” છેલ્લો પત્ર “
પ્રિય…
હું તારા માટે અહીંયા ક્યાં નામથી સંબોધન કરું ? તારા ત્રણેય નામનો અર્થ મારા માટે અલગ છે. અને તે અર્થ તું પણ જાણે જ છે.
સાચું કહું તો હું એ હકિકત પણ જાણતો હતો કે જેની લેશ માત્ર શક્યતા નથી તે હું કરી રહ્યો છું. ખરેખર તો મારો ઈરાદો તને પ્રેમ કરવાનો હતો જ નહી, મારે તો બસ બીજાની જેમ જ થોડી મિત્રતા કરવી હતી એટલે જ તો તારી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી, એમાં પણ તારા પ્રોફાઈલ પર લખેલ પેલું વાક્ય મને તારી સાથે વાત કરવા માટે આકર્ષિત કરતું હતું, એ વાક્ય મુજબ તને થોડું સમજવાની ઈરછા થઈ હતી, એટલે એ સમજવામાં ને સમજવામાં મને ખબર જ ને પડી કે હું ક્યારે તને પ્રેમ કરવા લાગ્યો, મને પણ ઘણું આશ્ચર્ય થયું કે આ શું થઈ ગયું, એવું પણ નહોતું કે તું મારો પહેલો પ્રેમ હતો કે કોઈ છોકરી સાથે મેં પહેલીવાર જ વાત કરી હતી. આ પહેલા પણ ઘણી છોકરીઓ સાથે Hi, hello થી લઈને I love you સુધી હસી મજાક કરી ચુક્યો હતો. પણ મને એ બધા કરતા તું ઘણી અલગ લાગી મને એવું લાગ્યું કે હું તને સમજી ગયો છું ને એટલે તારા વિશે મેં તારા કહેવાથી એક કવિતા જેવું કંઈક લખીને તને વંચાવ્યુ અને તે કહ્યું પણ ખરું કે હું સાચો છું. બસ એ દિવસથી તારી સાથેને સપના જોવો લાગ્યો હતો.
મને ખબર છે લાગણીઓનું આયુષ્ય ઘણું ટુંકુ હોય છે. એ સમય જતા ભુલાઈ પણ જાય છે. એમ પણ હું ઈરછું છું તું મને ભુલી જા, હું પણ તને ભુલી જઈશ, મને ખબર છે તું ક્યારેક મને યાદ કરીશ તો તારી આંખો જરૂર ભીની થાશે, કદાચ તારા જીવનમાં આવ્યો તે માટે તું મને દોષી માની માફ પણ નહી કરે, સજા તો ભોગવવી જ રહ્યો છુ. એટલે માફી પણ શું માંગુ ?
મારે તને ભુલવી પડશે, હા ભુલવાનો દેખાડો કરવો પડશે, ઈરછા કે અનિચ્છા પણ હકીકત તો સ્વીકારવી જ પડશે, કદાચ એ વાત સાચી છે કે પ્રેમ એટલે પામવું જ નહી પણ છોડવું એ પણ પ્રેમ છે.
મને એવું જ હતું કે દરેક સંબંધમાં કોઈક ને કોઈક ને કોઈક સ્વાર્થ હોય છે જ, દરેક સંબંધમાં કોઈક ને કોઈક અપેક્ષા પણ હોય છે.
પણ મેં અનુભવ્યું કે તે મને પ્રેમ તો કર્યો પણ મારી પાસે કોઈ અપેક્ષા ન રાખી, મને એવું પણ ન લાગ્યુ કે તને મારાથી કોઈ અપેક્ષા હોઈ બસ નિર્દોષતાથી પ્રેમ જ કરતી રહી, બસ તારી એ નિર્દોષ લાગણીઓ મને એવી તો સ્પર્શી ગઈ કે હું તારી લાગણીઓમાં તણાતો જ ગયો ને ખબર જ ન પડી કયારે એ લાગણીઓમાં ડુબી ગયો અને હા, તને તો સરખી રીતે લાગણીઓ છુપાવતા પણ નથી આવડતી તારા ગુસ્સામાં પણ પ્રેમની લાગણી દેખાય આવતી હતી.
