Sun-Temple-Baanner

ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી


ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી

Baby with a bat : Sachin Tendulkar

ચિત્રલેખા અંક તારીખ 4 એપ્રિલ 2011માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું

‘ભૂલો હંમેશા ક્ષમ્ય હોય છે જો માણસમાં ભૂલ કબૂલ કરવાની હિંમત હોય તો..’

‘હું ભારત માટે ક્યારે રમીશ?’

એક નાનકડા છોકરો પોતાને ક્રિકેટ શીખવતા મોટો ભાઈને હંમેશા આ સવાલ કરતો. તે એટલો નાનો હતો કે સાચું પૂછો તો ભારત માટે રમવું એટલે શું એની પણ એને ખબર નહોતી. નર્સરીમાં જતું બાળક ‘માલે મોટા થઈને ડોક્ટલ બનવું છે’ કહે એના જેવી આ વાત હતી. પણ ક્યારેક સાવ કૂમળી ઉંમરે ઉચ્ચારાતી કાલી કાલી ભાષામાં આખી જિંદગીનો નક્શો દોરાઈ જતો હોય છે. આ બમ્બૈયા છોકરાના કિસ્સામાં એવું જ થયું. વર્ષો પછી તે ખરેખર ટીમ ઈન્ડિયામાં સામેલ થયો, એટલું જ નહીં, વિશ્વક્રિકેટના મહાનતમ ખેલાડીઓની સૂચિમાં ક્રમશઃ હકથી સ્થાન પણ પામ્યો. આ છોકરો એટલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર!

યોગેશ ચોલેરા દ્વારા સંકલિત ‘લાઈફ ઈઝ એ ગેમ’ પુસ્તકનાં પાનાં રસપૂર્વક ઊથલાવતાં જાઓ એટલે સચિન જેવા દુનિયાભરના સ્પોર્ટસ લેજન્ડ્સની આવી કેટલીય વાતો અને વિગતો તમારી આંખ સામે ઊપસતાં જાય. અદમ્ય જુસ્સો, પ્રચંડ સંકલ્પશક્તિ, પોઝિટિવ આક્રમકતા, છેલ્લી ક્ષણ સુધી હાર ન માનવાની વૃત્તિ… આ ઉત્કૃષ્ટ માનવીય ગુણો સ્પોર્ટ્સમાં જેટલી આકર્ષક રીતે ઉભરે છે એટલા કદાચ બીજી કોઈ ચીજમાં ઉભરતા નથી. અત્યારે વર્લ્ડ કપ ફિવર જોરદાર ફેલાયેલો છે ત્યારે ૩૩ જેટલી રમતોના ૧૨૪ જેટલા મહાન ખેલાડીઓના ખુદના અવતરણોમાં પેશ થતી એમની પ્રેરક વાતો ઓર અપીલ કરે છે.

સચિન તો ભાગ્યશાળી હતો કે તેને નાનપણથી ક્રિકેટની તાલીમ મળવા લાગી હતી, પણ એક શ્રમિક ઓસ્ટ્રેલિયન પિતાના પુત્ર એવા મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનને કદી ક્રિકેટનું કોચિંગ મળ્યું નહોતું. બેટ કેમ પકડવું એ એમને કદી શીખવવામાં આવ્યું નહોતું. હોકી લેજન્ડ ધનરાજ પિલ્લૈ કહે છે, ‘હોકી તો મારા લોહીમાં હતી, પણ હોકીની સ્ટિક ખરીદવા અમારી પાસે પૈસા નહોતા. આથી હું અને મારો ભાઈ ભાંગેલી તૂટેલી સ્ટિકોને દોરી બાંધીને તેનાથી હોકી રમતા.’ ૧૫ વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલર બની ગયેલો આર્જેન્ટિનાના ઓલ-ટાઈમ-ગ્રેટ ફૂટબોલર ડિયેગો મેરેડોના અંધારામાં ફૂટબોલ રમતા શીખ્યા છે. એ કહે છે, ‘મારા ઘરની પછવાડે ફોર્થ લીગની ટીમનું સ્ટેડિયમ હતું. હું દિવસ આખો ફૂટબોલ રમતો અને બીજા છોકરાઓ ઘરે જાય પછી રોકાઈને બે કલાક અંધારામાં રમતો. અંધારામાં મને કંઈ દેખાતું નહીં તો પણ હું ગોલ તરફ કિક મારતો. દસ વર્ષ પછી મેં આર્જેન્ટિના જુનિયર્સ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો ત્યારે મને સમજાયું કે અંધારામાં ખેલેલા દડા કેટલા સચોટ હતા.’

