Sun-Temple-Baanner

ગ્રોઇંગ કિડ… ગ્રોઇંગ પેરેન્ટસ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગ્રોઇંગ કિડ… ગ્રોઇંગ પેરેન્ટસ


ગ્રોઇંગ કિડ… ગ્રોઇંગ પેરેન્ટસ

ચિત્રલેખા અંક તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૧

કોલમ – વાંચવા જેવું

ચંદ્રકાંત બક્ષીએ એક જગ્યાએ લખ્યું છે કે સંતાનનો જન્મ થાય ત્યારે તેની સાથે સાથે એક મા અને બાપનો જન્મ પણ થતો હોય છે. કેટલી સાચી વાત. કરીઅર કે અન્ય કામકાજમાં હોશિયાર ગણાતાં પતિપત્નીને સંતાન અવતરે ત્યારે સમજાતું હોય છે કે બાળઉછેરની બાબતમાં પોતે શિશુ જેટલાં જ બિનઅનુભવી અને કાચાં છે. પણ સંતાનના જન્મ પછી નવજાત માબાપ પણ સાથે સાથે ઉછરે અને મોટાં થાય! બાળઉછેર વિશેનું જ્ઞાન તો જેટલું મળે એટલું ઓછું.

ર્ડો. સતીશ પટેલ લિખિત આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું લોકભોગ્ય વિજ્ઞાનની કેટગરીમાં પ્રથમ પારિતોષિક મળી ચૂક્યું છે. લેખક સ્વયં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ છે એટલે તેમની વાતોમાં સતત અધિકૃત વજન વર્તાય છે. તેમણે આયુર્વેદ અને શાસ્ત્રોને પણ સ્પર્શીને પુસ્તકને બહુપરિમાણી બનાવ્યું છે. જેમ કે, પુસંવન સંસ્કારની વાત. લેખક નોંધે છે કે હિન્દુ શાસ્ત્રોમાં માનવજીવનની જુદી જુદી અવસ્થાઓને લગતા સોળ સંસ્કારો સૂચવવામાં આવ્યા છે. તેમાંના પુસંવન સંસ્કાર ગર્ભસ્થ શિશુમાં શ્રેષ્ઠ સંસ્કારોના સિંચન અને તેના સર્વાંગી વિકાસ માટે ગર્ભવતી સ્ત્રી પર કરવામાં આવે છે. વડની કુમળી વડવાઈઓના ટુકડા, ગળો અને પીપળની કૂંપણોને પાણીમાં લસોટી ઔષધી તૈયાર કરવામાં આવે. તે ઔષધી ભરેલું પાત્ર ગર્ભવતી સ્ત્રી શ્રદ્ધાપૂર્વક પોતાના નાક પાસે લઈ જાય અને ઊંડા શ્વાસ લઈ તેની સુગંધને માણે. તે દરમિયાન બ્રાહ્મણો યજુર્વેદની ઋચાઓનો મંત્રોચ્ચાર કરતા જાય. આ વિધિને ‘ઔષધી અવઘ્રાણ’ કહે છે. મંત્રોચ્ચાર સાથે ઔષધીને સુંઘવાની ચેષ્ટાથી ઔષધીઓમાં સામેલ શ્રેષ્ઠ ગુણોનું ગર્ભસ્થ બાળકમાં સંસ્કાર રૂપે સિંચન થાય છે એવી શ્રદ્ધા સેવવામાં આવે છે.

ગર્ભાવસ્થાનો તબક્કો આશરે ૨૮૦ દિવસ સુધી વિસ્તરે છે. લેખક સ્પષ્ટપણે કહે છે કે સગર્ભા બહેનોએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં. ટેટ્રાસાયક્લીન જેવી દવાને જીવનરક્ષક દવાનો ખિતાબ આપવામાં આવ્યો છે, પણ આ દવા ગર્ભમાં પાંગરતા બાળક માટે પીળું ઝેર સાબિત થાય છે. દાયકાઓ પહેલાં પશ્ચિમના દેશોમાં સગર્ભાઓને થેલીમાઈડ નામની દવા આપવામાં આવી હતી અને તેમને હાથપગ વગરના વિકૃત બાળકો પેદાં થયાં હતાં. તબીબી વિજ્ઞાનના ઈતિહાસમાં આ દવા કલંક સમાન ગણાઈ છે.