કેટલીકવાર જાણી જોઈને તો કેટલીકવાર અજાણતા તને હું એવી વાત કરતો જેનાથી તને દુઃખ થાય પણ હું ઈરછતો હતો કે તને દુઃખ થાય, તારું પથ્થર દિલ મારી લાગણીઓના પ્રવાહમાં તુટી જાય, તારા ભુતકાળના અનુભવને કારણે તું આમ પથ્થર દિલ બની જીવે એ મને જરાય મંજુર નહતું એટલે કેટલીક ભુલો મેં જાણીજોઈને કરી તો કેટલીક અજાણતા કરી.
તું હમેશા કહેતી હતી ને પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોય, પણ હું તો તારી પાસે ઘણી આશાઓ રાખી બેઠો હતો ને એટલે જ કેટલીક વાર મનમાં ને મનમાં મૂંઝાઈ જતો હતો. હું પહેલેથી આવો નહતો તારી સાથે એડજસ્ટ કરવામાં મેં મારા વાણી, વર્તન અને સ્વભાવમાં ઘણો બદલાવ કર્યો, બસ મારે તો તારી ખુશી જોવી હતી ને એટલા માટે તું જેવો ઈરછતી હતી તેવા બનવાનો પ્રયત્ન પણ કર્યો.
હવે તો મારાથી દૂર રહીને ખુશ રહે તો એથી વિશેષ મારા માટે ખુશીની વાત બીજી શું હોય, આ દૂર જવાની હકીકત તો આપણે બંને પહેલાથી બહું સારી રીતે જાણતા હતા છતા પણ લાગણીઓના પ્રવાહમાં એવા તે તણાઈ ગયા કે ત્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો દેખાતો નહતો, પણ તે સમયસૂચકતા વાપરી ને એટલેથી જ પાછા ફરવાની વાત કરી તે સારું કર્યું, પણ આટલા દુર આવ્યા પછી સાથ છોડવાની વાત કરી એ મારા માટે ઘણી દુઃખદ તો હતી ને અઘરી પણ હતી, પરિસ્થિતિ જાણવા છતા હું એ હકીકત સ્વીકારી શકતો નહતો એવું નથી મેં તારાથી દૂર જવાના પ્રયત્ન નહતો કર્યો, મેં પણ ઘણીવાર મનમાં વિચારી જ લીધું હતું કે હું પણ તારાથી દુર જ રહીશ પણ ખબર નહી કેમ એ શક્ય બનતું જ નહતું, પણ હવે એક અધુરી ઈરછા, ખરાબ સપનું સમજી બધું ભુલી જઈશ મને ખબર છે કે આપણે સાથે રહીશું તો બંને દુઃખી જ થઈશું, એટલે સારું છે કે દુઃખી થવું એ કરતા દૂર રહેવું સારુ, પ્રેમમાં એકવાર મળ્યા પછી જુદા થવું એ કેટલું કઠીન હોય છે તે વાત તું મને સમજાવી ગઈ.
આપણે જેટલું હળ્યા- મળ્યા, જેટલું હસ્યા-રડ્યા એ યાદગાર પળો હંમેશા મને આ જીંદગીભર તો યાદ રહેશે. કદાચ તું લાંબા સમય પછી ભુલી જાય પણ હું તને આ જીંદગીભર તો નહીં ભુલી શકું, અત્યારે ભલે આ વિરહના આસું દુઃખી કરતા હોય પણ આંખો નિચાવાઈ જશે પછી એ આંસુ સુવાસ રૂપે યાદોના ફુલોમાં સમાય જશે જેમાંથી રોજેરોજ થોડી થોડી સુવાસ માણતા રહીશું.
હવે એવું પણ બને કે આપણે આ જીવનમાં કદીય ન મળીએ. વિસ્મૃતિનો પડદો તારી યાદ પર પડી જશે. પણ મને કોઈ અફસોસ નથી. હા પણ એક વાત ચોકકસ છે કે મારા હ્રદયના એક ખુણામાં તું હંમેશા રહીશ.
– લિ. નેલ્સન ❤
Leave a Reply