Sun-Temple-Baanner

પ્રવાસ કરવાની કળા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પ્રવાસ કરવાની કળા


પ્રવાસ કરવાની કળા

ચિત્રલેખા – અંક તા. ૧૩ જૂન ૨૦૧૧માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું
————————–

‘જો આખી દુનિયા એક જ દેશ હોત તો ઈસ્તાનબુલ એનું પાટનગર હોત.’

આ શબ્દો નેપોલિયન બોનાપાર્ટના છે. નેપોલિયન શા માટે ટર્કી અથવા તો તુર્કના આ સૌથી મોટા શહેર પર આફરીન પોકારી ગયા હતા? આ સવાલના સંદર્ભમાં સંગીતા જોશી અને ડો. સુધીર શાહે સંયુક્તપણે લખેલું ‘ટર્કી અને અન્ય દેશોમાં’ પુસ્તક વાંચી જાઓ. અફલાતૂન જવાબ મળી જશે! વાર્તાનવલકથાના રસિયા તો ઠીક, જાતજાતનું નોનફિકશન વાંચવાનો શોખ ધરાવતા વાચકોે પણ સામાન્યપણે પ્રવાસવર્ણનો વાંચવા માટે ખાસ ઉત્સુક હોતા નથી. પણ આ પુસ્તકની વાત નિરાળી છે. તે બિલકુલ શક્ય છે કે આખેઆખું રસપૂર્વક વાંચી ગયા પછી તમે એકદમ નવાઈ પામીને યાદ કરો કે ‘અરે… આ પુસ્તક તો મેં જસ્ટ પાનાં ફેરવી જવાના ઉદેશ સાથે હાથમાં લીધું હતું…!’

૭ લાખ ૮૦ હજાર ચોરક કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ટર્કીની વસતી સાડાછ કરોડની છે. વિશ્વના સૌથી મોટા ‘ઓપર એર મ્યુઝિયમ’ તરીકે ઓળખાતો આ દેશ એશિયા અને યુરોપ વચ્ચેના સેતુ સમાન છે. અહીં અરારતનો જ્વાળામુખી છે, ૩૬૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવતો વેન લેક છે અને યુફેરિક્સ તેમજ ટાયગ્રીસ જેવી વિશ્વની સૌથી મોટી નદીઓમાં સ્થાન પામતી નદીઓ પણ છે. લેખકબેલડી કહે છે કે તમારે માત્ર એક દિવસ માટે પણ ઈસ્તાનબુલ જવાનું થાય તો હિપ્પોડ્રમ, બ્લુ મોસ્ક, હાગિયા સોફિયા અને ટોપાકાપી પેલેસ આ ચાર ચીજો ચોક્કસ જોવી. તેઓ લખે છે, ‘તમને આવી અદભુત, માનવે એકબીજાને અડખેપડખે ખડી કરેલી, અવર્ણનીય, કલાત્મક કૃતિઓ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. તમારામાંના ઘણા કહેશે કે આપણા દેશમાં પણ કળાકારીગીરી, સંસ્કૃતિ અને સુંદરતાના અવ્વલ નમૂનાઓ છે. એ વાત સાચી છે. પણ દરેક કળાકૃતિની આગવી વિશેષતા હોય છે. એક કળાકૃતિ બીજી વિશેષ ચડિયાતી છે એમ કહેવું યોગ્ય નથી.’

કાપાડોકિયા ચમત્કારિક ભૌગોલિક રચનાઓ છે, જે લાખો વર્ષો દરમિયાન લાવારસ ઓકતા પર્વતોના ઘસારાથી સર્જાઈ છે. કાપોડોકિયાના પહાડો, ગુફાઓે અને ભૂગર્ભમાં નવનવ માળ સુધી માનવોએ કોતરીને બનાવેલો શહેરો ખાસ જોવા જેવા છે. ઈન ફેક્ટ, લેખકો જે હોટલમાં રહેલાં તે પેરીકોવ હોટલ કાપાડોકિયાના કુદરતી ડુંગરા અને તેમાં પડેલા છેદોમાં ફલાયેલી હતી. હોટલના રૂમો ગુફાઓની અંદર હતા. સવારના પ્હોરમાં ટર્કીની વિખ્યાત એપલ ટી અને ટોસ્ટબટરનો બ્રેકફાસ્ટ કરતા હો ત્યારે તમારા માથા પર સફરજન લટકતા હોય, બાજુ વેલાઓમાં દ્રાક્ષના ઝુમખા ટીંગાતા હોય અને બેકગ્રાઉન્ડમાં પક્ષીઓનો ઝીણો કલરવ સંભળાતો હોય. આવો નૈસર્ગિક માહોલ મોંઘીદાટ ફાઈવસ્ટાર હોટલમાં પણ કેવી રીતે મળવાનો!

