અમદાવાદમાં પણ ઘણી વાવો છે. અને અમદાવાદની નજીક પણ ઘણી વાવો છે. અમદાવાદથી દુર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવો છે. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઘણી વાવો છે. કચ્છની વાવો વિષે તો મેં હમણાં જ ફેસબુકમાં ગામ -નામ-ગાથામાં વાંચ્યું જ હતું. મેં શ્રી જગદીશચંદ્ર છાયા ભાઈને કહ્યું પણ હતું કે હું આ વાવ વિષે લખવાનો છું. હમણાં પાછું લખવાનું ભૂત ભરાયું છે. એટલે લખી શક્યો છું. આ હું ગામ-નામ -ગાથા અને ખીચડીમાં મુકવાનો જ છું. બની શકે તો ફોટા પણ મુકીશ, અમદાવાદથી દુર ૧૫૦ -૨૦૦ કિલોમીટર અંતરે પણ ઘણી વાવો છે. એમાં વિજયનગર પોળો ફોરેસ્ટમાં પણ બે વાવો છે. એક કુવા જેવી છે જે જોઈ શકાય છે અને બીજી એ વિસ્તારમાં ખેતરમાં સાઈડના કાચા રસ્તે ખેતરમાં પણ એક વાવ છે. જે વરસાદી પાણી અને પવનના તોફાનો અને ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં તે નષ્ટ થવાના આરે છે. તે ભાંગી તૂટી વાવ છે. આનું કોઈજ ધ્યાન રાખતું નથી તૂટે તો તૂટે એમાં આપણે શું…? આવું ત્યાંના આજુબાજુના ગામલોકોનું માનવું છે. એ વાત જયારે પણ હું વિજયનગર પોળો ફોરેસ્ટ પર લખીશ ત્યારે કરીશ જ… બીજી છે પાટણની જગપ્રસિદ્ધ રાણકી વાવ (રાણીની વાવ) આ વિષે તો કંઈ કહેવા જેવું જ નથી એ મેં લખ્યું પણ છે. પણ ફરી જયારે હું એ પ્રવાસ કરીશ ત્યારે લખીશ
આપણે વાત કરવાની છે અમદાવાદની નજીકની વાવોની. એમાં અમદાવાદથી ૧૫ કિલોમીટર દુર અમદાવાદ- ગાંધીનગર (સરખેજ – ગાંધીનગર) હાઈવે પર આવેલાં અડાલજની વાવ. આ હાઇવેથી માત્ર ૨ જ કિલોમીટર દુર અડાલજ ગામ મધ્યે છે. એ તો આપણને ખબર જ છે અને એ વિષે પણ મેં વિગતે લખ્યું જ છે. આ વાવથી પાછા હાઈવે પર આવો તો એક ચોકડી આવે છે, જેણે અડાલજ ચોકડી કહેવામાં આવે છે. ત્યાંથી ડાબી બાજુએ જાઓ તો અમદાવાદ આવે અને જમણી બાજુએ જાઓ તો ગાંધીનગર આવે. પણ જો ત્યાંથી સીધા જઈએ તો ક્યાં જવાય ? ઉવારસદ…
આ ગામ એ અડાલજની વાવથી માત્ર ૫ જ કિલોમીટર દુર છે. કોઈને ખબર છે ખરી કે અહીં પણ એક વાવ છે. આ ગામ એ ટીપીકલ એક નાનકડી શેરીઓ અને મકાનોથી સજ્જ એવું ગામડું છે. જે તમને જુના ગામડાંની યાદ અપાવે તેવું છે. આ ગામમાં ઠાકોર કોમની વસ્તી વધારે છે. જે લોકો ખુબ જ સારાં છે. થોડાંક જ વર્ષો પહેલાં આ ગામને કોઈ ઓળખતું નહોતું, પણ થોડા વર્ષ પહેલાં ત્યાં એક ડેન્ટલ કોલેજ શરુ કરી હતી. આ કોલેજ એ પછીથી કર્ણાવતી યુનીવર્સીટીમાં પરિણમી અને એનો વિસ્તાર વધતો ગયો અને બીજી ફેકલ્ટીઓ શરુ થતી ગઈ અને આજે એ કર્ણાવતી યુનીવર્સીટી બની ગઈ. જેની તુલના કોબા પાસે ગાંધીનગર નજીક આવેલી પંડિત દીનદયાળ યુનીવર્સીટી સાથે થવાં લાગી. અલબત્ત PDPU એજ સારી ગણાય કર્ણાવતી એની પછી જ આવે, આ યુનીવર્સીટીને લીધે ઉવારસદ ગામની આજુબાજુ ફલેટો અને સોસાયટીઓ બંધાતી ગઈ. ખાવાનાં ધાબાઓ અને હોટેલ બીઝનેસ અને કાફેઓ ખુલ્યાં. પાટણ બનાસકાંઠા જતી બસો આ જ રોડ પરથી જાય છે.
