મેવાડ સામ્રાજ્ય
આજનું ઉદયપુર જેને મેવાડ સામ્રાજ્ય તરીકે પણ પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતું હતું. પ્રાચીન સમયથી જ આ પ્રદેશ મેવાડી સામ્રાજ્યના ગહલોત તેમજ સિસોદિયા કુળના રાજપૂતોની રાજધાની અને આધિપત્ય ધરાવતી રિયાસત રહી છે. મેવાડની સ્થાપના લગભગ આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે ઈસ્વીસન ૫૩૦ આસપાસ થયેલ માનવામાં આવે છે. જ્યારે મેવાડ રાજ્યની સ્થાપના થઇ હતી ત્યારે ચિત્તોરગઢ એમની પ્રથમ રાજધાની તરીકે અસ્તિત્વમાં આવ્યું. જો કે સમયાન્તરે લગભગ મહારાણા ઉદયસિંહના સમયમાં દિલ્હી સલ્તનતના બાદશાહ જલાલુદ્દીન અકબર સામે હાર ન સ્વીકારવા ચિત્તોર દુર્ગ છોડીને એમણે વિસ્થાપિત કરવામાં આવ્યું, ત્યારે વિસ્થાપિત રાજ્યની રાજધાની ઉદયસિંહ દ્વારા નિર્મિત થઈ એટલે એ ઉદયપુર તરીકે પ્રચલિત બની. છેક ૧૯૪૯માં જ્યારે ઉદયપુર સીટી ભારતીય સંઘમાં ભેળવાયું ત્યાં સુધીમાં અહી ગહલોત પરિવારના તેમજ ક્ષત્રીય સિસોદિયા રાજપૂત વંશ દ્વારા ૧૪૦૦ વર્ષ શાસન ચાલ્યું હતું.
• વર્ષો પહેલાના ઉદયપુર રાજ્યના સીમા પ્રદેશોમાં મુખ્ય જાગીરદાર રજવાડાઓમાં છની, જવાસ, જુરા, માદરી, ઓઘના, પનારવા, પારા, પાટિયા, સરવન અને થાના સમાહિત હતા.
• ઉદયપુર રાજ્યએ બીજા અંગ્રેજ અને મરાઠા યુધ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદ કરી હતી, પણ ૧૮૦૫માં સંરક્ષિત રાજ્ય બનાવવાની અરજીને અંગ્રેજોએ અમાન્ય કરી દીધી હતી.
• ૩૧ જાન્યુઆરી ૧૮૧૮માં ઉદયપુર રાજ્ય બ્રિટીશ સંરક્ષિત પ્રદેશ બન્યો. ત્યારે અંગ્રેજ અધિકારીઓ દ્વારા ઉદયપૂરના શાસકને ૧૯ તોપો દ્વારા સલામી પણ અપાઈ હતી.
• ૧૯૨૦ના સ્વાતંત્ર્યતા સંગ્રામમાં ઉદયપુર કેન્દ્રિત રાજ્ય બન્યું.
• ઉદયપુરના છેલ્લા શાસક દ્વારા ૭ એપ્રિલ ૧૯૪૯ના દિવસે ભારતીય સંઘ સાથે જોડાણના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા.
મેવાડ સામ્રાજ્યમાં ગહેલોત વંશની વંશાવલી
એવું માનવામાં આવે છે કે સૂર્યવંશી રાજપૂત વંશ પ્રાચીન ધર્મગ્રંથો અને સનાતન ધર્મના કેન્દ્રબિંદુ ભગવાન શ્રી રામના જ વંશજ છે, જે પોતે સૂર્યવંશી(રઘુવંશી) હતા. બીજી સદીના રાજા કનક સેનને ભગવાન રામના દીકરા લવના વંશજ તરીકે માનવામાં આવે છે, જેમણે એ સમય દરમિયાન અત્યારના લાહોર પ્રાંત પર શાસન કર્યું હતું. ત્યાર બાદ સામ્રાજ્યના વધારા માટે એમણે કુષાણ પ્રદેશના શાસક રુદ્રદમનને હરાવીને ગુજરાત રાજ્ય પર પોતાનું આધિપત્ય મેળવ્યું, અને આ જીત પછી એ પરિવાર સહીત ગુજરાત આવી ગયા. કનક સેનની રાણીઓમાં એમની સૌથી પ્રિય રાણીનું નામ વલ્લભી હતું, જેના આધાર પર એમણે ગુજરાતમાં સ્થાપિત પોતાની રાજધાનીનું નામ પણ વલ્લભી જ રાખ્યું જતું.
એવી પ્રચલિત લોક કથાઓ પણ છે જેના આધારે એવું માનવામાં આવે છે, કે ૬ઠ્ઠી સદીમાં વલ્લભીની રાણી પુષ્પાવતી ગર્ભવતી હતી. આ સ્થિતિમાં તે ઈશ્વર પાસે પોતાના સંતાન માટે સુરક્ષાની અરજ લઈને તીર્થયાત્રા માટે નીકળી હતી. પણ, હજુ તો અરાવલીની પહાડીઓ પર આગળ વધી જ રહી હતી, ત્યારે જ એમણે રાજાના મૃત્યુ અને વલ્લભીના વિનાશના સમાચાર સાંભળ્યા. આ ઘટના પછી એ વલ્લ્ભીમાં પોતાના એકમાત્ર સંતાનની સુરક્ષાના ડરથી અરાવલીની પહાડીઓમાં જ એક ગુફામાં એમણે શરણ લીધી. આ ગુફામાં રહેવા દરમિયાન જ પુષ્પાવતીને સંતાન સ્વરૂપે પુત્રનો જન્મ થયો. જેનો જન્મ ગુફામાં થયો હોવાથી એ સંતાનને ગુહિલ નામ આપવામ આવ્યું. ત્યારના સમયમાં ગુહિલનો અર્થ હતો ગુફામાં થયેલા બાળકનો જન્મ. બાળકના જન્મ પછી પતિના અંતિમ સંસ્કાર કાર્ય માટે, પુષ્પાવતી પુત્રને દાસીઓના હાથમાં સોપીને વલ્લભી ગઈ. ગુહીલનું બાળપણ અરાવલીની ભીલ જાતિના સાનિધ્યમાં જ વીત્યું, જે લોકો ઈસ્વીસન ૨૦૦૦ પૂર્વેથી અરાવલીની પહાડીઓમાં જ રહેતા હતા. અંતે છઠ્ઠી સદીમાં માત્ર પાંચ વર્ષની ઉમરે ગુહીલને વલ્લભીના સિહાસન પર કોઈ રાજા ન હોવાથી બેસાડી દેવામાં આવ્યો.
