Sun-Temple-Baanner

સમયના દર્પણમાં…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સમયના દર્પણમાં…


સમયના દર્પણમાં…

ચિત્રલેખા – ફેબ્રુઆરી ૨૦૧7

વાંચવા જેવું

‘અભાગણી છપ્પરપગી! હજી તો મીંઢળ માથેથી છોડ્યું નથી ને અમારા દીકરાને ભરખી ગઈ! હવે રડી રડીને ગામ ગજાવી દેખાડો કરશ? બધીયું જોઈ શું રઈ છો? પકડો કભારજાને. અરજણ, ઝટ મૂંડવા માંડ રાંડને.’

* * * * *

આજે વર્ષા અડાલજાની અત્યંત શક્તિશાળી નવલકથાની વાત કરવી છે. નામ છે એનું ‘ક્રોસરોડ’. શીર્ષકની સાથે ટેગલાઈનછે – ‘બદલાતા સમાજનું પ્રતિબિંબ’. પુસ્તકનાં આવરણ પર ૧૯૩૦, ૧૯૪૦, ૧૯૭૦ જેવા દાયકાસૂચક આંકડા વંચાય છે. આ ટેગલાઈન અને સમયખંડના આંકડા આખી કથાનું પશ્ર્ચાદભૂ સ્પષ્ટ કરી આપે છે.

૧૯૨૨થી શરુ થતી આ કથાના કેન્દ્રમાં જયાબાનો પરિવાર છે. કરમે રંડાપો અને ચાર બાળકો લખીને વિધાતાએ જયાબાના જીવતર પર ધગધગતો ડામ ચાંપી દીધો છે. જયાબાનો સૌથી મોટો દીકરો વિષ્ણુ સત્તરનો થયો છે. મોટી દીકરી સાસરે છે. પછી મોગરાના ફુલના ઢગલા જેવી આઠ-નવ વર્ષની કુમુદ જેને આ કથાની નાયિકા કહી શકો. સૌથી નાની ઉષા. જયાબાના પાડોશમાં રહેતાં સમુકાકી પણ વિધવા છે. એ આખા લખતર ગામની સ્ત્રીઓની પ્રસૂતિ પણ કરી આપે છે અને જરુર પડ્યે ગર્ભપાત પણ. ગામના કેટલાંય રહસ્યો એમની બંધ મુઠ્ઠીમાં કેદ થઈને પડ્યા છે. સમુકાકીને પોતાની દીકરી વાસંતીની ચિંતા છે, પણ એમને ખબર નથી કે વાસંતીના દિલ પર વિષ્ણુએ કબ્જો જમાવી દીધો છે.

ગામના અભિમાની શ્રીમંત ભવાનીશંકરના ઘરેથી કિશોરી કુમુદનું માગું આવે છે અને એ સાથે ઘટનાઓનો જબરદસ્ત ચક્રવાત ઉઠે છે. ખોબા જેવડા ગામમાં વિષ્ણુનો જીવ મૂંઝાય છે એટલે એ ભાઈબંધની સાથે જીદ કરીને કલકત્તા ઉપડી જાય છે. અહીં એની સામે સાવ અલગ જ દુનિયા ખૂલે છે. ગુલામ દેશને આઝાદી ખાતર ફના થવા માથે કફન બાંધીને ફરતા ક્રાંતિકારીઓની ધધખતી દુનિયા!

આ બાજુ નાનકડી કુમુદનો વર કેશવ મોટે ઉપાડે આફ્રિકા રવાના થાય છે, પણ થોડા સમયમાં મોકાણના સમાચાર આવે છે કે એ જેમાં સવાર થયો હતો એ લીલાવંતી નામનું વહાણ દરિયાઈ તોફાનમાં ડૂબી ગયું છે. બાલિકાવધૂ કુમુદ બાળવિધવા બની જાય છે. ગામનાં બૈરાંઓની વચ્ચે કુમુદની માથાભારે કાકીસાસુ રુક્ષ્મણી બરાડે છે:

‘અભાગણી છપ્પરપગી! હજી તો મીંઢળ માથેથી છોડ્યું નથી ને અમારા દીકરાને ભરખી ગઈ! હવે રડી રડીને ગામ ગજાવી દેખાડો કરશ? બધીયું જોઈ શું રઈ છો? પકડો કભારજાને. અરજણ, ઝટ મૂંડવા માંડ રાંડને.’

દીકરી વાસંતીનો હાથ બીજવરના હાથમાં સોંપતી વખતે સમુકાકીને કલ્પનાય ક્યાંથી હોય કે જમાઈ પુરુષમાં નથી ને નખ્ખોદિયો વેવાઈ પોતાની ફુલ જેવડી દીકરીને પીંખી નાખવાનો છે! વાસંતી બેજીવસોતી થાય છે. આખરે એક દિવસ જગદંબાનું રુપ લઈને, રાક્ષસ જેવા સસરાનો સામનો કરીને એ જેમ તેમ પિયર ભાગી આવે છે. સુયાણી સમુકાકીને દીકરીનો ગર્ભ પાડતાં કેટલી વાર લાગવાની. જક્ષણી ખપ્પર લઈને ઊભાં હોય એમ સમુકાકી છલોછલ તાંસળી લઈને ઊભાં રહી જાય છે. બળજબરીથી દીકરીના મોંમાં કાળો લીલાશ પડતો કાઢાનો રગડો રેડી દે છે. તરફડી રહેલી વાસંતીના પેટમા કાળી બળતરા ઉપડી. આગળનું વર્ણન વર્ષા અડાલજા કેવી રીતે કરે છે એ જુઓ:

‘…વાંસતીના પગ વચ્ચેથી ધખધખ કરતો કાળો ભઠ્ઠ લોહીનો રેલો નીકળ્યો. જયાબા ઝટ ઉઠ્યાં અને ભીંતેથી સૂપડું લીધું. સમુકાકીએ બે પગ વચ્ચે સૂપડું ખોસી દીધું. ત્યાં નાનો લોહિયાળ માંસનો લોચો સૂપડામાં ભફ દઈને પડ્યો. સૂપડું હડસેલી દઈ, જયાબા અને સમુકાકીએ વાસંતીની કમ્મર ઊંચી કરી, નીચે ગોદડું નાંખી દીધું.’

