આજે પ્રિય લેખક વિનોદ ભટ્ટને ૮૦મું બેઠું. આમ તો દર વર્ષે એમનાં જન્મદિવસે શુભેચ્છા આપવા માટે સ્નેહીજનો- વાચકમિત્રો રૂબરૂ મુલાકાત માટે જતાં હોય છે. છેલ્લાં થોડાં સમયથી એમની તબિયત નાદુરસ્ત રહે છે. એટલે વિનોદ ભટ્ટને મળી શકાયું નહોતું. જન્મદિવસે મળવા આવવું છે એવો ફોન કરું કે કેમ એની અવઢવમાં હતો. વિશાલ પટેલને પૂછ્યું. વિશાલ કહે કે જો ફોન કરશો તો તેઓ કદાચ ના પણ કહે એટલે એમનેમ પહોંચી જવું યોગ્ય રહેશે. વિશાલ તો શરદી-સળેખમને લીધે આવી શકે તેમ નહોતો. જય મહેતા અને પાર્થ દવે – આ બે મિત્રો જોડે ફોન પર વાત થઇ. જય મહેતાની હા આવી ગઈ. પાર્થથી આવી શકાય તેમ નહોતું. મારે ઘર નજીક આવેલાં જયમંગલ બી.આર.ટી.એસથી જવું એવું ઠેરવ્યું. સમય નક્કી કર્યો સવારનાં નવ.
સવારે જય રસ્તામાં હતો ત્યારે અચાનક મારી પર લલિત ખંભાયતાનો મેસેજ વ્હોટ્સએપમાં ઝળક્યો: ચાલો, વિનોદ ભટ્ટને ઘરે. મેં લખ્યું, “જાઉં જ છું. જય મહેતા જોડે.” એમણે કહ્યું, “વેઈટ કરો. હું પણ આવું છું.” અને મને શું ખબર કે અહીંથી બધી ગરબડ શરુ થશે. એ ગરબડની વાત હમણાં આગળ આવશે. મયૂરને પણ પૂછ્યું, “આવીશ કે?”. જોકે મયૂરે અગાઉની મુલાકાત વખતે જ કહેલું કે તહેવારનાં દિવસે અમારે ટી.વી. વાળાને વધુ દોડધામ હોય. સેલીબ્રીટીઓની સ્ટુડીયો મુલાકાતો ને એવું બધું. ને એવું જ થયું. મયૂરે દુઃખ સાથે નનૈયો ભણ્યો. જય આવ્યો અને સાથે દર્શિતા પણ. અમે તો ઉપડ્યા.
બી.આર.ટી.એસ.ની મજા માણતા બેઠા ન બેઠાં ત્યાં લલિતભાઈનો ફોન. મેં તો સ્વાભાવિકપણે જ “હલો…” કહ્યું. પણ મને ક્યાં ખબર હતી કે લલિતભાઈ સાચમસાચ હાલી ગયા હશે! વાત એવી બની કે લલિતભાઈ પહોંચી ગયેલાં મારે ઘરે અને અમે તો અહીં બસમાં… એમણે તો એવું કહેલું કે મારી રાહ જોજો. મને એમ કે ત્યાં દાદાને ઘરે રાહ જોવાની હશે. અમે મિત્રો અગાઉ પણ આ રીતે દાદાને મળવા જઈએ તો પોતપોતાની રીતે જ પહોંચી જતાં હતા. પછી સોસાયટી બહાર ઉભાં રહીને બાકીનાં મિત્રોના આગમનની પ્રતીક્ષા કરીએ અને બધાં આવી જાય એટલે એકસાથે પ્રવેશ કરીએ. લલિતભાઈનાં આ ‘રાહ જોજો’માં તો ખરેખર ભારે મિસકમ્યુનિકેશન થઇ ગયું! જગતમાં મિસકમ્યુનિકેશનનાં પરિણામો ભયાનક આવેલાં છે. સૌથી પ્રસ્તુત ઉદાહરણ તો જાપાનનાં વડાપ્રધાન સુઝુકી ક્ન્તારોનાં શબ્દો ‘મોકુસાત્સુ’નું છે. આ શબ્દોનું મહાસત્તાઓ દ્વારા કરવામાં આવેલું અન્-અર્થઘટન બીજાં વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાનનાં બે શહેરો હિરોશીમા-નાગાસાકી પર તબાહીનાં મશરૂમી વાદળો નોતરી લાવ્યું હતું. લલિતભાઈ મારી શું તબાહી સર્જી નાખશે એ વિચારે એ.સી. બસમાં પણ મને કંપારી છૂટી ગઈ! મારી અમદાવાદી બુદ્ધિને આ કટોકટીનો ‘લે બોધું ને કર સીધું’ જેવો એક જ ઈલાજ હાથવગો લાગ્યો. એટલે કહ્યું, “બસ પકડી લો મણીનગરની!”