પ્રાચીન માન્યતા મુજબ જ કનકસેનના પુત્ર ગુહીલે જ ઈસ્વીસન ૫૬૬માં ગહલોત વંશની સ્થાપના કરી. આ વંશ મૂળ સ્વરૂપે શરૂઆતમાં ગુહીલોત કહેવાયો, જે પાછળથી ગહલોત વંશના નામે ઓળખાયો. ત્યારબાદ ગુહીલનો વંશજ અને શાસક ગૃહદિત્ય હતો. જેણે અરાવલી પર્વતના વર્તમાન સમયમાં ગુજરાત પ્રદેશમાં આવેલ ઇડર શહેરમાં પોતાની રાજધાની સ્થાપિત કરી. પણ, ૭મી સદીમાં એમના વંશજ નાગાદીત્ય મેવાડના ઉત્તર તરફના મેદાનોમાં સ્થિત નાગદા કસ્બામાં જઈને વસ્યા. નાગદા એ ઉદયપુરથી ૨૫ કિલોમીટર દુર એક વિશાળ લોક સમૂહ ધરાવતી વસાહત છે, જેનું નામ ગુહિલ વંશના ચોથા શાસક નાગાદિત્યના નામ પરથી નાગદા જ રાખવામાં આવ્યું હતું. નાગાદીત્યને મેવાડમાં આવીને રાવલ વંશની સ્થાપના કરી અને નાગદાને મેવાડની રાજધાની રૂપે પ્રસ્થાપિત કરી.
નાગદીત્યના પુત્રનું નામ સીલાદીત્ય હતું, સીલાદીત્યનો પુત્ર અપરાજિત અને પછીના વંશજ એટલે કે અપરાજીતના પુત્ર મહેન્દ્રસિંહ બીજા હતા. મહેન્દ્રસિંહ બીજાને માળવાના મોરી સામ્રાજ્યના માનસિંહ મોરીએ મારી નાખ્યો. આ જ મહેન્દ્ર બીજાના પુત્રનું નામ હતું કાલ ભોજ, જેમને લોક કથાઓ બપ્પા રાવલ પણ કહે છે. બપ્પા રાવલે જ પાછળથી ચિત્તોડ પર પોતાનું આધિપત્ય જમાવી બેઠેલા મોરી સામ્રાજ્યને હરાવીને ચિત્તોડ ગઢ પર પોતાનું આધિપત્ય મેળવ્યું. ત્યાર બાદ બપ્પા રાવલે જ મેવાડની રાજધાની તરીકે ચિત્તોડને વિકસાવ્યું. બપ્પા રાવલે પોતાના પરાક્રમથી પોતાનું સામ્રાજ્ય છેક અફગાન સુધી વિસ્તરિત કર્યું હતું. જો કે પાછળથી બપ્પા રાવલના જ વંશમાં થયેલા અલ્લ્ત સિંહને પરમાર વંશના સીયકાએ ચિત્તોડ છોડી દેવા માટે દબાણ કર્યું અને અલ્લત સિંહે આહાડને પોતાની રાજધાની તરીકે વિકસાવ્યું. ત્યાર બાદ ૧૧૭૨માં ક્ષેમ સિંહ દ્વારા મુઘલ સામ્રાજ્યના દબાણમાં આવીને ડુંગરપુરને મેવાડની રાજધાની તરીકે વિકસાવ્યું. જો કે ૧૨૧૩માં ફરી એકવાર ઈલ્તુત્મીશના માળવા પતન પછી ક્ષેમ સિંહના વંશજ જૈત્ર સિંહે ફરી ચિત્તોડ પર પોતાનું આધિપત્ય મેળવી લીધું. એના પછીના સમયમાં મેવાડના શાસક જૈત્ર સિંહે ઈસ્વીસન ૧૨૩૪માં ઈલ્તુતમીશ અને ઈસ્વીસન ૧૨૩૭માં બલબનને હરાવીને ફરી એકવાર ચિત્તોડગઢને મેવાડની રાજધાનીના રૂપે વિકસાવી. જૈત્ર સિંહનો શાસનકાળ મેવાડી સામ્રાજ્ય માટે સુવર્ણકાળ માનવામાં આવે છે.
ઈસ્વીસન ૧૩૦૩માં ગહલોત વંશના છેલ્લા શાસક રતન સિંહ પ્રથમને અલાઉદીન ખીલજીએ ચારે બાજુથી ઘેરી લઈને ચિત્તોડ પર પોતાનું આધિપત્ય મેળવી લીધું હતું. એના પછી ગહલોત વંશના સ્થાને સિસોદિયા વંશે ૧૩૨૬માં ફરી એકવાર ચિત્તોડ પર પોતાનું શાસન શરુ કર્યું હતું.
