પ્રોટીન અને વિટામિન B12 માટે પણ શાકાહાર જ બેસ્ટ છે
———–
કુદરતે આપણા શરીરતંત્રની ડિઝાઇન જ શાકાહારને અનુરૃપ કરી છે. માનવશરીર માટે માંસાહાર એ ખોટું ‘ઈંધણ’ છે
————
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
————–
આપણને સતત એવું કહેવામાં આવ્યું છે કે શરીર માટે ખૂબ જરૃરી એવાં પ્રોટીન ઉપરાંત વિટામિન બી-ટ્વેલ્વ તો તમને માંસાહારમાંથી જ મળે છે. આ પ્રોટીનવાળી વાત કેટલી ખોટી છે તેના વિશે આપણે ગયા અઠવાડિયે ‘ધ ગેમ ચેન્જર્સ’ નામની ડોક્યુમેન્ટરીના સંદર્ભમાં ચર્ચા કરી હતી. પ્રોટીન એટલે એમિનો એસિડ્સની શૃંખલા. શરીર માટે આવશ્યક હોય તેવાં એમિનો એસિડ શાકાહારમાં હોય જ છે. ખૂબ બધાં સંશોધનો બાદ આધુનિક વિજ્ઞાાન કહે છે કે પ્રાણીઓનાં શરીરમાં જેમ પ્રોટીન ‘બનતું’ નથી તેમ વિટામિન બી-ટ્વેલ્વ પણ ‘બનતું’ નથી. વિટામિન બી-ટ્વેલ્વ તો બેક્ટેરિયા, માટી અને પાણીમાંથી બને છે, જેને પ્રાણીઓ ફક્ત કન્ઝયુમ કરે છે. આમ, પ્રાણીઓ પ્રોટીન ઉપરાંત વિટામિન બી-ટ્વેલ્વના કેવળ વાહક છે, વચેટિયાં છે. શરીરમાં બી-ટ્વેલ્વની કમી પૂરી કરવાનો બેસ્ટ ઇલાજ આ જ છેઃ વિટામિન બી-ટ્વેલ્વની ટેબ્લેટ્સ ગળવી.
વૈજ્ઞાાનિક પ્રયોગો પછી કાઢવામાં આવેલું એક ઓર અધિકૃત તારણ પણ ભેગાભેગું સાંભળી લોઃ માંસાહાર શરીરના બ્લડ-ફ્લો પર નકારાત્મક અસર કરે છે, જ્યારે શાકાહારથી શરીરમાં રક્તપ્રવાહ બહેતર બને છે. ધારો કે તમે તગડી સાઇક્લિંગ કરતા હો અને જો ટ્રેનિંગ પહેલાં બીટનો જ્યુસ પીઓ તો તમે ૨૨ ટકા જેટલું વધારે સાઇક્લિંગ કરી શકો છો. બીટનો જ્યૂસ પીધાં પછી જિમમાં તમે બેન્ચ પ્રેસ (એટલે કે બેન્ચ પર સૂતાં સૂતાં વજન ઊંચકવું) કરતી વખતે ૧૯ ટકા જેટલું વધારે વજન ઊંચકી શકો છો.
ખેલાડીઓ માટે રિકવરી (વિરામ) અત્યંત મહત્ત્વની છે. વિરામનો સમયગાળો જેટલો ઓછો, પ્રેક્ટિસ એટલી વધારે. ભૂતપૂર્વ ઓલ્મ્પિયન અને અમેરિકાની ઓલ્મ્પિક ટીમના ફિઝિશીયન રહી ચૂકેલા ડો. સ્કોટ સ્ટોલ કહે છે, ‘સવાલ એ છે કે માંસાહારમાંથી મળતું પ્રોટીન અને શાકાહારમાંથી મળતું પ્રોટીન – આ બન્નેમાંથી કયું પ્રોટીન ખેલાડીને રિકવર કરવામાં વધારે મદદ કરે છે? હકીકત એ છે કે માસાંહારમાંથી મળતા પ્રોટીનમાં ઇન્ફ્લેમેટરી મોલેક્યુલ્સ, એન્ટોક્સિન્સ અને હીમ આર્યન હોય છે. એનિમલ પ્રોટીન જ્યારે આંતરડામાં જાય છે ત્યારે ભીતર રહેતા બેક્ટેરિયા ઇન્ફ્લેમેટરી મેડિએટર્સ પેદા કરે છે, જે શરીરના સોજા અને બળતરાને ઊલટાના વધારે દે છે. સામે પક્ષે, શાકાહારમાંથી મળતા પ્રોટીનમાં એન્ટિઓક્સિડન્ટ ફાયટોકેમિકલ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે બળતરા અને સોજા ઘટાડે છે.’
