Sun-Temple-Baanner

પુસ્તકિયા જ્ઞાનને અસલી ભણતરની વચ્ચે આવવા નહીં દેવાનું!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પુસ્તકિયા જ્ઞાનને અસલી ભણતરની વચ્ચે આવવા નહીં દેવાનું!


પુસ્તકિયા જ્ઞાનને અસલી ભણતરની વચ્ચે આવવા નહીં દેવાનું!

દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 26 ડિસેમ્બર 2018

ટેક ઓફ

રિતેશ અગરવાલે બારમા ધોરણ પછી કોલેજમાં લેક્ચર ભરવાને બદલે પોતાનું સપનું પૂરું કરવામાં ધ્યાન આપ્યું. આજે પચ્ચીસ વર્ષનો આ યુવાન પાંચ અબજ ડોલરની કંપનીનો માલિક છે!

* * * * *

ઓરિસાનું કદી નામ પણ ન સાંભળ્યું હોય એવું એક ટચુકડું ગામ. એમાં ખાધેપીધે સુખી મારવાડી પરિવારનો એક છોકરો. એક દિવસ સ્કૂલમાં શિક્ષકે ટિપિકલ સવાલ કર્યોઃ બાળકો, મોટા થઈને તમારે શું બનવું છે? કોઈ કહે પાયલટ, કોઈ કહે ડોક્ટર, કોઈ કહે વકીલ. આઠ વર્ષના આ ટેણિયાએ ઊભા થઈને કહ્યુઃ મોટો થઈને હું એન્ત્રોપ્રિન્યોર બનીશ! એન્ત્રોપ્રિન્યોર એટલે પરંપરાગત બિઝનેસ નહીં પણ કશુંક અલગ કહી શકાય એવી લાઇનમાં આગળ વધતો ઉદ્યોગ-સાહસિક.

છોકરામાં કુતૂહલવૃત્તિનો પાર નહીં. એના વ્યાપારી પપ્પાની ઓફિસમાં કમ્પ્યુટર હતું. છોકરાને કમ્પ્યુટર, ફ્લોપી ડિસ્ક, સીડી વગેરે જોઈને થાય કે આ બધાની અંદર શું હોતું હશે? તક મળે ત્યારે એ કમ્પ્યુટરને મચડ્યા કરે. સાવ નાની ઉંમરથી છોકરાને એટલું સમજાઈ ગયું કે એને એન્ત્રોપ્રિન્યોર ઉપરાંત કમ્પ્યુટર સોફ્ટવેરમાં પણ બહુ રસ પડે છે. સ્કૂલમાં બેઝિક અને પાસ્કલ લેંગ્વેજ સેલેબસ તરીકે ભણાવવામાં આવતી હતી. માત્ર સેલેબસથી સંતોષ ન થયો એટલે ગૂગલની મદદથી વધારે ઊંડો ઊતર્યો. આ રીતે એ કમ્પ્યુટર કોડિંગ યા તો પ્રોગ્રામિંગ શીખી ગયો.

દસમા ધોરણ પછી પપ્પાએ એને આઇઆઇટીની પૂર્વતૈયારીના ભણતર માટે રાજસ્થાનસ્થિત કોટા શહેર મોકલી દીધો. 2009ની એ સાલ. છોકરાએ બંસલ ટ્યુટોરિયલ નામના ક્લાસમાં એડમિશન તો લઈ લીધું, પણ થોડા જ સમયમાં એને સમજાઈ ગયું કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે અહીંના ભણતરને કોઈ લેવાદેવા નથી. થોડા વખતમાં છોકરાને કોટામાં કંટાળો આવવા માંડ્યો. એને ફરવાનો બહુ શોખ એટલે કંટાળો દૂર કરવા એ દિલ્હી જતી ટ્રેન પકડી લે. પછી કોઈ સસ્તી હોટલ યા તો હોસ્ટેલ જેવી જગ્યામાં, કે જ્યાં સૂવા માટે ફક્ત એક બેડ અને સવારે બ્રેકફાસ્ટ એટલું જ મળતું હોય, ત્યાં ઉતરે. દિલ્હીમાં કરવાનું શું? બિઝનેસમેન અને એન્ત્રોપ્રિન્યોર્સ માટે યોજાતી જુદી જુદી ઇવેન્ટ્સ અને કોન્ફરન્સીસ અટેન્ડ કરવાની. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફી ચૂકવીને રજિસ્ટ્રેશન કરાવવું પડે. પૈસા હોય તો ઠીક છે, ન હોય તો છોકરો કોઈ પણ રીતે અંદર ઘૂસી જાય, લેકચર્સ સાંભળે, પ્રેઝન્ટેશન્સ જુએ, લોકોને મળે ને સતત શીખવાનો પ્રયત્ન કરતો રહે.

