Sun-Temple-Baanner

ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે…


ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે…

ચિત્રલેખા – અંક તા. ૩ ઓક્ટોબર ૨૦૧૧

કોલમઃ વાંચવા જેવું

‘આપણે મોટા થઈ ગયા છીએ એની જાણ આપણને બીજાઓ દ્વારા થતી હોય છે.’

* * * * *

અભિનેતા અનુપમ ખેરે એકવાર પત્રકાર-લેખિકા ભાવના સોમૈયાને આ ચોટડૂક વાત કહી હતી. મોટા થઈ જઈએ અને સમયની સાથે પુખ્તતા ઘૂંટાતી જાય પછી પણ પ્રારંભિક જીવન સાથેનું અનુસંધાન જળવાઈ રહેતું હોય છે. બાળપણ સાથેનો માનસિક સેતુ આપણને સુખ આપે, કૌતુક જન્માવે, ઉદાસ કરી મૂકે, અમુક પ્રશ્નોના ઉત્તરો આપે તો ક્યારેક સાવ નવા સવાલો ખડા કરી દે. પ્રસ્તુત પુસ્તકમાં ૬૩ વ્યક્તિઓએ પોતાના બાળપણને સંભાર્યું છે.

રોજ સવારે હજી આંખો પણ ખૂલી ન હોય ત્યાં ઉઠાડી, નવડાવી, દૂધ પીવડાવી જેઠા મહારાજ ખભે બેસાડી ટીંગાટોળી કરી બાળમંદિરે મૂકી આવતા તે દિવસો ‘ગુજરાત સમાચાર’ના ઑનર અને તંત્રી શ્રેયાંસ શાહ હજ ભૂલી શક્યા નથી. તેઓ કહેે છે, ‘ખભે બેસી રડતા રડતા માથા પર કેટકેટલા મુક્કા માર્યા હશે તે યાદ નથી, પરંતુ જેઠા મહારાજે મારેલી બે લપડાકો તો જીવનભર યાદ રહી ગઈ છે અને ત્યારથી સ્કૂલ જતા રડવાનું કે તોફાન કરવાનું ભૂલાઈ જ ગયું!’

વીતેલા જીવનની કઈ વાત ચિત્તના કયા પડળમાં કટલી તીવ્રતાથી નોંધાયેલી રહે, કેટલી ગળાઈ જાય અને કેટલી નાશ પામે તે માટેનું કોઈ ગણિત હશે ખરું? શબ્દસૃષ્ટિ સામયિકના સંપાદક હર્ષદ ત્રિવેદી તો કહે છે કે, ‘મને મારું બચપણ જ યાદ છે. એ પછીનું તો બધું ટેમ્પરરી…’ લેખક મધુ રાય આ વાત આ રીતે મૂકે છેઃ ‘દિમાગમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જેમ મનમાં પ્રસંગો ડોકાય છે ને મનવાને અચરજ થાય છે, રે રે? આવું આમ હતું? પેલું નામ શું હતું? અમુકની હોઠની ધાર ઉપર મારી તર્જનીનાં ટેરવાં ફરેલાં? અમુકના શ્વાસ મારી મૂછને અડકેલા? અમુકના અંતર્દેશીય પત્રથી મારા ખૂનનો ચરખો પૂરપાટ ભમ્યો હતો? અમુક પ્રભાતફેરીમાં ‘ભારત માતાકી?’ ‘જૈય!’ બોલતાં ધ્રૂસકું આવ્યું હતું?’

બાળપણને યાદ કરવાથી સમૃદ્ધિ અને ખાલીપો બન્નેનો, ક્યારેક એકસાથે, અહેસાસ થતો હોય છે. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખ સીધું જ પૂછી લે છે, ‘કોઈ પળે અવળે હાથે ક્યાંક મૂકાઈ ગયેલી મારી આભલાવાળી કાળી જાદુઈ થેલી તમે કોઈએ જોઈ છે?’ નાનપણને જદા જ અંદાજમાં યાદ કરીને નવલકથાકાર અશ્વિની ભટ્ટ કહે છે, ‘મારી પાસે બધું છે અને તોય મને તેની (એ કિશોર અશ્વિનીની) અદેખાઈ આવે છે. તેનું ઊંટ, તેનાં કબૂતર, તેની કોચમણી… અને સૌથી વધુ કમબખ્તની આંખમાં રમતી મસ્તી અને નિનૈતિક ધીંગામસ્તી… ’

