સ્વ-ધર્મ બચાવવા ને આત્મસન્માન જાળવવા આ હિન્દુઓ વતન પાછા તો ફર્યા, પણ…
——————-
પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા હિંદુઓને હિંદુઓના જ દેશમાં આવકાર ન મળે તે કેવું? આ હિંદુઓને જો ભારત જ મદદ નહીં કરે તો કોણ અમેરિકા-ઇંગ્લેન્ડ મદદ કરવા આવશે? ‘ન ઘરના ને ન ઘાટના’ જેવી સ્થિતિમાં અટકી ગયેલા ૧૫૦૦ જેટલા પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ૧૮-20 મહિના દરમિયાન નિરાશ થઈને પાછા પાકિસ્તાન જતા રહ્યા. શું આપણે હિંદુસ્તાનીઓ હિંદુ નિરાશ્રિતો વિશે ઓછા જાગૃત અને ઓછા સંવેદનશીલ છીએ?
——————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————-
તસવીર ૧ : સાવ કાચું ઝૂંપડું જ છે એ. વાંસડા અને ખડથી દીવાલો ઊભી કરી દીધી છે. છત પણ એવી જ. નીચે ઉબડખાબડ લીંપણ છે. રાચરચીલાના નામે ઝુંપડામાં એક ખાટલો અને ઘોબા પડી ગયેલું એક તગારું દેખાય છે. વળગણી પર લૂગડાં કહો તો લૂગડાં ને ગાભા કહો તો ગાભા સૂકાઈ રહ્યા છે. ઝૂંપડીની વચ્ચોવચ્ચ એક સ્ત્રી આખો ચહેરો ઢંકાઈ જાય એ રીતે ઘૂમટો તાણીને ઊભી છે. એની પાછળ નાનકડી બેબલી છે, જે ખાટલાને ઢાળવાની કોશિશ કરી રહી છે.
તસવીર ૨ : બીજી ઝૂંપડી. આ ઝૂંપડી જરા સારા માંહ્યલી છે, કેમ કે એની દીવાલમાં પથ્થરો દેખાય છે. દીવાલને લગોલગ લોખંડનો મોટો ટ્રંક પડયો છે. ટ્રંકને ટેકે એક બાળકી ઊભી છે. એનું મોઢું દેખાતું નથી. કશાક કપડાંથી એણે પોતાનો ચહેરો કચકચાવીને ઢાંકી રાખ્યો છે.
તસવીર ૩ અને ૪ : આ બન્ને તસવીરોને એકસાથે નિહાળવા જેવી છે. પહેલી તસવીરમાં ડઝનેક પાસપોર્ટ પડયા છે. પ્રત્યેક પાસપોર્ટની ઉપર જે-તે વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડેલો છે. સાવ નાનકડા બાળકથી લઈને મધ્યવયસ્ક સ્ત્રી-પુરુષો એમાં દેખાય છે. પછીની તસવીરમાં એક સંયુક્ત પરિવાર શૂન્ય ચહેરે બેઠું છે. બધાની આંખો આશ્ચર્ય થાય એટલી હદે ખાલીખમ છે. આ એ જ પરિવાર છે, જેના પાસપોર્ટ આગલી તસવીરમાં હતા. ફર્ક એટલો જ છે કે બન્ને તસવીરો વચ્ચે સાત વર્ષના વહાણાં વાઈ ગયા છે. નાનાં બચ્ચાં હવે તરુણ બની ગયાં છે અને આધેડ સ્ત્રી-પુરુષો બુઢાપા તરફ ધકેલાઈ ગયાં છે.
