Sun-Temple-Baanner

મીડિયા શા માટે ઉમાશંકરથી નારાજ થયા?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મીડિયા શા માટે ઉમાશંકરથી નારાજ થયા?


મીડિયા શા માટે ઉમાશંકરથી નારાજ થયા?

ચિત્રલેખા – અંક તા. ૬ મે ૨૦૧૩

કોલમ: વાંચવા જેવું

* * * * *

ઉમાશંકર જોશીને એક વાર એક વિદ્યાર્થીનો કાગળ મળે છે. છોકરો આમ તો કોમર્સનો વિદ્યાર્થી છે, પણ સાહિત્યનો પ્રેમી છે. એનામાં મુગ્ધતા પણ છે, ઉત્સુકતા છે અને પાછો રોષ પણ છે. લખે છે:

‘તમારા ‘શ્રાવણી મેળો’ વાર્તાસંગ્રહનો આનંદ માણ્યો, પણ એ વાર્તાઓના આસ્વાદથી લોભાઈને બીજો સંગ્રહ વાંચવા લીધો ત્યારે ખૂબ નિરાશા સાંપડી. એટલી બધી કે સેક્ધડ હેન્ડ પુસ્તકોની દુકાનમાં ઝટઝટ એ વેચીને દોઢ રુપિયામાંથી અગિયાર આના પાછા મેળવી લીધા! હું વાર્તા લખવામાં રસ ધરાવું છું. સમય આપશો?’

આ આક્રમક છતાંય પ્રેમભૂખ્યો વિદ્યાર્થી એટલે ચૂનીલાલ મડિયા! આગળ જતા

આ ‘છોકરો’ સાહિત્યનો કેટલો મોટો બંદો બન્યો તે આપણે જાણીએ છીએ. મડિયાનો આ મસ્તમજાનો પ્રસંગ – અને આવી તો કેટલીય વાતો – ખુદ ઉમાશંકર જોશીએ ‘મડિયારાજા’ નામના અફલાતૂન લેખમાં લખ્યો છે. આજના પુસ્તકમાં આવા કેટલાય સુંદર વ્યક્તિચિત્રો વીણી વીણીને એકત્રિત કરવામાં આવ્યા છે.

માણસને – પછી એ ગમે તે હોય, ગમે તેવો હોય – શબ્દોમાં પકડી શકાય? હા. આ પુસ્તકમાંથી પસાર થતા દઢપણે અનુભૂતિ થશે કે લખનારો જો શબ્દસ્વામી હોય તો ગણતરીના વાક્ય-લસરકાથી માણસનું જીવતું-ઘબકતું ચિત્ર ઊપસાવી શકે છે. અલબત્ત, આમ કરતી વખતે સંતુલન અને સમગ્રતા જાળવી રાખવાનું કામ સહેલું હોતું નથી. આ પ્રકારના લખાણની મજા એ છે કે જેના વિશે લખાયું છે તે વ્યક્તિ ઉપરાંત લેખકની ખુદની પર્સનાલિટીના અમુક રંગો સીધી કે આડકતરી રીતે વાચક સામે આવતા રહે છે. જેમ કે, કવિ દયારામ વિશેના નર્મદના લેખમાં આ બન્ને મહાનુભાવોના વ્યક્તિત્ત્વની ઝલક ભાવકને મળે છે. નર્મદ લખે છે:

‘કવિનો સ્વભાવ… મળતાવડો પણ પ્રસંગોપાત ઘણો જ ચીડિયો હતો – એટલો કે વખતેે જે પડ્યું હોય તે લઈને મારવાને ચૂકતો નહી. આકળો ઘણો હતો. કોઈ એને વિશે ખોટું બોલતું તરત એ ચીડાઈ જતો ને સારું બોલતું તો ખુશ થતો… હું દયારામના ધર્મસંબંધી વિચારને બિલકુલ પસંદ નથી કરતો, હું એના ક્રોધી તથા અભિમાની સ્વભાવની દયા ખાઉં છઉં તોપણ એની દરદી કવિતાને અને એની તમામ કવિતાની ભાષાને વખાણું છઉં.’

સ્વામી આનંદ મુંબઈના એક તબેલાવાળાનું અદભુત શબ્દચિત્ર તૈયાર કર્યું છે. નામ એનું દાદો ગવળી. માવડિયું એટલે કે ગાયોની માવજત એ જ એનું જીવન. ઘરાકના વાસણમાં દૂધ ઠાલવતા ઠાલવતા એ બોલતા જાય:

‘કઈ માવડીનું દૂધ આવ્યું? આ તો મારી રઢિયાળીનું, આ તો મારી લાખેણીનું, આ આવ્યું મારી ભાગવંતીનું, આ સતવંતીનું, ચંદરણીનું, રુપેણીનું!… ખાઓ મારા બાપલા! ખાવ મારી માવડિયુંનું દૂધ, ને થાવ તાજા. મારી ભાગવંતિયુંનાં દૂધ એટલે શું સમઝો છ? બસ ઘર ને બહાર બધે તમારી બરકત જ બરકત.’ વચ્ચે વચ્ચે પાછા સૂચનાય આપતા જાય:

‘અલા જો છ કે? ઓલી સતવંતિયે પોદળો કર્યો. કાઢ ઝટ. ઈ તો માવડિયું કે’વાય, એકોએક…. કાઢ, કાઢ ઝટ પોદળો. તબેલા ને ગમાણ્યું બધાં કેવાં આભલા જેવા રેવા જોવે, રાત ને દી. હા, ઈમાં ફેર નો પડવો જોવે.’

