હવે GLFની મોસમ પૂરબહારમાં ખિલશે અને સાહિત્યપ્રેમીઓથી લઈને ભોજન પ્રેમીઓ પેલી મોજવાળી જગ્યાએ ભેગા થશે. સાહિત્યમાં આવા મેળાઓ થતા રહેવા જોઈએ. આ મેળો કોઈ સાધુ સંત માટે નથી, આમ છતા આ મેળામાં સાધુ લોકોની ભરમાર હશે ! અરે… પેલા કવિઓ… હાહાહાહા, પણ આ બધુ બાજુમાં મુકો આજે દુનિયાના સૌથી મોટા લિટરેચર ફેસ્ટિવલોની એક લટાર મારીએ. ક્યાં છે ? કેવા ભરાય છે ? કેવા પ્રકારનો ફેસ્ટિવલ થાય છે ? ટેક અ લુક
હેય ફેસ્ટિવલ :-
1988માં બિલ ક્લિન્ટનના હેન્ડસમ યુગ દરમિયાન આ મેળાની શરૂઆત થયેલી. અમેરિકામાં તેને વુડસ્ટોક ઓફ માઈન્ડના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે. મેના અંતમાં અને જૂનના શરૂઆતમાં પૂર્ણાહિતી કરતો આ મેળો 10 દિવસ માટે ભરાય છે. સૌથી મોટી ખાસિયત અંગ્રેજીની ચોપડીઓના ટ્રકો ઠલવાય અને લિટરેચર સેક્શન યોજાવા સિવાય સ્પેનને પણ પૂરતુ યોગદાન આપવું હોય તેમ લિટરેચર ફેસ્ટિવલમાં સ્પેનિશ પુસ્તકો પણ ઈંગ્લીશની માફક ઠેર ઠેર જોવા મળે. તો આ સાહિત્યક મેળાની શરૂઆત કેવી રીતે થઈ ? હે-ઓન-વે નામની જગ્યા પર રિચાર્ડ બુથ નામના એક વ્યક્તિએ 1962માં પહેલી ચોપડીઓની દુકાન ખોલેલી. તેનો મૂળ ઉદ્દેશ્ય આજુબાજુમાં પ્રાઈમરી સ્કૂલો હોવાના કારણે પુસ્તકો વેચાશે તેવો હતો. થોડા સમય પછી તેણે આ જગ્યાનું નામ બદલીને ટાઊન ઓફ બુકશોપ રાખી દીધુ. જેથી અહીં જેને જોઈએ અને જે જોઈએ તે કિતાબો મળતી થઈ જાય. પછી તો અમેરિકાને જ આ જગ્યામાં મૂડીરોકાણ દેખાતા, તેમણે આ જગ્યાને સાઉથમાં ખસેડી નાખી. ત્યાંની મેગેઝિનો ટાઈમ, ગાર્ડિયનમાં આની સ્ટોરીઓ છપાવા લાગી અને મેળાને કારણ વિનાની પબ્લિસિટી મળી ગઈ. કોઈ છોકરી રોજ તૈયાર થતી હોય તો નવી વાત નથી, પણ પ્રચાર કરવા માટે ચૂંટણી વિનાના દિવસે કોઈ માણસ નીકળે તો નવી વાત છે, આ થીમને ફોલો કરતા આ ફેસ્ટિવલને નામ આપી દીધુ અને મે થી જૂન વચ્ચે 10 દિવસ માટે આયોજનનું એલાન કરવામાં આવ્યું. પુસ્તકો સિવાય અહીં મ્યુઝિકલ ફેસ્ટિવલ થાય છે, ચિલ્ડ્રન લિટરેચર ફેસ્ટિવલ થાય છે, ફિલ્મના રિવ્યુ લખતા શીખવવામાં આવે છે. મસમોટા લેખકોના રાઈટીંગ વર્કશોપ યોજાય છે. ઉપરથી સાહિત્યકારોનું સન્માન કરવા એર્વોડ પણ એનાયત કરવામાં આવે છે. આ બધાની વચ્ચે આ જગ્યાની બિલ્ડીંગ આકર્ષણનું કેન્દ્ર છે. સોરી બિલ્ડીંગ નહીં તંબુ. ટેન્ટ. હેરી પોટર એન્ડ ધ ગોબ્લેટ ઓફ ફાયરમાં આવે છે, તેવો અહીં મુખ્ય રંગમંચનો તંબુ છે. હવે આ તંબુની લંબાઈ પહોળાઈનો મને ખ્યાલ નથી. પણ આવા ઘણા નાના તંબુઓની ત્યાં ભરમાર છે.
