તમારે ૧૫૦ વર્ષ જીવવું છે કે ઇચ્છો ત્યારે જિંદગીને રિજેક્ટ કરવી છે?
——————
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
——————
‘જો હું ખાઈ ન શકું, પી ન શકું, સૂઈ ન શકું, આનંદનો ઉપભોગ ન કરી શકું તો… આઈ રિજેક્ટ ધેટ લાઈફ ! હું એવી જિંદગીને ફેંકી દઈશ!’
આ શબ્દો નોબલપ્રાઇઝ વિનર અર્નેસ્ટ હેમિંગ્વેના છે. માણસને જિંદગી સમજાતી નથી. માણસને મૃત્યુ પણ સમજાતું નથી. અનુભવોના આધારે, બોધના આધારે જીવન જે કંઈ સમજાય છે તેનો દાયરો સીમિત હોવાનો. સમયની સાથે આ સમજણ પણ બદલાતી રહે છે. મૃત્યુ એક માત્ર એવી સ્થિતિ છે, જેના અનુભવના જ્ઞાાનનો માણસ તેનો ઉપયોગ કરી શકતો નથી. મૃત્યુની સમજવાની કેવળ મથામણ થઈ શકે છે, કલ્પના થઈ શકે છે, બૌદ્ધિક-આધ્યાત્મિક કસરત થઈ શકે છે. કદાચ તેથી જ માણસને મૃત્યુનો સૌથી વધારે ડર લાગે છે. જૈન ધર્મ પાસે સંથારો નામની સુંદર કલ્પના છે. સંથારો એટલે ખુદના ધર્મબળના આધારે અન્ન-જળ જેવી શરીરને પોષણ આપતી તમામ વસ્તુઓ છોડતા જઈને કરીને દેહનો ક્રમશઃ ત્યાગ કરવો. ભીષ્મ પાસે ઇચ્છામૃત્યુનું વરદાન હતું. પાંડવોએ દેહત્યાગના ઉદ્દેશ સાથે હિમાલય તરફ મહાપ્રસ્થાન કર્યું હતું.
પશ્ચિમના દેશોમાં દીર્ઘાયુષ પામવાના, જીવાદોરી લંબાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. એક લેટેસ્ટ સ્ટડી કહે છે કે દોઢસો વર્ષ સુધી જીવવાનો વૈજ્ઞાાનિક નુસખો આવનારા થોડા સમયમાં શોધી લેવાશે. આ દિશામાં સંશોધનો કરવા માટે ચિક્કાર નાણું ખર્ચાઈ રહ્યું છે અને લાગે છે કે વૃદ્ધત્વના જિનેટીક કોડને ક્રેક કરવામાં મેડિકલ સાયન્સને ઝાઝી વાર નહીં લાગે. સવાલ આ છેઃ દોઢસો વર્ષ જીવીને કરવાનું શું? જીવન જો સાર્થક કાર્ય માટે, મહાન ઉદ્દેશ માટે જિવાઈ રહ્યું હોય તો ઉંમરનો આંકડો મોટો થતો રહે તે આવકાર્ય છે. બાકી વ્યક્તિગત સ્વાર્થના કુંડાળામાં ખદબદતા રહીને, માત્ર મરવાનો ડર લાગે છે એટલા માટે આયુષ્યની રેખાને ખેંચતા જવાનો મતલબ નથી.
