નિઃસંતાનવાદઃ આધુનિક યુગનો યુવાપ્રશ્ન – સંતાન પેદા કરવા કે ન કરવા?
વાત-વિચાર – ગુજરાત સમાચાર- એડિટ પેજ
————————-
એન્ટિ-નેટલિઝમ એટલે પ્રજનનક્રિયાના વિરોધી હોવું. અહીં સેક્સનો વિરોધ નથી, પણ પ્રજનન કરીને બાળક પેદા કરવા સામે વિરોધ છે. મુંબઈ-બેંગલુરુ જેવાં શહેરોમાં એન્ટિ-નેટલિસ્ટ ગ્રુપ બન્યાં છે, જે આગ્રહપૂર્વક પ્રચાર કરે છે કે સ્ટોપ મેકિંગ બેબીઝ… બાળકો પેદા કરવાનું બંધ કરો! દુનિયામાં બાળકો પેદા થવાનું બંધ થશે તો જ આ પૃથ્વી નામનો ગ્રહ ટકી શકશે.
————————-
ભારતના ટિપિકલ વડીલોને આજના જુવાનિયા સમજાતા નથી. ખાસ કરીને મહાનગરોમાં રહેતા મોડર્ન યુવાનોમાં આજે એક મોટો વર્ગ છે, જે લગ્નનું નામ કાને પડતાં જ ભડકી ઉઠે છે. તેઓ સરસ ભણેલાગણેલા છે, મસ્ત કમાય છે, શરીરને સરસ જાળવે છે. તેઓ મહત્ત્વાકાંક્ષી અને બુદ્ધિશાળી છે, કરીઅરમાં જમાવટ કરી રહ્યા છે… પણ લગ્ન કરવાની કલ્પના માત્રથી તેઓ ફફડી ઉઠે છે. તેમણે કદાચ પોતાની આસપાસ એટલા બધા ડિવોર્સ, બ્રેકઅપ અને ટોક્સિક રિલેશનશિપ્સ જાયા છે કે તેમને લાગે છે કે લગ્ન કરીને એવું તે કયું સ્વર્ગીય કે એક્સક્લુઝિવ સુખ પ્રાપ્ત થઈ જવાનું છે? સિંગલ રહીને તમામ પ્રકારની મજા થઈ જ શકે છેને!
એમને કાં તો પરણવું નથી ને જો પરણવું જ હોય તો મોડું મોડું પરણવું છે. ધારો કે તેઓ લગ્ન કરીય લે તો પણ એમને હવે બાળક પેદા કરવું નથી. આજના કેટલાય યંગ કપલ્સને બાળક પેદા કરવા પાછળનું ‘લોજિક’ સમજાતું નથી! તેઓ પ્રેમાળ અને સંવેદનશીલ સ્ત્રી-પુરુષો છે, પણ એમને મમ્મી-પપ્પા બનવામાં કોઈ રસ નથી. એમને બાળક ઉછેરવાની જવાબદારી લેવી નથી અથવા સંતાનનું બંધન જોઈતું નથી. તેઓ સંપૂર્ણપણે તંદુરસ્ત અને ફળદ્રુપ છે, સેક્સ સામે તેમનો કોઈ વિરોધ નથી, બલ્કે સેક્સલાઇફ તો અફલાતૂન જ હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હોય છે, પણ તેમને ફક્ત પ્રજનન કરીને બાળક પેદા કરવા સામે વિરોધ છે. આ એવા યુવાન સ્ત્રી-પુરષો છે, જેમની પેરેન્ટલ ઇન્સટિંક્ટ્સ (માતા કે પિતા બનવાની પ્રાકૃતિક વૃત્તિ) સાવ મંદ થઈ ગઈ છે.