એડિનબર્ગ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ :-
સૌ પ્રથમવાર 1983માં ફેસ્ટિવલ યોજાયો. પછી આડેધડ ગધેડાની જેમ જ્યારે આવે ત્યારે યોજાતો. લોકો પણ ત્યાંની સ્થાનિક સરકારને ફરિયાદ કરતી, પણ રાજકારણીઓના પેટનું પાણી ન હલતું. એ લોકો આપણા રાજકારણીઓને શરમાવે તેવા હતા, મગર ફિર આયા હોગા કોઈ ફરિસ્તા. જેણે 1997થી આ ફેસ્ટિવલનું દર વર્ષે આયોજન કરવાનું વિચાર્યું. 2015માં તેના વિઝિટર્સની સંખ્યા બે લાખ પચ્ચીસ હજાર નોંધાઈ હતી. દેશ દુનિયામાંથી લોકોની વધતી જતી સંખ્યાના કારણે એડિનબર્ગ ફેસ્ટિવલ પર મહામહિમ યુનેસ્કોનું ધ્યાન ગયું, અને તેણે 2004માં એડિનબર્ગને સિટી ઓફ લિટરેચર ઘોષિત કરી દીધુ. હવે 2015ના આંકડા પ્રમાણે અહીં 800 લેખકોએ ભાગ લીધેલો. આ લેખકો 55 દેશના હતા. 17 દિવસ સુધી આ ફેસ્ટિવલ દર વર્ષે ચાલે છે. સાહિત્યના તમામ પ્રકારો પર લિટરેચરના દિગ્ગજો પોતાના અનુભવો વર્ણવે છે. પણ મને થાય કે અલ્યા ખાલી 800 લેખકોએ ભાગ લીધો ? અમારે તો અહીં કવિ જ 5000થી વધુ છે, તો આપણો મેળો મોટો કે નહીં ?
જયપુર લિટરેચર ફેસ્ટિવલ :-
તો અબ હમ આ ચૂકે હૈ પિન્ક સિટી જયપુર મૈં… ધ બાપ ઓફ ઓલ લિટરેચર ફેસ્ટિવલ ઈન ઈન્ડિયા. 2006માં જ્યારે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ ત્યારે તેમાં 18 લેખકોએ ભાગ લીઘેલો. તેમાં વિલિયમ ડેલરિમ્પલ પણ હતા. જેમણે લાસ્ટ મુગલ અને કોહિનૂર જેવી સુપરહિટ બુક્સ લખી છે. ભારત હોય અને વિવાદ ન થાય તેવું બને. 2012ના ફેસ્ટિવલને વધારે મોટો કરવા ત્યાંની ટીમે બુકર પ્રાઈઝ વિજેતા લેખકોને એક મંચ પર લાવવાનું નક્કી કર્યું અને એ યાદીમાં નામ હતું સલમાન રશ્દિનું. સલમાન રશ્દિના કારણે જયપુર લિટરેચર ફેસ્ટિવલ દુનિયાભરમાં જાણીતુ થઈ ગયું. ત્યાંસુધી કે ઈરાનમાં રશ્દિ વિરૂદ્ધ ફતવો પાડનારા લોકોએ કહ્યું કે, જો સલમાન રશ્દિ લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપશે તો અમે પણ બસની ટિકિટ કપાવીને ભારત આવી જઈએ છીએ. આ બધા પાછળનું કારણ સલમાનની વિવાદીત બુક શૈતાનિક વર્સિસ હતી. આખરે સલમાનને ખુરશી ન આપવામાં આવી એટલે બધા ખુશ પણ થયા અને સાહિત્યની આબરૂ પણ સચવાઈ ગઈ. 2009માં 12000 લેખકો અને વક્તાઓએ ભાગ લીધેલો. અને હવે દર વર્ષે સંખ્યામાં અને નવા લેખકોમાં વધારો થતો જાય છે. ઓરહાન પામુક અને કિરણ દેસાઈ વચ્ચે પ્રેમ હોવાની બોલિવુડ ગપશપ પણ અહીં જ જામેલી. તો ભારત સિનેમાના ક્ષેત્રે પણ હોલિવુડ બાદ બીજા નંબરનું હોવાના કારણે સિનેમાના મઠાધિપતિ લેખકો અને કવિઓ આ ફેસ્ટિવલને અન્ય ફેસ્ટિવલ કરતા મોટો સાબિત કરી બતાવે છે.
