તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે…
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 ઓક્ટોબર 2018 બુધવાર
કોલમઃ ટેક ઓફ
ગાંઘીજી અને કસ્તૂરબાના સૌથી મોટા પુત્ર હરિલાલે એમને ખૂબ દુખ આપ્યું હતું, ખૂબ દુભવ્યા હતા. લોહીના સંબંધોમાં, દિલના સંબંધોમાં કોણ કેટલું સાચું કે ખોટું હોય છે?
* * * * *
બીજી ઓક્ટોબરે એટલે કે ગઈ કાલે ગાંધીજીનો 149મો જન્મદિવસ હતો. ગાંધીજી જન્મ્યા 1869માં, જ્યારે એમના સૌથી મોટા પુત્ર હરિલાલનો જન્મ થયો 1888માં. બાપ-દીકરા વચ્ચે ઉંમરમાં ફક્ત ઓગણીસ વર્ષનો ફરક હતો.
ગાંઘીજી અને હરિલાલ વચ્ચેના વિસ્ફોટક સંબંધ વિશે સાહિત્ય રચાયું છે, ફિલ્મો અને નાટકો બન્યાં છે. ગાંધીજી રાષ્ટ્રપિતા તો બની ગયા, પણ હરિલાલને પોતાના સગા બાપ પ્રત્યે ભયાનક અસંતોષ રહી ગયો. સામે પક્ષે ગાંધીજી પણ હરિલાલને કારણે પુષ્કળ ઘવાયા હતા. દિલના સંબંધમાં, લોહીના સંબંધમાં કોણ ક્યાં કેટલું સાચું કે ખોટું છે એ સમજી શકાતું નથી, કદાચ શક્ય પણ નથી. ગાંધીજી અને કસ્તૂરબાને સૌથી મોટો ઘા ત્યારે પડ્યો જ્યારે એમના આ બેજવાબદાર, અવિચારી અને વિદ્રોહી દીકરાએ 26 મે 1936ના રોજ ગુપચુપ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો. અઠવાડિયા પછી ગાંધીજીએ છાપામાં નિવેદન આપ્યુઃ
‘જો એણે આ ધર્મસ્વીકાર હૃદયપૂર્વક અને કશાં દુન્યવી લેખાં માંડ્યા વગર કર્યો હોય તો મારે એમાં કંઈ કહેવાપણું ન હોય, કેમ કે ઈસ્લામને હું મારા ધર્મ જેવો જ સત્ય માનું છું… (પણ) એનો (એટલે કે હરિલાલનો) આર્થિક લોભ નહોતો સંતોષાયો અને એ સંતોષવા સારું એણે ઈસ્લામ સ્વીકાર્યો છે… મારા મુસ્લિમ મિત્રોને ઉદ્દેશીને લખું છું તે એ ઇરાદાથી કે જો તેનું ધર્માંતર આધ્યાત્મિક નથી તો તમે એને સાફ સાફ કહેજો ને એનો અસ્વીકાર કરજો.’
એક દિવસ સમાચાર મળ્યા કે હરિલાલ દારૂ પીતાં પકડાયા છે ને એમને દંડ પણ થયો છે. કસ્તૂરબા માટે આ બધું અસહ્ય હતું. એક વાર તેઓ એકલાં એકલાં પોતાની જાત સામે બળાપો કાઢી રહ્યાં હતાં. એમના સૌથી નાના પુત્ર દેવદાસે આ સાંભળ્યું ને એ જ દિવસે મોડેથી કસ્તૂરબાની હૈયાવરાળ કાગળ પર ઉતારી લીધી. આ લખાણમાંથી પછી ‘એક માતાનો પુત્રને ખુલ્લો પત્ર’ તૈયાર થયો, જે 27-9-1936ના રોજ પ્રસિદ્ધ થયો. કસ્તૂરબા કહે છેઃ
‘તું તારાં વૃદ્ધ મા-બાપને તેમના જીવનની સંધ્યાએ જે અપાર દુખો આપી રહ્યો છે તેનો તો વિચાર કર! તારા પિતા કોઈને કંઈ કહેતા નથી પરંતુ તેનાથી તેનું હૃદય કેટલું તૂટી રહ્યું છે તે હું જાણું છું. અમારી લાગણીઓને વારંવાર દૂભવવાનું તું મોટું પાપ કરી રહ્યો છે. તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે…
‘…તું ક્યાંથી સમજે કે તારા પિતાનું ભૂંડું બોલી બોલીને માત્ર તું તારી જાતને જ હલકો પાડી રહ્યો છે? તારા પિતાના દિલમાં તો તારા માટે પ્રેમ સિવાય બીજું કશું નથી… એમણે તને રાખવા, ખોરાક-કપડાં પૂરાં પાડવા, અરે તારી માવજત સુધ્ધાં કરવા સ્વીકાર્યું છે… તેમને આ જગતમાં બીજી ઘણી જવાબદારીઓ છે. તારા માટે બીજું વિશેષ શું કરે?… પ્રભુએ એમને તો વિશેષ મનોબળ આપેલું છે… પણ હું તો ભાંગીતૂટી કાયાવાળી વૃદ્ધ સ્ત્રી છું. હું આ કષ્ટ-ક્લેશ સહી શકવા અસમર્થ છું… પ્રભુ તારું વર્તન સાંખશે નહીં… તારી બદનામીના કયા તાજા ખબરો છાપામાં આવશે એ વિચાર સાથે દર સવારે ઊઠતાં મને ધ્રાસ્કો પડે છે… ધર્મ વિશે તું શું જાણે છે?… તું પૈસાનો ગુલામ છે. જે લોકો તને પૈસા આપે તેઓ તને ગમે છે. પરંતુ તું પીવામાં પૈસો વેડફે છે… તું તારો અને તારા આત્માનો નાશ કરી રહ્યો છે… હું તને વિચાર કરી જોવા અને તારા મૂરખવેડામાંથી પાછા ફરવા આજીજી કરું છું.’
