પ્રિયા પ્રકાશ વોરિયર… વેલેન્ટાઈને આવવાની રાહ હતી ત્યાંજ આંખ મારીને લાઈમ લાઈટમાં આવી ગઈ. હજુ તો તેની પહેલી ફિલ્મ છે. મલયાલમ ફિલ્મથી તે પોતાનું ડેબ્યુ કરી રહી છે. ત્રિશૂરની રહેવાવાળી છે, બી.કોમનો અભ્યાસ કરી રહી છે, 18 વર્ષની ઉંમર છે અને ત્યાં ફેસબુકમાં જોવ તો લાગ્યું કે, પ્રિયાના નામના ખરેખર પ્રિયા એન્જલોએ એકાઉન્ટ બનાવી નાખ્યા છે. છોકરીની પહેલી ડેબ્યુ ફિલ્મ છે, એટલે તેના બીજા ફોટો તો ક્યાંથી હોય ? એટલે આ એન્જલોએ આંખ મારવાના વીડિયો અને ફોટો શેર કર્યા છે. માર્ચમાં રિલીઝ થનારી જે ફિલ્મથી તે ડેબ્યુ કરવાની છે તેનું નામ છે, ઓરૂ આદાર લવ. જો આ ફિલ્મનું ખાલી ટાઈટલ લખેલું આવ્યું હોત, તો હું ચોક્કસ પણે માની લેત કે, મલયાલમ ફિલ્મો આપણાથી આગળ છે, તેઓ આધારકાર્ડ પર ફિલ્મ બનાવી રહ્યા છે. પણ તેવું ન નિકળ્યું અને… 20 લાખ લોકોએ આ ગીતનો વીડિયો જોઈ લીધો. ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગી. વોટ્સએપ પર તેના વીડિયો વાયરલ થવા લાગ્યા. સ્ટેટસમાં આંખ મારે તેટલું રાખી લોકો અપડેટ કરવા માંડ્યા. મિમ બનવા લાગ્યા.
રણમાં ખીલ્યુ ગુલાબનો બીજો ભાગ કે પહેલો મને યાદ નથી. તેમાં એક વાર્તા છે. ટાઈટલ મને યાદ નથી, ગઝલનો આપણને એટલો શોખ નહીંને એટલે ! પણ તે વાર્તામાં શરદ ઠાકરે સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં ઉભરતા પ્રેમના ફુવારાનું વર્ણન કર્યું હતું. છોકરો છોકરીને પ્રેમ કરતો હોય છે. રોજ સ્કુલ છુટે એટલે આ જનાબ તેનો પીછો કરે. છોકરીને આ વાતનો ખ્યાલ જ હોય છે અને તે સ્ત્રી લાક્ષણ્ય પ્રવૃતિને છોકરા સામે ખુલ્લી પાડતા બધા સામે તેનું ઈન્સલ્ટ કરી નાખે છે. પણ હજુ મુછનો દોરો નથી ફુટ્યો ત્યાં ટ્રેનના એન્જિનની જેમ હાંફતો આપણો આ યુવા કલાકાર પેલી છોકરીને પણ ધડાધડ જવાબો અને સવાલો કરવા માંડે છે, ‘મારા રસ્તેથી તારે કેમ નીકળવું જોઈએ, અને રસ્તો કંઈ થોડો કોઈના બાપનો છે..’
આ વાર્તાનો અંત શરદ ઠાકરની તમામ વાર્તાઓની માફક ઈન્ટ્રેસ્ટિંગ છે. અગેઈન પહેલા પાર્ટમાં છે કે બીજામાં તે જાણવા મહેનત કરવી પડશે. પણ આ બેમાંથી એકમાં જ છે. શરદ ઠાકર જેટલી તો આપણી ઓકાત નહીં, બાકી તેમણે જે હાઈસ્કૂલમાં ભણતી આ છોકરી અને છોકરાનું વર્ણન કર્યું છે, ઓ હોહોહો… હૈયુ ધડકવા માંડે. બસ એવી જ ચટાકેદાર આ ફિલ્મની વાર્તા છે. હાઈસ્કૂલમાં થતો પ્રેમ !