સ્તબ્ધ થઈ જવાય, શ્ર્વાસ અધ્ધર કરી નાખે અને વાંચતા કાંપી ઉઠાય એવાં આવાં તો કેટલાંય અલ્ટ્રા હાઈ-વોલ્ટેજ શબ્દવર્ણનોની રમઝટ બોલાવીને લેખિકાએ કમાલ કરી છે.

કથા વેગપૂર્વક આગળ વધતી જાય છે. દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે સમાજસુધારણાનો પવન પણ ફૂંકાયો છે. ક્રાંતિના રંગે રંગાઈ ચુકાઈ ચુેકલા વિષ્ણુના આગ્રહથી જયાબા હિંમત કરીને વિધવા થઈ ગયેલી કુુમુદને દુખિયારી સ્ત્રીઓના આશ્રમમાં મોકલી આપે છે. વિષ્ણુના જ પ્રયત્નોથી કુમુદના જીવનમાં પરાશર નામનો જીવનરસ અને આદર્શોેથી હર્યોેભર્યો તેજસ્વી પુરુષ આવે છે. પરાશર લોકપ્રિય પત્રકાર-લેખક છે. એ વિધવા કુમુદનો માત્ર હાથ ઝાલતો નથી, પણ એને અને સાથે સાથે જયાબાને સામાજિક પ્રતિષ્ઠા અપાવે છે. સમયનું ચક્ર એવું ફરે છે કે રાંડીરાંડ બાઈઓનું ખોરડું ગણાતું ઘર ‘શહીદોનું ઘર’ જેવું માનભર્યું બિરુદ પામે છે.

પછી તો ઘણું બધું બને છે આ સઘળાં પાત્રોના જીવનમાં. અલબત્ત, લેખિકાને કેવળ આ કિરદારોની જીવનના આરોહ-અવરોહ આલેખવામાં રસ નથી. એમનો હેતુ તો આઝાદી પહેલાંના અને પછીના દેશના રાજકીય તેમજ સામાજિક ઇતિહાસને એકસાથે વણી લઈને એક વ્યાપક ચિત્ર ઊપસાવવાનો છે. કથાના વ્યાપમાં આઝાદીની લડાઈનાં કેટલાંય પાનાં, દેશના ભાગલા વખતે થયેલી ખૂનામરકી, પાકિસ્તાન અને ચીન સાથે થયેલાં યુદ્ધોથી લઈને છેક ઇવન બ્લેક-એન્ડ-વ્હાઈટ ટીવીના આગમન સુધીના સાઠ-સિત્તેર વર્ષની ઘટમાળ આવરી લેવાઈ છે. કુમુદ પછી તો નાની ને દાદી બની જાય છે. શું નવી પેઢીને એમના વડીલો-પૂર્વજોએ આપેલાં બલિદાનની કિંમત છે? કે પછી સમયની સાથે આપણું રાષ્ટ્રીય ખમીર ક્ષીણ થતું જાય છે? લેખિકાને આ સવાલોમાં રસ છે.

ખાસ્સી જહેમત અને રિસર્ચના આધારે લખાયેલી આ નવલકથા ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ધારાવાહિક સ્વરુપે છપાઈ હતી. વર્ષા અડાલજાએ ગ્રામ્ય પાત્રો અને તળપદી માહોલને એવાં આબેહૂબ ઊપસાવ્યાં છે કે વાંચતા વાંચતા આપણા મનમાં પ્રશ્ર્ન જાગે:

સાઉથ બોમ્બે જેવા અત્યાધુનિક વિસ્તારમાં જીવન પસાર કરનારાં લેખિકાના માંહ્યલામાં પન્નાલાલ પટેલ અને ઝવેરચંદ મેઘાણી જેવા લેખકોની સર્જકતાએ પુન:જન્મ લીધો છે કે શું?

કથાનું ચુંબકીયપણું જોકે ત્રીજી પેઢીના આલેખન દરમિયાન પાંખું થઈ થઈ જાય છે, પણ નવલકથાની સમગ્ર અસર એવી પ્રચંડ છે કે આ માઇનસ પોઇન્ટને અવગણવાનું મન થાય. બેશક, વર્ષા અડાલજાનાં સર્વશ્રેષ્ઠ સર્જનોમાં સૌથી અગ્રક્રમે મૂકી શકાય એવી માતબર અને યાદગાર કૃતિ. અ મસ્ટ રીડ.

૦ ૦ ૦

ક્રોસરોડ

લેખિકા – વર્ષા અડાલજા

પ્રકાશક –
આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અને ખાનપુર, અમદાવાદ
ફોન – (૦૨૨) ૨૦૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

કિંમત – રૂ. ૪૫૦ /-
પૃષ્ઠ – ૫૬૨

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.