Sun-Temple-Baanner

ઓસામુ સુઝુકીઃ ૯૧ વર્ષેય અડીખમ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઓસામુ સુઝુકીઃ ૯૧ વર્ષેય અડીખમ!


ઓસામુ સુઝુકીઃ ૯૧ વર્ષેય અડીખમ!
——————–
સુઝુકી કંપનીના બિગ ડેડી ઓસામુ કહે છે કે તમે એસી ઓફિસમાં કામ કરતા હો તો પણ તમારા શર્ટ પર પરસેવાના ડાઘ દેખાવા જોઈએ. જો આમ નહીં થાય તો તમને ક્યારેય કમ્ફર્ટ કે સુવિધાની કિંમત નહીં સમજાય!
—————-
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————————

આજે આપણે ઓસામુ સુઝુકી વિશે વાત કરવી છે. ઓસામુ સુઝુકી એટલે કાર અને બાઇક બનાવતી જાયન્ટ જપાની કંપની સુઝુકી મોટર કાર્પોરેશનના ૯૧ વર્ષીય બિગ ડેડી. એમના વિશે વિગતે ચર્ચા કરતાં પહેલાં એક-બે વાત ઝડપથી નોંધી લઈએ. તે એ કે સુઝુકી કંપનીએ ગયા અઠવાડિયે ઘોષણા કરી કે તેઓ ગાંધીનગર ખાતે નવીનક્કોર અને ટોપ-ક્લાસ રિસર્ચ એન્ડ ડેપલપમેન્ટ કંપનીની સ્થાપના કરશે. વળી, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સનું ઉત્પાદન શરુ થઈ જાય તે માટે સુઝુકી કંપની આવતાં ચાર વર્ષમાં૧૦,૪૪૫ કરોડ રુપિયાનું તોસ્તાન રોકાણ કરશે.

સારી વાત છે. સુઝુકી કંપનીને ભારત અને ભારતને સુઝુકી હંમેશાં ફળ્યાં છે. જેમ ટાટા મોટર્સ અને અદાણી પાવરમાં અનુક્રમે ટાટા અને અદાણી અટક છે એમ સુઝુકી પણ અટક છે. મજાની વાત એ છે સુઝુકી કંપનીના વયોવૃદ્ધ વડીલ ઓસામુ સુઝુકીની મૂળ અટક સુઝુકી નથી. એમની મૂળ અટક મત્સુડા છે, સુઝુકી તો એમના સસરાની અટક છે. સુઝુકી કંપની ૧૧૨ વર્ષ પહેલાં, છેક ૧૯૦૯માં, મિચિઓ સુઝુકી નામના સાહસિકે સ્થાપી હતી. શરૃઆતમાં કંપની કાપડ બનાવતી હતી. વર્ષો વીત્યાં ને કંપનીએ ધીમે રહીને ઓટોમાબાઇલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. બન્યું એવું કે કંપનીના સ્થાપકની પૌત્રી આપણે જેમની વાત માંડી છે એ ઓસામુના પ્રેમમાં પડી. ઓસામુ તે વખતે એક સ્થાનિક બેન્કમાં લોન ઓફિસર તરીકે કામ કરતા હતા. ૧૯૫૮માં બન્ને પરણી ગયાં. તે વખતે સુઝુકી કંપની જપાનમાં મોટરસાઇકલના ઉત્પાદનમાં ત્રીજા સ્થાન પર હતી. સુઝુકી ખાનદાનમાં એકેય દીકરો ન હતો એટલે બિઝનેસ કોણ આગળ વધારશે તે પ્રશ્ન હતો. કાં તો દીકરીમાં એટલી તેજસ્વિતા નહીં હોય અથવા કદાચ એ જમાનામાં જપાનમાં બાઇમાણસને બિઝનેસની આવડી મોટી જવાબદારી આપવાનો રિવાજ નહીં હોય.

જપાનનો કાયદો કહે છે કે પતિ અને પત્નીની અટક એક જ હોવી જોઈએ. લગ્ન વખતે જ નક્કી કરી લેવું પડે કે પત્ની પોતાના નામ પાછળ પતિની અટક લગાવશે કે પતિ પોતાના નામની પાછળ પત્નીની અટક લગાવશે? બને છે એવું કે માત્ર ચાર ટકા જપાની પુરુષો જ લગ્ન પછી પત્નીની અટક ધારણ કરે છે, પણ આ કેસમાં ઓસામુએ હોંશે હોંશે સાસરાની અટક ધારણ કરી ને ઓસામુ સુઝુકી બની ગયા. સુઝુકી ખાનદાને ઓસામુકુમારને રીતસર ખોળે બેસાડયા. દાદાજી સસરા અને બીજા વડીલો-સિનિયરો એમને બિઝનેસના પાઠ પઢાવવા માંડયા. સુઝુકી ખાનદાન માટે જોકે આમાં કશું નવું નહોતું. બિઝનેસ ચલાવવાની જવાબદારી સોંપવાના આશયથી ઓસામુ ખાનદાનમાં ભૂતકાળમાં ત્રણ જમાઈઓને ખોળે બેસી ચૂક્યા હતા.

