Sun-Temple-Baanner

લગ્ન માટે માણસ સાઠ વર્ષે પણ પરિપક્વ બનતો નથી!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


લગ્ન માટે માણસ સાઠ વર્ષે પણ પરિપક્વ બનતો નથી!


લગ્ન માટે માણસ સાઠ વર્ષે પણ પરિપક્વ બનતો નથી!

ચિત્રલેખા- દિવાળી અંક- નવેમ્બર ૨૦૧૫

કોલમ: વાંચવા જેવું

વિનોદ ભટ્ટનું સેલ્ફ-ડેપ્રિકેટિંગ હ્યુમર (ધરાર પોતાની જાતને ગંભીરતાથી ન લઈને કે ઈવન ઉતારી પાડીને પેદા કરવામાં આવતું હાસ્ય) એમની આત્મકથામાં સોળે કળાએ ખીલ્યું છે.

* * * * *

આત્મકથા કદાચ સૌથી ટ્રિકી યા કઠિન સાહિત્યપ્રકાર છે. એથી જ આત્મકથાનું ઉત્તમ રીતે ખેડાણ થાય ત્યારે ધ્યાનાકર્ષક બન્યા વગર રહી શકતી નથી. આજે જેની વાત કરવાની છે એ વિનોદ ભટ્ટની આત્મકથાના ચાર-ચાર આવૃત્તિઓ થઈ છે એનું કારણ પણ આ જ.

કેટલું નગ્ન થવું? કેટલું ઢાંકવું? આત્મકથાના લેખકની આ સૌથી મોટી દુવિધા છે. એક અંતિમ પર સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી ઊભા છે. એમની આત્મકથા એટલી બધી સ્ફોટક હતી કે, વિનોદ ભટ્ટ પ્રસ્તાવનામાં કહે છે તેમ, એને તાળાચાવીમાં બંધ રાખવી પડતી. પોતાનાં મૃત્યુ પછી આ લખાણ છાપવાનો અધિકાર મણિલાલે વિશ્ર્વાસુ મિત્ર આનંદશંકર ધ્રુવને સોંપ્યો હતો. આનંદશંકર આ આત્મવૃત્તાંત વાંચીને ખળભળી ગયા હતા. ત્રણ દાયકા સુધી ‘એ’ સર્ટિફિકેટવાળી આત્મકથા એમ જ પડી રહી. આખરે ડો. ધીરુભાઈ ઠાકરે તે પ્રગટ કરી. મિહિર ભૂતાએ મણિલાલની આત્મકથા પરથી ‘જલજલ મરે પતંગ’ નામનું સુંદર નાટક લખ્યું છે. મનોજ શાહે અફલાતૂન મંચન કર્યું હતું. નાટકમાં અસભ્ય અને અશ્ર્લીલ ગણી શકાય એવી એટલી બધી સામગ્રી હતી કે ઓડિયન્સ છળી મરતું.

વિનોદ ભટ્ટ પોતાની આત્મકથા દ્વારા આવી કોઈ પ્રતિક્રિયા જન્માવવા માગતા નથી એટલે વાચકોની સુરુચિનો ભંગ ન થાય એની ખાસ તકેદારી રાખી છે. સગાં-વહાલાંની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે પણ જીવનના કેટલાક પ્રસંગો લખવાનું પ્રયત્નપૂર્વક ટાળ્યું છે. આ સીમારેખાની વચ્ચે રહીને પણ લેખકે જે શેર કર્યું છે એ ઉત્કૃષ્ટ છે. એમનું સેલ્ફ-ડેપ્રિકેટિંગ હ્યુમર (ધરાર પોતાની જાતને ગંભીરતાથી ન લઈને કે ઈવન ઉતારી પાડીને પેદા કરવામાં આવતું હાસ્ય) આ પુસ્તકમાં સોળે કળાએ ખીલ્યું છે.

અલબત્ત, હાસ્યલેખકના જીવનમાં બધું હાસ્યપ્રેરક જ બનતું હોય છે જરુરી થોડું છે? હા, એ ઘટનાપ્રચુર જરુર હોઈ શકે છે. પોતાનાં જીવનની સૌથી અસામાન્ય ઘટમાળ વિશે વિનોદ ભટ્ટે ‘અમે ત્રણ, અમારાં ત્રણ’ પ્રકરણમાં વિગતવાર લખ્યું છે. રમેશ પારેખને જેમ કવિતા માટે ‘સોનલ’ નામ મળી ગયું હતું એમ વિનોદ ભટ્ટને પ્રેમ કરવા માટે જુવાનીમાં ‘નલિની’ નામ જડી ગયું હતું. એમને ફક્ત એવી જ યુવતીના પ્રેમમાં પડવું હતું જેનું નામ નલિની હોય! એક દિવસ જાણે ચમત્કાર થયો હોય તેમ જ્ઞાતિના જમણવારમાં ખરેખર નલિની નામની ક્ધયા સાથે ભેટો થઈ ગયો. કમનસીબે ન પ્રેમ વ્યક્ત કરવાનો મોકો મળ્યો કે ન એવી હિંમત ચાલી. વડીલોએ પસંદ કરેલી કૈલાસ નામની ક્ધયા સાથે પરણી નાખ્યું. કઠણાઈ ત્યારે થઈ જ્યારે લગ્ન પછી નલિની ચારેક વાર મળી ને પાછું કબૂલ્યું પણ ખરું કે હું તમને ચાહું છું!

