Sun-Temple-Baanner

મન જ્યારે વિસ્મયના તડકામાં ઊભું રહે છે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મન જ્યારે વિસ્મયના તડકામાં ઊભું રહે છે…


મન જ્યારે વિસ્મયના તડકામાં ઊભું રહે છે…

ચિત્રલેખા – અંક તા. ૨૮ મે ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું

ટેબ્લેટ અને પાનબાઈ!

* * * * *

આ કોમ્બિનેશન જ સહેજ ચમકાવી દે એવું છે. આ બન્ને શબ્દો આજનાં પુસ્તકનાં શીર્ષકના હિસ્સા છે અને એ પુસ્તક પાછું ગુજરાતી લલિત નિબંધોનું છે. જી, આ ટેક્નોલોજી યુગમાં ય આપણી ભાષામાં લલિત નિબંધો લખાય છે! તરત ધ્યાન ખેંચતી બીજી બાબત છે, પુસ્તકનાં રંગરૂપકદઆકાર જે બિલકુલ ટેબ્લેટ જેવાં છે (ટેબ્લેટ એટલે લેપટોપ કરતાંય નાનું એવું એક પ્રકારનું કમ્ય્યુટર, જેને મોબાઈલની જેમ આસાનીથી સાથે રાખી શકાય). ખેર, આ તો બાહ્ય બાબત થઈ, ખરી મજા એનાં લખાણમાં છે. ગુજરાતી ભાષાનું લાલિત્ય અહીં મન મૂકીને ખીલ્યું છે.

લલિત નિબંધને ઋતુઓ સાથે જૂનું લેણું છે. એમાંય લેખક ખુદને ‘ઋતુઓના માણસ’ ગણાવે છે. દેખીતી રીતે જ પુસ્તકના અડધોઅડધ નિબંધો ક્રમબધ્ધ બદલાતી ઋતુઓ અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને લખાયા છે. જદા જદા લેખોમાં વેરાયેલા અલંકાર અને ઉપમા વડે કેવાં ચિત્ર ઊપસ્યાં છે? જઓઃ

જાન્યુઆરીમાં ઉતરાણ આવે એટલે લેખકને લાગે કે આકાશ નીચે પંતગોનું નવું રંગીન આકાશ રચાઈ ગયું છે. ફેબ્રુઆરીમાં ફૂલો ‘ક્લાઈમેટ ચેન્જ’ સામે છાતી કાઢીને ઊભાં રહી જાય. માર્ચ મહિનામાં હોળીના દિવસોમાં લેખકનું મન વિસ્મયના તડકામાં ઊભું રહે અને પોપચાં પિચકારી મારે. એપ્રિલમાં તડકાનું એક મોટું ટોળું લેખકના નગરને રગદોળી નાખે. ગરમીથી અકળાઈને સ્વિમિંગપુલનું વિહવળ થયેલું પાણી પુલની દીવાલ સાથે બરડો ઘસી નાખે. ગ્રીષ્મની રાતોમાં પંચતારક હોટલની જાહોજલાલી ઉજાગરા કરે. પવન રસ્તાની પહોળાઈને જાનૈયા પાન ચાવતા હોય એ અદાથી ચાવતા હોય એવું લાગે. ભરઊનાળે ટાંકણીનાં ટોચ જેવા અજવાળાના ફણગાં ફૂટે એટલે સમજી લેવાનું દિવસનું આક્રમણ આવી રહ્યું છે. વેકેશનમાં અમુક નિશાળો બધાં પાન ખરી ગયેલા ઝાડ જેવી, તો અમુક નિશાળો ઊંઘ આવતા પહેલાંના ઘેનમાં જાગતી સ્ત્રી જેવી લાગે! વરસાદનું વ્યાકરણ એટલે નિરાશાનું વ્યાકરણ. શિયાળો ધમધોકાર આવ્યો ન હોય ત્યારે સવારની ચામાં બોળી બોળીને ડિસેમ્બરના સૂરજને ચાખવાનો અને લિજ્જત માણવાની!

‘મનને ઋતુપ્રૂફ બનાવવા જેવું નથી’ લેખમાં કહેવાયું છેઃ

‘મારા શહેરને ધોળા વાળ આવ્યા છે. અમારી નદીઓની આંખોમાં ભાલા ભોંકીને દુશ્મનો ભાગી ગયા છે. એના કાળા કાળા પગની પિંડીઓમાં હવે ડાયાબિટીસનું દર્દ છે. હવ એણે ઋતુપ્રૂફ મન સિવડાવી લીધું છે. દેવચકલીઓએ દેશવટો સ્વીકારી લીધો છે. નિયોનલાઈટનું અજવાળું મોકલી દીધું છે ગિફ્ટપેકમાં વસંતના બોલકા પવનની કુરિયર સર્વિસ થકી. મારું શહેર અજાણ્યાં (નંબર વગરનાં) ચશ્માં પહેરીને શોધે છે, મને. ઋતુઓના માણસને. માણસને નંબરપ્લેટ નખાવવાનું અને ગાડીઓને મોતિયો ઉતારવાનું ટાણું આવ્યું છે. કેલેન્ડરમાં ડરનો મહિમા છે. લંકામાં ન હોય એટલી શંકાઓથી ડંકા પડે છે ગામના ટાવરમાં.’