બારમા ધોરણ પછી છોકરાએ દિલ્હીની એક કોલેજમાં એડમિશન લીધું. વિચાર એવો હતો કે એક બાજુ કોઈ અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એસએટીની તૈયારી કરવી ને સાઇડમાં પોતાના સ્ટાર્ટ-અપ માટે મહેનત કરવી. કોલેજમાં એણે ગણીને ત્રણ જ દિવસ લેક્ચર અટેન્ડ કર્યા. એક દિવસ પપ્પા સરપ્રાઇઝ આપવા ઓરિસાથી દિલ્હી પહોંચી ગયા. ખબર પડી કે કુંવરસાહેબ તો કોલેજ જતા જ નથી. અઢાર વર્ષના આ છોકરાએ એમને કન્વિન્સ કર્યા કે પપ્પા, મને એક વર્ષ આપો. હું જે કરવા માગું છું એ કરવા દો. બારમા પછી સ્ટુડન્ટ્સ આમેય ઘણી વાર એક વર્ષનો ડ્રોપ લેતા જ હોય છે. જો આ એક વર્ષમાં હું કશું ઉકાળી ન શક્યો તો આવતા વર્ષથી કોલેજ જવાનું ચાલુ કરી દઈશ, બસ? પપ્પા માની ગયા.

આ એક વર્ષમાં છોકરાએ શું કર્યુ? એ કેટલાય લોકોને મળ્યો, સ્ટાર્ટ-અપ કેવી રીતે શરૂ થાય એ વિશે ખૂબ બધું વાંચ્યું. વર્ષ પૂરું થાય એ પહેલાં, અઢાર વર્ષની ઉંમરે, એણે એક સાથીદારના સંગાથમાં ઓરેવલ નામની કંપની ખોલી. આ એરબીએનબી પ્રકારનું સ્ટાર્ટ-અપ હતું. તમારે બહારગામ ફરવા જવું હોય તો આ કંપની તમને ઓછા પૈસામાં પ્રાઇવેટ રૂમ કે સર્વિસ અપાર્ટમેન્ટ શોધી આપે. સદભાગ્યે, છોકરાને વન્ચર-નર્સરી નામના ઇન્વેસ્ટર તરફથી 30 લાખ રૂપિયાનું ફંડિંગ મળ્યું. એની હિંમત વધી. એ જ વખતે એને થીઅલ ફેલોશિપ મળી. એને અમેરિકા જઈને એન્ત્રોપ્રિન્યોરશિપની તાલીમ મેળવવાની તક મળી. લટકામાં પોતાના સ્ટાર્ટ-અપ માટે એક લાખ ડોલર (આજના હિસાબે લગભગ 70 લાખ રૂપિયા) જેવી રકમ પણ મળી.