આ ગામ આમ તો ગાંધીનગર જીલ્લામાં આવેલું છે. રોડ બહુજ સારાં છે અને આજુબાજુનો વિસ્તાર પણ નયનરમ્ય છે. આ વિસ્તારની મુલાકાત લેવાની આમ તો મારી કોઈ ઈચ્છા નહોતી. પણ હજી ૧૦-૧૫ દિવસ પહેલાં ગુજરાત સમાચાર પ્લસમાં એક સમાચાર વાંચ્યા કે અમદાવાદમાં એક સંસ્થા છે. Historical And Culture Centre આ સંસ્થા ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદની હેરીટેજ જગ્યા એટલે કે સ્મારકોની સાફ સફાઈ કરે છે અને ત્યાં ટી પાર્ટીઓ યોજે છે. આમાં અમદવાદના ૪૦ લોકો સ્વેચ્છાએ જોડાયાં છે, એમાં કોઈ પણ લોકો જોડાઈ શકે છે. હું પણ એમાં જોડાવાનો જ છું. હવે આ લોકો એ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી જેઠાભાઈની વાવની સાફ સફાઈ કરી એની જાળવણી અંગે શ્રી કિરણભાઈ ઠાકરે વાત કરી હતી. એમનો ફોટો પણ છપાયેલો હતો, તેઓ હેરીટેજ સ્મારકોનો પ્રવાસ પણ આયોજિત કરે છે.
આ સાંભળીને જ મારું મન લલચાયું છે. આમાં જોડાવા માટે જ એ સમાચારમાં ઉવારસદ વાવનો ઉલ્લેખ હતો. આ વાંચીને જ મારાં મનમાં ત્યાં જવાનો મક્કમ નિર્ધાર કર્યો. આમેય હું સરખેજ -અડાલજ – ગાંધીનગર વારંવાર જઉં જ છું. પણ આ વાવ વિષે મેં ક્યાય વાંચ્યું નહોતું કે સંભાળ્યું નહોતું. કર્ણાવતી યુનીવર્સીટી વિષે તો હું પહેલેથી જ માહિતગાર હતો. ત્યાં જવા માટે લલચાયો અને એક મોકો મળ્યો પણ ખરો હજી ગયાં જ મહીને. અમે હૂતો-હુતી ફરી નીકળી પડયાં આ વાવ જોવાં માટે
ત્યાં જઈને પૂછ્યું કે આ વાવ ક્યાં છે, તો એમણે રસ્તો બતાવ્યો. એ વાવનો દરવાજો સફેદ ચુના માટીનો છે. એ વાવ પણ ૪-૫ માળની જ છે. પણ એની ખાસિયત એ છે કે એ રેતી-ઈંટમાંથી બનેલી છે. આ વાવ ૪૦૦ વર્ષ જૂની છે. એટલે કે અડાલજ કરતાં ૧૨૦ વર્ષ પછીની એટલે તાત્પર્ય એ કે એ વખતે તો મહમૂદ બેગડો નહોતો જ નહોતો. હવે આ વખતે તો અમદાવાદમાં અને ગુજરાતમાં મોગલોનું રાજ્ય હતું.