કંપની ભલે શ્વસુર પક્ષની રહી, પણ ઓસામુ સુઝુકીએ શરૃઆત તો જુનિયર લેવલથી જ કરવી પડી હતી. ચાર વર્ષ મહેનત કર્યા પછી એમને ડિરેક્ટર લેવલની પોસ્ટ આપવામાં આવી. પછી જુનિયર મેનેજિંગ ડિરેક્ટર બન્યા, પછી સિનિયર મેનેજિંગ ડિરેક્ટર બન્યા ને આખરે, ૧૯૭૮માં, લગ્નનાં છેક વીસ વર્ષ બાદ તેઓ કંપનીના પ્રેસિડન્ટ તથા સીઈઓ તરીકે ટોપમોસ્ટ પોસ્ટ પર પહોંચ્યા. બાવીસ વર્ષ સુધી એમણે આ જવાબદારી સંભાળી. ૨૦૦૦ની સાલમાં તેમણે સીઈઓની ખુરસી ખાલી કરીને તેઓ કંપનીને ચેરમેન બન્યા. કુલ ત્રણ દાયકા તેઓ સુઝુકી મોટર કોર્પોરેશનના વડા બની રહ્યા. દુનિયાની બીજી કોઈ વ્યક્તિએ ઓટો ઇન્ડસ્ટ્રીમાં આટલા લાંબા અંતરાલ માટે કોઈ આ કક્ષાની કંપનીનું વડપણ સંભાળ્યું નથી.

ઓસામુ સુઝુકી પાકી ઉંમરે પહોંચ્યા એટલે સ્વાભાવિક રીતે જ એમને પણ પોતાના અનુગામીની ચિંતા હોય જ. સુઝુકી પરિવારની પરંપરાને અનુસરીને તેઓ પણ પોતાના જમાઈને કંપનીના વડા બનાવવા માગતા હતા, એમની તાલીમ પણ શરૃ કરી દેવામાં આવી હતી, પણ બાવન વર્ષની વયે જમાઈનું કેન્સરમાં અવસાન થઈ ગયું એટલે નવેસરથી નવા ઉત્તરાધિકારીની શોધ આરંભવામાં આવી.

ઓસામુએ કાર્યભાર સંભાળ્યો ત્યારે એમના ફન્ડા બહુ સ્પષ્ટ હતા. અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ એવી વિશ્વસ્તરની કંપનીઓ સામે શિંગડા ભરાવવાને બદલે એવા દેશો પર ફોકસ કરવું જેના મધ્યમવર્ગ પાસે હજુ કાર નથી આવી. ઓસામુ સુઝુકી છેક ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધથી રાજદ્વારી અધિકારી જેવો એટિટયુડ ધારણ કરી લીધો હતો. તેઓ વિદેશ જઈને સ્થાનિક પ્રધાનો-અમલદારોને મળતા અને સફળ વાટાઘાટો કરીને સુઝુકીની ફેક્ટરીઓ નાખતા. શરૃઆત થાઇલેન્ડથી કરી, પછી ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સનો વારો આવ્યો. ૧૯૮૦ના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં અને ૧૯૮૨માં પાકિસ્તાનમાં પ્લાન્ટ નાખ્યા. ૧૯૮૨માં જ સુઝુકી અને ભારત સરકારે સાથે મળીને મારુતિ ઉદ્યોગ લિમિટેડની સ્થાપના કરી હતી. તે અરસામાં આપણા રસ્તાઓ પર બહુધા જુનવાણી એમ્બેસેડર અને ફિયાટ જ દેખાતી હતી, પણ મારુતિની મોટરે રુમઝુમ કરતી એન્ટ્રી કરતાં જ ભારતના કારમાર્કેટની કાયાપલટ થઈ ગઈ. ૧૯૯૩ સુધીમાં એ સ્થિતિ આવી ગઈ હતી કે ભારતમાં વેચાતી દર ચારમાંથી ત્રણ કાર મારુતિ-સુઝુકીની રહેતી. સુઝુકીનો મહેસાણા ખાતેનો પ્લાન્ટ ૨૦૧૭માં લોન્ચ થયો હતો. અહીં મારુતિ સુઝુકીની અલ્ટો કે૧૦, સ્વિફ્ટ, સિઆઝ, બલેનો અને સેલેરિયો મોડલ્સ બને છે. વર્ષે અઢી લાખ વેહિકલ્સ બનાવી નાખવાની જબ્બર ક્ષમતા આ પ્લાન્ટની છે. મારુતિ સુઝુકીના ૧૯ મોડલ આજે માર્કેટમાં રમે છે. એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ દરમિયાન સુઝુકીએ ભારતમાં ૧,૭૦,૩૯૬ નંગ વાહનો વેચી કાઢયા છે. સુઝુકી કંપનીએ ભારત પછી પૂર્વ યુરોપ, ન્યુઝીલેન્ડ ઉપરાંત નેપાલ, બાંગ્લાદેશમાં પણ પોતાનો પગ પસરાવ્યો હતો.