સિડની લિટરેચર ફેસ્ટિલ :-
આ ફેસ્ટિવલે પેલી પંક્તિ સાચી ઠેરવી. ભીખારીઓ ઠેર ઠેર છે !!! 1997માં પ્રથમવાર યોજાયો ત્યારે 169 લેખકોએ ભાગ લીધેલો. પણ તેમને સાંભળવા માલેતુજાર લોકો જ જાય, કારણ કે સાહિત્ય દ્વારા રોકડુ કરવા આ લોકોએ પૈસાને અગ્રિમતા આપેલી. એમને એમ કે ગુજરાતની માફક અહીં પણ લેખકોની કમી નથી, પણ દર વર્ષે 300 લોકોના વધારા સિવાય કશુ નવું થતુ ન હતું. અને આપને જણાવી દઉં કે સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટુ અને સાહિત્યપ્રેમી સિટી હોવા છતા આ ફેસ્ટિવલમાં કબૂતર પણ ફરકતુ ન હતું. 2007માં કમિટિએ એક નિર્ણય લીધો. આ વર્ષનો ફેસ્ટિલ ફ્રી-ઓફ. અને 80,000ની મારી જેમ મફતળી જનતા તૂટી પડી. અગાઉના તમામ રેકોર્ડ બ્રેક થઈ ગયા. તો ત્યાં હાજર રહેલા લેખકો ઓટોગ્રાફ આપી આપીને થાકી ગયા. બીજા બધા સાહિત્યક ઉત્સવો કરતા આ ફેસ્ટિવલની સૌથી મોટી ખાસિયત તેની મફતની જનતા નથી, પણ તેમનો ઈન્ટરનેશનલ રાઈટર છે. સિડની લિટરેચર ફેસ્ટિવલને સિડની રાઈટર્સ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરિણામે અહીં જે દુનિયાભરમાં પોતાની ક્લાસિકકૃતિઓ માટે ફેમસ હોય તેવા રાઈટરને આમંત્રણ પાઠવવામાં આવે. આ ફેસ્ટિવલનું નામ પડે એટલે રાઈટરશ્રી કુમકુમના પગલા પાડવા પહોંચી જ જાય. ઉપરથી ત્રણ પ્રકારની રાઈટર કેટેગરી છે. એક આ ઈન્ટરનેશનલ, બીજા લોકલ અને ત્રીજા ક્લોઝીંગ સેરેમનીમાં, પણ ક્લોઝીંગ 2011થી શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે ઓસ્ટ્રેલિયા સ્ટાર્ટીંગમાં માને છે, ક્લોઝીંગમાં નહીં !