અ મોગલકાલનો સમય હતો ઇસવીસન ૧૫૭૨થી ઇસવીસન ૧૭૦૭. ઇસવીસન ૧૭૦૭થી ઇસવીસન ૧૭૫૩ એ મોગલકાળનાં નબળા રાજાઓ અને મરાઠાઓનું સંયુક્ત રાજ્ય હતું. પછી પાછો મરાઠા કાળ સન ૧૭૫૮થી ૧૮૧૭, તે પછી બ્રિટીશ કાળ… અડાલજ અને ઉવારસદ -પેથાપુર કે પાટણ કે અમદવાદ ગણો તો અમદાવાદ કોઈ અન્ય રજાઓ જાણીતા તો નહોતાં જ, જેમ સૌરાષ્ટ્રમાં છે એવાં જ સ્તો. એટલે કોઈ પ્રખ્યાત રાજવી કે સુબાએ તે બંધાવી નથી જ, જો કોઈએ પણ બંધાવી હોય તો તે કોઈ અમીર માણસ કે કોઈ મહિલા હોઈ શકે છે.
પાટણની રાણકી વાવ આ ઉવારસદ વાવ અને અડલજ વાવ અને દાદા હરિની વાવ એ એક લાઈનમાં જ છે એટલે વેપારી વટેમાર્ગુના વિરામ માટે આ વાવ કોઈએ બનાવી હોય એવું પણ બને. તાત્પર્ય એ છે કે એના DNA ટેસ્ટ મુજબ એ ૪૦૦ વર્ષ પુરાણી છે એ ઇતિ સિધ્ધમ. મુગલ સ્થાપત્યથી આ અલગ છે. એ પણ એટલું જ સાચું, પણ સોલંકી યુગના સ્થાપત્ય સાથે મેળ ખાય છે. એ પણ સાચી જ વાત છે. એ વખતે આટલા પૈસા કોઈની પાસે ના પણ હોય અને માત્ર સેવા કરવાં માટે આ સ્થાપત્યકલાનો કોઈ જાણકાર હોય એવું પણ બને.
માત્ર ૫ જ કીલોમીટરના અંતરે બે વાવ હોય એવી આ પહેલી જ જગ્યા છે એવો આ એક માત્ર બનાવ છે. શું એમને અડાલજની વાવ વિષે ખબર નહીં હોય….? અરે હોય જ ને, પણ એમનો આશય મુસાફરો અને ગામલોકોને વિશ્રામસ્થાન આપવાનો હતો. ઉવારસદથી શેરથા, નારદીપુર, કલોલ થઈને પાટણ જવાનો રસ્તો તો તે વખતે પણ પ્રચલિત હતો. કારણ કે આજે પણ એજ માર્ગે પાટણ થઈને ડીસા રાધનપુર અને ત્યાંથી કચ્છ કે રાજસ્તાન જવાય છે. આજ માર્ગ પર ઘણી બધી વાવો આવેલી છે.
પાટણમાં તો સોલંકી યુગની શાન સમી રાણકી વાવ છે. આવીજ તે કાળની બે વાવો એ વિજયનગર પોળો ફોરેસ્ટમાં પણ છે. હવે પાટણથી જે રસ્તો કચ્છ જાય છે. તો કચ્છમાં પણ આવી વાવો છે. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર પણ આજ હેતુસર બંધાયું હતું. શામળાજીમાં પણ કેટલાંક ખંડેરો છે પણ ત્યાં વાવ નથી એનો હેતુ પણ લોકોને સંસ્કૃતિની ઝાંખી કરાવવાનો જ હતો. બિલકુલ આવાં જ સ્મારકો વિજયનગર પોળો ફોરેસ્ટ માં પણ છે. વિચારો વાવમાં પાણી પીને જે માણસ આરામ કરતો હોય એને જો ખુબસુરત કોતરણીવાળાં શિલ્પો અને સંકૃતિ તાદ્રશ થતી હોય તો. એના મનમાં શું વિચારો આવે, એજ ને કે આપણું ગુજરાત કેટલું સમૃદ્ધ છે.