લલિતભાઈને મણીનગરની બસ પકડાવી હું જયને અહમદશાહ બાદશાહે માણેકનાથ બાવાને કેમ પકડયા એની વાત અભિનય સાથે કરવાં માંડ્યો. માણેકનાથ બાવો બડો ડામીસ. અહમદશાહનાં કડિયા દિવસભર કાળી મજૂરી કરીને અમદાવાદનો કોટ ચણે ત્યારે બાવો સાદડી વણતો બેઠો હોય… સાંજ પડે ને સાદડીનો ધાગો ચરરર દઈને ખેંચી કાઢે ને કોટ કડડભૂસ! આવું રોજેરોજ થાય એટલે બાદશાહ પડ્યો ચિંતામાં કે આ બાવાને કેમનો જેર કરવો. પણ બાદશાહ પણ હતો બડો અક્કલવાન. એને ખબર કે સામ-દામ-દંડ-ભેદથી દુનિયામાં કોઇપણ કામ થઇ શકે. એ ગયો બાવા પાસે. બાવો પોતે જ પોતાની પી.આર. એજન્સી હતો. એણે કહ્યું, “ઓ બાદશાહ, તું મારી શક્તિઓ અંગે શું ધારે છે? હું ધારું તો આ કાચની બાટલીમાં ય હમણાં ઘૂસી જાઉં!” બાદશાહ જાણે આ જ તકની રાહ જોતાં હોય તેમ એમણે કહ્યું, “ હું એમ ન્ માનું. તમે આમાં ઘૂસી બતાવો.” ને માણેકબાવો તો ઝ્પ કરતોક બાટલીમાં ઘૂસી ગયો. બાદશાહ ય માથાનો હતો. એણે નજીક પડેલો બૂચ ઉઠાવી બાટલીને મોઢે સખ્તાઈથી મારી દીધો. બાવો તો થયો બાટલીમાં બંધ! બાદશાહને કહ્યું, “ મને બહાર કાઢ.” બાદશાહ કહે, “ એક શરતે. તું મને કોટ બાંધવા દઈશ.” અહીં બાટલીમાં ગૂંગળાતા બાવાએ કહ્યું, “હા ભાઈ…તું તારે બાંધ્યા કરજે કોટ…પણ મને અહીંથી કાઢ બહાર.” ને બાદશાહે ફટ દેતાક બૂચ ખોલ્યો ને બાવો બહાર… ત્યારબાદ બાદશાહનાં કડીયાઓને કોઈ કનડગત થઇ નહીં અને કોટ ચણાઈ રહેવાથી કિલ્લા અને નગરની સુરક્ષા સુનિશ્ચિત થઇ. બાદશાહ પણ કંઈ અહેસાન-ફરામોશ નહોતો. એણે ય આ માણેકબાવાની યાદમાં આજે જ્યાં એલીસબ્રીજનો છેડો પડે છે ત્યાં માણેકબુરજ બનાવ્યો… આ દંતકથા કેટલાંક રહસ્યો ઉભાં કરે છે – જેમકે, નદી કિનારે એ જમાનામાં ય લોકો ‘બાટલીઓ’ નાખવા જેવી પ્રવૃત્તિ કરતા હશે? આમ તો બાવાઓ જ શાસકો સહીત સામાન્ય લોકોને બાટલીમાં ઉતારતા હોય છે પણ એ જમાનામાં શાસકો બાવાઓને બાટલીમાં ઉતારી શકતાં હશે અથવા એમ કરવાની હિંમત દાખવી શકતાં હશે? બાટલીનો બૂચ ‘ઇસરો’નાં વૈજ્ઞાનિક જેવાં કોઈ ધુરંધર બૂચ-શાસ્ત્રીએ બનાવ્યો હશે કે જે બાવા માટે ‘મેજીક-પ્રૂફ’ રહ્યો હશે? હશે તો હશે…કોણ જોવાં ગયું હતું? સફરમેં બાતોં કા મજા લીજીયે! વાત થોડી લાંબી લાગી? પણ જયમંગલથી કાંકરિયાની બસમાં સફર પૂરો પોણો કલાક લે એટલે અહમદશાહની આ વાત પણ જરા લાં…બી હોવી જોઈએ ને?