આ ફેલોશિપે છોકરાની જિંદગી પલટી નાખી. એને સમજાયું કે એણે જે કંપની ખોલી છે તેના સ્વરૂપમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. અગાઉ નોંધ્યું તેમ, એને હરવાફરવાનો શોખ પહેલેથી જ હતો. દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના હિલ સ્ટેશન્સ પર એ કેટલીય વાર જતો. બધા કંઈ ફાઇવસ્ટાર હોટલમાં રહી શકતા નથી. મોટા ભાગના લોકોને નાની પણ પૂરતી સુવિધાવાળી હોટલની શોધ હોય છે, જે પોતાના બજેટને અનુરૂપ હોય. છોકરાને ઘણી વાર એવા અનુભવ થતા કે અગાઉથી બુક કરેલી હોટલનું લોકેશન તદ્દન વાયડું હોય, રિસેપ્શનિસ્ટ ગાયબ હોય, ફોન પર જવાબ આપવાવાળું કોઈ ન હોય, રૂમ સાવ ખોબા જેવડા હોય, બાથરૂમમાં પાણી આવતું ન હોય, બેડશીટ ફાટેલી કે ગંદી હોય, સ્ટાફ ઉદ્ધત હોય, બ્રેકફાસ્ટના ઠેકાણાં ન હોય. અધૂરામાં પૂરું, એક વાર ચેક-ઇન કરી લીધા પછી ખબર પડે કે આટલા પૈસામાં આના કરતાં ક્યાંય બહેતર હોટલ મસ્તમજાના લોકેશન પર અવેલેબલ હતી જ. આ પ્રકારનો અનુભવ વત્તેઓછે અંશે આપણને સૌને થતો હોય છે. છોકરાને થયું કે શા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવું કશુંક તંત્ર ઊભું ન કરવું કે જેના લીધે પ્રવાસીઓને રહેવા-જમવા-ફરવામાં પૂરેપૂરો સંતોષ થાય અને સામે પક્ષે હોટલના માલિકને પણ સતત ઘરાકી મળતી રહે?

…અને બસ, 2013માં એકવીસ વર્ષના આ છોકરાએ પોતાની જૂની કંપનીને નવેસરથી લોન્ચ કરી. એને નામ આપ્યું – ઓયો રૂમ્સ. ઓ-વાય-ઓ એટલે ઓન યોર ઓનનું શોર્ટ ફોર્મ. જાણે ચમત્કાર થયો! આ કંપનીએ એટલી તેજ ગતિએ પ્રગતિ કરી કે સૌની આંખો પહોળી થઈ ગઈ. આજની તારીખે ઓયો રૂમ્સ ભારતની સ્ટાન્ડર્ડાઇઝ્ડ હોટલરૂમ્સની સૌથી મોટી ચેઈન છે. એક બાજુ તમે તાજ, ઓબેરોય ને બીજી બધી બ્રાન્ડેડ હોટલોને મૂકો ને બીજી બાજુ એકલા ઓયો રૂમ્સને મૂકો – ઓયો રૂમ્સનું કદ બીજી તમામ ચેઇન્સના સરવાળા કરતાંય વધારે છે! ભારતનાં 180 શહેરોમાં ઓયોના કુલ 1 લાખ 64 હજાર કરતાંય વધારે રૂમ છે. ઓયો ચીન, મલેશિયા, સાઉદી એરેબિયા, નેપાળ અને ઇંગ્લેન્ડની માર્કેટમાં પણ પ્રવેશી ચૂકી છે. ઇન ફેક્ટ, ચીનની ટોપ-ફોર હોટલ ચેઇનમાં ઓયોએ સ્થાન મેળવી લીધું છે. ભારત કરતાંય ચીનમાં ઓયોના કુલ કમરાઓની સંખ્યા વધારે છે – 1 લાખ 80 હજાર. એકલા ચીનમાં જ ઓયોનો 5500 લોકોનો સ્ટાફ છે. અત્યારે આ કંપનીનું આર્થિક કદ (ડીલ વેલ્યુઝ) પાંચ બિલિયન ડોલર એટલે કે 350.70 અબજ રૂપિયાને સ્પર્શી ગયું છે. પાંચ વર્ષમાં પાંચ બિલિયન ડોલર!