કોર્પોરેટની દુનિયામાં કે ઇવન સાદી ઓફિસોમાં ‘કોસ્ટ-કટિંગ’નું ભારે ચલણ હોય છે. મોટા ભાગની કંપનીઓમાં બોસ, મેનેજમેન્ટ અને એચઆર ડિપાર્ટમેન્ટ કાયમ ‘ખર્ચ ઘટાડો… ખર્ચ ઘટાડો…’નું ગાણું ગાતા હોય છે. આ કોસ્ટ-કટિંગ ફિલોસોફીના ઓરિજિનલ પિતામહ એટલે આપણા ઓસામુ સુઝુકી! કોસ્ટ-કટિંગનું એમને રીતસર વળગણ હતું. એમનો તર્ક બહુ સાદો હતોઃ જો કંપની એક રૃપિયો ઓછો ખર્ચ કરશે તો આપણે ગ્રાહકોને એક રુપિયો સસ્તી કાર આપી શકીશું! ઓસામુના કોસ્ટ-કટિંગના વળગણ વિશે તો કેટલીય કથાઓ પ્રચલિત છે. સુઝુકી કંપનીમાં સિનિયર પોઝિશન પર વર્ષો સુધી કામ કરનાર અવિક ચટ્ટોપાધ્યાય નામના અધિકારી એક કિસ્સો શેર કરતાં કહે ચે કે એમને વર્ષો પહેલાં જપાનમાં હમામત્યુ ખાતે આવેલા સુઝુકીના હેડક્વાર્ટરે જવાનું થયેલું. એમણે જોયું કે હેડક્વાર્ટરના મુખ્ય મકાનમાં રિસેપ્શનિસ્ટ જેવું કોઈ હતું જ નહીં. બસ, બહાર કાઉન્ટર પર બે-ત્રણ ટેલિફોન પડયા હતા અને બાજુમાં કર્મચારીઓનાં નામ સાથે એમના ફોન નંબર લખેલું પતાડકું પડયું હતું. તમારે જાતે જ નંબર ડાયલ કરીને જે-તે વ્યક્તિને જાણ કરવાની કે તમારી સાથે મારી આટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે ને હું આવી ગયો છું, નીચે રિસેપ્શનમાં ઊભો છું! ઓફિસમાં એરકન્ડીશનર હોય ખરા, પણ તે ૨૫-૨૬ ડિગ્રી પર સેટ થયેલા હોય, આપણી જેમ ૧૮-૨૦ પર નહીં. એય પાછા થોડી થોડી વારે થોડી મિનિટો માટે આપોઆપ બંધ થઈ જાય કે જેથી ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય! આપણને આ કંજૂસાઈ લાગે, પણ નાણાં કે વીજળી બચાવવા પાછળ ઓસામુ પાસે નક્કર કારણો હોય. ઓસામુ કહેતા કે તમે એસી ઓફિસમાં કામ કરતા હો તો પણ તમારા શર્ટ પર પરસેવાના ડાઘ દેખાવા જોઈએ. જો આમ નહીં થાય તો તમને ક્યારેય કમ્ફર્ટ કે સુવિધાની કિંમત નહીં સમજાય!

