પાંચ કે છ વર્ષ પહેલા કોન બનેગા કરોડપતિની પોલમપોલ એક ગુજરાતીએ ખોલી નાખી હતી. બન્યું એવુ કે તે કઈ સિસ્ટમથી અને કઈ રીતે તેના પ્રશ્નો ગોઠવે છે. કઈ રીતે પાંચમાં સવાલમાં B જ આવે અને આઠમાં સવાલમાં D જ આવે ! કોમ્પયુટરનો કેવી રીતે ખાસ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. આ તમામ વસ્તુ તેને ખબર પડી ગયેલી. પણ આ કોઈ એક વ્યક્તિ નહતો. આ તો ગુજરાતીનું વર્ષોથી ચાલતું એવુ સાયન્સ મેગેઝીન સફારી હતું. અત્યારે ઘરથી દૂર છું, બાકી તે અંક મારી પાસે સચવાયેલો પડ્યો છે. તેને વાંચીને થોડી વધારે માહિતી મળી શકેત. બાકી ઓલઓવર અમિતાભ બચ્ચન અને કોન બનેગા કરોડપતિ એક મનોરંજનનું જ સાધન છે. વુ વોન્ટસ ટુ બી મિલિયેનરની કોપી એવો આ શો બ્રિટિશરોના કરોડપતિ ફરજંદોમાં ચાલ્યો કે નહીં તેનો ખ્યાલ નથી, પરંતુ ભારતમાં તેના દિવાના લોકો છે. અમિતાભને જે પછડાટ મળેલી અને પછી 6 ફુટના આ લેજન્ડરી કલાકારની વળી ગયેલી કમરને સીધી કરવામાં કોન બનેગા કરોડપતિનો સૌથી મોટો હાથ છે.
આજે પણ શો શરૂ થાય એટલે તેનું સંગીત, પછી અમિતાભ બચ્ચન પેલા અંધારા ખૂણામાંથી આવે અને મસમોટી ટેગલાઈન બોલે, ‘દેવીયો ઓર સજ્જનો સ્વાગત હૈ આપકા ઈસ અદભૂત ખેલ મેં જીસકા નામ હૈ કોન બનેગા કરોડપતિ…’ ક્યો ભારતીય હશે જેને આ વસ્તુ યાદ નહીં હોય ?
2000માં શરૂ થયેલા આ શોનો પહેલો કરોડપતિ હતો હર્ષવર્ધન નવાઠે. આ માણસ કરોડપતિ બન્યો કે રાષ્ટ્રપતિ એ જ ખબર નહતી પડતી. આટલા રૂપિયાનું હર્ષવર્ધન કરશે શું ? તેની ડિબેટો થવા લાગેલી. એક બિઝનેસ ચેનલે તો હર્ષવર્ધનને સામે બેસાડ્યો અને તેની સાથે વાર્તાલાપ કર્યો કે તમે કેવી રીતે આ રૂપિયાનો ઊપયોગ કરી શકશો. થોડા સમય પહેલા આ શોની નવમી સિઝન આવવાની હતી ત્યારે હર્ષવર્ધન કોણ હતો અને અત્યારે શું કરે છે, તેની નાની એવી માહિતીનો પરપોટો પણ આપણી વેબસાઈટોએ મુકેલો. 2001માં બે લોકો લકી ડ્રો દ્વારા આવ્યા અને કરોડપતિ બન્યા. તેમનું નામ વિજય રાહુલ અને અરૂંધતી હતું. આ જ વર્ષે કરોડપતિએ એક નવી પહેલ કરી, જુનીયર કેબીસી પ્રેઝન્ટ કર્યું. બન્યું એવુ કે જ્યારે તેનો પહેલો અને છેલ્લો જૂનિયર વિનર રવિ મોહન જીત્યો તો બીજા બાળકોના માતા પિતા પાગલ થઈ ગયા. ‘આમ જોતો ખરી આવડોકડો છોકરો જીતી ગયો, અને આપણા છોકરા તો ઓટીવાર પેદા થયા છે.’
2011માં 6000 રૂપિયાના મહિને પગારદાર એવા મનરેગામાં કોમ્પયુટર એંજીનિયરનું કામ કરતા અને આઈએસ ઓફિસરનું સપનું જોતા બિહારના મોતીહારી જિલ્લાના સુશિલ કુમારની એન્ટ્રી થઈ. આ શોએ TRPની મા બેન એક કરી નાખેલી. 5 કરોડ રૂપિયા પ્રથમવાર દાવ પર લાગેલા અને જીત્યા પછી જે શરીરે પાણી છાંટવુ એ કેબીસીનો અત્યાર સુધીનો બેસ્ટ સીન બની ગયો. આ સાથે જ સુમીત કુમાર પણ જીતેલો પણ તેનો કોઈએ ભાવ નહતો પૂછ્યો. એક દાડો તો એવો પણ આવે કે કોઈ કન્ટેસ્ટન્ટ રૂપિયા જીતે તો નેશનલ મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ લાગી જાય.
તો ડબલ કન્ટેસ્ટન્ટ તરીકે અચિત અને સાર્થક નરૂલાએ પ્રથમવાર 7 કરોડ જીતેલા. ગણેશ શિંદે અને પ્રશાંત બત્તર આ એવા લોકો છે, જે એક કરોડ જીતી ગયા, પરંતુ વધારે મેળવવાની લાલસામાં સીધા 3 લાખે આવી ગયા. જે કેબીસીના ઈતિહાસના સૌથી મુર્ખ અને લૂઝર ખેલાડીઓ સાબિત થયા.
