પાંચ રાજ્યોની ચૂંટણી બાદ નવા મુખ્યમંત્રીઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધુ છે. હવે પહેલા દિવસે તેમણે શું કામ કર્યુ ? તે તો એક જોક્સ બરાબર છે. ઉતરપ્રદેશના યોગીએ પહેલા ભુતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્લેટ બદલાવી જ્યાં તેમણે પોતાનું નામ કંડારાવ્યુ. જેથી ટપાલ સેવા માટે પહેલા સરનામુ શોધવા ટપાલીઓને શોધખોળ ન કરવી પડે. સીધા 5-કાલિદાસ માર્ગ. એમેઝોનનું પેકેજ આવે તો…? આ માટે એમણે પહેલા આ નિર્ણય લીધો છે.
કેપ્ટન અમરીંદર સિંહને લાલ વસ્તુઓથી નફરત છે. પેલા વીઆઈપીઓની લાલબત્તીઓ ગુલ કરી નાખી. આમ પણ હવે કોંગ્રેસ સરકાર એટલી ચાલતી નથી અને ઉપરથી બત્તી ગુલ્લ છે, જેથી આ નિર્ણય યથાયોગ્ય કહેવાય. કારણ કે હવે તો કોંગ્રેસની ગાડી નીકળે તો પણ ભાજપની ગાડીઓ આવી એવુ લોકો માની લે છે. કોંગ્રેસની સભામાં ભાજપના નારા વાગી જાય, લોકોને ચહેરો જોયા બાદ ખબર પડે, યાર આ તો કોંગ્રેસની સભા છે. ઉપરથી તેમણે પ્રકાશસિંહ બાદલના નિવૃત થયા બાદ તેમને સરકારી આવાસ આપ્યો, તો બાદલે ના પાડી દીધી. હવે પ્રકાશ તો સીએમ હાઉસમાં જ છે. એટલે પ્રકાશદાદા ત્યાં જ રહે. કાં તો કેપ્ટને બીજે ચાલ્યા જવુ ! જે શક્ય નથી. અને બીજુ કે તેમણે પ્રકાશસિંહને પોતાનો ઓરડો આપી દેવો. જે પણ શક્ય નથી. ઉપરથી નવોજત એમ કહે છે કે, ‘મારા કેપ્ટન મને કહે તો હું ખાલી MLA પણ બનીને રહું.’ હા, યાર તમારે તો કપિલના શોમાં પણ હાજરી આપવાની અને તમારા માટે તો રાજકારણ એક ક્રિકેટ છે, કેપ્ટન કહે તેમ કરો.
કેજરીવાલ સાહેબ તો પહેલા દિવસે નાયક બનેલા ખ્યાલ છે. પછી ખ્યાલ આવી ગયો નાયક નામની રાજકારણમાં કોઈપણ પોસ્ટ જ નથી. નાયક પદ અનિલ કપૂરને જ શોભે. ભઈ આ પદ તુ ઝી સિનેમામાં સંભાળ. અહીંયા ન ચાલે.
ચુંટણી થઈ ગઈ. મુખ્યમંત્રી બની ગયા. પણ કોઈ ખાસ વસ્તુ પર કોઈનું ધ્યાન ન ગયુ. એ ખાસ વસ્તુ એટલે નવા નિર્વાચીન મુખ્યપ્રધાન આદિત્યનાથ, સોરી યોગી આદિત્યનાથ. કુંવારા છે !! જ્યાં જ્યાં ભાજપ જીતતી જાય ત્યાં કુંવારા મુખ્યપ્રધાનો આવતા જાય છે. 44 વર્ષના યોગીજીનું પણ કંઈક આવુ જ છે. તેઓ ઉતરપ્રદેશના પહેલા વાંઢા મુખ્યમંત્રી બન્યા. જ્યાં વસતિ ફુલીને ફાટી ગઈ છે, ત્યાંજ પાછા વાંઢા બન્યા. જો આમને આમ રહ્યું તો જેને મુખ્યપ્રધાન બનવુ છે, તેણે ટિકિટ મેળવવા સિવાય કુંવારાપણુ પણ દર્શાવવુ પડશે. અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલા કુંવારા છે, ઓરિસ્સા નવીન પટનાયક વાંઢા છે. 62 વર્ષના મનોહરલાલ ખટ્ટર પણ અપરણીત છે. વાઢાં દોરે ત્યાં દેશ દોરાયો જાય છે. ખુદ પ્રધાનમંત્રી પણ કુંવારા જ તો છે. આ રીતે તો હવે અમેરિકાની સરકાર પણ ચુંટણી લડશે ત્યારે વાંઢાઓને જ પહેલા ટિકિટ આપશે. મોદીજીની કુંવારી ટીમ જીતે છે, તો આપણી પણ જીતશે.
એવુ નથી કે માત્ર પૂરૂષો, મહિલાઓ પણ રાજકારણમાં મુખ્યમંત્રી બનવા કુંવારૂ રહેવાનું પસંદ કરે છે. આ જુઓ પશ્ચીમ બંગાળમાં દીદી. દીદી હવે તો દાદી થઈ ગયા, પશ્ચીમ બંગાળામાં ફઈઓ નામ પાડવામાં ભુલ ખૂબ કરે !!! તો માયાવતી પણ અપરણીત. ઉમા ભારતી પણ ન જાણ્યું જાનકી નાથે… નથી કરવા લગ્ન.
દેશના સૌથી વધારે કુંવારા હોવાનું ગૌરવ રાહુલ બાબાને. પરણે તો નસીબ જાગે, એવી કહેવતો છે, પણ આ માણસને લાગુ નહીં પડે. શાયદ બાબા એટલે નથી પરણતા કે, મોદીની માફક હું પણ દેશનો… અરે રામ રામ…
~ મયુર ખાવડુ
Leave a Reply