એ છોકરો હજુ ગયા મહિને પચ્ચીસ વર્ષનો થયો. એનું નામ છે, રિતેશ અગરવાલ. દેખાવમાં સાવ સાધારણ લાગતા રિતેશનો કોન્ફિડન્સ અને કન્વિક્શન ગજબનાક છે. એણે ખુદ એક પણ હોટલ બાંધી નથી, પણ જે નાની-મોટી હોટલો ઓલરેડી બનેલી છે એની સાથે એણે ટાઇ-અપ્સ કર્યા છે અથવા એમની પ્રોપર્ટી લીઝ પર લીધી છે. રિતેશ એક વાતે સ્પષ્ટ હતો કે ઓયો સાથે સંકળાયેલી હોટલોમાં ગ્રાહકને અમુક સ્ટાન્ડર્ડ સુવિધા તો મળવી જ જોઈએ, સ્વચ્છતા અને સર્વિસના અમુક ધારાધોરણ તો જળવાવાં જ જોઈએ. શરૂઆત ગુડગાંવની બે-ચાર હોટલોથી કરી હતી. હોટલનું સ્ટાન્ડર્ડ સુધરતાં ત્યાં વધારે પ્રવાસીઓ આવવા લાગ્યા, પ્રવાસીઓ રિપીટ થવા લાગ્યા. હોટલ ફુલ રહેવા લાગી એટલે માલિકો પણ રાજી થયા. ધીમે ધીમે સંખ્યા વધતી વધતી આજે દેશવિદેશના કુલ 230 શહેરોમાં લાખો હોટલરૂમ્સ સુધી પહોંચી ગઈ છે. ઓયોની ટીમ હોટલોના રિસેપ્શનિસ્ટથી માંડીને કમરાની સાફસફાઈ કરવાવાળા સુધીના સૌને ટ્રેનિંગ આપે છે, ઓયોની ખુદની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ ચાલે છે. ઓયોની નકલ જેવી કેટલીય સ્ટાર્ટ-અપ કંપનીઓ ધડાધડ ફૂટી નીકળી છે ને એમાંની કેટલીય બંધ પણ થઈ ચૂકી છે.

રિતેશનું લક્ષ્ય દુનિયાની સૌથી મોટી સ્ટાન્ડર્ડાઇઝ્ડ હોટલરૂમ્સની ચેઇન બનવાનું છે. એ કહે છે, ‘હું એક વાત શીખ્યો છું કે, થિંગ બિગ! સપનું હંમેશાં મોટું જ જોવાનું. એન્ત્રોપ્રિન્યોર માણસ સ્વભાવથી જ આશાવાદી અને પોઝિટિવ હોવાનો. જો તમારા આઇડિયામાં દમ હોય, તમને એમાં વિશ્વાસ હોય, પણ હાલના તબક્કે સફળતાના ચાન્સ માત્ર પાંચ જ ટકા દેખાતા હોય તો પણ ઝંપલાવી દેવાનું. થીઅલ ફેલોશિપ મળી એ અરસામાં હું શીખેલો કે, ડોન્ટ લેટ યુનિવર્સિટી કમ ઇન ધ વે ઓફ એજ્યુકેશન. કોલેજના પુસ્તકિયા જ્ઞાનને તમારા અસલી ભણતરની વચ્ચે નહીં આવવા દેવાનું! હું આ જ રીતે જીવ્યો છું.’

બાય ધ વે, રિતેશ પછી ક્યારેય કોલેજ ગયો જ નથી. ટેક્નિકલી એ માત્ર બાર ધોરણ પાસ છે. હા, આજે એ મોટી મોટી યુનિવર્સિટીઓનાં પગથિયાં જરૂર ચડે છે, પણ એક સેલિબ્રિટી એન્ત્રોપ્રિન્યોર તરીકે, મોંઘેરા અતિથિ વિશેષ તરીકે, વિદ્યાર્થીઓને પાનો ચડી જાય એવું વકતવ્ય આપવા માટે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.