આ ઊપરની રામાયણ તો તમને ખબર હશે, પણ એ ખ્યાલ છે, કોન બનેગા કરોડપતિના નિયમો ધારાસભ્ય બનવાની લાયકાત માટે જોઈએ તેટલા મજબૂત છે. નંબર વન કન્ટેસ્ટન્ટની ઊંમર 18 વર્ષની હોવી જોઈએ. ભૂતકાળમાં તેણે કેબીસી રમેલું નહોવું જોઈએ. ભારતીય નાગરિક હોવો જોઈએ. પ્રથમ 6 પ્રશ્નો સુધી ટાઈમીંગ ક્લોક આવશે જેની મર્યાદા 45 સેકન્ડની રાખવામાં આવી છે. એ પછી કોઈ ટાઈમ લીમીટ નહીં આવે. થોડાક પડાવ પાર કરી નાખો પછી એટલા રૂપિયા તમે ઘરે લઈ જઈ શકો. પહેલા ત્રણ લાઈફ લાઈન મળતી. ફોન અ ફ્રેન્ડ, ફિફ્ટી-ફિફ્ટી, ઓડિયન્સ પોલ, તેમાં સમય જતા ચોથીનો ઊમેરો થયો. જેમાં તમને એક તજજ્ઞ જવાબ આપે અને તમે જીતી જાવ. હવે ફોન અ ફ્રેન્ડના દિવસો ગયા. તમારે મિત્રને સીધો વીડિયો કોલ જ કરવાનો. કારણ કે વિકાસ ગાંડો થયો છે ! આ વખતે જોડીદાર નામની નવી લાઈફલાઈન છે. જેમાં ઓડિયન્સમાં બેઠેલો તમારો પાર્ટનર આ સવાલનો જવાબ આપી શકે. હવે એ કાગળીયા દિવસો પણ ગયા જ્યારે અમિતાભ પોતાના હાથમાં ચેક લઈ સામેના વ્યક્તિને આપતો. અને સામેનો માણસ અહોભાવથી જુએ અને કમેરામાં મલકાય, હવે જેવા જીતો એટલે ચેક તમારા ખાતામાં ટ્રાન્સફર જ થાય. આ વખતે જેકપોટ પણ છે. સીધો તમને સાત કરોડનો જ સવાલ પૂછે, પણ લાઈફ લાઈન નહીં વાપરવાની. આના કરતા તો ધીમે ધીમે અમિતાભ સાથે વાતો કરીને ટાઈમ ન કાઢીએ ?
હવે ઘણા કેબીસીના ફેન્સ તો આજે પણ કરોડપતિની જ ટ્યૂન રાખતા હશે. આ ટ્યુન ક્રિએટ કરેલી કિથ સ્ટ્રેચને જેના દિકરા મેથ્યુ સ્ટ્રેચને આને કમ્પોઝીંગ દ્વારા નવુ રંગ રૂપ આપ્યું. આ બ્રિટિશરોમાં કિથ હજુ યાદ નહોય પરંતુ મેથ્યુ યાદ હશે, કારણ કે તેણે BBC રેડિયો પર આવતી વિશ્વયુદ્ધ શ્રેણીનું સંગીત આપેલું. જ્યારે સ્પર્ધકોને એક સવાલ લાઈનમાં ગોઠવવા માટે આપવામાં આવે ત્યારે વાગતું મ્યુઝીક. તે માણસ જીતી જાય પછી એનર્જીટીક લેવલે પહોંચતું સંગીત. કોમ્પયુટર બાબુ દ્વારા જવાબ આપવામાં આવે ત્યારે થતો મ્યુઝીકલ ધડાકો. આ બધી પેલા બ્રિટિશર બાપ-બેટાની કમાલ છે. બાપ એવા બેટા અને વડ એવા ટેટા !
અમિતાભ આજે રાતે પણ પોતાના અવાજમાં લોકપ્રિયતા મેળવવાના. અને શો ટીઆરપીમાં આવવાનો. સાસુ વહુની સિરીયલો ડબ્બાબંધ થઈ જવાની. કોમેડીના ઠુમકા મુર્ખાઓ જોવાના, પરંતુ અમિતાભના વોઈસમાં જે બીજી સિઝન વખતે ટેગલાઈન બોલવામાં આવતી તે અદભૂત હતી, ‘સ્વાગત હૈ આપકા ઈસ અદભૂત ખેલ મૈં જીસકા નામ હૈ કોન બનેગા કરોડપતિ દ્રિતિય…. લેટ્સ પ્લે…’
પણ મને તો સપના આવે છે કે, અમિતાભ મને કરોડપતિનો છેલ્લો પ્રશ્ન પૂછતો હોય, ‘ક્યા લગ રહા હૈ મયુરજી… સવાલ આસાન નહીં હૈ, મગર આપ કર સકતે હૈ, જેસે આપને આગે કે સવાલો કા જવાબ દીયા.’
અને હું કહું, ‘B’
‘કોન્ફિડેન્ટ હૈ આપ, વિશ્વાસ હૈ આપકો ? આપ કે પાસ અભી ભી મોકા હૈ આપ એક કરોડ રૂપે (જોરથી બોલે) ઘર લે જા સકતે હૈ.’
‘નહીં મેં ખેલના ચાહતા હું B કો તાલા લગાયા જાએ.’
બેકગ્રાઊન્ડમાંથી મેથ્યુ સ્ટ્રેચનું સંગીત વાગે અને અમિતાભ જોરથી બોલે, ‘યે ડન ઈટ….’
મયુર ખાવડુ
Leave a Reply