જન્મ સમયે અઢી કિલો કરતાં ઓછું વજન ધરાવતું શિશુ લો-બર્થ વેઈટ બેબી ગણાય છે. ૯૦ ટકા લોબર્થ વેઈટ બેબીના મગજના વિકાસમાં કોઈ ત્રુટિ રહેતી નથી, પણ બાકીના દસેક ટકા બાળકો મંદબુદ્ધિમત્તાનો ભોગ બને છે. આપણે ત્યાં બાળકને ગળથૂથી પાવાનું ઘણું મહાત્મ્ય છે. ગળથૂથી એટલે બાળકને આપવામાં આવતું પ્રથમ પ્રવાહી. સંસ્કૃત શબ્દ ‘ગૃહગોધિકા’ પરથી ગળથૂથી શબ્દ અવતર્યો છે. ગળ એટલે ગોળ અને થૂથી એટલે પૂમડું. પૂમડાં વડે ગોળનું પાણી પીવડાવાય, તે ગળથૂથી. એલોપેથીના તબીબો જોકે આ વિધિનો વિરોધ કરે છે. તેમનું માનવું છે કે ગોળના ઘટ્ટ દ્રાવણની ચિકાશ બાળકના ગળામાં ચોંટી જઈ શ્વાસ લેવામાં અડચણ ઊભી કરે છે. અને ગંદા રૂના પૂમડામાં બેકટેરિયા છૂપાયેલા હોય તો તે બાળકનાં આંતરડાંમાં પહોંચી ગરબડ ઊભી કરી શકે છે!

એક વર્ષના બાળકને ચોવીસ કલાક દરમિયાન દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ૧,૦૦૦ કેલરી જેટલી શક્તિની જરૂર પડે છે. ત્યાર બાદ દર વર્ષે વધારાની ૧૦૦ કેલરીની જરૂર પડતી રહે છે. પુખ્ત પુરુષને રોજની ૨૪૦૦ કેલરી અને પુખ્ત સ્ત્રીને દૈનિક ૧૯૦૦ કેલરીની જરૂર પડે છે. બાળઉછેરમાં એટલે જ આહાર વિશેની સાચી સમજનું ખૂબ મહત્ત્વ છે. કેળાં વિશે લેખકે એક ઈન્ટરેસ્ટિંગ વાત નોંધી છેઃ ‘સવારે કેળું ખાવામાં આવે તો તેની કિંમત તાંબા જેટલી, બપોરે કેળું ખાવામાં આવે તો એની કિંમત ચાંદી જેટલી, સાંજે કેળું ખાવામાં આવે તો તેની કિંમત સોની જેટલી.’ કેટલાય અતિઉત્સાહી માબાપો બાળકને ધરાર વિટામિનનાં ટીપાં પાતાં હોય છે. આની સામે લાલ બત્તી ધરીને લેખક કહે છેઃ ‘દિમાગમાં એક ખાસ નોંધ કરી રાખવી કે દરેક વિટામિન નિર્દોષ હોતાં નથી. વિટામિનના ઊંચા ડોઝની વિપરીત અસર થતી હોય છે…’

બાળઉછેર દરમિયાન ડગલે ને પગલે જાતજાતના સવાલો વાલીઓના મનમાં ઉદભવતા રહે છે. ગર્ભાવસ્થાથી શરૂ થતું અને વિવિધ ૧૨ વિભાગોમાં વિભાજિત થયેલું આ પુસ્તક બાળક અગિયારબાર વર્ષનું થાય ત્યાં સુધીના વિવિધ પડાવો અને પડકારોને આવરી લે છે. શરદીઉધરસથી લઈને ટાઈફોઈડ અને ધનુર, વાઈથી લઈને પોલિયો સુધીની બાળકોને થતી ૨૧ જેટલી જુદી જુદી બિમારીઓ વિશેનો વિભાગ સંભવતઃ સૌથી ઉપયોગી થઈ પડે એવા છે.