લોકપ્રિય કિરદાર મુલ્લા નસિરુદ્દીન (જેમનું જન્મસ્થળ ટર્કી હતું), ટર્કિશ કોફી, ટર્કી સંબંધિત પુસ્તકો તેમજ ફિલ્મો અને એવા કેટલાય વિષયો પર મૂકાયેલાં માહિતીસભર બોક્સ આઈટમ્સને લીધે પ્રકરણો ઓર સમૃદ્ધ બન્યાં છે. ટર્કી ઉપરાંત મ્યુનિક (જર્મની), થાઈલેન્ડ, જપાન, ઈન્ડોનેશિયા વગેરેના પ્રવાસઅનુભવોને પણ સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકની મજા એ છે કે અહીં શુષ્ક માહિતીનો ખડકલો નથી બલકે અનુભવો, અનુભૂતિઓ અને અવલોકનોનું ઉત્કટ બયાન છે. ડો. સુધીર શાહની કુંડળીમાં ભાગ્યવિધાતાએ પ્રલંબ અને શક્તિશાળી વિદેશયોગ રચ્યો છે. ૧૯૭૯માં તેમણે પહેલી વાર સોવિયેત રશિયાની યાત્રા કરી હતી. તે પછી આજ સુધીમાં તેઓ દુનિયાભરમાં ચિક્કાર ફર્યા છે, એક જ દેશોની એકથી વધારે વખત મુલાકાતો લીધી છે. જીવનસંગિની અને સહલેખિકા સંગીતા જોશી પણ હરવાફરવાનું એવું જ પેશન ધરાવે છે. બન્નેમાં ગમતાંને ગુલાલ કરવાની પોઝિટિવ લાગણી છે, જે આ પુસ્તકમાં સતત છલકાતી રહે છે. લેખકજોડીના ખુદના વ્યક્તિત્વ અને પારસ્પરિક સંબંધના આકર્ષક રંગો બેકગ્રાઉન્ડમાં ઉઘડતા જાય છે, જે પ્રવાસવર્ણનને વધારે આત્મીય બનાવે છે.

લેખકોનાં નિરીક્ષણો અને ટિપ્સ પણ મજાનાં છે. આપણે નવા સ્થળે જઈએ ત્યારે સૌથી પહેલાં ત્યાંના ટેક્સી ડ્રાઈવર અને હોટલ રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવીએ છે. તેથી જેતે દેશની ફર્સ્ટ ઈમ્પ્રેશન કેવી પડે છે તેનો સઘળો આધાર આ બન્નેનાં વ્યવહારવર્તણૂક પર અવલંબે છે! વિદેશ જતી વખતે આપણા દેશની નાનીનાની ગિફ્ટ આઈટમ્સ સાથે લઈ જવી. લેખકો કહે છે કે અજાણી વ્યક્તિ સાથે ઓળખાણ કરવાનો સૌથી સરળ રસ્તો છે, એને પોતાના દેશની કોઈ ચીજ ભેટમાં આપવાનો. આ ચેષ્ટા પાછળ ઈરાદો માત્ર ખુશી આપવાનો હોવાથી તમે નવા જૂથમાં આનંદભેર સ્વીકૃતિ પામો છો.

ડો. સુધીર શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક લખતી વખતે મનોમન ટર્કીનો નવેસરથી પ્રવાસ તો કર્યો જ, સાથે સાથે બીજા દેશોમાં પણ માનસિક સ્તરે પાછાં ફરી આવ્યાં. તેથી આ પ્રવાસવર્ણન લખવાનો આનંદ, પ્રવાસના આનંદ કરતાંય વિશેષ પૂરવાર થયો. વિદેશપ્રવાસોના મારા વર્ષોના અનુભવોના આધારે હું શીખ્યો છ કે પરદેશ ગયા હોઈએ ત્યારે કશુંક અણધાર્યું બને કે અપ્રિય પરિસ્થિતિ ઊભી થાય તો તેનો આનંદ માણતા પણ શીખી જવું જોઈએ. ફ્લેક્સિબલ તો રહેવું જ પડે. પ્રવાસ દરમિયાન તમે કોઈપણ ઉંમર કે સ્ટેટસની વ્યક્તિને મળો ત્યારે તેના પોઈન્ટઓફવ્યુથી જોઈવિચારી શકો તો તેની કંપની એન્જોય કરી શકશો.’

પુસ્તકના મોટા માઈનસ પોઈન્ટ છે તસવીરોની ક્ષતિયુક્ત છપાઈ અને નબળા લેઆઉટ્સ. એસ્થેટિક્સના સ્તરે પુસ્તક અનેકગણું બહેતર બની શક્યું હોત. વળી, ખૂબ બધી અંગત તસવીરો મૂકવાને બદલે જેતે સ્થળોના ફોટોગ્રાફ્સને વધારે મહત્ત્વ આપવાની આવશ્યકતા હતી. ખેર, આ ખામીઓ સહિત પણ પુસ્તક એટલું પાવરફુલ છે કે તે વાંચતી વખતે કેટલીય વાર તમને ફટાફટ બેગ પેક કરીને કોઈ પણ રીતે ટર્કી પહોંચી જવાનું ઝનૂન જાગશે! અહીં ઉલ્લેખ પામેલા દેશોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરનારાઓ માટે આ પુસ્તક ‘મસ્ટ રીડ’ છે. ઈવન પ્રવાસકથાઓમાં રસ ન ધરાવનારાઓને પણ તે ખૂબ ગમી જવાનું.
ટર્કી અને અન્ય દેશોમાં

લેખકોઃ સંગીતા સુધીર શાહ

પ્રકાશક :
નવભારત સાહિત્ય મંદિર,
મુંબઈ-૧ અને અમદાવાદ-૧
ફોનઃ (૦૨૨) ૨૨૦૧૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪૦૭૭૦

કિંમતઃ રૂ. ૩૨૫ /-
પૃષ્ઠઃ ૩૮૪

0 0 0

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.