ખરેખર, એકાગ્રતા એ ઉત્કૃષ્ટ સ્પોર્ટસપર્સનનો મહત્ત્વનો ગુણ છે. ટેનિસ પ્રિન્સેસ સેરેના વિલિયમ્સ એકાગ્રતાની સરસ વ્યાખ્યા કરે છેઃ ‘કોઈ શેરીમાં બંદૂકના ધડાકા કરતું હોય ત્યાર જો તમે ટેનિસ રમવાનું ચાલુ રાખી શકો, તો એનું નામ એકાગ્રતા.’ સેરેનાનું આ ક્વોટ પણ બહુ સુંદર છેઃ ‘ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી…’ સમણું તો છે, પણ તે સાકાર કરવાનો સમય ન મળે એ વાત ખોટી. શતરંજ કે ખિલાડી નંબર વન ગેરી કાસ્પારોવ કહે છે, ‘તમે જો એમ કહો કે તમારી પાસે પૂરતો સમય નહોતો તો એનો અર્થ એ થયો કે તમે સુવ્યવસ્થિત નહોતા.’

પુસ્તકમાં માત્ર સ્પોર્ટ્સ પીપલનાં અવતરણો નથી, બલક્ે તેમના જીવન અને કરીઅરની વિગતો પણ છે. જેમ કે, જીમનેસ્ટિક્સમાં અમીટ સ્થાન બનાવનાર રશિયન ખેલાડી લેરિસ્સા લેટીનિનાએ ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને યુરોપિયન ચેમ્પિયનશિપ્સ આ ત્રણેયમાં થઈને અધધધ ૨૬ ગોલ્ડમેડલ, ૧૪ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે! દુનિયાના બીજા કોઈ એથ્લેટે કોઈપણ સ્પોર્ટમાં ઓલિમ્પિક્સમાં લેરિસ્સા જેટલા મેડલ્સ જીત્યા નથી (નવ સુવર્ણ, પાંચ રજત, ૪ કાંસ્ય). ૧૯૫૮માં વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં છમાંથી પાંચ સ્પર્ધામાં વિજેતા બની ત્યારે લેરિસ્સા લેટીનિના સગર્ભા હતી! શ્રેષ્ઠ સ્ત્રીખેલાડીઓની કરીઅરમાં ગર્ભાવસ્થા અને પૂર્ણવિરામ માત્ર અલ્પવિરામ હોઈ શકે, પૂર્ણવિરામ નહીં. મેરેથોન ક્વીન તરીકે જાણીતી ઈથિયોપિયાની ડેરાર્ટ તુલ્લુ પ્રસૂતિને કારણે સ્પોર્ટની બહાર થઈ ગઈ હતી, પણ થોડા અરસા પછી તે પાછી ફરી અને ગોલ્ડમેડલ પણ જીત્યો. એ કહે છે, ‘કોઈ પણ ઉંમરે કશું પણ સિદ્ધ કરવું શક્ય છે.’

મહાન ખેલાડીઓ ‘અશક્ય’ શબ્દને પોતાની ડિકશનરીથી દૂર રાખતા હોય છે. સુપર સ્ટાઈલિશ ઇંગ્લિશ ફૂટબોલર ડેવિડ બેકહેમ કહે છે, ‘અશક્ય એટલે શું? પોતે જે પરિસ્થિતિમાં હોય તેને બદલવા માટેની પોતાની શક્તિઓની તલાશ કરવાને બદલે તેમાં જ જીવવાનું વધુ આસાન માને છે એવા નાના માણસો દ્વારા આમતેમ ફેંકાતો એક શબ્દ માત્ર.’

મહાન સ્પોર્ટસમેન કોને કહેવાય? અમેરિકન ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવા પાસે એનો ઉત્તર છે, ‘પોતે શ્રેષ્ઠ ફોર્મમાં હોય ત્યારે નહીં, પણ ખરાબમાં ખરાબ ફોર્મમાં હોય ત્યારે પણ ઉત્તમ પર્ફોર્મન્સ આપી શકે તે મહાન સ્પોર્ટ્સમેનની નિશાની છે.’ શું ઊંચાઈ પર પહોંચી ચૂકેલા ખેલાડીઓને સતત એવું લાગતું હોય છે કે પોતે સમવન સ્પેશિયલ છે? ક્રિકેટર બ્રાયન લારા કહે છે, ‘હું ખાસ છું એવું મેં કદી વિચાર્યું જ નહોતું. મેં તો મારી રમત માટે સજ્જ થવા સખત મહેનત કરી અને આ પ્રક્રિયામાં આનંદ માણ્યો. હું તો એમ જ માનું છું કે તમારી મજલના દરેક પગલે તમે સખત મહેનત કરો, અને એમ કરવામાં આનંદ માણો. તેનું પરિણામ ક્યારેક અલૌકિક હોય છે, અને બધા એથી આશ્ચર્યચકિત થાય છે.’

