Sun-Temple-Baanner

ડેડલી ડીપ્રેશનથી છૂટકારો શક્ય છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ડેડલી ડીપ્રેશનથી છૂટકારો શક્ય છે?


ડેડલી ડીપ્રેશનથી છૂટકારો શક્ય છે?

ચિત્રલેખા – અંક તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૧

કોલમઃ વાંચવા જેવું

‘છેલ્લા એક મહિનાથી હું સૂતી નથી. હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવું છ . રાતના બેથી ત્રણ વચ્ચે મને કોઈ અશુભ ભ્રાંતિ થયા કરે છે. દર વખતે સ્વપ્નમાં એક કદરૂપી વૃદ્ધા દેખાય છે, જેની આંખમાં ઘૃણા હોય છે. મને ખતમ કરી નાખવા તે મારી નજીક આવે છે. લકવો થઈ ગયો હોય તેમ હું પડી રહું છ . જરા પણ હલનચલન કરી શકતી નથી!’

આ માંદલા શબ્દો લોખંડી મહિલા તરીકે ખ્યાતિ પામેલાં ભારતનાં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના છે તે વાત માની શકો છો? પણ આ હકીકત છે! મનની આવી નકારાત્મક યા તો હતાશાજનક સ્થિતિને મેડિકલ સાયન્સ ‘ડીપ્રેશન’ તરીકે ઓળખે છે. બે ભાગમાં વહેંચાયેલા આજના પુસ્તકમાં ડીપ્રેશનનું અથથી ઈતિ સમાવી લેવામાં આવ્યું છે. ‘ગુજરાત સમાચાર’માં લેખકની ‘માનસ’ નામની કોલમમાં પ્રકાશિત થયેલા ૮૬ લેખોનો અહીં સંગ્રહ છે.

લેખક નોંધે છે કે આપણે ત્યાં માત્ર ૧૫ થી ૨૦ ટકા માનસિક દર્દીઓ જ માનસચિકિત્સની સારવાર લે છે, બાકી ૮૦ ટકા ભગવાન ભરોસે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર આગામી બે દાયકામાં માનવજાતને રિબાવનારા અને મૃત્યુનું કારણ બનનારા રોગોની યાદીમાં ડીપ્રેશન બીજા ક્રમે હશે! દર સોએ ત્રણ પુરુષો અને પાંચથી નવ સ્ત્રીઓ ડીપ્રેશનથી પીડાતાં હોય છે. મતલબ કે આ રોગનો ભોગ બનવામાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ બમણું છે. સામાન્યપણે ૨૫ થી ૪૫ વર્ષ વચ્ચે આ બીમારી વિશેષ જોવા મળે છે.

ડીપ્રેશન એક બાયોલોજિકલ એટલે કે જૈવિક રોગ છે. વધુ પડતી ચિંતા કે નિષ્ફળતાથી પેદા થતું ડીપ્રેશન હળવું અને ટૂંકા ગાળાનું હોય છે. તેને રિએક્ટિવ ડીપ્રેશન કહે છે. સામાન્યપણે મગજમાં નોરએપીનેફ્રીન અને સિરોટોનીન નામનાં અંતઃસ્ત્રાવો યા તો કેમિકલ ઓછાં થઈ જાય ત્યારે એન્ડોજીનસ ડીપ્રેશન પેદા થાય છે, જે પ્રમાણમાં વધારે ગંભીર છે. ઘણી વાર ટીબી, કેન્સર, એઈડ્ઝ જેવી લાંબો સમય ચાલતી બીમારીઓ તેમજ દવાઓ ડીપ્રેશનને જન્મ આપતી હોય છે.

માણસને ડીપ્રેશનમાં છે તે શી રીતે ખબર પડે? આ રહ્યાં મુખ્ય લક્ષણોઃ ઊંઘ ન આવવી અથવા વધારે પડતી ઊંઘ આવવી, ભૂખ ન લાગવી અથવા વધારે પડતી ભૂખ લાગવી, સતત અનુભવવા, આનંદઉત્સાહ ઓછા થઈ જવા, સેક્સ માણવાની ઈચ્છા ન થવી, યાદશક્તિ ઘટી જવી, વજન ઘટી જવું, કોઈની સાથે વાત કરવાનું મન ન થવું, નાની નાની વાતે મગજની કમાન છટકવી, રડવું આવવું, મરી જવાના અને આત્મહત્યાના વિચાર આવવા. ડીપ્રેશનનું એક બહુ જ અગત્યનું ચિહ્ન છે, માથામાં દુખાવો થવો. ડીપ્રેશનનો દર્દી લાંબા સમયથી ફક્ત માથું દુખવાની ફરિયાદ કરતો હોય છે. વચ્ચે વચ્ચે ક્યારેક સારું પણ થઈ જાય. દર્દીને માથાના દુખાવા સિવાયનું બીજ એક પણ લક્ષણ જોવા મળતું ન હોય તેમ પણ બને. આ સિવાય કાનમાં તમરાં બોલવા અથવા સિસોટી વાગવી, કબજિયાત રહેવી, ગભરામણ થવી, છાતીમાં થડકારા થવા, પરસેવો વળવો, હાથપગમાં ખાલી ચડી જવી, કળતર થવી વગેરે શારીરિક અવસ્થાઓ પણ ડીપ્રેશનની સંભાવના તરફ આંગળી ચીંધે છે.