લેખક એક જગ્યાએ લખે છેઃ ‘કુદરતે પેટમાં એટલાં બધાં અવયવો ઠાંસી ઠાંસીને ભર્યાં છે કે તેને જાદુઈ પેટી કહેવામાં આવે છે. એટલું નોંધી રાખવું કે બાળકના પેટમાં થતો દુખાવો દૂંટીથી જેમ વધુ દૂર તેમ તેની ગંભીરતા અધિક હોય છે.’ બીજી એક જગ્યાએ તેઓ નોંધે છેઃ ‘શરદીથી પીડાતા માંદા બાળકના શરીર પર બ્રાન્ડી ઘસવી કે પિવડાવવી એટલે તેની ઊગતી જિંદગી સાથે ચેડાં કરવા બરાબર કહેવાય. બ્રાન્ડી ઘસવાથી માંદા બાળકના શરીરની શરદી નીકળી જાય તેવી એક ખોટી માન્યતા છે. જો બ્રાન્ડીથી કોઈ ફાયદો થતો હોય તો, તેને એક જીવનરક્ષક દવાનું દવાનું લેબલ મારી, ડોક્ટરની ભલામણથી તે મેડિકલ સ્ટોર્સમાં મળતી થાય એવી વ્યવસ્થા ખુદ સરકાર ન કરે?’

એ-ફોર સાઈઝનાં પાનાંવાળાં આ દળદાર પુસ્તકનું લખાણ સરળ અને પ્રવાહી છે. ગુજરાતી કહેવતોનો છૂટથી અને સરસ રીતે ઉપયોગ થયો છે. પાને પાને મૂકાયેલાં ચિત્રો કે રેખાંકનો વાતને સમજવામાં મદદરૂપ થાય છે. લેખક ડો. સતીશ પટેલ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘અમારા ટ્રસ્ટે થેલેસીમિયાનાં પચ્ચીસ બાળકોને દત્તક લીધાં છે. તેમનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે. ઈન ફેક્ટ, આ પુસ્તકના વેચાણમાંથી થતી સંપૂર્ણ રકમ થેલીસીમિયાના દર્દીઓના સારવારમાં ઉપયોગમાં લેવાય છે.’

ખરેખર, સંતાન શારીરિક અને માનસિક રીતે સાજુંનરવું હોય એના જેવંુ સુખ બીજું એકેય નથી. બાળક પુખ્ત થાય ત્યાં સુધી એને તંદુરસ્ત રાખવું એ પણ જેવીતેવી જવાબદારી નથી. પુસ્તકમાં એક જગ્યાએ માર્કવાન ડોરેન નામના ફિલોસોફરનું અવતરણ ટાંકવામાં આવ્યું છે – ‘આપણે બાળકો ઉછેરવાની યોગ્યતા કેળવીએ ત્યાં સુધીમાં તો આપણાં બાળકોને ઘેર પણ બાળકો થઈ ગયાં હોય છે.’

…પણ જો આવું ઉપયોગી પુુસ્તક હાથવગું હોય તો બાળઉછેરની યોગ્યતા થોડી જલદી કેળવાઈ જાય એ તો નક્કી!

બાળઉછેર બે હાથમાં

લેખકઃ ડો. સતીશ પટેલ

પ્રકાશકઃ કોમનમેન ફાઉન્ડેશન,
સાવસર પ્લોટ, રામચોક,
મોરબી – ૩૬૩૬૪૧
ફોનઃ (૦૨૮૨૨) ૨૨૦૨૪૪, ૦98251 62162

કિંમતઃ રૂ. ૨૦૦/ –
પૃષ્ઠ સંખ્યાઃ ૬૦૦

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.