મીઆમી બુકફેર ઈન્ટરનેશનલ :-
હવે મને જય વસાવડાની જેમ લખવાનું મન થાય છે, ઓહોહો… કોલેજની બહાર મસમોટુ મેદાન એમાં અમેરિકાની હુસ્ન પરિઓ સાથે લિટરેચરની વાતો કરવી એટલે સાક્ષાત સ્વર્ગ ભોગવવાનો વારો આવે. પણ મયુરની જેમ કહું તો મીઆમી ડેડ કોલેજની બહાર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અહીં 300 જેટલા લેખકોના એક્ઝિબિશનો યોજાય છે. અનુવાદકોનો પણ અલગ સેક્શન દર વર્ષે હોય છે. 1984માં મીઆમી ડેડ કોલેજ દ્વારા જ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું. આ ફેસ્ટિવલની હેય ફેસ્ટિવલની માફક કોઈ તંબુવાળી જગ્યા નથી. આ સ્ટ્રીટમાં યોજાય છે. ઉપરથી હવાની ઠંડી લહેરખીઓના કારણે સરકારને એસીનો ખર્ચો પણ બચી જાય છે. મીઆમી કેવુ છે ? એ લલિત ખંભાયતા પ્રવાસ કરી આવ્યા એટલે એમને પૂછી લેવું. ત્યારે લિટરેચર ફેસ્ટિવલ તો ત્યાં ન હતો, પણ ત્યાં હોય તો કેવો હોય તેની કલ્પનાતિત માહિતી તમને આપી શકશે. 8 મીડિયા પાર્ટનર, મીઆમીના મ્યુઝિયમો સહિત ફ્લોરિડા સેન્ટ્રલ ધ લિટરેચર ઓફ આર્ટસ પણ તેનું સ્પોન્સર બન્યું છે. 9 પ્રકારની સાહિત્યક ઈવેન્ટો હોય છે. એક ઓર રેકોર્ડ કે મુતાબિક પતા ચલા હૈ કી યહાં પર જબ ભી ફેસ્ટિવલ હોતા હૈ મીંયા મયુર અગલે સાલ કા રિકોર્ડ તુટ જાતા હૈ.
ઈસ્તાંબુલ બુક ફેર :-
અલ હબીબી…. આ પહેલા આપણે મીઆમીના દરિયા કિનારે હતા, હવે રેતાળ જમીન પર આવી જઈએ. આ ફેસ્ટિવલ તો હમણાં જ ગયો. 4 નવેમ્બરથી 12 નવેમ્બર આમ 9 દિવસ માટે તેનું આયોજન કરવામાં આવે છે. પબ્લિશર, રાઈટર, એડિટર અને રિડર આમ બધા ‘‘ર’’ જાતીના લોકો અહીં ભેગા થાય છે. રાઈટરોએ સીધુ ત્યાં પબ્લિશરોને મળી લેવું. અત્યારસુધી આવા 36 ફેસ્ટિવલો યોજાઈ ચુક્યા છે, આ વખતનો ગણીને….
બર્લિન લિટરેચર ફેસ્ટિવલ :-
ઈસ્તાંબુલની નાની એવી સફર બાદ હવે જર્મનીની રાજધાની બર્લીનમાં આંટો મારી આવીએ. 2001માં ઉર્લિચ સ્કેલીબરે આ ફેસ્ટિવલની શરૂઆત કરેલી. જેનો મૂળ ધંધો એન્જિનિયરીંગ અને જર્મનીના સાંસ્કૃતિક કાર્યક્રમ સંભાળવાનો હતો. હવે આ દુનિયાનો એક એવો ફેસ્ટિવલ છે જ્યાં ખાલી કવિતાઓને જ મહત્વ આપવામાં આવે છે. આમ તો બીજા તમામ સાહિત્યક પ્રકારોને આમંત્રણ છે, પણ કવિતા પ્રત્યે ભારોભાર અને સૌથી વધારે લગાવ છે. હવે આ ફેસ્ટિવલનું એક રહસ્ય કહું. તમે ગુજરાતના ચહિતા અને માનીતા લેખક છો, અને તમારે બર્લિન ફેસ્ટિવલમાં જવાનું થયું. ત્યાં ખબર પડી કે ભારતના ગુજરાત જેવા વિસ્તારમાંથી એક લેખક આવ્યા છે, તો તાત્કાલિક એ લોકો તમારા માટે ગુજરાતી ટુ જર્મની સમજતા અનુવાદકની વ્યવસ્થા કરશે. પછી તમારે ગુજરાતીમાં વક્તવ્ય આપવાનું અને પેલો ભાઈ જર્મનીમાં અનુવાદ કરી લોકોને સંભળાવે. સાહિત્યની આટલી કિંમત છે જર્મનીને ! અને આપણે હજુ હિટલરની આત્મકથા મારો સંઘર્ષ કેટલી મોંઘી છે એમાં જ પડ્યા છીએ.
~ મયુર ખાવડુ
Leave a Reply