એક તરફ મનુષ્યજીવનને પ્રસ્તાર વધારવા માટે ઉદ્યમ થઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ, જીવન પર સ્વેચ્છાએ પૂર્ણવિરામ મૂકી શકવાના અધિકાર વિશે ચર્ચા થતી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી એક ફિલ્મ જે સત્યઘટનાત્મક અંગ્રેજી પુસ્તક પર આધારિત છે, તેનું શીર્ષક છે, ‘ધ લાસ્ટ હુર્રા’. અંગ્રેજીમાં હુર્રા એટલે તીવ્ર ખુશાલી વ્યક્ત કરતો ઉદ્ગાર, જેમ કે, હિપ હિપ હુર્રે. કોલાવેણુ વ્યંકટેશ નામના એક દક્ષિણ ભારતીય છોકરાને ડુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની અતિ વિચિત્ર અને ખતરનાક બીમારી થયેલી. તેમાં ધીમે ધીમે એક પછી એક અંગના સ્નાયુઓ કામ કરતા બંધ થતા જાય, માણસ તદ્દન પરવશ થતો જાય ને આખરે અકાળે એનંુ મોત થાય. વ્યંકટેશ છ વર્ષની ઉંમરથી વ્હીલચેર સાથે બંધાઈ ગયો હતો, પણ એની બુદ્ધિ કુશાગ્ર હતો. એ ચેસનો અચ્છો ખેલાડી બન્યો, જીવનને એક લક્ષ્ય આપ્યું. એ પોતાની માને શરુઆતથી સતત કહ્યા કરતો હતો કે મમ્મી, મારા શરીરનાં અંદરનાં અવયવો કામ કરતાં બંધ થાય તે પહેલાં તું એને ડોનેટ કરી દેજે. હું મરી જાઉં ત્યાં સુધી રાહ ન જોતી…
ડોક્ટરોએ જ્યારે કહી દીધું કે વ્યંકટેશ હવે વધારે નહીં ખેંચી શકે ત્યારે માએ કઠણ હૃદયે આંધ્રપ્રદેશની હાઈ કોર્ટમાં અરજી કરીઃ મારે મારા દીકરાની અંતિમ ઇચ્છા પૂરી કરવી છે. મારે એના હૃદય, કિડની વગેરે અંગોનું દાન કરવું છે, તેથી મારા દીકરાને યુથનેશિયા માટે પરવાનગી આપવામાં આવે. યુથનેશિયા એટલે, સાદી ભાષામાં, ઇચ્છામૃત્યુ. આનો અર્થ એ થયો કે વ્યંકટેશ કુદરતી રીતે મૃત્યુ પામે ત્યાં સુધી રાહ ન જોવી, બલકે એ હજુ જીવતો હોય ત્યારે જ એનો ઓક્સિજન સપ્લાય, લાઇફ-સપોર્ટ સિસ્ટમ વગેરે ક્રમશઃ દૂર કરીને એને મૃત્યુની ગોદમાં પોઢાડી દેવો ને પછી એના આંતરિક અંગોનું દાન કરી દેવું. હાઇ કોર્ટે યુથનેશિયા માટે ના પાડી દીધી. વ્યંકટેશની મમ્મી સુપ્રીમ કોર્ટમાં ગઈ, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ૧૮ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ ૨૫ વર્ષની ઉંમરે વ્યંકટેશે કાયમ માટે આંખો મીંચીં લીધી. એની માત્ર આંખોનું જ દાન કરી શકાયું. આ સત્યઘટનાક્રમ પર શ્રીકાંત મૂર્તિ નામના લેખકે પછી આખું પુસ્તક લખ્યું.
યુથનેશિયા યા તો ઇચ્છામૃત્યુની વાત જેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે ભયંકર કક્ષાએ રીબાઈ રહ્યો છે એવા દર્દીને જ લાગુ પડે છે. આવી દર્દીની રિબામણીનો અંત લાવવા માટે યુથનેશિયા એક ઉપાય હોઈ શકે. Euthansiaના મૂળમાં બે ગ્રીક શબ્દો છે- eu એટલે સારું, સરળ અને thanatos એટલે મૃત્યુ. આમ, યુથનેશિયા એટલે સારું મોત, સરળ મોત. યુથનેશિયા હમેશા એક વિવાદાસ્પદ વિષય રહ્યો છે. તે કેવળ તબીબી વિજ્ઞાાન પૂરતો સીમિત નથી, તેનાં કાનૂની, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક આયામો પણ છે.