ગુજરાતી ગદ્યમાં આવી મનોહર રંગછટા રોજરોજ ક્યાં દેખાય છે! લેખકને ‘રીડર-ફ્રેન્ડલી’ થવાની લાહ્યમાં ભાષાની ઘટ્ટતા ઓછી કરી નાખવામાં બિલકુલ રસ નથી. એમને તો રોજિંદા ઘટમાળની વાતો-વિગતોને જદા જ દષ્ટિકોણથી નિહાળીને એનાં સુંદર શબ્દશિલ્પો રચવા છે. આ લખાણોમાંથી પસાર થવા માટે વાચક ચોક્કસ કક્ષાની સજ્જતા ધરાવતો હોય એવી અપેક્ષા પણ અહીં ચુપચાપ બેઠી છે.

‘એકાંત’ નિબંધમાં લેખકે પોતાની ઈચ્છાઓ વિશે સરસ લખ્યું છેઃ

‘ઘણીવાર એમ થાય, ચાલો, આકાશને ખોદીએ. સૂરજને કોમળતાની કવિતા અને છાયાની શીતળતાની એક અરજી આપવાની ઈચ્છા છે. વાદળી આકાશનાં કાળાંડિબાંગ પોલાણોમાં રખડવું છે. જથ્થાબંધ વાદળોનાં પોચાં પોચાં મેદાનોમાં થોડી ધીંગામસ્તી કરવી છે. મારા જન્મસ્થાને રહેલા ચંદ્ર સામે બેસીને થોડી વાતો કરી લેવી છે. પક્ષીઓને દઝાડતાં કિરણોને રસ્તામાં જ પકડીને એમનો હાથ મચડવો છે. ભેંકાર આકાશમાં લીલાંછમ ખેતરો જેવી પ્રાર્થનાઓ અને કવિતાઓમાં ખુલ્લા પગે દોડવું છે. આંતરડાંને હચમચાવીને ગવાયેલાં વેદનાનાં ગીતોને ભેટવું છે. પ્રેમનાં દશ્યોને સંઘરી રાખનાર કોઈ દેવ સાથે વિવાદ કરવો છે. વરુણદેવને પહેલા વરસાદનું ગીત સંભળાવીને ઋણ ચૂકવવું છે.’

આ વર્ણનોમાં સ્પર્શી શકાય એવી કાવ્યાત્મકતા છે. નિબંધકાર અગાઉ બે કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે એ એક મહત્ત્વનું કારણ હોઈ શકે. લેખક ભાગ્યેશ જહા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘હું ગદ્ય અને પદ્ય બન્નેમાં એકસરખું કમ્ફર્ટેબલ ફીલ કરું છ. લેખન મારા માટે શોખ નહીં, વિસામો છે. સામાન્યપણે હું સવારના ભાગમાં સીધો જ કમ્પ્યુટર પર લખતો હોઉં છ. સર્જનક્રિયા મારા માટે એક પ્રકારનું મેડિટેશન છે. ’

કાલિદાસ લેખકના પ્રિય કવિ છે અને વારંવાર ઉલ્લેખ પામતા રહે છે. પુસ્તકનો એટિડ્યુડ મોડર્ન છે. આ ઊતાવળે નહીં, ભરપૂર મોકળાશ વચ્ચે વાંચવાનું પુસ્તક છે. ભાષાની તાજગી અને ચમત્કૃતિપૂર્ણ નાવીન્ય એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. જોકે કોઈક જગ્યાએ ભાષા અતિ આત્મસભાન બનીને સહેજ અટકી જતી હોય એવું પણ લાગે. બ્રિટીશ લેખિકા વર્જિનિયા વુલ્ફે કહ્યું છેઃ

‘સારા નિબંધમાં એક પ્રકારનું કાયમીપણું, એક ચિરંજીવી તત્ત્વ સમાયેલું હોય છે. એ વાચકની આસપાસ જાણે કે એક પડદો રચી દે છે. આ પડદો વાચકને પોતાની ભીતર ઊતરવામાં મદદ કરે એવો હોય, પોતાનામાંથી બહાર ધકેલી દે એવો નહીં.’

‘ટેબ્લેટને અજવાળે, પાનબાઈ!’માં સંગ્રહાયેલાં મહત્તમ નિબંધો કાયમીપણાના આ માપદંડ પર ખરા ઊતરે છે. વળી, એ વાચકને પોતાની પાસે ફરી ફરીને આવવા માટે આમંત્રણ આપે છે. બહુ ઓછા પુસ્તકોમાં આ ગુણ હોય છે. આ ટેબ્લેટનું અજવાળું માણવા જેવું છે, એક કરતાં અધિક વાર. 0 0

ટેબ્લેટને અજવાળે, પાનબાઈ!

લેખકઃ ભાગ્યેશ જહા

પ્રકાશકઃ
નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

કિંમતઃ રૂ. ૨૦૦ /-
પૃષ્ઠઃ ૧૨૮

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.