આ સૌ હિન્દુ નિરાશ્રિતો છે. પાકિસ્તાનથી આવેલા હિન્દુ નિરાશ્રિતો. આ તો ફક્ત ચાર જ તસવીરોનું વર્ણન થયું, પણ અમદાવાદમાં નવજીવન પ્રેસ ખાતે ચાલી રહેલા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલમાં પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતોની કેટલીય તસવીરો મૂકાઈ છે, જે જોઈને તમે સ્થિર થઈ જાઓ છો. કહે છેને કે એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે, પણ અહીં ડિસ્પ્લે થયેલી અમુક તસવીરો એટલી શક્તિશાળી છે કે તે એક હજાર શબ્દો નહીં, પણ એક હજાર કથાઓને તરંગિત કરી દે છે.
નિરાશ્રિત શબ્દ આંખ સામે આવતાં તમારા મનમાં જે ચહેરા ઝબકે એમાંના મુખ્ય રોહિંગ્યાઓના ચહેરા હોય તો સહેજે નવાઈ નહીં લાગે. રોહિંગ્યા એટલે મૂળ બર્માનો એ મુસ્લિમો, જે અત્યાચારથી બચવા બાંગલાદેશ નાસી ગયા હતા ને પછી એમાંના ઘણા યેનકેન પ્રકારેણ સરહદ ઓળંગીને ભારતના નિરાશ્રિત બન્યા.
એક અકળાવી નાખતો સવાલ આ છેઃ શું આપણે હિંદુસ્તાનીઓ હિંદુ નિરાશ્રિતો વિશે ઓછા જાગૃત અને ઓછા સંવેદનશીલ છીએ?
ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા પછી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન (આજનું બાંગલાદેશ)માંથી નિરાશ્રિતો સતત ભારત આવતા રહ્યા જ છે. ૧૯૬૫ના યુદ્ધ વખતે અને ખાસ તો ૧૯૭૧ના બાંગલાદેશ લિબરેશન વોર વખતે લગભગ એક કરોડ જેટલા હિંદુઓ અને નોન-હિંદુઓએ ભારતમાં આશરો લીધો. ૧૯૯૧માં બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયા પછી રમખાણો ફાટી નીકળેલાં તેના પગલે હજારો હિંદુઓ પાકિસ્તાનથી ભારત આવી ગયા. તે પછી પણ પાકિસ્તાનથી ભારત આવતા હિંદુઓની સરવાણી અટકી નથી જ. એક રિપોર્ટ કહે છે કે છેલ્લા દસ-અગિયાર વર્ષમાં એકલા રાજસ્થાનમાં જ ૨૮થી ૩૦ હજાર પાકિસ્તાની હિંદુઓએ આશરો લીધો છે.
દેશના ભાગલા પડયા પછી જે રીતે અસંખ્ય મુસ્લિમોએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું તેમ કેટલાય હિંદુઓએ પાકિસ્તાનમાં લઘુમતી બનીને રહેવાનું પસંદ કર્યું હતું. તો પછી આ હિંદુઓએ મોડે મોડેથી કેમ પાકિસ્તાન છોડવું પડયું? કેમ એમને રહી રહીને ભારતની યાદ આવી? જવાબ સ્પષ્ટ છેઃ પાકિસ્તાનમાં હિંદુઓ પર હદ બહાર અત્યાચારો થઈ રહ્યા હતા એટલે.