યુથનેશિયાના એકાધિક પ્રકારો છે. એક્ટિવ યુથનેશિયા એટલે રીબાઈ રહેલા પેશન્ટનો છૂટકારો થાય તે માટે તેને સક્રિય રીતે એટલે કે ઘાતક ઇંજેક્શન કે દવા આપીને મારી નાખવો. આને અગ્રેસિવ યુથનેશિયા પણ કહે છે. પેસિવ યુથનેશિયા એટલે દર્દીને દવા આપવાનું બંધ કરવું, એનું જીવન ટકાવી રાખવામાં મદદ કરે તેવી કોઈ સર્જરી ન કરવી, શરીરમાં ઓક્સિજન અને ખોરાક પહોંચાડતી નળીઓ કાઢી લેવી, વેન્ટિલેટર જેવી આર્ટિફિશિયલ લાઇફ સપોર્ટ સિસ્ટમને પાછી ખેંચી લેવી અને આ રીતે દર્દીને ધીમે ધીમે મરવા દેવો. વોલન્ટરી યુથનેશિયા એટલે જેના માટે દર્દીએ ખુદ સહમતી આપી હોય એવું યુથનેશિયા. ઇન્વોલન્ટરી યુથનેશિયામાં દર્દીની સહમતીની રાહ જોવાતી નથી. જેમ કે, કોઈ માણસ લાંબા સમયથી કોમામાં હોય, માત્ર લાઇફ સપોર્ટ સિસ્ટમના આધારે માત્ર નામ પૂરતો જીવતો હોય ને એ ક્યારેય રીકવર થવાનો ન હોય એવા સંજોગોમાં તેની પરવાનગી મેળવવાનો સવાલ ઊભો થતો નથી. સેલ્ફ-એડમિનિસ્ટર્ડ યુથનેશિયા એટલે જેમાં દર્દી પોતે જ પોતાની રીતે ઘાતક દવા લઈ લે. આ આત્મહત્યા નથી, આ જુદી સ્થિતિ છે. અધર-એડમિનિસ્ટર્ડ યુથનેશિયા એટલે જેમાં દર્દી ઉપરાંત બીજી કોઈ વ્યક્તિ, કુટુંબીજન કે મિત્ર-પરિચિત, અંતિમ પગલું ભરવામાં મદદ કરે. આસિસ્ટેડ યુથનેશિયા એટલે ડોક્ટર ખુદ દર્દીને છેલ્લા શ્વાસ લેવામાં મદદ કરે. યુથનેશિયાના આ સાત પ્રકારોમાંના અમુક પ્રકારો એકબીજા પર ઓવરલેપ થાય છે. ભારતમાં ૨૦૧૮થી પેસિવ યુશનેશિયાને કાયદેસર માન્યતા મળી છે.
યુથનેશિયાની જુદી જુદી વિધિઓ અંગે વાદવિવાદ થયા કરે છે. એક્ટિવ યુથનેશિયા સારું કે પેસિવ યુથનેશિયા સારું? એકમાં ડોક્ટર ખુદ દર્દીને જીવલેણ ઇંજેક્શન કે દવા આપીને એનું જીવન ટૂંકાવે છે, જ્યારે બીજામાં સક્રિયપણે કશું થતું નથી, પણ દર્દીને ધીમે ધીમે મરવા દેવાય છે. બન્ને રીતમાં હેતુ તો એક જ છે – પેશન્ટને મારવો. તો પછી પેસિવ યુથનેશિયા એ એક્ટિવ યુથનેશિયા કરતાં બહેતર શી રીતે કહેવાય? એક્ટિવ યુથનેશિયામાં એકઝાટકે દર્દીની પીડા ખતમ થઈ જાય છે, તો ઊલટાનું તે વધારે ઇચ્છનીય ન કહેવાય? પણ ડોક્ટરનું કામ તો માણસને જીવાડવાનું છે, એ દર્દીને મારી શી રીતે શકે? પેશન્ટને મરતા જોયા કરવો તે શું ઓછી ગંભીર વાત છે?
આ સંદર્ભમાં એક રસપ્રદ દાખલો અપાય છે. સુરેશ નામનો એક માણસ છે. જો એનો સાત વર્ષનો કાકાનો દીકરો ગુજરી જાય તો સુરેશને કરોડો રુપિયાનો વારસો મળી શકે તેમ છે. સુરેશ એક દિવસ સાત વર્ષના બાબાને બાથટમમાં ડૂબાડીને મારી નાખે છે અને દશ્ય એવું ઊભું કરે છે કે જાણે છોકરો અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હોય. બીજો મહેશ નામનો માણસ છે. એને પણ સાત વર્ષનો કઝીન ગુજરી જાય તો કરોડોનો દલ્લો મળે એમ છે. એક વાર છોકરો બાથટબમાં નહાતો હોય છે ત્યારે મહેશ બાથરુમમાં ઘૂસી જાય છે. એ જ વખતે કોણ જાણે શું થયું કે છોકરો બાથટબમાં લપસી પડે છે, એના માથાને સખત ચોટ લાગે છે અને એ પાણીની અંદર સરકી પડે છે. મહેશ એને બચાવતો નથી, એ ઊભો ઊભો છોકરાને મરતાં જોયા કરે છે.
