જીનપિંગ અને પેંગ લિયૂનના દીકરા અને ઝેન્ડરના મોટાભાઈ, યુસી બ્રાઉઝરના કાકા અને શેરઈટના સાળા, બઈડુ નેટના મામા અને બેટરી સેવરના દાદા, હેલોના બનેવી અને યુસી ન્યૂઝના ફૂવાનું 58 લોકોના સમસ્ત પરિવાર સાથે અવસાન થયેલ છે. તેમનું બેસણું આજ તારીખ 30-6-2020ના રોજ વુહાનની લેબમાં રાખવામાં આવેલ હોય, તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. ખાસ પાકિસ્તાને.
સરકારના વખાણ કેવી રીતે કરીશું ?
અમારા ગામની પ્રાથમિક શાળામાં એક એવો કભાગી વખત પણ આવેલો કે રામજીની સાથે તેના પપ્પા શ્યામજી પણ ભણતા હતા. રામજી સાતમા ધોરણમાં આવી ગયો, તો પણ તેના પિતા શ્યામજી સાતમું પાસ ન થઈ શક્યા. શ્યામજીને કૃપા ગુણ આપી આપીને પણ શાળાના શિક્ષકો થાકી ગયા હતા. હવે જૂની માર્કશીટના કૃપા ગુણ પણ કેટલાં ઉમેરવા ? એટલે બાપુજીને સાતમામાંથી બહાર કાઢવા રામજીએ તનતોડ મહેનત કરી. પોતાને આવેલા માર્ક્સમાંથી સાહેબને હાથ જોડી વિનંતી કરી પિતાને અડધા આપવાનું કહ્યું. રામજીના કારણે તમામ વિષયમાં પિતા શ્યામજી પાસ થઈ ગયા. માત્ર ગણિતમાં એક માર્કે રહી જાત એમ હતું. શિક્ષકે વચ્ચેનો રસ્તો કાઢતા એક કૃપા ગુણ આપી દીધો. માથે મોટું ફુદેડુ પણ મુક્યું. બસ આપણે પણ સરકારની પ્રશંસા કરવા માટે થોડા સરવાળા અને બાદબાકી જ કરવાના છે.
વર્ષ છે 2020. તેનો સરવાળો કરો તો થાય 4. 59 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરી. 59-4 = 55. 55+1 = 56*. આ એક કૃપા ગુણ આપ્યો. જેમ અમારા ગામની શાળાના માસ્તરે રામજીના બાપુજી શ્યામજીને આપ્યો હતો.
ભ્રમ
સવારમાં ઉઠીને ગામના બાપા હાજતે ગયા. પછી આવી ખંખોળીયું ખાધુ. થોડીવાર ખાટલા પર ટેકો દઈ હોકો તાણીને બેઠા હતા. એટલામાં ઘરમાં એક છોકરાને જોયો. લાકડી ઉપાડી પૂછ્યા કારવ્યા વિના મારવા જ મંડ્યા. લાકડીનો અવાજ સાથે કિકિયારીયોની મિશ્ર ધ્વનિ સાંભળી ઘરના સહિત આસપાસના લોકો સફાળા જાગ્યા. બાપાને રોક્યા અને પૂછ્યું, ‘આ સવજીને કાં મારો… ?’
બાપાએ લાંબા સમય પછી સવજીને જોયો હતો એટલે ઓળખી ન શક્યા. ત્રણ દિવસ પછી બાપાએ મોટા દીકરાને પૂછ્યું, ‘આપણા ઘરમાં ઓલી અસ્ત્રી રહેતી હતી એ ક્યાં ગઈ ?’
‘ઓલી બાના જૂના કપડાં પહેરીને રખડતી રહેતી ઈ ? એ જ તો સવજી હતો. આ સરકારે એપ્લિકેશનું બેન કઈરી પછી લાંબા સમયે ઈ એના મૂળ સ્વરૂપે આવ્યો. આ તમનેય એટલે જ તો ધોખો થઈ ગ્યો.’
‘લે એવું છે.’ બાપાના હાથમાં રહેલ હોકો ઓલવાઈ ગયો.
‘તો તમે કંઈ પરાક્રમ કર્યું છે ?’ મોટાએ ભ્રૂકુટી તાણી.
‘એમાં એવું મોટા કે આજુબાજુનાં ગામમાં બે ચાર જવાનીયાવના લગ્ન બાકી છે. તે મેં મારી મોટાઈ દેખાડવા આ છોરીનું નામ સૂચવી દીધું. આજે એક પરિવાર તો જોવા પણ આવવાનો હઈશે. તાં તે રોન કાઈઢી.’
ઉદ્યોગ મંદીમાં
એપ્લિકેશન બેન કરતા એક મોટો ફટકો પણ લાગી શકે છે. સ્ત્રીઓના કપડાંનું માર્કેટ ડાઉન થશે. રસ્તામાં 500 રૂપિયાના સસ્તા ભાવે વેચાતો હાર સ્ત્રીઓ તો ન હતી ખરીદતી, હવે નકલી સ્ત્રીઓ પણ નહીં ખરીદે. બ્યૂટીપાર્લરમાં મહદઅંશે સ્ત્રીઓ જાય છે એ વાત જ ખોટી છે. છેલ્લા બે વર્ષથી સ્ત્રીઓના સ્વાંગમાં પુરૂષો સ્વેગ મારવા જતા હતા. જેથી એ ઉદ્યોગ પર પણ મંદીના એંધાણ છે. નેનપોલિસના વેચાણમાં ઘટાડો આવી શકે છે. એવું જ કંઈક લિપસ્ટિક અને આઈ લાઈનરનું છે. હાશકારો તો એ વાતનો છે કે વર્ષો બાદ કેટલાક પુરૂષો દાઢી સાથે જોવા મળશે.
ફેસબુકમાં ફફટાડ
ગઈકાલથી જ ફેસબુકમાં શોકનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. સુત્રોના મતે એપ્લિકેશન બેન થતા હવે તમામ યુઝર્સ ફેસબુક તરફ ગતિ કરશે. આ કારણે ફેસબુકના શેરમાં ઉછાળો આવવાની વાતો પણ વહેતી થઈ રહી છે. જો ફેસબુકમાં અન્ય યુઝર્સનો ધસારો થયો તો સ્વાભાવિક છે પ્રિયા એન્જલનો પુન:જન્મ થાય. આ વાતથી જ ચિંતાગ્રસ્ત યુઝર્સ હવે કોઈ યુવતીની રિક્વેસ્ટ આવશે તો પૂર્ણ પણે ચકાસણી કરીને જ સ્વીકારવાનું જોખમ ઉઠાવશે. ભૂતકાળમાં જે રીતે આબરૂનું ધોવાણ થયું તેનું પુનરાવર્તન કરવાનું યુઝર્સને બિલ્કુલ મન નથી.
~ મયૂર ખાવડુ
Leave a Reply