લલિતભાઈ બસ પકડીને આવતાં થયા ત્યાં તો અમે કાંકરિયા ઉતરીને ચાલતા થયા! અપ્સરા-આરાધના થીયેટર પાસેથી ચાલતા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ફરતે મારી એક રાઉન્ડ, વેદમંદિર વાળી ગલીમાં પ્રવેશ્યા. ગલીને નાકે જયને હનુમાનજી ભેટી ગયાં. અહીં કોઈએ ઘરનાં કોટની બહાર હનુમાનજીની તસ્વીર મૂકી હતી. જય હનુમાનજીમાં ઘણી શ્રધ્ધા રાખે. અગાઉ ગુજરીમાં ગયેલાં ત્યારે પણ માણેકબુરજ આગળ નાની દેરી મળી આવેલી. એણે દર્શન કર્યા પછી આગળ પારસી કોલોનીનાં ભવ્ય મેન્શન જોતાં જોતાં ગલીને નાકે પહોંચ્યા. સામે જ ધર્મયુગ સોસાયટી દેખાય એ રીતે ઉભાં રહ્યાં. લલિતભાઈ વેદમંદિર સુધી તો રીક્ષામાં બરોબર આવ્યા પણ પછી ધર્મયુગનું એડ્રેસ રીક્ષાવાળાને મળ્યું નહિ. એટલે રીક્ષાવાળા ભાઈ તો ગોટે ચડાવવા માંડ્યા. હવે? સ્વામી દયાનંદે તો ‘વેદો તરફ પાછાં વળો’ કહ્યું હતું… મેં લલિતભાઈને ‘વેદમંદિર તરફ પાછાં વળો’ કહ્યું! રોષે ભરાયેલા લલિતભાઈએ કહ્યું, “ હવે તમે ત્યાં ન મળ્યાં તો હું ઘરે જ પાછો જતો રહીશ… અમદાવાદી લુચ્ચાઈ આચરો છો!” અરે રામ! હું અમદાવાદી ખરો પણ લુચ્ચાઈ? એ તો ધોળે ધર્મેય ન ખપે! ગેરસમજૂતીની આજે તો પરંપરા સર્જાઈ ગઈ! વેદમંદિર આગળ રીક્ષા આવીને ઉભી રહી. લલિતભાઈ ઉતર્યા એટલે હાશકારો થયો. લલિતભાઈને ખરેખર આજે થઇ ગયું હશે કે એકસમયે દાઉદ કે વિજય માલ્યાને પકડવો સહેલો છે પણ આ ઈશાનને પકડવો તો તૌબા તૌબા!
