હતો. આજનો દિવસ એના માટે કદાચ જીવનના નિર્ણાયક દિવસોમાંનો એક હતો. કોઈકના આવવાની આહટ થતા જ ઉદા સિંહ શિવલિંગના પાછળના ભાગમાં છુપાઈ ગયો. કોઈ જોઈ ન જાય એટલી સાવધાની પૂર્વક છુપાઈને એણે મંદિરમાં સંભળાતી સાવ આછેરી આહટ સાંભળ્યા કરી. અંદર પ્રવેશેલા વ્યક્તિના પૂજા વિધિના દરેક કાર્ય પર ઉદાસિંહ છુપતી નજરે ધ્યાન રાખી રહ્યો હતો. એણે પોતાની તૈયારીઓ આરંભી દીધી હતી. અમુક જ સેકન્ડોમાં આ બધું જ વીતી જવાનું હતું. પૂજા વિધિ કરતા એ વ્યક્તિએ જ્યારે જળાભિષેક કર્યા પછી માથું શિવલિંગ સામે ઝુકાવ્યું એની બીજી જ ક્ષણે એનું માથું શીવમંદિરના કોઈક ભાગમાં પટકાઈ ચુક્યું હતું, ઉદા સિંહે પોતાની સંપૂર્ણ શક્તિ વડે એ ઘા કરેલો અને એકલિંગ મહાદેવના પવિત્ર મંદિરને રક્ત રંજીત કરી દીધું.
એ માથું કપાયેલો વ્યક્તિ બીજું કોઈ નહી પોતે રાણા કુંભા જ હતા. મેવાડી સામ્રાજ્યના શ્રેષ્ઠ અને અજેય મહારાણા કુંભા પોતાના જ પુત્રના હાથે મોતને ભેટ્યા. કદાચ આ એમનું દુર્ભાગ્ય જ હશે. કારણ કે કોઈ પણ યુદ્ધમાં જે કાર્ય ન તો મુઘલ સેના કરી શકી, ન કોઈ રાજા કે ન કોઈ દુશ્મન, એ જ કાર્ય એમના જ દીકરાએ કરી નાખ્યું. મેવાડ વંશમાં આ જ ઉદાસિંહે પોતાના જ પિતાની હત્યા કરીને ઇતિહાસમાં એનું નામ કાળી શ્યાહી દ્વારા લખી નાખ્યું. કારણ કે કોઈ પુત્ર પોતાના જ પિતાની ગરદન કેવી રીતે કાપી શકે…?
પણ, રાણા કુંભાની પ્રતિભા રાજસ્થાનના ઇતિહાસમાં અપ્રતિમ હતી. મેવાડ સામ્રાજ્યના એક માત્ર એવા મહારાણા કે જેમના હાથમાં જ્યાં સુધી તલવાર હોય ત્યાં સુધી હરાવી શકવા દુશ્મન માટે અશક્ય હતા. ૩૫ વર્ષની સાધારણ વયે એમણે નાગોર જેવા અનેકો યુદ્ધ પોતાના નામે કર્યા હતા. હિન્દુસ્તાનનું દરેક સામ્રાજ્ય રાણા કુંભાના નામ માત્રથી ફફડી જતું હતું. સામે પ્રજાના કલ્યાણ માટે પણ રાણા કુંભા દ્વારા અનેકો કાર્ય થયા, જેના કારણે મહારાણા કુંભા મેવાડના રાણા પદની સાથે સાથે પ્રજાના દિલમાં પણ એક વિશેષ સ્થાન બનાવી ચુક્યા હતા. મેવાડની પ્રજા એમના માટે પોતાના પ્રાણ હસતા હસતા આપવા તત્પર રહેતી હતી. આખું ભારત આ વાત સમજી ચુક્યું હતું કે જ્યાં સુધી રાણા કુંભા હયાત છે, ન તો મેવાડને જીતી શકાશે કે ન સત્તા પલટી શકાશે. આસપાસના દરેક રજાઓ આ વાત સ્વીકારી ચુક્યા હતા કે જ્યાં સુધી રાણા કુંભા જીવતા રહેશે મેવાડના સિંહાસન પર કોઈ જ નહિ બેસી શકે. આ જ વાત મેવાડના ગળે સરળતાથી ઉતરી અથવા એમ પણ કહી શકાય કે મેવાડની પ્રજા પણ આ જ ઈચ્છતી હતી. છતાય કુંભાના મોટા દીકરા ઉદા સિંહના ગળે આ વાત ન ઉતરી. ઉદાસિંહ રાણા કુંભાના તોલે અતિશય મહત્વકાંક્ષી અને ક્રૂર હતો. એ કોઈ પણ ભોગે મેવાડની સત્તા પોતાના હાથમાં ઈચ્છતો હતો, પણ એ જાણતો હતો કે રાણા કુંભાની હયાતીમાં એ કોઈ કાળે શક્ય નથી. એણે નક્કી કરી લીધું હતું કે પોતે જ મેવાડનો રાજા બનશે, પણ કુંભાને મારવા પણ કોઈના બસની વાત ન હતી.