સંતાન પેદા ન કરવાની વિચારધારાને અંગ્રેજીમાં એન્ટિ-નેટલિઝમ કહે છે. એન્ટિ-નેટલિઝમને ગુજરાતીમાં શું કહીશું? પ્રતિ-પ્રજનનવાદ, નિઃસંતાનવાદ કે પ્રજનનવિરોધી વિચારધારા? બાળકનો ઉછેર કરવો અત્યંત ખર્ચાળ બાબત છે, ઘર નાનાં છે, પતિ-પત્ની બન્નેની પોતપોતાની કરીઅર છે અને બાળકને ઉછેરવામાં મદદ કરી શકે એવી કોઈ સપોર્ટ સિસ્ટમ નથી… સંતાન પેદા ન કરવા પાછળ આવાં એકાધિક આર્થિક- સામાજિક કારણો હોઈ શકે છે. સાઉથ કોરિયામાં વચ્ચે નો-મેરેજ મુવમેન્ટ ચાલી હતી. વિદેશ તો ઠીક, આપણે ત્યાં બેંગલુરુ અને મુંબઈ જેવાં મહાનગરોમાં રીતસર એન્ટિ-નેટલિસ્ટ ગ્રુપ બન્યાં છે, જેમાં દંપતીઓ અને એકલવીરો (ને વીરાંગનાઓ) સભ્ય બને છે અને તેઓ ચાઇલ્ડ-ફ્રી મુવમેન્ટ ચલાવે છે. તેઓ સોશિયલ મિડીયા પર અને અન્યત્ર આગ્રહ કરી કરીને લોકોને કહે છેઃ સ્ટોપ મેકિંગ બેબીઝ… બાળકો પેદા કરવાનું બંધ કરો! તેઓ માને છે કે ચાઇલ્ડ-ફ્રી વર્લ્ડ હશે એટલે કે દુનિયામાં બાળકો પેદા થવાનું બંધ થશે તો જ આ પૃથ્વી નામનો ગ્રહ ટકી જશે. જો માણસો બચ્ચાં જણ્યાં જ કરશે તો પૃથ્વીનું આવી બનશે. તેઓ માને છે કે આપણી અળવતરી માણસજાત આમેય સાવ નકામી છે. માણસ વગર કોઈનું કશું અટકી જવાનું નથી. તેથી માણસજાત ધીમે ધીમે નષ્ટ થઈ જાય એમાં જ બાકીની જીવસૃષ્ટિનું ભલું છે. ચાઇલ્ડ-ફ્રી મુવમેન્ટ ચલાવનારાઓ કહે છે કે જ્યારે આપણે ઓલરેડી સારી રીતે જાણીએ જ છીએ કે જીવનમાં-જગતમાં આટલા બધા સંઘર્ષો અને સમસ્યાઓ છે તો શા માટે કોઈ નવા જીવને જન્મ આપીને બાપડાને દુખોના દાવાનળમાં હોમી દેવો?
૦ ૦ ૦
બચ્ચાં પેદા ન કરવાનો ‘ટ્રેન્ડ’ કંઈ આજકાલનો નથી, ઇસવી પૂર્વે છેક છઠ્ઠી સદીમાં થિઓજીનીસ નામના એક ગ્રીક કવિએ લખેલું કે, ‘સૌથી શ્રે વાત એ છે કે જન્મ લેવો જ નહીં. પણ હવે જ્યારે જન્મ લઈ જ લીધો છે ત્યારે સૌથી સારી વાત એ જ રહેશે કે બને એટલા જલદી અહીંથી વિદાય લઈ લેવી.’ એપિક્યુરસ (ઇ.સ. પૂર્વે ૩૪૧ – ૨૭૦) નામના ગ્રીક ફિલોસોફરે કહ્યું છે કે, ‘પીડાની હાજરી કરતાં પીડાની ગેરહાજરી સારી, અને તેથી જન્મ લેવા કરતાં જન્મ ન લેવો સારો.’ સેનેકા નામના રોમન ફિલોસોફર (ઇ.સ. પૂર્વે ૪થી ઇ.સ. ૬૫) પણ એવું જ કહે છે કે, ‘જન્મીને પીડા ભોગવવા કરતાં જન્મ ન લેવો જ સારો.’ મૃત્યુ પછી આત્મા એક શરીરમાંથી બહાર નીકળીને બીજા શરીરમાં આરોપિત થાય છે (ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સાલ) એવી માન્યતા કેવળ ભારતમાં જ પ્રચલિત નથી, ગ્રીક લોકો આવું માનતા આવ્યા છે. સાચા અને ટકોરાબંધ આધ્યાત્મિક જ્ઞાાનના અભાવને કારણે આત્મા વિશે, શરીરમાં આત્માના આવનજાવન વિશે જાતજાતની ભ્રામક માન્યતાઓ ફેલાતી રહે છે. એક ગ્રીક વિચારધારા કહે છે કે જો પીડાથી મુક્ત રહેવું હોય તો આત્મા નવા શરીરમાં પુનઃ આરોપિત ન થાય, એટલે કે વધુ એક માનવજન્મ ન થાય, એ જ વધુ ઇચ્છનીય છે. જર્મન ફિલોસોફર આર્થર શોપનહાઇમરે (૧૭૮૮-૧૮૬૦) પણ કહ્યું છે કે, ‘માનવજીવન પીડાથી ભરપૂર છે તેથી જન્મ ન લેવો એ જ સારું છે. જીવતા રહેવું, જીવ્યા કરવું એ એક આંધળું બળ છે, જેના વહાવમાં માણસ સંતાનો પેદા કરતો રહે છે. પ્રજોત્પત્તિથી આખરે તો પીડા વધવાની જ છે, તો પણ.’ ગૌતમ બુદ્ધે કદી પ્રગટપણે નિઃસંતાનવાદની વાત કરી નથી, પણ તોય બૌદ્ધિઝમને નિઃસંતાનવાદ સાથે જોડી દેવામાં આવે છે. બુદ્ધે કહ્યું છે કે તમામ દુખોનું મૂળ ઝંખના યા તો ઇચ્છા છે. દુખથી મુક્ત થવું હશે તો ઇચ્છાઓથી મુક્ત થવું પડશે. ઘણા લોકોએ આ વાતનું એવું અર્થઘટન કર્યું છે કે સંતાનસુખ પણ એક પ્રકારની ઇચ્છા જ છે તેથી પ્રજનનથી પણ દૂર રહેવું જોઈએ.
૦ ૦ ૦
માનવજાતનો જન્મદર દાયકાઓથી ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. ૧૯૫૦માં ગ્લોબલ fertility રેટ ૪.૯ હતો. એટલે કે પૃથ્વી પરની પ્રત્યેક સ્ત્રી પોતાના પુખ્ત જીવનકાળ દરમિયાન ૪.૯ બાળક (પાંચ બાળકો જ સમજોને) પેદા કરતી હતી. ૨૦૨૦ની સાલ આવતા સુધીમાં આ આંકડો ઘટીને ૨.૩ સુધી નીચે આવી ગયો. ૧૯૬૦માં એક અમેરિકન સ્ત્રીએ સરેરાશ ૩.૭ બાળકો જણ્યા હતાં, પણ ૨૦૨૦માં આ આંકડો ૧.૭ પર પહોંચી ગયો. ૨૦૨૨માં ઇંગ્લેન્ડનો સ્ત્રી દીઠ સંતાનની સંખ્યા ૧.૬ હતી. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં સ્ત્રીઓએ આટલાં ઓછાં સંતાનો કદી પેદા કર્યાં નથી. ભારતમાં ગયા વર્ષે પહેલી વાર એવું બન્યું કે દેશનો ટોટલ ફર્ટિલિટી રેટ, દેશના ટોટલ રિપ્લેસમેન્ટ લેવલ (૨.૧)ને આંબી ન શક્યો. રિપ્લેસમેન્ટ લેવલ એટલે જેટલા લોકોનું મૃત્યુ થાય એટલા જ પ્રમાણમાં બાળકોનો જન્મ થવો. આનો અર્થ એ થયો કે ગયા વર્ષે જો પ્રત્યેક ભારતીય સરેરાશ સ્ત્રી દીઠ જો ૨.૧ બાળકો હોત તો મૃતકોનો આંકડો સરભર થઈ શક્યો હોત. ભારતનો વર્તમાન ફર્ટિલિટી રેટ ૧.૯૯ છે. ભારતમાં બાળજન્મનું પ્રમાણ સમગ્રપણે ઘટી જ રહ્યું છે. હોંગકોંગનો વર્તમાન ફર્ટિલિટી રેટ દુનિયામાં સૌથી ઓછો છે – ફક્ત ૦.૭. કોરિયાનો ફર્ટિલીટી રેટ ૦.૮૮ છે. એટલે કે હોંગકોંગ અને કોરિઆમાં એક સ્ત્રી દીઠ સરેરાશ એક આખું બાળક પણ આવતું નથી. ચીનનો ફર્ટિલિટી રેટ ૧.૧૮, ઇંગ્લેન્ડનો ૧.૫ અને અમેરિકા-ઓસ્ટ્રેલિયાનો ફર્ટિલિટી રેટ ૧.૬ છે. આ બધા લેટેસ્ટ આંકડા છે.
બાય ધ વે, ક્લાઇમેટ ચેન્જ અને સંતાનોત્પત્તિ વચ્ચે શો સંબંધ છે? ક્લાઇમેટ ચેન્જનો સીધો સંબંધ વાતાવરણમાં સતત ઉમેરાતા જતા કાર્બન ડાયોક્સાઈડ વાયુ સાથે છે. માણસજાત દર વર્ષે વાતાવરણમાં ૪૦ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી દે છે. એક નક્કર વૃક્ષ એક વર્ષમાં ૪૮ પાઉન્ડ કિલો કાર્બન ડાયોક્સાઈડ શોષી શકે છે. એટલે જો આ વૃક્ષે એક ટન કાર્બન ડાયોક્સાઇડ શોષવું હોય તો એને ૪૦ વર્ષ લાગી જાય. જાગૃત નાગરિકો પ્રદૂષણ ઓછું થાય તે માટે જાતજાતના રીતરસમો અજમાવે છે. જેમ કે, તમે આખા ઘરમાં ફિલામેન્ટવાળા સાદા લાઇટ બલ્બને બદલે એલઇડી ફિટ કરાવી દો છો. તો આ રીતે તમે કેટલો કાર્બન બચાવો છો? ફક્ત ૦.૧ ટન પ્રતિવર્ષ. તમે એક વર્ષ કાર ન ચલાવો તો બે ટન કાર્બન ડાયોક્સાઈડ ઓછું પેદા થાય. આખું વર્ષ જાતજાતની રિસાઇકલ થયેલી ચીજવસ્તુઓ વાપરો તો પણ માત્ર ૦.૨ ટન કાર્બન ડાયોક્સાઈડ જ બચાવી શકો છો. તમે એક ટ્રાન્સ-એટલાન્ટિક ફ્લાઇટ (યુરોપથી અમેરિકાની રિટર્ન ટ્રિપ) ટાળો છો, તો પ્રતિ પેસેન્જર ૧.૬ ટન કાર્બન ડાયોક્સાઈડ બચાવો છો. હવે આ સાંભળોઃ ધારો કે તમે એક બાળક ઓછું પેદા કરો છો. તો તમે એક વર્ષમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ બચાવો છો? અધધધ ૫૮.૬ ટન!
અમને બચ્ચું જોઈતું જ નથી એવું કહેતાં યંગ કપલ્સને ખરેખર પોતાની મોજમજા અને વ્યક્તિગત સ્વાતંત્ર્યની પરવા હોય છે કે પર્યાવરણની?
– શિશિર રામાવત
Leave a Reply