ધર્મયુગ સોસાયટીમાં દાદાનું ઘર. પહોંચ્યા ત્યારે રતિલાલ બોરીસાગર અને નિરંજન ત્રિવેદી પણ ત્યાં બેઠાં હતા. વિનોદ દાદાને પ્રણામ કીધાં અને પ્રાંગણમાં બિછાવેલી ખુરશીઓ પર બેઠાં. સૌ દાદાનાં ખબરઅંતર પૂછી રહ્યાં હતા અને દાદાને ફોન પર પણ વાચકો-ચાહકો તરફથી અઢળક શુભેચ્છાઓ મળી રહી હતી. રતિદાદાએ સાહજીકપણે જ તેઓ સંબોધન કરતા હોય છે એવું ‘ઈશાનકુમાર’ જેવું મીઠું સંબોધન કર્યું અને પછી ટકોર પણ કરી. નાદુરસ્ત તબિયતને લીધે દાદાનાં અવાજમાં મીઠાશ તો હતી પણ પેલો પરિચિત રણકો આજે ગાયબ હતો. અવાજ પણ ઘણો તરડાતો હતો. અમે જોઈ શકતાં હતા કે દાદા કેથેટર પર છે. એમનાં ધર્મપત્ની નલિનીજીએ કહ્યું કે દાદાને તો ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ કરેલાં, ડાયાલીસીસ કરાવવું પડેલું અને આ ઉતરાયણ જોઈ શકશે કે કેમ એ…
બસ…બસ…દાદાને આપણે હસતાં અને હસાવતા જોયા છે… આંખમાં પાણી આવી જાય તો પણ હાસ્યને કારણે જ…આજે પણ જુઓને એમણે એલિસબ્રીજ વિષે લખેલાં હાસ્યલેખમાં વર્તમાન નીંભર શાસનતંત્રને કેવી સહજતાથી સટાકો માર્યો છે: ‘એટલે પછી એલિસબ્રીજની છાતી પર વિવેકાનંદ પુલ ઉભો થયો. આ નવો પુલ બાંધવાનો ખર્ચ ૧૮ કરોડ રૂપિયા થયો અને એનું લોકાર્પણ થતાં પહેલાં તે તૂટી ન્ પડે એ માટે તેનો રૂપિયા પાંચ કરોડનો વીમો લેવામાં આવેલો. એનું કારણ એ હશે કે આ નવાં પુલનું નામ વિવેકાનંદ પુલ રાખેલું – સ્વામી વિવેકાનંદનું આયુષ્ય કેટલું ટૂંકું હતું!’ વિનોદ ભટ્ટ શા માટે ‘ધ વિનોદ ભટ્ટ’ છે તે આટલું વાંચતા સમજાઈ જાય છે…
જયે દર્શિતાનો પરિચય વિનોદ ભટ્ટને કરાવ્યો પછી નાટકીય ઢબે ગમ્મતમાં કહ્યું કે “દાદા, આ દર્શિતા પહેલાં તો અશ્વિની ભટ્ટને વાંચતી, પછી ધ્રુવ ભટ્ટને એણે વાંચ્યા, અને હવે વિનોદ ભટ્ટને વાંચી રહી છે… જો આ સીલસીલો ચાલુ રહેશે તો આગળ શું તે XX ભટ્ટને વાંચશે?” દાદાએ પણ હળવાશથી જવાબ આપ્યો: “ના…એમનું તો એમની પત્ની પણ વાંચતી નથી!”
પછી જયે દાદાનાં પુસ્તક પર ઓટોગ્રાફ માંગતા કહ્યું, “કંઇક લખી આપો…” અને દાદાએ એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું, “કંઇક લખી આપો? અરે, આટલું આખું પુસ્તક તો લખ્યું છે!” અને અમે બધાં હસી પડ્યા. પછી દાદાએ પ્રેમથી ‘જય અને દર્શિતાને શુભેચ્છાઓ’ એવું લખી આપ્યું. અમે જોયું કે આટલું લખતાં પણ દાદાને ઘણું કષ્ટ પડ્યું હતું. થોડીવારે લોકગાયક અરવિંદ બારોટ અને ભીખેશ ભટ્ટ ગોઠવાયા. ભીખેશભાઈએ બીજાં મિત્રો અંગે પૃચ્છા કરી. રમેશ તન્ના એમનાં પુત્ર આલાપ સાથે આવ્યા. હવે અમારે દાદાની રજા લેવી જોઈએ જેથી દાદા અન્ય સ્નેહી-શુભેચ્છકોને સમય આપી શકે. દાદાને પ્રણામ કરીને અમે આ મીઠી યાદોને સ્મૃતિમાં ભરી વિદાય લીધી…
ને આ લલિતભાઈ મારી પરનો ખાર કેમનો ઉતારે છે એ હવે જોવું રહ્યું!
~ મયુર ખાવડુ
Leave a Reply