એકધારી સફળતા અને ખ્યાતિ ક્યારેક સ્પોર્ટ્સમેનનું દિમાગ ખરાબ કરી દેતાં હોય છે. માર્શલ આર્ટ્સને વિશ્વના નકશા પર મૂકી દેનાર બ્રુસ લી કહે છે, ‘તામસી સ્વભાવ તમને જલદી મૂર્ખ બનાવશે. મૂર્ખ માણસ શાણપણભરી પરિસ્થિતિમાંથી જેટલું શીખી શકશે તેના કરતા શાણો માણસ મૂર્ખાર્ઈભરી પરિસ્થિતિમાંથી વધારે શીખી શકશે. ભૂલો હંમેશા ક્ષમ્ય હોય છે જો માણસમાં ભૂલ કબૂલ કરવાની હિંમત હોય તો.’ મહાન બોલર શેન વોર્ન એટલે જ કહે છે, ‘મારામાં ગઈ ગુજરીને ઝડપથી ભૂલી જવાની માનસિક ક્ષમતા હતી. અરેર! આ મેં શું કર્યું? એમ વિચારતા બેઠા રહેવાનો કોઈ અર્થ નથી. તમારે આગળ વધવું જ રહ્યું.’

સંકલનકાર અને સહપ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘નાનપણથી જ મને વાંચવાનો અને સફળ લોકોનાં અવતરણો એકઠા કરવાનો ખૂબ શોખ. ત્રણ વર્ષ પહેલાં અમે વિષયવાર અવતરણોનાં પુસ્તકોની શૃંખલા શરૂ કરી હતી તેનું આ ચોથું પુસ્તક. દુનિયાભરનાં સ્પોર્ટ્સ સામયિકો સદીના ઉત્તમ ખેલાડીઓની પોતપોતાની યાદી બહાર પાડતાં હોય છે. આ યાદીઓનો આધાર લઈને સૌથી પહેલાં તો અમે ૫૦૦થી ૭૦૦ સ્પોર્ટ્સ પીપલની સૂચિ તૈયાર કરી રિસર્ચ શરૂ કર્યું. શોર્ટ લિસ્ટિંગ કરીને જેતે ખેલાડી સંબંધિત પુસ્તકો, ખાસ કરીને જીવનકથાઓ મગાવી. અમુક ખેલાડી વિશે સામગ્રી એકઠી કરવાનું ખૂબ અઘરું પૂરવાર થયું. જેમ કે ધ્યાનચંદની ‘ગોલ’ નામની જીવનકથા ક્યાંય ઉપલબ્ધ નહોતી. આખરે બેંગાલ હોકી અસોસિયેશનના પ્રેસિડેન્ટે તે પુસ્તિકાની ઝેરોક્સ કરાવીને મને મોકલી! અમુક પુસ્તકો ચીન, રશિયન કે કોરિયન જેવી ભાષામાં જ ઉપલબ્ધ હોય. આવા કેસમાં હું ઓનલાઈન કમ્યુનિટીની મદદ લઉં એને જેતે લખાણનો ઇંગ્લિશ અનુવાદ મેળવું. ઈન્ટરનેટ પર અવેલેબલ સામગ્રીનો પણ ઉપયોગ થાય, પણ ક્યાંય માહિતીદોષ ન રહી જાય માટે જુદા જુદા સોર્સનો ઉપયોગ કરીને વિગતોને વેરીફાય જરૂર કરવામાં આવે. આખરે છએક મહિનાની જહેમત બાદ પહેલાં અંગ્રેજીમાં અને પછી ગુજરાતી, હિન્દી અને મરાઠીમાં આ પુસ્તક બહાર પડ્યું.’

સંકલનકારની જહેમત આ રૂપકડાં પુસ્તકનાં પાને પાને વર્તાય છે. પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ જોકે હજુ વધારે પ્રવાહી અને સહજ થઈ શક્યો હોત. આ સત્ત્વશીલ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જેમને સ્પોર્ટ્સમાં બહુ રસ ન હોય તેવા વાચકોને પણ તે સ્પર્શી જશે. સફળ અને પ્રેરણાદાયી વ્યક્તિઓની આ જ તો કમાલ છે!

લાઈફ ઈઝ એ ગેમ

સંકલનકાર: યોગેશ ચોલેરા
અનુવાદકઃ દિનેશ રાજા

પ્રકાશકઃ
વંડરલેન્ડ પબ્લિકેશન,
૪૦૧-બી, સર્વોત્તમ કોમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૧
ફોનઃ (૦૨૮૧) ૩૦૫૩૫૭૭

કિંમતઃ રૂ. ૨૯૫/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૪૮

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.