એક પછી એક ઘટના બનતી ગઈ. હજુ સુધી અપરિણીત રહેલી નલિની સાથે દોસ્તી ગાઢ થતી ગઈ. એકલા લેખકની જ નહીં, કૈલાસની પણ. ત્રણેય સાથે કાંકરિયા ફરવા, નાટકો-ફિલ્મો જોવા ને હોટલમાં જમવા જાય. એક તબક્કે લેખકને લાગ્યું કે નલિની વગર જીવી નહીં શકાય. એમણે પત્નીને વિશ્ર્વાસમાં લીધી, પેટછૂટી વાત કરી અને પૂછ્યું કે, ‘આમની આમ વાત છે, બોલ શું કરીશું? તારી સલાહ શી છે?’ એ ઉમદા સ્ત્રી સહજભાવે બોલી:

‘નો પ્રોબ્લેમ, આપણે ત્રણેય એકબીજાને ચાહીશું ને સાથે રહીશું.’

– અને બસ, આ રીતે રચાયો એમનો પ્રણયત્રિકોણ. બહુ જ વિશિષ્ટ પૂરવાર થયું આ સહજીવન. કૈલાસે કહેલું પાળી બતાવ્યું. લેખક કહે છે તેમ, એ એક અનન્ય અને વિરલ સ્ત્રી હતાં. એમણે હંમેશાં પતિનું સુખ જ જોયું. નલિનીનાં કૂખે અવતરેલાં ત્રણેય સંતાનોને એટલી સરસ રીતે ઉછેર્યાં કે વર્ષો સુધી બાળકોને ખબર જ ન પડી કે એમની સગી મા કોણ છે. ગર્ભવતી તો ખેર કૈલાસ પણ બનેલાંં (‘આ બન્ને પ્રેગનન્ટ સ્ત્રીઓની વચ્ચે હું ચાલતો ત્યારે પુરુષો અદેખાઈથી અને સ્ત્રીઓ અહોભાવથી અમારી સામે તાક્યા કરતા’), પણ દુર્ભાગ્યે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું. લેખક લખે છે:

‘આજે તે (કૈલાસ) નથી, તેનો ફોટો ઘરમાં છે. ક્યારેક આ ત્રણ છોકરાં વચ્ચે કોઈ મુદ્દે સાચ-જૂઠ કરાવવાનું હોય તો કોઈ એમ નથી કહેતું કે ખા, ભગવાનના સમ. એને બદલે કહે છે કે ખા, કૈલાસ-મમ્મીના સમ!’

જીવનનું આવું નાજૂક પ્રકરણ ખોલતી વખતે પણ પોતાનું ટ્રેડમાર્ક હ્યુમર છોડે તો વિનોદ ભટ્ટ શાના? લખે છે:

‘બન્ને સ્ત્રીઓ, એક છાપરા હેઠળ, પતિ સાથે રહેતી હોય એવા કિસ્સામાં સહનશક્તિનો અવોર્ડ ત્રણમાંથી કોને આપવો એ કેટલીક વાર મૂંઝવણભર્યો સવાલ બની જાય… આજે અનુભવે હું તો ૬૦ વર્ષની ઉંમરને પણ લગ્ન માટેની પાકટ વય ગણતો નથી.’

બે સ્ત્રીઓ સાથે ભરપૂર જીવન જીવ્યા બાદ લેખક પ્રામાણિકતાથી કહી દે છે:

‘અત્યારે મારી આંખ સામે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. આ ક્ષણે મને લાગે છે કે હું ખુદ મારા જ પ્રેમમાં હતો, કે પછી પ્રેમના પ્રેમમાં હતો, ઓનેસ્ટલી!’

ખૂબ બધી વાતો છે આ પુસ્તકમાં. દાયકાઓ પછી પણ જેની સનસનાટી પૂરેપૂરી શમી નથી એવી વિવાદાસ્પદ લેખમાળા ‘વિનોદની નજરે’ વિશે (આમાં લેખકે જાણીતા સાક્ષરો-કલાકારોના અત્યંત રમૂજી પણ જે-તે વ્યક્તિને સોલિડ અકળાવી મૂકે એવા એસિડિક ચરિત્રચિત્રણો કરેલાં), ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં જીત્યા એ વિશે (‘ચૂંટણી હારીશું તો ગાંઘીબાપુની કક્ષામાં મુકાઈશું એવી સમજ સાથે ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો’), કટારલેખન વિશે, જ્યોતીન્દ્ર દવે અને ચન્દ્રવદન મહેતા વિશે, વગેરે.

‘એવા રે અમે એવા…’ મૂળ જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ, કચ્છમિત્ર, ગુજરાતમિત્ર, સૌરાષ્ટ્ર સમાચાર અને ગુજરાત ટુડે- આ છ-છ અખબારોની રવિવારની પૂર્તિમાં સાગમટે ધારાવાહિક સ્વરુપે છપાઈ હતી. દિવાળી સુધારી નાખે આ અફલાતૂન પુસ્તક અચુકપણે માણવા જેવું છે. 0 0 0

એવા રે અમે એવા…

લેખક: વિનોદ ભટ્ટ
પ્રકાશક: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૪૪૬૬૩, ૨૨૧૪૯૬૬૦

કિંમત – ૧૮૦ /-
પૃષ્ઠ: ૨૦૬

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.