જે વાત આપણે જાણતાં નથી એ આ કલાકૃતિઓ દ્વારા આપણને જાણવા મળી આ એજ રસ્તો છે. જે આજે ધોરીમાર્ગ બની ગયો છે. એ વખતે તો મુસાફરી પગપાળા જ થતી હતી. વાહનો તો હતાં જ નહીં ને એ વખતે તો. એ આજ રસ્તો હતો જે આજે પ્રચલિત બન્યો છે. આ જ રસ્તે બધાં આવતાં જતાં હતાં અને સગાસંબંધીઓણે મળતાં હતાં અને વેપાર કરતાં હતાં. હવે આ જ રસ્તો ઉવારસદથી અડાલજ જાય છે. ત્યાંથી અમદાવાદ અને અમદાવાદથી સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની અડીચડીની વાવ કે નવઘણ કુવો આની સાખ અવશ્ય પૂરે છે. ત્યાંથી કચ્છ અને રાજસ્થાન પણ જવાય જ છે. જ્યાં તે વાવોને બાવડી કહેવામાં આવે છે. આ રસ્તે મારવાડ અને પાટણના રસ્તે થઈને મેવાડ જવાય. આ વાત હું એટલા માટે કરું છું કે રાજસ્તાની કલાકારીગીરીની છાંટ પણ આમાં જોવાં મળે છે.
શું ગુજરાત, શું સૌરાષ્ટ્ર કે શું કચ્છ ? વડોદરાને બાદ કરતાં દક્ષિણ ગુજરાતમાં આવાં સ્મારકો ઓછાં જોવાં મળે છે. જો કે ભરૂચ અને સુરત એ ઐતિહાસિક સ્થળો જ છે. કબીરવડ કદાચ આજ હેતુસર પ્રચલિત થયો હોય. પણ ત્યાં બે પ્રખ્યાત નદીઓ અને ઘણીબધી નદી કે એનાં પરના ઘાટો કે મંદિરો આજ હેતુ પાર પાડે છે. રાજપીપળા એ અપવાદ છે. એ ખરેખર અતિહાસિક જગ્યા છે. પણ ત્યાં જવાય છે તો નર્મદા પસાર કરીને જ… આ તો થયું વાવ અને ગુજરાતની સંસ્કૃતિ વિશેનું વિશ્લેષણ.
હવે પાછો ઉવારસદની વાવ પર આવી જાઉં. આ વાવ એ ટીપીકલ ગુજરાતની જાણીતી વાવ જેવી જ છે. એજ કમાનો, એજ બારીઓ, એજ ગોખ. એમાં રાણકી જેવી મૂર્તિઓ પણ છે જે ખંડિત થયેલી છે. કેવી રીતે થઇ એ તો રામ જાણે. ટૂંકમાં અ કોને બંધાવી એ અદ્યાહાર છે. કદાચ એ પોતાનું નામ અપવાં ના માંગતો હોય એવું પણ બને ! આ વાવમાં લોથાલમાં જેમ ઇંટો મળી આવી છે એવી ઇંટો અહી પણ છે. લોથલ તો બહુ જ જુનું છે અને આ તો એના પછી ૧૮૦૦ વર્ષ પછીની છે. પણ એ ઇંટો એવી જ રીતે દ્રષ્ટિગોચર થાય છે. મૂળ વાવ પણ ઈંટોની જ બનેલી છે. તેમ છતાં અંદર પત્થરના પગથિયાંઅને પથારની કમાનો આવેલી છે.
પણ આ કમાનો એકબીજામાં ઓતપ્રોત થઇ ગયેલી નથી લગતી. એ એમાં ગોઠવાયેલી હોય એવું લાગે છે. પણ એ લાગે છે. તો અન્ય વાવોનાંના જેવી જ ગોખમાં મૂર્તિઓ હતી, જે આજે ખંડિત અવસ્થામાં છે. એ પણ પથ્થરની જ બનેલી છે. અને એ એમ જ હોય ૧૨ પગથીયા પછી ૧ કમાન. એવી સાત કમાનો છે, જે પસાર કર્યા પછી જ મૂળ વાવ સુધી છેક નીચે જઈ શકાય છે. કોઈ ખૂણા નથી વાવ સીધી સાદી જ છે. પણ આ વાવ એ વખતના ગુજરાતની ઝાંખી અવશ્ય કરાવે છે. વાવ એ આપણા ગુજરાતની પોતીકી સ્થાપત્યકાલની માલિકી છે. એ વાત તો સાબિત અવશ્ય જ થાય છે. આજુ બાજુ ઈંટોની દીવાલો અને વચ્ચે પથ્થરની કમાનો એ જરા વિચિત્ર અવશ્ય લાગે છે. પણ વાવ બનાવવા અને એને ટેકો આપવા માટે આવી કમાનો જરૂરી પણ છે. જે છે એ સારું તો છે જ પણ અદભૂત નહીં…
એક વાત કહેવાની રહી ગઈ કે આ વાવ એની ચૂનાની સફેદ દિવાલોને કારણે ચાંદની રાતમાં એ ખુબ જ સુંદર લાગે છે અને ખુબજ પ્રકાશમાન અને નયનરમ્ય લાગે છે.