કસ્તૂરબાએ આ પત્રમાં જે મુસ્લિમોએ હરિલાલના ધર્મપરિવર્તન તેમજ ત્યાર પછીની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો એમને ઉદ્દેશીને લખ્યું કે, ‘કેટલાક તો મારા પુત્રને ‘મૌલવી’ની ઉપાધિ આપવાની હદ સુધી પહોંચ્યા છે. એ શું વાજબી છે? તમારો ધર્મ દારૂડિયાને મૌલવી તરીકે ઓળખવાની અનુજ્ઞા આપે છે?’
કસ્તૂરબાના આ પત્રનો હરિલાલે સીધો જવાબ તો ન આપ્યો, પણ 1-10-1936ના રોજ કાનપુરની એક જાહેર સભામાં તેઓ બોલ્યા કે, ‘હું અબ્દુલ્લા છું, હરિલાલ નથી. એટલે આ પત્ર સ્વીકારતો નથી. મારી માતા અભણ છે. તે આવું લખી શકે એ હું માની શકતો નથી… મારી તો એક જ ઇચ્છા છે, અને તે, ઇસ્લામ ધર્મના એક કાર્ય કરનાર તરીકે મરવાની…’
હરિલાલ અહીંથી ન અટક્યા. બીજી એક જાહેર સભામાં તેમણે મંચ પર ત્યાં સુધી કહ્યું કે, ‘મારી માતા કસ્તૂરબાઈએ મને દારૂ છોડવાની વિનંતી કરી છે. મારો તો એમને આ જવાબ છે કે હું દારૂ છોડીશ પણ ક્યારે? કે જ્યારે પિતાજી અને એ બન્ને જણાં ઇસ્લામનો અંગીકાર કરે.’
અમુક સંબંધો શું કેવળ પીડા આપવા માટે સર્જાતા હોય છે? સંતાન કપાતર પાકે એની પાછળ શું ગણિત હોય છે? જો ઉછેરનો જ વાંક હોય તો એક જ ઘરમાં ઉછરેલાં બીજાં સંતાનો કેમ સરળ અને સંસ્કારી મનુષ્યો બની શકે છે? હરિલાલની જે કંઈ હાલત હતી એ બદલ ગાંધીજીને ગિલ્ટ હતું. 3-10-1936ના રોજ ગાંધીજી પુત્ર દેવદાસને પત્રમાં લખે છેઃ
‘…હરિલાલના પતનમાં જાણ્યે-અજાણ્યે મેં અથવા અમે બન્નેએ (માબાપે) કેવો ને કેટલો ભાગ ભજવ્યો હશે એ કોણ કહી શકે? ‘તુખમાં તાસીર’ કથનમાં તો શાસ્ત્ર ભર્યું છે. (તુખ એટલે ફળ, શાકભાજી વગેરેની છાલ.) એવું જ ગુજરાતી છે ‘વડ તેવા ટેટા, બાપ તેવા બેટા’. આવા વિચારો આવતાં હરિલાલનો દોષ કાઢવાનું થોડું જ મન થાય છે… તે કાળનું મારું વિષયી મન જાણું છું. બાકીની ખબર નથી પડતી. પણ ઈશ્વરી સૂક્ષ્મ રીતો કોણ જાણી શકે છે?’
હરિલાલની સગી દીકરીની દીકરી નીલમ પરીખે લખેલા ‘ગાંધીજીનું ખોવાયેલું ધનઃ હરિલાલ ગાંધી’ નામના પુસ્તકમાં આ સઘળો પત્રવ્યવહાર છપાયો છે. અસ્થિરતા એ હરિલાલનો સ્થાયી ભાવ હતો. આર્ય સમાજના કાર્યકર્તાઓએ એમને પુનઃ હિન્દુ ધર્મમાં પાછા લાવવાના પ્રયત્નો કર્યા ને ફક્ત પાંચ મહિના અને તેર દિવસ બાદ, 14-11-1936 ના રોજ, તેઓ મુસ્લિમમાંથી પુનઃ હિંદુ બની ગયા. ગાંધીજીની હત્યા થઈ એના પાંચ મહિના બાદ ટીબીનો ભોગ બનેલા હરિલાલે પણ દેહ છોડ્યો.
હરિલાલ એક દુખી અને દુભાયેલા જીવ હતા. તેમને ખરેખર કેટલો અન્યાય થયો હતો? તેઓ કેટલી હમદર્દીને પાત્ર હતા? અમુક માણસો એક કોયડો બનીને રહી જતા હોય છે. અમુક સંબંધો પણ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Oct, 2018 )
Leave a Reply