આત્મહત્યા અને ડીપ્રેશન વચ્ચે દેખીતી રીતે જ નજીકનો સંંબંધ છે. વચ્ચે વિદેશમાં ૩૯ માણસોએ વિચિત્ર કારણસર સામૂહિક આત્મહત્યા કરીને તરંગો જન્માવ્યા હતા. કોઈ અજાણ્યા અવકાશી પદાર્થ સાથે એકરૂપ થવા તેમણે પોતાનાં શરીરોને એકસાથે ત્યજી દીધા હતા! ડીપ્રેશન અનુભવતો માણસ આત્મહત્યા કરે તે સમજાય, પણ એ શું કોઈનું ખૂન કરી શકે ખરો? હા, કરી શકે. ૨૦૦૧માં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ૩૬ વર્ષની એન્ડ્રિયા યેટ્સ નામની મહિલાએ પોતાનાં પાંચેય સગાં સંતાનોને વારાફરતી બાથટબમાં ડુબાડીને મારી નાખ્યાં અને પછી જાતે પોલીસ સ્ટેશન જઈ પોતાનો ગુનો કબૂલી લીધો. ભૂતકાળમાં તેણે આપઘાતનો પ્રયાસ કરવાની કોશિશ પણ કરેલી. મુદ્દે, તે ચોથા અને પાંચમા બાળકની પ્રસૂતિ પછી તીવ્ર ડીપ્રેશનનો ભોગ બની હતી. દર સોમાંથી વીસ પ્રસૂતાઓ સંતાનના જન્મ પછી વત્તેઓછે અંશે ડીપ્રેશનનો અનુભવ કરતી હોય છે. એન્ડ્રિયાને આજીવન કારાવાસની સજા થઈ. નાસામાં કમ્પ્યુટર એન્જિનીયર તરીકે કામ કરતો તેનો પતિ આ ભયાનક હત્યાકાંડથી આતંકિત ન થયો, બલ્કે એણે પત્નીની સજા હળવી કરાવવાના પ્રયત્નો આદરી દીધા. તેનું કહેવું હતું કે ખૂન કરતી વખતે એન્ડ્રિયા વાત્સલ્યભરી માતા નહીં, પણ ડીપ્રેશનથી પીડાતી રોગી હતી. એન્ડ્રિયાને આખરે ૨૦૦૭માં મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. લેખક નોંધે છેઃ ‘આપણે ત્યાં પતિદેવો ડીપ્રેશનથી પીડાતી પોતાની પત્નીને સહાનુભૂતિ આપવાની વાત તો દૂર રહી, પણ ‘ઢોંગ કરે છે’, ‘ટેવ પડી ગઈ છે’, ‘દવાઓનો શોખ છે’, ‘ખોટા વિચારો છોડી દેવાના’, ‘સ્વભાવ સુધારી લેવાનો’ વગેરે સલાહો આપતા હોય છે.’

ભૂતકાળની દુખદ યાદો પીડા અને ડીપ્રેશન પેદા કરતી હોય તો શું કરવું? વિશેષજ્ઞો કહે છે કે જૂની યાદોને ભુલવા માટે મગજને સતત કાર્યરત રાખો. મગજમાં સતત નવું ઉમેરતા રહો. રોજિંદા જીવનને નાનામોટા રોમાંચથી ભરતા રહો. મગજને કામ આપો. કામનું વૈવિધ્ય આપો. ગુડ ન્યુઝ એ છે કે ડીપ્રેશનમાંથી બહાર આવી શકાય છે. અબ્રાહમ લિંકન યુવાનીમાં ડીપ્રેશનનો શિકાર બન્યા હતા, પણ તેમાંથી બહાર આવીને તેઓ અમેરિકાના લાડલા પ્રેસિડન્ટ બની શક્યા હતા.

લેખક ડો. હંસલ ભચેચ ક્વોલિફાઈડ અને અનુભવી મનોચિકિત્સક છે. તેથી તેમના લખાણમાં સતત અધિકૃત વજન વર્તાય છે. માનસિક રોગીઓને અપાતા ઈસીટી (શૉક) તેમજ દવાઓની ઉપયોગિતા વિશે સતત વિવાદો સર્જાતા રહ્યા છે, પણ લેખકે આ બન્નેની તરફેણમાં નિશ્ચિત સ્ટેન્ડ લીધું છે. પુસ્તકમાં ‘તમને ડીપ્રેશન હોવાની શક્યતાઓ છે?’ શીર્ષક હેઠળ મજાની ટેસ્ટ પણ છે. સંપુટનો વિષય ભારેખમ છે, પણ લેખકની શૈલી સરળ અને રસાળ છે. પુસ્તકમાં જોકે અમુક મુદ્દાનું પુનરાવર્તન થયા કરે છે. લેખોને ચુસ્ત રીતે એડિટ કરીને બિનજરૂરી ચરબી ઓગાળી શકાઈ હોત. ખેર, પુસ્તકની ઉપયોગિતાની તુલનામાં આ ક્ષતિઓ નાની છે. ચોક્કસપણે વાંચવું અને વંચાવવું ગમે તેવું પુસ્તક.

(ડીપ્રેશન અંગે ટૂંકુટચ અને સીધુંસટ

લેખકઃ ડો. હંસલ ભચેચ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

બે ભાગની સંયુક્ત કિંમતઃ રૂ. ૨૫૦ /-
કુલ પૃષ્ઠઃ ૩૨૦

૦ ૦ ૦

– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.