આ તો થઇ એ વાવ વિશેની વાત. હવે આ વાવની સારા સંભાળ કોઈજ લેતું નથી. બે માણસો છે, જે એની આજુબાજુ ફર્યા કરે છે. કોણ આવે છે અને કોણ જાય છે તે જોયાં કરે છે. આમ તો આ વાવ જોવાં કોઈ ભુતોભાઈ પણ આવતું નથી. આ વાવ વિષે ક્યાંય પણ કશો ઉલ્લેખ જોવાં મળે છે ખરો. આ તો ભલું થજો હેરીટેજ રીસર્ચ સેન્ટરનું કે એ મને જોવાં મળી, આ લોકોએ ત્યાં સફાઈ પણ કરી હતી. પણ પછી પાછું જૈસે થે, કોઈ જતું આવતું નથી એનો પુરાવાઓ ત્યાં પક્ષીઓની અઘાર એટલી બધી છે કે એના પરથી જ અંદાજો લગાવી શકાય અને વાસ પણ બહુજ આવે છે.
માત્ર એકવાર સફાઈ કરવાં જાઓ એ પુરતું નથી જ એ લગભગ રોજ જ કે આંતરે દિવસે થવી જોઈએ. લોકો પણ અનેજ લીધે વિમુખ થયાં છે. જો કે જેને આવાં સ્થાનોનો શોખ હોય એ જ ત્યાં જાય એ સ્વાભાવિક જ છે. યુવાનીયા આવી ગંદકીમાં તો ના જ જાય અને એમાં જોવાં જેવું પણ કશું જ નથી. માત્ર એ રેત અને ઇંટોથી બનેલી છે એટલું જ નાવીન્ય !
અવારનવાર ઇવેન્ટો અને ફનમાં રચીપચી રહેતી કર્ણાવતી યુનીવર્સીટી અને એમાં સામેલ થતાં આજુબાજુની શૈક્ષણિક સંસ્થાના યુવાનો આમાં રસ લેતાં જ નથી. કમસે કમ મહિનામાં એક વાર સફાઈ કરવાની તો ફરજ પાડવી જ જોઈએ એમને. જો શાહીબાગની રચના સ્કુલની વિદ્યાર્થીનીઓ અહીં સફાઈ કરવાં લાંબી થતી હોય તો ત્યાંના વિદ્યાર્થીઓ કેમ નહી. ગલીબોયના ગાયક ડિવાઈનના DJમાં હજારો યુવાનો ઝૂમે છે પણ ગામની ગલી સાફાઈ કરવાની કોઈનેય પડી નથી. અરે એક મજાની વાત કહું તમને હું પણ આ વાવ જોવાં ગયો ત્યારે મને પણ એમ કહેવામાં આવ્યું હતું કે “તમે સફાઈ કરવાં આવ્યાં છો ?” મેં કહ્યું હું મિત્રો ભેગાં કરી જરૂર સફાઈ અર્થે ત્યાં આવીશ આ મારું વચન છે જાઓ… પણ જ્યાં ગુજરાત સરકાર, પુરાતત્વ ખાતું અને પર્યટન ખાતું કુંભકર્ણની નિદ્રામાં હજી સુધી પોઢે જ છે. ત્યાં વાંક કોનો કાઢવો…
આ વાવ તમને બોલાવે છે. એ કહે છે કે મને સાચવો, હું તમારી જ છું. હું તમારી રોજ જ રાહ જોઉં છું. આવો મને નિહાળો અને સફાઈ કરી ચોખ્ખી રાખો. સવાલ એ છે. કે પહેલ કોણ કરશે ? મિત્રો જો તમારાથી થઇ શકતું હોય તો આની સફાઈ અવશ્ય કરશો. એવી મારી આપને બે હાથ જોડીને નમ્ર અપીલ છે.
સંકલન ~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply