Sun-Temple-Baanner

કોમાગાટા મારુઃ કેનેડાને કઈ વાતનું ગિલ્ટ છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કોમાગાટા મારુઃ કેનેડાને કઈ વાતનું ગિલ્ટ છે?


કોમાગાટા મારુઃ કેનેડાને કઈ વાતનું ગિલ્ટ છે?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 23 જાન્યુઆરી 2019

ટેક ઓફ

જહાજમાં સવાર થયેલા સેંકડો પ્રવાસીઓએ છેક કેનેડાના બંદરેથી હડધૂત થઈને ભારત પાછા ફરવું પડ્યું. જોકે કલકત્તાના બંદરે જે કંઈ બન્યું એ તો ઓર ભયાનક હતું! ઇતિહાસ જખમો છોડી જતો હોય છે. ક્યાંક અપમાનબોધના તો ક્યાંક અપરાધબોધના…

* * * * *

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ છે. દેશની આઝાદી માટે નેતાજીએ જે સંઘર્ષ કર્યો એનાથી આપણે વાકેફ છીએ. આજે એક એવા ક્રાંતિકારી ઘટનાક્રમ વિશે વાત કરવી છે, જે ઇતિહાસનાં પાનાં વચ્ચે સહેજ દબાઈને રહી ગયો છે અને જેનો સીધો સંબંધ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ સાથે છે.

આ ઘટમાળના કેન્દ્રમાં એક જહાજ છે. કોમાગાટા મારુ એનું નામ. મૂળ એ કોલસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરનારું સ્ટીમશિપ હતું, પણ પછી એને પેસેન્જર શિપમાં કન્વર્ટ કરવામાં આવેલું. તેના માલિકનું નામ હતું, ગુરદીત સિંહ. તેઓ બિઝનેસમેન હતા ને હોંગકોંગમાં સ્થાયી થયા હતા. એપ્રિલ 1914માં એટલે કે એક સદી કરતાંય વધારે સમય પહેલાં કોમાગાટા મારુ જહાજ હોંગકોંગથી કેનેડાના વાનકુંવર બંદરે જવા રવાના થયું હતું. ટાઇટેનિક જહાજ એપ્રિલ 1912માં હિમશીલા સાથે ટકરાઈને દરિયામાં ગરક થયું એ દંતકથારૂપ ટ્રેજેડીને હજુ બે જ વર્ષ થયા હતા. કેનેડા જવા રવાના થયેલા કોગામાટા મારુ જહાજ પર કુલ 376 લોકો સવાર હતા. 340 શિખ, 24 મુસ્લિમ અને 12 હિંદુ.

કેનેડામાં આજે પંજાબી – શિખ લોકોની ઘણી વસ્તી છે. પંજાબી-શિખ લોકોમાં કેનેડા જવાનો ટ્રેન્ડ એક સદી પહેલાં થઈ ચુક્યો હતો. આ દેશ એ જમાનામાં ભારે માત્રામાં વિદેશીઓને પોતાને ત્યાં આવકારતો હતો. અહીં આવનારા મોટા ભાગના લોકો, અલબત્ત, યુરોપિયનો રહેતા. એક અંદાજ મુજબ 1913માં ચાર લાખ કરતાં વધારે ઇમિગ્રન્ટ્સને કેનેડામાં સમાવી લેવામાં આવ્યા હતા. કેનેડિયન સરકાર યુરોપિયનો અને નોર્થ અમેરિકનોને બે હાથ પહોળા કરીને આવકારતી હતી, પણ એશિયનો સામે એને સૂગ થવા માંડી હતી. ઇન ફેક્ટ, એશિયાથી આવતા વસાહતીઓ પર બ્રેક લાગે એ માટે 1908માં કેનેડિયન સરકારે અતિ વિચિત્ર અને કડક નિયમ બનાવી નાખ્યા હતા. જેમ કે, એક નિયમ એવો હતો કે કેનેડામાં પગ મુકવા માગતી વિદેશી વ્યક્તિએ પોતાના વતનથી કેનેડા સુધીનો પ્રવાસ સળંગ કર્યો હોવો જોઈએ, ટુકડાઓમાં નહીં. આનો અર્થ એમ થયો કે તમે ભારતીય હો અને જો તમારું જહાજ વાયા ચીન થઈને કેનેડા પહોંચે તો તમારી કેનેડામાં એન્ટ્રી ગેરકાનૂની ગણાઈ જાય!

બીજો એક નિયમ પણ વિચિત્ર હતો. જહાજની ટિકિટ તમે પોતાનો દેશ છોડો તે પહેલાં ખરીદી લીધી હોવી જોઈએ. હવે આનો શો મતલબ થયો? તમે કેનેડા પહોંચ્યા બાદ ઉધારી ચુકવો એ ન ચાલે, એમ? ત્રીજો નિયમ બહુ આકરો હતો. કેનેડાનના બંદર પર ઉતરતાંની સાથે તમારે નવેસરથી તોતિંગ રકમ ચુકવવી પડે. આ રકમ એટલી મોટી હતી કે સામાન્ય માણસોને એ પોસાય જ નહીં. અગાઉ ચીન માટે પણ આ જ પ્રકારની અતિ કડક નીતિઓ અપનાવવામાં આવી હતી. ચીની લોકોનો પ્રવેશ સાવ ઘટી ગયો હતો એટલે જ કેનેડિયન કંપનીઓએ સસ્તી મજૂરી શોધવા માટે ભારત તરફ નજર દોડાવી હતી.

કોમાગાટા મારુ જહાજના માલિક ગુરદીત સિંહ આ કેનેડિયન પોલિસીઓથી સારી રીતે વાકેફ હતા, પણ એમની દલીલ એવી હતી કે ભારતની જેમ કેનેડા પર પણ અંગ્રેજોનું રાજ ચાલે છે. એક કોમનવેલ્થ દેશથી બીજા કોમનવેલ્થ દેશ જવામાં ઝાઝી તકલીફ ન પડવી જોઈએ! દુર્ભાગ્યે ગુરદીત સિંહ ખોટા પડ્યા. કેનેડિયન અધિકારીઓ એકના બે ન જ થયા. વાનકુંવરના બંદર પર બે મહિના સુધી જહાજ લાંગરેલું પડ્યું રહ્યું. સાવ કિનારે આવી ગયા પછી પણ કેનેડામાં પગ ન મૂકી શકનારા સેંકડો પ્રવાસીઓના ફસ્ટ્રેશનની કલ્પના કરી શકો છો? બંદર પર લાંગરેલું એ જહાજ તે વખતના મિડીયામાં ખૂબ ચમક્યું હતું. કેનેડિયન સરકાર અને જહાજના પ્રવાસીઓ વચ્ચે પડેલી મડા ગાંઠમાં જનતાને બહુ રસ પડ્યો. પોતે વધુ પડતા રંગભેદી ન ગણાઈ જાય અને ભારતીયો પ્રત્યેની સૂગ છતી ન થઈ જાય એ માટે કેનેડિયન સરકાર ભળતું જ ગાણું ગાવાનું શરૂ કર્યુ કે અમને બાતમી મળી છે કે જહાજ પરના અમુક ઊતારુઓ વાસ્તવમાં ગદર પાર્ટીના સભ્યો છે, ભાંગફોડિયા ક્રાંતિકારીઓ છે. તેઓ કેનેડામાં ઘુસીને અસ્થિરતા ફેલાવવા માગે છે. એમે એમને કોઈ હિસાબે કેનેડામાં પ્રવેશ ન જ આપી શકીએ!

કેનેડિયન સરકારે નેવીને આદેશ આપ્યોઃ વણનોતર્યા અતિથિ જેવા કોગામાટા મારુ જહાજને પાછું દરિયામાં ધકેલો. ઉતારુઓના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે ટગ શિપના ખલાસીઓ પર ઇંટો અને કોલસાના ઢેખાળાનો વરસાદ વરસાવ્યો. આ ઘટના બીજા દિવસે કેનેડિયન અખબારોની હેડલાઇન બની. આખરે માત્ર કેનેડિયન નાગરિકતા ધરાવતા લોકો તેમજ એક ડોક્ટર અને તેને પરિવાર સહિત કુલ 20 જ માણસોને જ પ્રવેશ આપવામાં આવ્યો. બાકી સૌએ ભારત પાછા ફરવું પડશે એ નિશ્ચિત થઈ ગયું.

ના, કઠણાઈ હજુ પૂરી થઈ નહોતી. જહાજ વીલા મોંએ 27 સપ્ટેમ્બર 1914ના રોજ કલકત્તા પાછું ફર્યું, પણ બંદરગાહમાં પ્રવેશ થાય એ પહેલાં જ બ્રિટીશ ગનબોટ દ્વારા એને આંતરવામાં આવ્યું. જે આલાપ કેનેડિયન સરકારે શરૂ કર્યો હતો એ જ ગાણું અંગ્રેજ સરકારે ગાવા માંડ્યુઃ જહાજમાં કાયદાનો ભંગ કરનારા ખતરનાક ભાંગફોડિયાં તત્ત્વો સામેલ છે. એમની સામે ઉચિત કારવાઈ કરવામાં આવશે! જહાજ પર પોલીસ પહોંચી ગઈ. એમણે જહાજમાં સવાર લોકોના લીડર જેવા ગુરદીત સિંહ અને એમના કેટલાક સાથીસોની અટકાયત કરવાની કોશિશ કરી. ગુરદીત સિંહે વિરોધ કર્યો. એક સાથીએ પોલીસ પર વળતો હુમલો કરી નાખ્યો. ધમાલ થઈ ગઈ. બંદૂકો ધણધણી ઉઠી. જહાજના ઓગણીસ ઉતારુઓનો જીવ હણાયો. ઘણા લોકો નાસી છૂટ્યા. બાકીના લોકોની પકડીને જેલમાં નાખવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ચુક્યું હતું. 1919માં તે પૂરું થાય ત્યાં સુધી એમણે જેલમાં સબડવું પડ્યું.

ગુરદીત સિંહ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં કામિયાબ નીવડ્યા હતા. 1922 સુધી તેઓ લપાતાછૂપાતા ફરતા રહ્યા. ગાંધીજીએ એમણે આગ્રહ કર્યો કે સાચા દેશપ્રેમીની માફક તમે અંગ્રેજ સરકારને શરણે થઈ જાવ. ગુરદીત સિંહે એમની વાત માની. એમને પછી પાંચ વર્ષનો જેલવાસ થયો.

આ સમગ્ર ઘટનાનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે તેને કારણે વિદેશ વસતા અમુક ભારતીયો પર ક્રાંતિનું ઝનૂન સવાર થઈ ગયું. તેઓ એકમેકના સંપર્કમાં આવ્યા. એમને અહિંસક લડતમાં રસ પડતો નહોતો. ગદર પાર્ટીની સંગાથમાં તેઓ ભારતમાં મોટા પાયે હિંસક ક્રાંતિ આણવા માગતા હતા. જોકે ભારતની આમજનતા તરફથી પૂરતો ટેકો ન મળવાને કારણે એમનો ઈરાદો સફળ ન થયો.

1952માં કલકત્તા નજીક બજ બજ નગરમાં કોમાગાટા મારુમાં જીવ ખોનાર શહીદોના માનમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એનું અનાવરણ કર્યું હતું. 2008માં તત્કાલીન કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર સ્ટિફન હાર્પરે ભૂતકાળમાં બની ગયેલી આ ઘટના બદલ કેનેડામાં વસતા ભારતીયોની જાહેરમાં માફી માગી હતી. 2016માં વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ પણ હાઉસ ઓફ કમેન્સમાં નવેસરથી કેનેડિયન ભારતીયોની ક્ષમા માગી હતી.

ઇતિહાસ જખમો છોડી જતો હોય છે. ક્યાંક અપમાનબોધના તો ક્યાંક અપરાધબોધના…

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.