ઉપરના કિસ્સામાં સુરેશ નૈતિક રીતે વધારે મોટો અપરાધી છે, કેમ કે એણે સક્રિયપણે કઝીનને મારી નાખ્યો છે. મહેશે કશું કર્યું જ નથી, એણે ફક્ત છોકરાને એની રીતે મરવા દીધો છે. કાનૂનની નજરમાં સુરેશ અપરાધી છે, પણ શું મહેશને પણ અપરાધી ન કહેવો જોઈએ? યુથનેશિયાના ટીકાકારો પેસિવ યુથનેશિયાને મહેશની ચેષ્ટા સાથે સરખાવે છે.
સ્વર્ગસ્થ સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ એક જગ્યાએ સરસ લખ્યું છેઃ
‘જે ઉચ્ચ સ્તરની જાહોજલાલ જિંદગી હું જીવ્યો છું એ સ્તર પડી જાય કે મારે બીજા પર મોહતાજ થવું પડે કે મારી જિંદગી બીજા પરનું એક અવલંબન માત્ર બની જાય કે મારે મૂળા કે ગાજરની જેમ જીવવું પડે કે પડખું ફરવા માટે પણ બીજાની દયાની જરૃર પડે. એ સ્થિતિ મને સ્વીકાર્ય નથી. ૩૦ વર્ષે જીવનમાં અતૃપ્ત ઈચ્છાઓ રહી ગઈ હોય પણ ૬૦ વર્ષે તૃપ્તિની સમજદારી આવી જાય છે. જો હું ઈચ્છું છું એ જિંદગી ન જિવાય તો હું ઈચ્છું છું એ મૃત્યુ હું જરૃર મરી શકું છું, અને એ મારો પોતાનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે. મારા મૃત્યુના નિર્ણયમાં સરકાર કે શુભેચ્છકો વચ્ચે આવતાં નથી. સતત અને દીર્ઘ સમય સુધી બીમાર રહીને હું હજારો, લાખો રૃપિયા ખર્ચવા માગતો નથી, મારી પાછળની પેઢીને વારસામાં હું દેવું આપી જવા માગતો નથી, મારી ઈચ્છા વિરુદ્ધ હું જીવવા માગતો નથી. મારા શરીરમાં ટયુબો ઘોંચીને, મશીનો સાથે મારું શરીર વાયરોથી બાંધીને, હું મહાન ડાક્ટરોના પ્રયોગો માટે ગીનીપીગ બનવા માગતો નથી. જિંદગી ૬૨ વર્ષ ચાલે કે ૬૩ વર્ષ એમાં બહુ ફર્ક પડતો નથી. પણ એકેએક વર્ષ સ્વસ્થતાથી, પ્રતિાથી, ઈજ્જતથી, આત્મનિર્ભરતાથી હું જીવવા માગું છું. મૃત્યુની ક્ષણ સુધી જીવન ફાટતું રહે એ જ આશય છે જીવવાનો, મૃત્યુની અપેક્ષા રાખીને મૃત્યુલક્ષી જીવન ખેંચ્યા કરવાનો કોઈ જ દુરાશય નથી અને મારા શરીર સાથે જીવનની અંતિમ ક્ષણે હું જ ઈશ્વર બની જવા માગું છું…’
માણસનો પોતાના જીવન પર હક છે તો પોતાના મૃત્યુ પર પણ પૂર્ણ અધિકાર ન હોવો જોઈએ? યુથનેશિયા હત્યા નથી, યુથનેશિયા આત્મહત્યા નથી, આ એક જુદી જ સ્વૈચ્છિક-નૈતિક-તબીબી સ્થિતિ છે. ભયાનક રીતે રિબાતા સ્વજનને પીડામાંથી છૂટકારા આપવોે તે પણ પ્રેમની, કરુણાની અભિવ્યક્તિ હોઈ શકે છે…
– શિશિર રામાવત
Leave a Reply