નીચે ગહેલોત વંશના શાસકોના નામ અને શાસન કાળ સાથે શાસકીય પ્રદેશના નામ દર્શાવેલ છે.
ક્રમ | શાસનકાળ | વર્ષ | શાસકોના નામ | શાસન રાજ્ય |
૧ | ૫૬૬-૫૮૬ | ૨૦ | ગૃહાદિત્ય ( Grahaditya | गृहदित्य ) | ઇડર (ગુજ.) |
૨ | ૫૮૬-૬૦૬ | ૨૦ | ભોજા ગહલો ( Bhoja Gahlo | भोजा गहलो ) | ઇડર (ગુજ.) |
૩ | ૬૦૬-૬૨૬ | ૨૦ | મહેન્દ્ર પ્રથમ ( Mahendra I | महेंद्र प्रथम ) | ઇડર (ગુજ.) |
૪ | ૬૨૬-૬૪૬ | ૨૦ | નાગાદીત્ય ( Nagaditya | नागादित्य ) | નાગદા |
૫ | ૬૪૬-૬૬૧ | ૧૫ | સીલાદીત્ય ( Siladitya | सिलादित्य ) | નાગદા |
૬ | ૬૬૧-૬૮૮ | ૨૭ | અપરાજિત ( Aparajita | अपराजित ) | નાગદા |
૭ | ૬૮૮-૭૩૪ | ૪૬ | મહેન્દ્ર દ્રિતીય ( Mahendra II | महेंद्र द्वितीय ) | નાગદા |
૮ | ૭૩૪-૭૫૩ | ૧૯ | બાપ્પા રાવલ (કાલભોજ) ( Bappa Rawal | बप्पा रावल ) | ચિત્તોડ |
૯ | ૭૫૩-૭૭૩ | ૨૦ | ખુમાન પ્રથમ ( Khuman I | खुमन प्रथम ) | ચિત્તોડ |
૧૦ | ૭૭૩-૭૯૩ | ૨૦ | માતાટ્ટ ( Matatt | मताट ) | ચિત્તોડ |
૧૧ | ૭૯૩-૮૧૩ | ૨૦ | ભત્રીભટ્ટ ( Bhartribhatt I | भर्त्रीभट्ट पथम ) | ચિત્તોડ |
૧૨ | ૮૧૩-૮૨૮ | ૧૫ | સિંહ ગહલોત ( Singha Gahlot | सिंह गहलोत ) | ચિત્તોડ |
૧૩ | ૮૨૮-૮૫૩ | ૨૫ | ખુમાન દ્રિતીય ( Khuman II | खुमन द्वितीय ) | ચિત્તોડ |
૧૪ | ૮૫૩-૮૭૮ | ૨૫ | મહાયુક ( Mahayuk | महायुक ) | ચિત્તોડ |
૧૫ | ૮૭૮-૯૪૨ | ૬૪ | ખુમાન તૃતીય ( Khuman III | खुमन तृतीय ) | ચિત્તોડ |
૧૬ | ૯૪૨-૯૫૧ | ૯ | ભત્રીભટ્ટ દ્રિતીય ( Bhartribhatt II | भर्त्रीभट्ट द्वितीय ) | ચિત્તોડ |
૧૭ | ૯૫૧-૯૫૩ | ૨ | અલ્લાત સિંહ ( Allat Singh | अलात सिंह ) | ચિત્તોડ |
૧૮ | ૯૭૧-૯૭૩ | ૨ | નરવાહન ( Narwahana | नरवाहन ) | આહડ |
૧૯ | ૯૭૩-૯૭૭ | ૪ | સલીવાહન ( Shalivahana | सलिवाह्न ) | આહડ |
૨૦ | ૯૭૭-૯૯૩ | ૧૬ | શક્તિ કુમાર ( Shakti Kumar | शक्ति कुमार ) | આહડ |
૨૧ | ૯૯૩-૧૦૦૭ | ૧૪ | અંબા પ્રસાદ ( Amba Prasad | अम्बा प्रसाद ) | આહડ |
૨૨ | ૧૦૦૭-૧૦૨૧ | ૧૪ | સૂચી વર્મા ( Shuchi Varma | शुची वर्मा ) | આહડ |
૨૩ | ૧૦૨૧-૧૦૩૫ | ૧૪ | નરવર્મા ( Narvarma | नरवर्मा ) | આહડ |
૨૪ | ૧૦૩૫-૧૦૫૧ | ૧૬ | કીર્તિવર્મા ( Kirtivarma | कीर्तिवर्मा ) | આહડ |
૨૫ | ૧૦૫૮-૧૦૬૮ | ૧૦ | યોગરાજ ( Yograj | योगराज ) | આહડ |
૨૬ | ૧૦૬૮-૧૦૮૮ | ૨૦ | વિરાટ ( Vairath | विराट ) | આહડ |
૨૭ | ૧૦૮૮-૧૧૦૩ | ૧૫ | હંસપાલ પ્રથમ ( Hanspal I | हंसपाल प्रथम ) | આહડ |
૨૮ | ૧૧૦૩-૧૧૦૭ | ૪ | બૈર સિંહ ( Bair Singh | बैर सिंह ) | આહડ |
૨૯ | ૧૧૦૭-૧૧૨૭ | ૨૦ | વિજય સિંહ ( Vijai Singh | विजय सिंह ) | આહડ |