બાકી આ છોકરીથી મને ઘણા લોકો યાદ આવી ગયા, જેને આપણી ભારતીય જનતા અને અમારી મીડિયા શોધી નથી શકી. જેના વીડિયો આ છોકરીના એક્સપ્રેશન કરતા પણ હસાવી હસાવીને ઈમોશનલ કરે તેમ હતા. યાદ છે પેલો મત છંછેડો હમે, મત છંછેડો ઓ દુનિયા વાલો… અને પછી તમારે તમારી મેડે ફીટ કરી લેવાનું. છેલ્લે તેની મરચુ ખાવાની સ્ટાઈલે દાંત બહાર કાઢવામાં કંઈ બાકી ન હતું રાખ્યું. અને તેના બે મહિના પહેલા રેડ કલરનો શર્ટ અને રાઉડી પેન્ટ પહેરીને એક ભાઈએ કમરને એ હદે લચકો આપેલો માઈ ગોડ… તેની આ લચક પર દુનિયાભરમાં બનેલી તમામ ઘટનાઓ મેચ ખાતી હતી. તેની પહેલા સોનું વાયરલ થઈ હતી. સોનું કરતા એક ડોશીમાં વાયરલ થયેલા. જેને સોનુંના વર્ઝન સાથે અપશબ્દો બોલતા ફિટ કરી દીધેલા. એ પહેલા આર.જે દેવકી એક ભાઈને સ્ટુડિયોમાં લઈ આવેલી. જેણે એક મોટા કોઠાર રૂમમાં ગોરી રાધાને કાળો કાન ગાયું હતું. એ ભાઈનો અવાજ એટલો દુર્લભ હતો કે તે સિંગર થઈ ગયા. કેવી રીતે ? આર.જે દેવકીએ તેનો સૌ પ્રથમ સ્ટુડિયોમાં ઈન્ટરવ્યૂ કર્યો, પછી ચેનલના લોકોએ આ વાયરલ વીડિયાવાળા ભાઈને એટલા ફેમસ કર્યા વાત ન પૂછો ? તેમને કિંજલ દવેની માફક ગુજરાતી કોન્સર્ટો મળવા લાગ્યા. એક વાયરલ વીડિયોએ તેમને આટલી પ્રસિદ્ધી આપેલી. પણ તે ભાઈમાં ખરૂ ટેલેન્ટ હતું એટલે ફટાક કરતા જપટમાં આવી ગયા, બાકીનાને કોઈ શોધી નથી શક્યા. છાપામાં કે ચેનલમાં પણ વાયરલ વીડિયોની ટેગલાઈન કરીને તેમનું કશું આવ્યું નથી. જો હજુ બે વર્ષ વીતી જશે, તો પાક્કુ તેમનો ચહેરો બદલી ગયો હશે, અને પછી કોઈ તેમને યાદ નહીં રાખી શકે. ગોધરાકાંડ સમયે બે લોકોના ચહેરા પોપ્યુલર થયેલા ! પણ તે ચહેરાને આજે સરખાવીને જુઓ તો લાગે જ નહીં કે આ બે હતા. (દિવ્ય-ભાસ્કરની સ્ટોરી વાંચી લેવી) એવું જ હવે મત છંછેડો અને કમરદાનભાઈ સાથે થશે.
પણ વાયરલ વીડિયો પરથી પ્રિયા પાસે આવીએ. ઉપરના બધા વીડિયોમાં કોઈ સ્ટાર ન હતા એટલે નામ ખબર નથી, જાણતા નથી. ખાલી એક ચહેરો આપણને યાદ છે. પણ પ્રિયા સ્ટાર છે એટલે પોતાની કામુક આંખોના સહારે વાયરલ થઈ રહી છે. અને લોકો તેને જાણે પણ છે, હવે વાત કરીએ પ્રિયાની એક ડુપ્લિકેટની, તેને તમે જોઈ ચૂક્યા છો. એ પાછી હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી છે. સંજના સાંઘી જેણે હિન્દી મીડિયમ ફિલ્મમાં સબ્બા કમરની ટીનએજનો રોલ પ્લે કરેલો. તે અદ્દલ પ્રિયા જેવી જ લાગે છે, ઓપન ધ ગૂગલ એન્ડ સી…
પણ પ્રિયાની આંખ મારવાની સ્ટાઈલ. ઈજહારની સામે ઈકરાર કરવાનું વલણ આપણને ગમ્યું. મને આંખો હી આંખો મેં ઈશારા, તારી આંખનો અફીણી, આંખો મેં બસે હો તુમ, અખીયા ચુરાઉ કભી અખીયા મિલાવ, અખીયો કે ઝરોખો સે, આંખે ખુલી હો યા હો બંધ, ઈન આંખો કી મસ્તી, આંખે તેરી કિતની હસી, યે કાલી કાલી આંખે, તેરે નૈના બડે દગાબાઝ રે, ગુલાબી આંખે જો તેરી દેખી, અખીયો સે ગોલી મારે, આંખો મેં તેરી અજબ સી અને હની સિંહનું બ્લુ આઈસ યાદ આવી ગયું. એટલા બધા ગીતો યાદ આવી ગયા કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે… ને મારાથી આંખમાં ઝીણી ઝબૂકે થઈ ગયું !!
~ મયુર ખાવડુ
Leave a Reply