ઓસામુ પાસે ખર્ચના બિલ અને વાઉચરનો થપ્પો આવે ત્યારે એ ક્યારેય ધડ્ ઘડ્ કરતાં સહીઓ ન કરવા માંડે. તેઓ એકેએક કાગળ ધ્યાનથી જુએ ને ક્યાંય બિનજરૃરી ખર્ચ થયો હોય તો સંબંધિત વ્યક્તિને ટપારે પણ ખરા. એક કથા એવી છે કે એક વાર ઓસામુ પોતાની કંપનીના એક પ્લાન્ટમાં ઇન્સપેક્શન કરવા નીકળ્યા. એમણે પાંચ-દસ કે ત્રીસ-ચાલીસ નહીં, પણ ૨૧૫ એવા મુદ્દા શોધી કાઢયા કે જ્યાં કોસ્ટ-કટિંગ કરી શકાયું હોત! એમણે ((નાહકના બળતા રહેતા)) ૧૯૦૦ લાઇટબલ્બ કઢાવી નાખ્યા. એમણે ગણતરી માંડીને સૌને સમજાવ્યું કે આ નાહકના બળતા રહેતા બલ્બ હોય જ નહીં તો ઇલેક્ટ્રિસિટી બિલમાં હજારો ડોલરની જેટલી બચત થઈ શકે તેમ છે! એમણે પોતાના એક્ઝિક્યુટિવ્ઝને આદેશ આપ્યો કે તમે રેલવેમાં આવો ત્યારે ડાયરેક્ટ ટ્રેન ન પકડો, પણ બે ટુકડામાં પ્રવાસ કરો, કેમ કે આમ કરવાથી ટિકિટભાડું સસ્તું પડે છે! અરે, એમણે તો ફેક્ટરીના ફ્લોરની ટાઇલ્સનો ધોળા બગલા જેવો સફેદ રંગ બદલાવીને ભૂખરો કરાવી નાખેલો કે જેથી તે ઓછી મેલી દેખાય અને ટાઇલ્સ થોડાં થોડાં વર્ષે બદલાવી ન પડે.

એક વાર તેઓ ગુડગાંવ સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાતે આવવાના હતા. સ્થાનિક અધિકારીઓએ ખૂબ ધ્યાન રાખ્યું હતું કે જેથી મોટા સાહેબને ફરિયાદ કરવાનું કોઈ કારણ ન મળે, પણ તોય ઓસામુ જેનું નામ. પ્લાન્ટની ચકાસણી કરતી વખતે તેઓ કહેઃ આ છત પર લટકતા લાઇટબલ્બ આટલા ઊંચા કેમ રાખ્યા છે? એની હાઇટ ઓછી કરો કે જેથી ઓછા વાટના ગોળાથી ચાલી જાય અને બિલ ઓછું આવે. આ કચરાટોપલીઓ આટલી દૂર-દૂર કેમ રાખી છે? તે વકગ એરિયાથી સાવ નજીક જ હોવી જોઈએ કે જેથી કર્મચારીઓએ એટલું ચાલવું ન પડે ને એમને થાક ઓછો લાગે!

બાકી ઓસામુ સુઝુકી પોતે થાકે તેવા નથી. તેઓ ગોલ્ફ રમવાના ભારે શોખીન છે. ૨૦૨૦ની સાલમાં તેઓ દર અઠવાડિયે અચૂકપણે એટલીસ્ટ એક વાર ગોલ્ફ રમવા ગયા હતા અને ત્યારે એમની ઉંમર ૯૦ વર્ષ હતી!

સુઝુકી કંપની આજની તારીખે વેચાણની દષ્ટિએ દુનિયાની દસમા નંબરની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની છે, જેમાં કુલ ૪૫ હજાર કર્મચારીઓ કામ કરે છે. ૨૩ દેશોમાં સુઝુકીના પ્લાન્ટ્સ ધમધમે છે અને ૧૯૨ દેશોના રસ્તા પર તેની ગાડીઓ દોડે છે. સુઝુકી કંપની આટલાં વર્ષોમાં ભારતમાં ૬,૫૦,૦૦ કરોડ રુપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકી છે. ભવિષ્યમાં થનારા અબજો રુપિયાનું રોકાણ અલગ. ઓસામુ સુઝુકીને ભારત સરકારે ૨૦૦૭માં પદ્મભૂષણનો ખિતાબ આપીને સન્માન કર્યું હતું. એમને પાકિસ્તાન પણ આ કક્ષાનું બહુમાન કરી ચૂક્યું છે. બન્ને દુશ્મન દેશોને એકસાથે રાજી રાખવાની કળા તો કોઈ ઓસામુ પાસેથી શીખે!

– શિશિર રામાવત

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.