‘પાકિસ્તાની હિંદુ રેફ્યુજીઝ ઇન ઇન્ડિયા’ નામના એક ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટમાં કેટલાક પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતોની કથનીઓ આવરી લેવાઈ છે. રાજ ભીલ નામનો એક માણસ કહે છેઃ ‘અમે પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે મારી આગલી પત્ની એક વાર રોજની જેમ મજૂરી કરવા ગઈ. એ લોકોએ એને રાખી લીધી અને બળજબરીથી મુસ્લિમ બનાવી નાખી. અમારી છ મહિનાની ધાવણી દીકરી હતી. એને પણ એ લોકોએ મુસ્લિમ બનાવી નાખી. તમે વિચારો, છ મહિનાની છોકરી… એને હિંદુ-મુસ્લિમમાં શું ખબર પડે? મારી દીકરીને તો હું જેમતેમ કરીને મારી સાથે ભારત લઈ આવ્યો, પણ એની મા આજેય પાકિસ્તાનમાં છે.’ રાધા મેઘવાળ નામની નિરાશ્રિત મહિલા કહે છે, ‘અમે પાકિસ્તાનમાં રહેતા હતા એ વર્ષોમાં મારી દીકરી નિશાળે જવા લાગી ત્યારે મારો જીવ સતત ઊંચો રહેતો કે એને કોઈક કંઈક કરી નાખશે તો? એની સલામતીનું શું? આ બીકમાં ને બીકમાં અમે એને નિશાળે મોકલવાનું જ બંધ કરી દીધું હતું.’ અદિતી મેઘવાળ નામની બીજી એક મહિલા કહે છે, ‘મારે તો બબ્બે દીકરીઓ છે. એ લોકો સગીર વયની હિંદુ છોકરીઓ સાથે બળજબરીથી નિકાહ કરી લે છે. આવું ન થાય એના ડરથી અમે જ અમારી દીકરીના સાવ નાની ઉંમરે બાળવિવાહ કરી નાખ્યા હતા.’
આબરુ માટે, આત્મસન્માન માટે, ગરિમા માટે આ પાકિસ્તાની હિંદુઓ ભારત તો આવી ગયા, પણ અહીં આવ્યા પછી શું? શું એમને હિંદુસ્તાને કરુણાપૂર્વક, સહાનુભૂતિપૂર્વક અપનાવી લીધા? એમને સેટલ થવામાં તમામ સ્તરે મદદ કરી? જવાબ છેઃ ના. આજની તારીખે એવા હજારો પાકિસ્તાની હિંદુઓ છે, જેમને હિન્દુસ્તાનની સરકારે કાયદેસર નાગરિકતા આપી નથી.
પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતો મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને મધ્યપ્રદેશમાં સૌથી વસે છે. સૌથી વધારે નિરાશ્રિતો રાજસ્થાનમાં છે. પાકિસ્તાના ઝેરી માહોલથી ત્રસ્ત થઈ ગયેલા ઘણા સ્થાનિક હિંદુઓ ટુરિસ્ટ વિઝા પર અથવા પિલગ્રિમેજ (જાત્રા) વિઝા લઈને ભારતમાં પ્રવેશ મેળવી લે છે અને પછી અહીં જ રહી જઈને સેટલ થવાની કોશિશ કરે છે. ૨૦૦૭થી ૨૦૧૯ દરમિયાન કરાંચી અને જોધપુર વચ્ચે થાર લિન્ક એક્સપ્રેસ નામની ટ્રેન શરૃ થઈ હતી, જેના થકી કેટલાય પાકિસ્તાની હિંદુઓ ભારત આવ્યા. એમને હજુ સુધી નથી ભારતીય નાગરિકતા મળી કે નથી મૂળભૂત સુખસુવિધાઓ મળી. તેઓ નિરાશ્રિત બનીને કારમી ગરીબી વચ્ચે ઝૂંપડપટ્ટીમાં જીવે છે. ભારત સરકારે ગરીબોના ભણતર, રહેઠાણ, હોસ્પિટલાઇઝેશન વગેરે માટે ઘણી સ્કીમો બનાવી છે, પણ તેમાંની એક પણ યોજનાનો લાભ આ પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતોને મળતો નથી. શા માટે? કેમ કે તેઓ ભારતીય નાગરિક નથી. સરકારી આઈ-કાર્ડ વગર તેઓ ન નોકરી-ધંધા કરી શકે, ન ઘર-જમીન ખરીદી શકે, ન એમને પાણી-વીજળી મળે, અરે, કોવિડની વેક્સિન સુધ્ધાં તેમને ન મળે.
