‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નો રિવ્યુ
ફિલ્મઃ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’
ડિરેક્ટરઃ વિજય રત્નાકર ગુટ્ટે
સ્ટાર કાસ્ટઃ અનુપમ ખેર, અક્ષય ખન્ના
‘ધ એક્સિટડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મના નામે ઘણી ચકચાર જગાવેલી. ‘ધ એક્સિટડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ને માત્ર એક ફિલ્મ તરીકે જોવામાં આવે તો આ એક ખૂબ જ નબળી ફિલ્મ છે, જે પ્રોડક્શન અને ખાસ માવજત વિના કાચી રહી ગયેલી લાગે છે.
આ ફિલ્મમાં જાણીતા અને મુખ્ય કલાકાર તરીકે અનુપમ ખેર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું પાત્ર ભજવે છે, જ્યારે અક્ષય ખન્ના સંજય બારુ તરીકે કામ કરે છે.બસ આ બે મુખ્ય પાત્રોની આસપાસ જ આખી ફિલ્મ છે.
અહીં ફિલ્મમાં દર્શાવાયું છે કે મનમોહન માટે સંજય બારુ જ તેમનો પોતાનો માણસ છે. મનમોહન સંજયને પોતાની આંખ અને ક્યારેક અવાજ પણ બનવા કહે છે, એવો આ સંબંધ બતાવવામાં આવ્યો છે.જ્યાં આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પરથી જ બનાવેલી હોવાથી તેમાં સ્પષ્ટપણે સંજ્યનો દૃષ્ટિકોણ પણ જોવા મળે છે.
‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ’ની શરૂઆત 2004ના સમયથી થાય છે, જ્યાં સોનિયા ગાંધીના વડાપ્રધાન પદ ના લઈને મનમોહનને વડાપ્રધાન બનાવવામાં આવે છે તે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જર્નાલિસ્ટ સંજય બારુનો પ્રવેશ થાય છે અને મનમોહન સિંહના ખાસ માનીતા હોવાથી સંજયને તેમના કહ્યા પ્રમાણેની પોસ્ટ મનમોહન દ્વારા સ્વીકારીને આપવામાં આવે છે અને સંજય બારુને મીડિયા એડવાઈઝર બનાવવામાં આવે છે. મુખ્ય ફિલ્મનો તંતુ અહીં સધાય છે. સમગ્ર ફિલ્મની વાર્તા તરીકે જોઈએ તો અહીં ફિલ્મના કેન્દ્રમાં સંજય બારુ છે અને તે પ્રધાનમંત્રી કાર્યાલયમાં લેવાતા દરેક નિર્ણય પોતાના મત અનુસાર ચલાવવા માંગે છે, એમ સમજાય છે. અહીં ફિલ્મમાં તે સમયના અગત્યના મુદ્દાઓને, તેની રાજકીય ઉઠાપટક અને ઉથલપાથલ તથા વિપક્ષ અને ડાબેરીઓના વર્ચસ્વ અને સત્તા, અને વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે, જેવા ચર્ચાસ્પદ મુદ્દાઓને વણી લેવા ક્યાંક ક્યાંક જે તે મુદ્દાઓના અસલી વિડિયો ફૂટેજની પણ ઉપયોગ કરવામાં આવ્યો છે,જે એક પ્રકારે જાણે કોઈ ડોક્યુમેન્ટરી જોતાં હોઈએ એવો અનુભવ પણ આપે છે.
જે પુસ્તક પરથી ફિલ્મ બની છે, તે અનુસાર ફિલ્મમાં મનમોહન સિંહને ઊતરતી કક્ષાના ચીતર્યા હોય એમ વિનમ્રને બદલે ડરપોક બતાવાયા છે, જે વાત ખરેખર એમ નથી જ.
એક્ટિંગની વાત કરીએ તો અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાત્રને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, પણ ખરેખર તે કદાચ પાત્ર માં ઊંડે ઉતર્યા જ ના હોય એવું લાગે છે. મનમોહન સિંહની ચાલ સૌથી વધુ કૃત્રિમ લાગે છે તો સાથે જ બોલવાનો અંદાજ પણ ખાસ ઉઠાવ નથી આપી શકતો.ક્યારેક તો મનમોહન સિંહ જાણે કઠપૂતળી હોય એવું અહીં દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર ફિલ્મના કેન્દ્રમાં સંજય બારુ એટલેકે અક્ષય ખન્ના જ છવાયેલો રહે છે.એના સ્વમુખે બોલાયેલા ડાયલોગ અને કેટલીક માહિતી અતિશયોક્તિ જેવી લાગે ખરી!
ફિલ્મના અન્ય ગૌણ પાત્રો ફિલ્મ પૂરતાં જ મર્યાદિત અભિનય કરી શક્યા છે. ડાયરેકટર ઈચ્છતા તો ઘણું કામ થઈ શકતું આ ફિલ્મમાં, પણ તેમણે કંઈ કર્યું જ નહીં.
અંતે એટલું જ કહેવાય કે ફિલ્મ કોઈ એક જ દ્રષ્ટિકોણ પર બની છે, જે આપણને નિરાશ કરી શકે. બીજું કે આ ફિલ્મ ખાસ્સી ધીરજ માંગી લે છે અને તો પણ સારી માવજતના અભાવે કલાકારોને પણ યોગ્ય તક ના મળી હોય એમ લાગે છે.અનુપમ ખેરની અત્યાર સુધીની સૌથી નબળી એક્ટિંગ આ ફિલ્મ બતાવે છે.
રેટિંગ્સ:
IMDb: 4 સ્ટાર્સ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 3.5 સ્ટાર્સ
ટાઈમ્સ નાઉઃ 3 સ્ટાર્સ
NDTV: 1.5 સ્ટાર્સ
લેખન ~ જિગીષા રાજ
Leave a Reply