૩૦ | ૧૧૨૭-૧૧૩૮ | ૧૧ | અરી સિંહ પ્રથમ ( Ari Singh I |अरी सिंह प्रथम ) | આહડ |
૩૧ | ૧૧૩૮-૧૧૪૮ | ૧૦ | ચૌધ સિંહ ( Chaudh Singh | चौध सिंह ) | આહડ |
૩૨ | ૧૧૪૮-૧૧૫૮ | ૧૦ | વિક્રમ સિંહ ( Vikram Singh | विक्रम सिंह ) | આહડ |
૩૩ | ૧૧૫૮-૧૧૬૮ | ૧૦ | કરણ સિંહ ( Karan Singh I | करन सिंह प्रथम ) | આહડ |
૩૪ | ૧૧૬૮-૧૧૭૨ | ૪ | ક્ષેમ સિંહ ( Kshem Singh | क्षेम सिंह ) | આહડ |
૩૫ | ૧૧૭૨-૧૧૭૯ | ૭ | સામંત સિંહ ( Samant Singh | सामंत सिंह ) | ડુંગરપુર |
૩૬ | ૧૧૯૧-૧૨૧૧ | ૨૦ | કુમાર સિંહ ( Kumar Singh | कुमार सिंह ) | ડુંગરપુર |
૩૭ | ૧૨૧૧-૧૨૧૩ | ૨ | પદ્મ સિંહ ( Padma Singh | पद्म सिंह ) | ડુંગરપુર |
૩૮ | ૧૨૧૩-૧૨૫૩ | ૪૦ | જૈત્ર સિંહ ( Jaitra Singh | जैत्रसिंह ) | ચિત્તોડ |
૩૯ | ૧૨૫૩-૧૨૬૨ | ૯ | રાજા વગર મેવાડના આઠ વર્ષ વીત્યા | ચિત્તોડ |
૪૦ | ૧૨૬૨-૧૨૭૩ | ૧૧ | તેજ સિંહ ( Tej Singh | तेज सिंह ) | ચિત્તોડ |
૪૧ | ૧૨૭૩-૧૩૦૨ | ૨૯ | સમર સિંહ ( Samar Singh | समर सिंह ) | ચિત્તોડ |
૪૨ | ૧૩૦૨-૧૩૦૩ | ૧ | રતન સિંહ પ્રથમ ( Ratan Singh I | रतन सिंह प्रथम ) | ચિત્તોડ |
મેવાડી સામ્રાજ્યમાં સિસોદિયા વંશ
ગહલોત વંશના છેલ્લા શાસક એટલે કે રાજા રતનસિંહ રાવલ અલાઉદીન ખીલજી સાથે લડાયેલા યુદ્ધમાં માર્યા ગયા હતા. જો કે યુદ્ધ મેદાનમાં ખીલજીને ભેટેલા રાજા રતનસિંહ પૂર્ણ પણે રાજપૂતી રીતથી જ લડ્યા હતા. પણ, અલાઉદીન ખીલજીએ દગાથી રતનસિંહને મારીને ચિત્તોડ પર વિજય મેળવી હતી. જો કે અલાઉદીન ખીલજી પોતાની જે વિકૃત મંછા લઈને ચિત્તોડ સુધી આવ્યો હતો, એ મંછા આખરે રાણી પદ્માવતીના ઝોહર દ્વારા નિષ્ફળ નીવડી હતી. એટલે કે અલાઉદીન ખીલજીની જીતને પણ રાણી પદ્માવતીના ઝોહરે હારમાં ફેરવી દીધી હતી. રાણી પદ્માવતીને પામવાની મંછા સાથે ચિત્તોડ પર વિજય મેળવનાર ખીલજી પદ્માવતીની રાખ પણ મેળવી નોહતો શક્યો. કારણ કે, ચિત્તોડ જ્યારે પૂર્ણ પણે હારવાની સ્થિતિમાં આવી ગયું હતું, ત્યારે મેવાડી સેનાએ આધિપત્ય સ્વીકારી ગુલામ બનવાના સ્થાને કેસરીયા ધારણ કરીને મુઘલ સેના પર ચડાઈ કરી દીધી હતી. રાજપૂતો પાસે એક તરફ કેસરિયા કરીને નીકળેલા રાજપૂતી સૈનિકોનું શૌર્ય અને રતનસિંહનું પરાક્રમ હતું, તો ત્યાં જ બીજી તરફ મહેલમાં રહેલી રાજપુતાનીઓના આત્મસન્માન અને લાજની રક્ષા ખાતર ખેલાતું અગ્નિના પ્રચંડ અગનવેદીમાં પ્રાણ ત્યાગતું ઝોહર હતું. આ બંને શૌર્યવંતી ઘટનાઓ દ્વારા અંત પામેલો ગહલોત વંશ આવનારા અનંત ભવિષ્ય માટે મેવાડી સામ્રાજ્યમાં સુવર્ણ અક્ષરે લખાઈ જવાનો હતો.
રાજા રતનસિંહ રાવલના અંત પછી પણ માતૃભૂમિની રક્ષા ખાતર સિસોદિયા વંશના રાણા લક્ષા પોતાના ૧૦ પુત્રો સાથે ચિત્તોડની રક્ષા માટે એકજુટ થઇ રહ્યા હતા. મેવાડના સરદારોએ એક અડઘ નિશ્ચય કરી લીધો હતો, કે આ જ રાજપૂતોના શાહી વંશને ટકાવી રાખવાનો એકમાત્ર યોગ્ય સમય હતો. રાણા લક્ષા પોતાના યુદ્ધ કૌશલમાં પારંગત બંને પુત્રો અરી સિંહ અને અજય સિંહ સાથે ચિતોડની રક્ષા માટે તત્પર હતા. પણ, અલાઉદીન ખીલજી સામેના યુદ્ધમાં રાણા લક્ષા અને અરીસિંહ પણ અંતે મૃત્યુ પામ્યા. રાણા લક્ષા અને અરીસિંહ મૃત્યુ પામ્યા, ત્યારે ચિત્તોડની આઝાદી માટે લડાતા યુદ્ધમાં શહીદી વહોરનાર બહાદુર અરીસિંહનો એક પુત્ર હમીર સિંહ પ્રથમ હજુ બાળક હતો. ખીલજીના ડરથી સુરક્ષાના કારણે જેમ તેમ કરીને કાકા અજય સિંહ હમીર સિંહને કેલવાડા સુધી લઇ ગયા. કારણ કે, અજય સિંહ જાણતો જ હતો કે ખીલજી હમીર સિંહને પણ જીવતા નહિ રહેવા દે…
રજપૂતો દ્વારા માતૃભુમી ચિત્તોડની રક્ષા ખાતર રાણા લક્ષા અને અરીસિંહના બલિદાન પછી ત્યાના લોકોએ અજય સિંહના નેતૃત્વમાં એક જૂથ થવાનું શરુ કરી દીધું હતું. અજય સિંહે ૧૩૨૦ સુધી એટલે કે જીવન પર્યંત, ગોરિલા પદ્ધતિએ દુશ્મન સામ્રાજ્ય પર આક્રમણ ચાલુ રાખ્યું હતું. જ્યારે અજય સિંહ મૃત્યુ પામ્યા ત્યારે સરદાર સમૂહે રાણા લક્ષાના મોટા દીકરા અરી સિંહના પુત્ર હમીર સિંહ પ્રથમને સિસોદિયા વંશનો રાજા અને મેવાડનો ઉત્તરાધિકારી નિયુક્ત કરી દીધો. જેમણે શાસન મેળવ્યા પછીથી જાલોર જિલાના માલદેવની દીકરી સાથે લગ્ન કર્યા. આ એ જ માલદેવ હતા, જે ત્યારે દિલ્લી સુલતાનના આધિપત્યમાં ચિત્તોડ પર શાસન ભોગવી રહ્યા હતા. હમીર સિંહ પ્રથમે પોતાના જ સસરાને હરાવીને, પોતાની માતૃભુમી પર ફરીથી પોતાનું શાસન જમાવી લીધું હતું.
હમીર સિંહ મેવાડના મહારાણાની પદવી ધારણ કરનારા પ્રથમ શાસક હતા. હકીકતમાં એમની બહાદુરીના કારણે જ સિસોદિયા વંશને મહારાણાનું પદ મળ્યું હતું. એમના પછી મહારાણા ખેતાએ અજમેર અને માંડલગઢને પણ મેવાડમાં ભેળવી દીધા હતા. મહારાણા લાખાએ દિલ્લી દ્વારા છીનવાયેલા ઘણા બધા પ્રદેશોને ધીરે ધીરે ફરી એકવાર જીતીને મેવાડ સામ્રાજ્યમાં જોડ્યા હતા. પોતાના સામ્રાજ્યના વિસ્તાર કરતા કરતા રણભુમીમાં જ મહારાણા લાખા માર્યા ગયા હતા. ૧૪૩૩માં જ્યારે મેવાડ પર મારવાડ રાજ્યે આક્રમણ કર્યું, ત્યારે આ વાતનો ફાયદો ઉઠાવીને સિસોદિયા વંશના ૪૬માં શાસક મહારાણા મોકલને એમના જ કાકાઓએ છેતરીને મારી નાખ્યા. મહારાણા મોકલના મૃત્યુ સમયે એમના પુત્ર રાણા કુંભાની આયુ હજુ માત્ર ૧૩ વર્ષની જ હતી. પણ તેમ છતાય ઇતિહાસના મુખ્ય વળાંકે જ્યારે મેવાડનું સિહાસન પોતાના રાજાને ઝંખતું હતું, ત્યારે એમને મેવાડી ઇતિહાસના સૌથી ઓછી આયુના મહારાણા બનાવી દીધા.
દિલ્લીના સુલતાન દ્વારા થતા સતત આક્રમણો છતાં પણ રાણા કુંભાએ ક્યારેય હાર ન સ્વીકારી. રાણા કુંભાએ પોતાના શાસન દરમિયાન મેવાડને હંમેશા બહારી આક્રમણોથી બચાવી રાખ્યા. મહારાણા કુંભા ઇતિહાસના એકમાત્ર અપરાજિત શાસક હતા. જે કોઈ પણ યુદ્ધ હાર્યા ન હતા. એમની વિજય પતાકા દરેક સંગ્રામમાં બેખૌફ લહેરાતી હતી. સતત સામ્રાજ્યમાં થતા વધારાને જોતા, એમણે પોતાના રાજ્યના વિજય ધ્વજને ચિત્તોડગઢ પર ૯ માળ અને ૩૭ મીટર ઉંચો સ્તંભ બાંધીને લહેરાવ્યો હતો. રાણા કુંભાએ પોતાના જીવનમાં રાજ્યની રક્ષા ખાતર કેટલાય યુધ્ધો લડ્યા હોવા છતાં, દરેક વખતે અપરાજિત રહ્યા. લોક કથાઓ તો એવું પણ કહે છે કે જ્યાં સુધી રાણા કુંભા સાથે તલવાર રહેતી, ત્યાં સુધી એમનો અંત કરવાની ક્ષમતા કોઈ જ દુશ્મનમાં ન હતી. છતાય એમના જ પુત્ર ઉદય સિંહ પ્રથમે (જેને ઇતિહાસમાં ઉદા સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે.) એમને મારી નાખ્યા. ( જો કે આ ઘટનાના પણ બે પ્રસંગો લોક વાયકામાં સાંભળવા મળે છે. એક કથા એવી છે કે એકલિંગજી મંદિરમાં શિવની આરાધના કરતી વખતે જ્યારે રાણા શિવલિંગ સામે જુક્યા ત્યારે જ એમનું મસ્તક છુપાઈને ઉભેલા ઉદા સિંહે ઉતારી લીધું. જ્યારે બીજી લોકવાયકા એવી પણ છે, કે અશક્તિના બહાના દ્વારા ઉદય સિંહ પ્રથમે રાણા કુંભાને છેતરીને દુર્ગ પર ઉભેલા રાણાને પાછળથી ધક્કો મારી દીધો હતો. આ બંને લોક વાયકાઓમાં વાસ્તવિક તથ્યનો મેળાપ જોવા મળે છે.). ત્યાર બાદ એણે પિતાની સત્તા સંભાળી લીધી. ઉદય સિંહ પ્રથમ એક ક્રૂર અને લાલચી શાસક હતો. પાછળથી જેને એના જ ભાઈ રાયમલ સિંહે મારી નાખ્યો. અને ૧૪૭૩માં રાયમલ સિંહ મેવાડના સિંહાસન પર આવ્યો.
રાણા રાયમલ સિંહના પુત્ર હતા રાણા સાંગા (એટલે કે રાણા સંગ્રામ સિંહ પ્રથમ). રાણા સાંગા અને રાયમલ સિંહના અન્ય પુત્રો વચ્ચે થયેલા આંતરિક મતભેદના કારણે રાણા સાંગા ચિત્તોડ છોડીને જતા રહ્યા હતા. ઘરના આંતરિક તાનાવોમાં રાણા રાયમલના અન્ય પુત્ર પૃથ્વીરાજ અને જયમલ પણ માર્યા ગયા. મેવાડી શાસનના એવા કઠીન સમયે રાણા રાયમલને એવી જાણકારી મળી, કે ચિત્તોડ છોડીને ચાલ્યા ગયેલા રાણા સાંગા હજુ જીવિત છે. આ માહિતી મળતા જ રાણા રાયમલે કોઈ પણ ભોગે રાણા સાંગાને મહેલમાં બોલાવી લીધા. રાણા સાંગાને મેવાડ સામ્રાજ્યના સીહાસનના ઉત્તરાધિકારી બનાવીને રાણા રાયમલ મૃત્યુ પામ્યા. રાણા સાંગાએ પોતાના શાસન દરમિયાન ૧૫૨૭માં ખાનાવા ક્ષેત્રના યુદ્ધમાં બાબરને પછાડી દીધો હતો.
રાણા સાંગા પછી રતન સિંહ (બીજા) મહારાણા બન્યા. જે ૧૫૩૧ના યુદ્ધમાં માર્યા ગયા, એટલે એમના ભાઈ વિક્રમાદિત્ય સિહે મેવાડની રિક્ત ગાદી સંભાળી લીધી. વિક્રમાદિત્ય સિંહ સિહાસન પર આરૂઢ થયા એના ૬ વર્ષ પછી એ પણ મૃત્યુ પામ્યા, ત્યારે એમના નાના ભાઈ મહારાણા ઉદય સિંહ (બીજા)એ મેવાડનું સિહાસન સંભાળ્યું. ઉદયસિંહ (બીજા)એ ઉદયપુરની સ્થાપના કરી. મહારાણા ઉદય સિંહની પણ ૧૫૭૨માં મૃત્યુ થઇ અને મહારાણા પ્રતાપ મેવાડના સીહાસન પર આવ્યા. મહારાણા ઉદયસિંહે અકબર સામેના યુદ્ધમાં ચિતોડ ગુમાવી દીધું (જો કે તેઓ યુદ્ધમાં હાર્યા ન હતા, પણ રાજ સભાના નિર્ણયો પ્રમાણે એમણે સલામત નીકળી જવા માટે સૂચન થયું હતું. જેથી કરીને યોગ્ય સમયે ફરી મુઘલ સેના સામે લડી શકાય.), અને ઉદયપુરને મેવાડની રાજધાની પ્રસ્થાપિત કરી. મહારાણા પ્રતાપનો સંઘર્ષ આજીવન ચિત્તોડ પાછું મેળવવામાં જ વીતતી ગયો. મહારાણા પ્રતાપ પોતાના અનેકો યુદ્ધો છતાં વિદેશી આક્રમણ કારી સામે ઝુક્યા ન હતા. એમના જીવનનું સુથી મુખ્ય યુદ્ધ હલ્દીઘાટીમાં ખેલાયું હતું. જે અનિર્ણાયક રહ્યું હતું, છતાં ચેતકની બહાદુરીએ ફરી મેવાડનું સપનું જીવંત રાખ્યું હતું. એમણે હલ્દીઘાટી યુદ્ધ પછી ૨૦ વર્ષ વનમાં રહીને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. ત્યાર બાદ એમના અંગત સલાહકાર ભામાશાહ દ્વારા મળેલ આર્થિક સહાય દ્વારા શૈન્ય એકત્ર કરીને, સમય સાથે એમણે ચિતોડ સિવાયનું મેવાડ પાછું પણ મેળવી લીધું હતું.
મહારાણા પ્રતાપના મૃત્યુ પછી એમના પુત્ર અમરસિંહ (પ્રથમ) સત્તા પર આવ્યા. અમરસિંહ પ્રથમે બાદશાહ જહાંગીર સામે અનેક યુદ્ધો લડ્યા. અમર સિંહે જ દેવારના યુદ્ધ દરમિયાન મુઘલ સામ્રાજ્યના સેનાપતિ સુલતાન ખાનને મારી નાખ્યો હતો. મુઘલ સત્તા સાથે અવારનવાર થતા યુદ્ધોમાં, એમના કેટલાય ગામો અને મંદિરો નાશ પામ્યા. શાહજહાએ અમર સિંહને ઝૂકાવવા માટે મેવાડની અસંખ્ય સ્ત્રીઓ અને બાળકોને અગવા કરી એમને મારી નાખવાની ધમકીઓ આપી. પોતાના રાજમાં લોકોની સલામતી માટે અમરસિંહ પ્રથમને અંતે મુઘલ સામ્રાજ્ય સાથે સંધી સ્વીકારવી પડી, જેમાં કેટલીયે શરતો પણ અમરસિંહ પ્રથમે મજબૂરી વશ માન્ય રાખવી પડી હતી.
૧૬૨૦માં અમરસિંહ પ્રથમની મૃત્યુ પછી એમના મોટા દીકરા કરણ સિંહ બીજાએ સિહાસન સંભાળ્યું. કરણ સિંહ બીજા પછી જગત સિંહ પ્રથમ મહારાણા બન્યા. ત્યાર બાદ સતત મેવાડના રજાઓ સમય અને બદલાતા સંજોગો પ્રમાણે બદલાતા રહ્યા. ઉદયપુર પ્રદેશના છેલ્લા શાસક મહારાણા ભગવત સિંહ હતા. મહારાણા ભગવત સિંહના પુત્ર મહારાણા અરવીંદ સિંહ સ્વતંત્ર ભારતમાં મેવાડી સામ્રાજ્યના પ્રથમ મહારાણા બન્યા.
ક્રમ | શાસનકાળ | વર્ષ | શાસક | શાસન પ્રદેશ |
૧ | ૧૩૨૬-૧૩૬૪ | ૩૮ | મહારાણા હમીર સિંહ પ્રથમ ( Maharana Hamir Singh I | महाराणा हम्मीर सिंह प्रथम ) | ચિત્તોડ |
૨ | ૧૩૬૪-૧૩૮૨ | ૧૮ | મહારાણા ખેતા ( Maharana Kheta | महाराणा खेता ) | ચિત્તોડ |
૩ | ૧૩૮૨-૧૪૨૧ | ૩૯ | મહારાણા લાખા ( Maharana Lakha | महाराणा लाखा ) | ચિત્તોડ |
૪ | ૧૪૨૧-૧૪૩૩ | ૧૨ | મહારાણા મોકલ ( Maharana Mokal | महाराणा मोकल ) | ચિત્તોડ |
૫ | ૧૪૩૩-૧૪૬૮ | ૩૫ | મહારાણા કુંભા ( Maharana Kumbha | महाराणा कुम्भा ) | ચિત્તોડ |
૬ | ૧૪૬૮-૧૪૭૩ | ૫ | મહારાણા ઉદય સિંહ પ્રથમ ( Maharana Udai Singh I | महाराणा उदय सिंह प्रथम ) | ચિત્તોડ |
૭ | ૧૪૭૩-૧૫૦૯ | ૩૬ | મહારાણા રાયમલ સિંહ (Maharana RaiMal Singh | महाराणा रायमल सिंह ) | ચિત્તોડ |
૮ | ૧૫૦૯-૧૫૨૮ | ૧૯ | મહારાણા સંગ્રામ સિંહ / રાણા સાંગા ( Maharana Sangram Singh I Rana Sanga | राणा सांगा ) | ચિત્તોડ |
૯ | ૧૫૨૮-૧૫૩૧ | ૩ | મહારાણા રતન સિંહ બીજા ( Maharana Ratan Singh II | महाराणा रतन सिंह द्वितीय ) | ચિત્તોડ |
૧૦ | ૧૫૩૧-૧૫૩૭ | ૬ | મહારાણા વિક્રમાદિત્ય સિંહ (Maharana Vikramaditya Singh | महाराणा विक्रमादित्य सिंह) | ચિત્તોડ |
૧૧ | ૧૫૩૭-૧૫૪૦ | ૩ | મહારાણા બંબીર સિંહ ( Maharana Banbir Singh | महाराणा बनबीरसिंह ) | ચિત્તોડ |
૧૨ | ૧૫૪૦-૧૫૬૮ | ૨૮ | મહારાણા ઉદય સિંહ દ્રિતીય ( Maharana Udai Singh II | महाराणा उदय सिंह द्वितीय ) | ચિત્તોડ |
૧૩ | ૧૫૬૮-૧૫૭૨ | ૪ | મહારાણા ઉદય સિંહ દ્રિતીય ( Maharana Udai Singh II | महाराणा उदय सिंह द्वितीय ) | ઉદયપુર |
૧૪ | ૧૫૭૨-૧૫૯૭ | ૨૫ | મહારાણા પ્રતાપ / મહારાણા પ્રતાપ સિંહ પ્રથમ ( Maharana Pratap Singh I | महाराणा प्रताप सिंह प्रथम ) | ઉદયપુર |
૧૫ | ૧૫૯૭-૧૬૨૦ | ૨૩ | મહારાણા અમર સિંહ પ્રથમ ( Maharana Amar Singh I | महाराणा अमर सिंह प्रथम ) | ઉદયપુર |
૧૬ | ૧૬૨૦-૧૬૨૮ | ૮ | મહારાણા કરણ સિંહ દ્રિતીય ( Maharana Karan Singh II |महाराणा करन सिंह द्वितीय ) | ઉદયપુર |
૧૭ | ૧૬૨૮-૧૬૫૨ | ૨૪ | મહારાણા જગત સિંહ ( Maharana Jagat Singh I | महाराणा जगत सिंह ) | ઉદયપુર |
૧૮ | ૧૬૫૨-૧૬૮૦ | ૨૮ | મહારાણા રાજ સિંહ પ્રથમ ( Maharana Raj Singh I | महाराणा राज सिंह प्रथम ) | ઉદયપુર |
૧૯ | ૧૬૮૦-૧૬૯૮ | ૧૮ | મહારાણા જય સિંહ ( Maharana Jai Singh | महाराणा जय सिंह ) | ઉદયપુર |
૨૦ | ૧૬૯૮-૧૭૧૦ | ૧૨ | મહારાણા અમર સિંહ દ્રિતીય ( Maharana Amar Singh II | महाराणा अमर सिंह द्वितीय ) | ઉદયપુર |
૨૧ | ૧૭૧૦-૧૭૩૪ | ૨૪ | મહારાણા સંગ્રામ સિંહ દ્રિતીય (Maharana Sangram Singh II | महाराणा संग्राम सिंह द्वितीय) | ઉદયપુર |
૨૨ | ૧૭૩૪-૧૭૫૧ | ૧૭ | મહારાણા જગત સિંહ દ્રિતીય ( Maharana Jagat Singh II | महाराणा जगत सिंह द्वितीय ) | ઉદયપુર |
૨૩ | ૧૭૫૧-૧૭૫૪ | ૩ | મહારાણા પ્રતાપ સિંહ દ્રિતીય ( Maharana Pratap Singh II | महाराणा प्रताप सिंह द्वितीय ) | ઉદયપુર |
૨૪ | ૧૭૫૪-૧૭૬૧ | ૭ | મહારાણા રાજ સિંહ દ્રિતીય ( Maharana Raj Singh II | महाराणा राज सिंह द्वितीय ) | ઉદયપુર |
૨૫ | ૧૭૬૧-૧૭૭૩ | ૧૨ | મહારાણા અરી સિંહ દ્રિતીય ( Maharana Ari Singh II | महाराणा अरी सिंह द्वितीय ) | ઉદયપુર |
૨૬ | ૧૭૭૩-૧૭૭૮ | ૫ | મહારાણા હમીર સિંહ દ્રિતીય ( Maharana Hamir Singh II | महाराणा हमीर सिंह द्वितीय ) | ઉદયપુર |
૨૭ | ૧૭૭૮-૧૮૨૮ | ૫૦ | મહારાણા ભીમ સિંહ ( Maharana Bhim Singh | महाराणा भीम सिंह ) | ઉદયપુર |
૨૮ | ૧૮૨૮-૧૮૩૮ | ૧૦ | મહારાણા જવાન સિંહ ( Maharana Jawan Singh | महाराणा जवान सिंह ) | ઉદયપુર |
૨૯ | ૧૮૩૮-૧૮૪૨ | ૪ | મહારાણા સરદાર સિંહ ( Maharana Sardar Singh | महाराणा सरदार सिंह ) | ઉદયપુર |
૩૦ | ૧૮૪૨-૧૮૬૧ | ૧૯ | મહારાણા સ્વરૂપ સિંહ ( Maharana Swarup Singh | महाराणा स्वरूप सिंह ) | ઉદયપુર |
૩૧ | ૧૮૬૧-૧૮૭૪ | ૧૩ | મહારાણા શંભુ સિંહ ( Maharana Shambhu Singh | महाराणा शम्भु सिंह ) | ઉદયપુર |
૩૨ | ૧૮૭૪-૧૮૮૪ | ૧૦ | મહારાણા સજ્જન સિંહ ( Maharana Sajjan Singh | महाराणा सज्जन सिंह ) | ઉદયપુર |
૩૩ | ૧૮૮૪-૧૯૩૦ | ૪૬ | મહારાણા ફતેહ સિંહ ( Maharana Fateh Singh | महाराणा फतेह सिंह ) | ઉદયપુર |
૩૪ | ૧૯૩૦-૧૯૫૬ | ૨૬ | મહારાણા ભોપાલ સિંહ ( Maharana Bhupal Singh | महाराणा भूपाल सिंह ) | ઉદયપુર |
૩૫ | ૧૯૫૬-૧૯૮૪ | ૨૮ | મહારાણા ભગવત સિંહ ( Maharana Bhagwat Singh | महाराणा भगवंत सिंह ) | ઉદયપુર |
૩૬ | ૧૯૮૪ પછી | કસ્ટડી | મહારાણા અરવીંદ સિંહ ( કસ્ટોડીયન ) (Maharana Arvind Singh | महाराणा अरविन्द सिंह ) | ઉદયપુર |
૩૭ | વર્તમાન | કસ્ટડી | લક્ષ્યરાજ સિંહ ( Lakshyraaj singh | लक्ष्यराज सिंह ) | ઉદયપુર |
સંકલન અને સુધાર – સુલતાન સિંહ ‘જીવન’
રેફરન્સ – વિકિપેડિયા, ગજબખબર, અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતી વેબપોર્ટલ્સ
નોધ – ઉપર દર્શાવેલી બધી જ માહિતી વિકિપીડિયા અને અન્ય રાજપૂત ઈતિહાસ દર્શાવતા ઓનલાઈન માધ્યમો દ્વારા મેળવીને દર્શાવવામાં આવી છે. આ માહિતી મેવાડ પ્રદેશ પર શાસિત રાજપૂતોના ઈતિહાસને દર્શાવે છે, પણ એમાં બદલાયેલા સ્વરૂપની લોકવાયકાઓના આધારે ફેરબદલ હોઈ શકે છે. જો આ માહિતીમાં તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો નીચે કમેન્ટ બોક્ષમાં આધાર સહીત સજેશન આપી શકો છો. જો આપના સુઝાવ વાસ્તવિક હશે તો એના આધારે બદલાવ કરી શકાશે.
Leave a Reply