…અને આ બધાની વચ્ચે ઓગસ્ટ ૨૦૨૨માં એક રિપોર્ટ આવે છે. ‘ન ઘરના ને ન ઘાટના’ જેવી સ્થિતિમાં અટકી ગયેલા ૧૫૦૦ જેટલા પાકિસ્તાની હિંદુઓ ૨૦૨૧-‘૨૨ના ૧૮ મહિના દરમિયાન નિરાશ થઈને પાછા પાકિસ્તાન જતા રહ્યા. બીજી બાજુ આપણને વાંચવા-સાંભળવા મળે છે કે બાંગલાદેશથી આવેલા કેટલાય રોહિંગ્યા નિરાશ્રિતોને કાયદેસર રીતે ભારતીય નાગરિકતા મળી ગઈ છે. અત્યાચારનો ભોગ બનેલા હિંદુઓને હિંદુઓના જ દેશમાં આવકાર ન મળે તે કેવું? આ હિંદુઓને જો ભારત જ મદદ નહીં કરે તો કોણ અમેરિકા-ઇંગ્લેન્ડ મદદ કરવા આવશે? આપણા મનમાં આવા સવાલો થવા સ્વાભાવિક છે, પણ નિરાશ્રિતોની સમસ્યા આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને લઈને આપણે ત્યાં જે ધમાલ થઈ હતી તે આપણે ભુલ્યા નથી. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો મુખ્ય છે. ધારો કે પાકિસ્તાની આતંકવાદી તત્ત્વો હિંદુ કે મુસ્લિમ નિરાશ્રિત બનીને ભારતમાં ઘૂસી જાય ને એમને અહીં સરકારી સુરક્ષા મળી જાય તો? છતાં એક સામાન્ય સમજ એવું જરુર કહે છે કે જેન્યુઇન પાકિસ્તાની હિંદુઓને પારખવાનું અને એમને કાયદેસરતા આપવાનું કામ એટલું અઘરું તો ન જ હોવું જોઈએ.
આજની તારીખેય લેખની શરુઆતમાં જેની વાત કરી એવા કેટલાય હિંદુ નિરાશ્રિતો એ આશામાં જીવી રહ્યા છે કે ક્યારેક તો આ દેશ એમને અપનાવશે. આ ધારદાર તસવીરો ખેંચી છે શુચિ કપૂર નામનાં ફોટો-જર્નલિસ્ટે. બન્યું એવું કે એક વાર કોઈ પ્રવાસ દરમિયાન આકસ્મિક રીતે એમની મુલાકાત અમેરિકાની કોર્નેલ યુનિર્વસિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં નતાશા રાહેજા સાથે થઈ. નતાશા એન્થ્રોપોલોજિસ્ટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર પણ છે, જે વર્ષોથી માઇગ્રેશન સ્ટડીઝ પર રિસર્ચ કરે છે. બન્ને પ્રતિભાશાળી મહિલાઓ એકમેકને હાથ મિલાવ્યાં. તેનું પરિણામ એટલે ‘આર વી હોમ યેટ?’ શૃંખલાની પાવરફુલ બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીરો. શુચિ કહે છે, ‘આપણે જેને ‘વતન પાછું ફરવું’ એમ કહીએ છીએ તે ખરેખર શું છે? કલ્પનાઓ અને અપેક્ષાઓ તો ઘણી હોય પણ પ્રશાસકીય અને સરકારી માયાજાળમાં વતનની સંકલ્પના ક્યાંય પાછળ રહી જાય, એમ બને.’
શુચિ જેવા કુલ ૧૩ ઉત્કૃષ્ટ ફોટોગ્રાફરોના જુદા જુદા વિષયો પર ખેંચાયેલી ૩૭૫ વિચારોત્તેજક તસવીરોનો ફોટોગ્રાફી ફેસ્ટિવલ નવજીવન પ્રેસ ખાતે ૧૫ મે સુધી ધબકતો રહેવાનો છે. મિસ ન કરતા!
– શિશિર રામાવત
#vaatvichar #NavjivanPress #gujaratsamachar
Leave a Reply