વ્યક્તિચિત્ર દોરવાનું હોય એટલે જે-તે માણસની નકરી સારી સારી વાતો જ મધમીઠી જબાનમાં લખવી એવું કોણે કહ્યું. ૧૯૭૭માં વિનોદ ભટ્ટે એમની લાક્ષાણિક શૈલીમાં લાભશંકર ઠાકર વિશે લખ્યું હતું:

‘આ લા.ઠા.ને હું લગભગ વીસ વર્ષથી જાણું છું. ઓળખું છું એવું નહીં કહી શકું. એવું તો કોઈપણ નહીં કહી શકે. ખુદ લા.ઠા. પણ નહીં. બહુ જ સૌમ્ય, રુજુહૃદયી, સ્નેહાળ, નમ્ર ને વિવેકી લા.ઠા.ને મેં જોયેલા. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે ઉદ્દંડ હોવું જોઈએ ત્યારે એ ઉંમરે તે શાંત ધીરગંભીર હતા. હવે ઠાવકા થવાની ઉંમરે પહોંચ્યા છે ત્યારે તોફાને ચડી જાય છે- ક્યારેક… આ માણસ ક્યારે શું કરશે તે કહેવાય નહીં. અનપ્રિડિક્ટેબલ. એક વાક્ય પૂરું કરે પછી બીજું વાક્ય ફલાણું જ આવશે એવું તમે છાતી ઠોકીને કહી ન શકો. ધરાર ખોટા પડો.’

વિનોદ ભટ્ટે દોેરેલા ખૂબ બધા સાહિત્યકારોના રમતિયાળ (અને જોખમી!) રેખાચિત્રો ખૂબ લોકપ્રિય બન્યા છે. આ પુસ્તકમાં માત્ર વ્યક્તિગત નહીં, પણ સંબંધગત ચિત્રો પણ છે. જેમ કે ઈશ્વર પેટલીકરે સાસુમા-ઈન-જનરલ વિશે લખ્યું છે. કહે છે, ‘માથી પરણાતું નથી એટલે છોકરાને પરણાવે છે. પણ એથી મૂરખો છોકરો વહુ પોતાની

સમજી બેસે છે – ને મૂરખી વહુ પણ પોતાના મૂળ ધણીને ઓળખ્યા વિના દેખાવ પૂરતા મંગળફેરા ફરનારને સાચમાચ પતિ માની લે છે ને ભવાટવીમાં ભૂલાં પડે છે. તેમાંય ‘પોતાનો છોકરો તો ડાહ્યોડમરો હતો પણ રાંડ વહુએ જ એને ભૂલો પાડ્યો’ એવી પાક્કી માન્યતાથી સાસુનો બધો રોષ વહુ ઉપર જ ઊતરે છે.’

સંપાદિકા ડો. પન્ના ત્રિવેદી પ્રસ્તાવનામાં યોગ્ય જ લખે છે કે આપણે ત્યાં કથાસાહિત્ય જેટલી ચર્ચા વ્યક્તિચિત્રો વિશે થઈ નથી. આ સાહિત્યપ્રકાર પ્રમાણમાં ઓછો ખેડાયેલો છે. આ પુસ્તકમાં બાવીસ લેખકોએ આલેખાયેલા કુલ ૩૬ રેખાચિત્રો સંગ્રહાયા છે. અહીં એક બાજુ મહારાજ સયાજીરાવ (લેખક ન્હાનાલાલ) અને મેઘાણી (ઉમાશંકર) છે તો સામી બાજુ, ચકલો ભગત (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ), કાલુ ગોળવાળો (પ્રફુલ્લ રાવલ) અને જીવો વણકર (મણિલાલ હ. પટેલ) પણ છે. આ બધાની વચ્ચે ‘શહેરની શેરી’ (જયંતિ દલાલ) સુંદર હોવા છતાંય મિસફિટ લાગે છે. જુદા જુદા કાળખંડમાંથી પસાર થતી ગુજરાતી ભાષાની કંઈકેટલીય આકર્ષક છટા આ પુસ્તકમાં ઝિલાઈ છે. પુસ્તકનું વાંચન ખૂબ સંતોષકારક અને આનંદપ્રદ પૂરવાર થાય છે તેનું સૌથી મોટું કારણ આ જ.

સાહિત્યના અઠંગ રસિયાઓ ઉપરાંત જેમને સામન્યપણે કેવળ નવલિકા અને નવલકથામાં જ રસ પડતો હોય છે તેવા વાચકોને પણ ચોક્કસપણે વાચવો ગમે તેવો સંગ્રહ.

* * * * *

ગુજરાતી રેખાચિત્રો

સંપાદન: ડો. પન્ના ત્રિવેદી

પ્રકાશક:
રન્નાદે પ્રકાશન, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૧ ૦૦૮૧, ૨૨૧૩ ૦૦૬૪

કિંમત: ૩૩૫ /-
પૃષ્ઠ: ૨૫૦

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.