ઉદાસિંહ જાણતો હતો કે રાણા કુંભાના હાથમાં જ્યાં સુધી તલવાર હશે ત્યાં સુધી એમને હરાવવા અશક્ય બની જશે. એટલે એણે એવા સમયની શોધ કરી જ્યારે રાણા કુંભા પાસે પોતાની તલવાર ન હોય. રાણા કુંભા માત્ર એકલિંગજીની પૂજા માટે જ તલવાર પોતાનાથી દુર કરતા હતા. આ વાત ઉદાસિંહ જાણતો હતો એટલે એણે આખી યોજના જ આ પ્રકારે બનાવી લીધી હતી. મંદિર જેવા પવિત્ર સ્થાન પર ઇસવી. ૧૪૬૮માં કુંભાની હત્યા કરી નંખાઈ.
બીજી લોકવાયકા એવી છે કે રાણા કુંભા પોતાના મહેલમાં હતા એવા સમયે અશક્તિના બહાને ઉદાસીહે જ રાણા કુંભાને દુર્ગ પરથી ધક્કો મારીને એમને મોતને ઘાટ ઉતારી દીધા. જો કે બને લોકવાયકા મુજબ રાણાની મોતનું કારણ એમનો દીકરો ઉદાસિંહ જ હતો.
જો કે રાણા કુંભાની મૃત્યુ પછી સત્તા પર આવેલ ઉદાસિંહ પોતાની કમજોરીઓના કારણે મેવાડના મોટાભાગના પ્રદેશોને હારી ચુક્યો હતો. મેવાડનું સામ્રાજ્ય સમય સાથે સંકુચિત થતું જઈ રહ્યું હતું. કહેવાય છે કે પાંચ વર્ષના અંદર જ ઉદાસિંહ પણ મૃત્યુને ભેટ્યો. એમની મૃત્યુની ઘટના અંગે પણ ઘણી લોકવાયકાઓ છે. રાણા ઉદાસિંહ પોતાના મહેલમાં વીજળી પડવાથી બળીને ખાખ થઇ ગયા. ઘણા લોકો એવું પણ કહે છે કે વીજળી સ્વરૂપે સ્વયં રાણા કુંભા ઉદાસિંહ પર મોત બનીને તૂટી પડ્યા હતા.
સંકલન અને સુધાર – સુલતાન સિંહ ‘જીવન’
રેફરન્સ – વિકિપેડિયા, અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતી વેબપોર્ટલ્સ
નોધ – ઉપર દર્શાવેલી બધી જ માહિતી વિકિપીડિયા અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતા ઓનલાઈન માધ્યમો દ્વારા મેળવીને દર્શાવવામાં આવી છે. આ માહિતી મેવાડ પ્રદેશ પર શાસિત રાજપૂતોના ઈતિહાસને દર્શાવે છે, પણ એમાં બદલાયેલા સ્વરૂપની લોકવાયકાઓના આધારે ફેરબદલ હોઈ શકે છે. જો આ માહિતીમાં તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો નીચે કમેન્ટ બોક્ષમાં આધાર સહીત સજેશન આપી શકો છો. જો આપના સુઝાવ વાસ્તવિક હશે તો એના આધારે બદલાવ કરી શકાશે. દરેક વસ્તુ અથવા તથ્ય સ્વીકારતા પહેલા સ્વશોધ અને સ્વજ્ઞાન જરૂરી છે.
Leave a Reply