એનિમલ ફૂડ કરતાં શાકભાજીમાં સરેરાશ ૬૪ ગણા વધારે એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. અરે, આઇસબર્ગ લેટિસ (કોબી જેવી દેખાતી શાકભાજી)માં સેમન (એક પ્રકારની માછલી) અને ઈંડાં કરતાં વધારે એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. આથી જો ખેલાડી યોગ્ય પ્રકારની શાકભાજી ખાવાની શરૃ કરે તો ત્રણ જ અઠવાડિયામાં એના ઇન્ફ્લેમેશનમાં ૨૯ ટકા જેટલો ઘટાડો થાય છે.
વાત માત્ર ખેલાડીઓ નહીં, પણ આમ આદમીની હેલ્થની છે. નવું રિસર્ચ કહે છે કે માંસાહાર હૃદયરોગ માટેનું એક મોટું કારણ બની શકે છે. માંસમાં હીમ આર્યન હોય છે. એક લાખ ૩૦ હજાર દર્દીઓ પર ચકાસણી કરીને તારણ કાઢવામાં આવ્યું કે જો તમે રોજ એક મિલીગ્રામ હીમ આર્યન લો તો કોરોનરી હાર્ટ ડિસીઝ થવાની સંભાવના ૨૭ ટકા જેટલી વધી જાય. તમે એક ચિકન બર્ગર ખાઓ તો તમારા શરીરમાં લગભગ ૧.૩ મિલીગ્રામ હીમ આર્યન પેદા થાય.
માસાંહારને કારણે હૃદયથી શરીરનાં અન્ય અંગો તરફ લોહીનું વહન કરતી કોરોનરી આર્ટરી (ઘમની)ની દીવાલ પર ચરબી, કોલેસ્ટેરોલ અને અન્ય પદાર્થોની છારી (પ્લેક) જામવાનું શરૃ થઈ જાય છે. આ પ્લેક વધતો જાય એટલે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય, પરિણામે હૃદયની તકલીફોની શરૃઆત થઈ જાય. એનિમલ પ્રોટીન શરીરમાં જાય એટલે હાઇલી ઇન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ પેદા કરે, જે કાડયોવસ્ક્યુલર સિસ્ટમને ઘસારો પહોંચાડે છે. આ જ કારણ છે કે માંસાહાર કરીને પ્રોટીન મેળવતા માણસની તુલનામાં શાકાહારમાંથી પ્રોટીન મેળવતા માણસને હાર્ટ ડિસીઝ થવાનું જોખમ ૫૫ ટકા જેટલું ઓછું હોય છે.
તમે જોયું હશે કે હૃદયરોગનો ભોગ બનેલા માંસાહારી દર્દીને રિકવર થવા માટે ડોક્ટરો દ્વારા શાકાહાર લેવાની સલાહ અપાય છે. તમામ સંભવિત કારણોને ધ્યાનમાં રાખીએ તો એનિમલ પ્રોટીન લેનારાઓમાં પ્રિમેચ્યોર ડેથ થવાનું જોખમ ૭૫ ટકા વધારે હોય છે. કોઈ પણ જાતના કેન્સરથી મૃત્યુ પામવાની સંભાવના શાકાહારીઓ કરતાં તેમનામાં ૪૦૦થી પ૦૦ ગણી વધારે હોય છે. કલ્પના કરો, ૪૦૦થી ૫૦૦ ગણી વધારે! ઘણા લોકો આમ શાકાહારી હોય, પણ ક્યારેક ક્યારેક નોનવેજનો ચટકો કરી લેતા હોય છે. આવા લોકો જાણી લે કે તેઓ જો અઠવાડિયામાં એકાદ ટંક પણ ચિકન કે ફિશ ખાઈ લેતા હશે તો એમને મોટા આંતરડાનું કેન્સર થવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.
સો વાતની એક વાત. કુદરતે આપણા શરીરતંત્રની ડિઝાઇન શાકાહારને અનુરૃપ કરી છે. માનવશરીર માટે માંસાહાર એ ખોટું ‘ઈંધણ’ છે.
નેટફ્લિક્સ પર ‘ધ ગેમ ચેન્જર્સ’ ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ પછી અપેક્ષા પ્રમાણે અમુક લોકોએ આક્ષેપો કર્યા કે આ ડોક્યુમેન્ટરી સાથે સંકળાયેલા કેટલાક લોકો ખુદ વીગન પ્રોડક્ટનો બિઝનેસ કરે છે એટલે તેઓ માંસાહાર-વિરોધી પ્રચાર કરે છે! આ બકવાસ સાંભળવાની આપણે કશી જરૃર નથી. જરૃર છે, શાકાહાર અને પ્લાન્ટ-બેઝ્ડ ડાયેટનો મહિમા કરવાની અને તેને અપનાવવાની, બસ.
– શિશિર રામાવત
Leave a Reply