બાળપણ એટલે માત્ર ગુલાબી ગુલાબી અતીત અને મુલાયમ મુલાયમ યાદોનું પોટલું નહીં. હાસ્યલેખક તારક મહેતા, એમના શબ્દોમાં, માંડ દસ દિવસના જંતુ હતા ત્યારે મા એમને પૂછ્યા વગર ગુજરી ગયેલી. હાસ્યકાર વિનોદ ભટ્ટ લખે છે, ‘આ ગરીબી તો મારું આખેઆખું બાળપણ ચાવી ગઈ છે.’ ‘ચિત્રલેખા’ના કાર્યકારી તંત્રી ભરત ઘેલાણીએ નાનપણમાં જાહોજલાલીનું હોવું અને ઓસરવું બન્ને જોયા છે. એમને ત્યાં લાંબીપહોળી પીળાચટ્ટાક રંગની વૈભવી શેવરોલે કાર હતી, જેના ડેશબોર્ડ પરની ચાંપ દબાવતાં જ ઉપરનું હૂડ આસ્તેથી સરકીને, ફોલ્ડ થઈને પાછલી સીટમાં જતું રહેતું અને કાર ઓપરએર બની જતી. આખા કલકત્તામાં આવી ઈમ્પોર્ટેડ શેવરોલે એક ઘેલાણી પરિવાર પાસે જ હતી. તેઓ લખે છેઃ ‘આ ‘દોમ દોમ સાહેબી’નો અર્થ બાળપણમાં બરાબર ખબર નહોતો, કારણ કે એ સહજ હતું. જન્મતાંની સાથે જ એ બધું મળેલું. મોટા થયા, વાંચતા થયા ત્યારે પુસ્તકો-ફિલ્મોમાંથી જે અર્થ સમજાયો હતો ત્યારે જ ખબર પડી કે અમે બાળપણમાં કેવી દોમ દોમ સાહેબી ભોગવી હતી!’

લેખિલા કાજલ ઓઝા-વૈદ્યને લાગે છે કે એમનું બાળપણ એટલું બધું નિર્દોષ કે વહાલસોયું નથી વીત્યું. મુંબઈથી શિફ્ટ થઈને છોકરા-છોકરીઓ એકબીજા સાથે બોલે નહીં એવી અમદાવાદની સ્કૂલમાં તેમણે એડમિશન લીધું હતું. ‘ફ્રી ડ્રેસ’ના પહેલા જ દિવસે એ ટીશર્ટ અને શોટર્સ પહેરીને સ્કૂલે ગયાં અને ત્યારથી જ ‘બીજાથી જદી’ સાબિત થઈ ગયાં. આટલું કહીને લેખિકા ઉમેરે છેઃ ‘એ પછી હું કાયમ ‘જદી’ જ રહી…’ ડોકટર કવિ મુકુલ ચોક્સીની સમસ્યા જોકે જરા અલગ હતી. તેઓ છઠ્ઠા ધોરણમાં કોએજ્યુકેશનવાળી સ્કૂલમાં દાખલ થયા ત્યારે છોકરીઓની બાજમાં બેસવામાં તો ઠીક, છોકરીઓ રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધે તોય એમને સંકોચ થતો!

બાળપણ પાસે પાછા પહોંચી જવાની ઝંખના હોવી અનિવાર્ય છે? બિલકુલ નહીં. લેખક-પત્રકાર સૌરભ શાહનો એટિટ્યુડ જઓઃ ‘જો કોઈ એમ કહે કે ભઈલા, આ તારી દૌલત-શૌહરતના બદલામાં હું તને તારું બચપન પાછ આપું છ તો હું શું કરું. આ ૨૦૦૯ની સાલમાં (આ પુસ્તક જોકે ૨૦૧૧માં પ્રગટ થયું છે) મારી દૌલત માઈનસમાં છે અને શૌહરત ચીંથરેહાલ છે, પણ આ બધું ટકાટક હોત તો પણ મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત… કવિઓ-શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મૌજ પણ આપી જાય, પરંતુ આ પ્રકારની રોમેન્ટિસિઝમ મારા મિજાજમાં નથી.’

પત્રકાર ઉર્વિશ કોઠારી કહે છે કે બાળપણ વિશેના ગામ, સીમ, વાડી, વગડો, આંબલીપીપળી કે ‘કાગઝ કી કશ્તી બારીશ કા પાની’ બ્રાન્ડ લખાણોમાં ‘શું હતું’ની સાથે ‘શું હોય તો સારું લાગે’ની ભેળસેળની તીવ્ર સંભાવના રહે છે. આ જોખમસ્થાન તરફ આંગળી ચીંધીને એ ઉમેરે છે, ‘ગાંઘીજીની કડાચોરી કે પરીક્ષામાં ચોરી ન કરવાની ઈમાનદારી, સરદારનું ક્લાસમાં ‘પાડા’ લાવવાનું તોફાન એ બધા ‘પરાક્રમ’નું મોટપણ-મહાનતાના સંદર્ભ વિના, સ્વતંત્ર મૂલ્ય નહીંવત છે.’

ખેર, આ જોખમ સહિત પણ અંકિત ત્રિવેદી સંપાદિત આ લેખો વાંચવા ગમે તેવા છે. આજકાલ આ પ્રકારનાં સંપાદનોનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. આ પુસ્તકમાં સ્થાન પામેલી મોટા ભાગની વ્યક્તિઓનો સંબંધ કલમ અને શબ્દો સાથે છેે. દેખીતાં નામો ઉપરાંત અન્ય કંઈકેટલાંય ક્ષેત્રોની નોંધપાત્ર વ્યક્તિઓનાં લખાણો પણ જહેમતપૂર્વક મેળવવામાં આવ્યાં હોત તો સંગ્રહ ઓર નિખરી ઉઠત.

સાંભરે રે.. બાળપણનાં સંભારણાં…

સંપાદકઃ અંકિત ત્રિવેદી

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧
ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૩૫૦ /-
પૃષ્ઠઃ ૩૨૬

૦ ૦ ૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.