પાકિસ્તાનને દોવલ દેમ દીઠા ગમતા નથી?
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 6 માર્ચ 2019
ટેક ઓફ
નરેન્દ્ર મોદી પછી ભારતના બીજા નંબરના સૌથી પાવરફુલ માણસ અમિત શાહ નહીં, પણ અજિત દોવલ છે એ હકીકત ફરી ફરીને સાબિત થતી રહે છે.
* * * * *
અજિત દોવલ ભારતના અત્યાર સુધીના સૌથી પાવરફુલ અને સૌથી પોપ્યુલર નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ) છે એ વાતમાં કોઈ મતમતાંતર ન હોઈ શકે. આ લેખ ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ થઈ રહ્યો છે ત્યારે ઇન્ડિયન એર ફોર્સના બહાદૂર પાયલટ અભિનંદન વર્ધમાનને માનભેર ભારત પાછા ફર્યા એ ઘટનાનો નશો આપણા સૌના દિલદિમાગમાં તાજો છે. પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનું પાક્કું પ્લાનિંગ કરનારાઓમાં સરકાર અને લશ્કરના સૌથી મોટાં માથાં ઉપરાંત અજિત દોવલ મુખ્ય હતા. અજિત દોવલ જ્યારથી એનએસએ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી એમનું નામ ચર્ચામાં રહ્યું છે. મજા જુઓ. અત્યંત સ્ફોટક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં આજની તારીખે એનએસએના હોદ્દા પર કોઈ નથી. લેફ્ટનન્ટ જનરલ નાસર ખાન જંજુઆ પાકિસ્તાનના અંતિમ એનએસએ હતા, જેમણે ગયા વર્ષે જૂનમાં અચાનક રાજીનામું આપી દીધું હતું. 18 ઓગસ્ટે ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા, પણ એનએસએની પોસ્ટ ખાલી જ રહી.
એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની જવાબદારી શું છે? ભારતના સંદર્ભમાં વાત કરીએ તો તેઓ દેશની આંતરિક, બાહ્ય તેમજ ન્યુક્લિયર સંબંધિત સુરક્ષા અંગે વડાપ્રધાનને સલાહ આપે છે, વડાપ્રધાન વતી સંવેદનશીલ મામલાઓ અને સ્ટ્રેટેજી પર નજર રાખે છે. દેશની બન્ને મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ રૉ (રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) જે બાતમી એકઠી કરે છે તે સૌથી પહેલાં એનએસએ પાસે પહોંચે છે. એનએસએ ત્યાર બાદ તેને વડાપ્રધાન સુધી પહોંચાડે છે.
તાજેતરમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને આપણા મિડીયાએ ટુ પોઇન્ટ ઓ એટલે કે નંબર ટુ એવું મથાળું આપ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક નંબર વન એટલે ઉડી (અથવા ઉરી) પર થયેલા હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘુસીને અટેક કર્યો હતો, તે. આ બે સર્જિકલ સ્ટ્રાઇકનો સંબંધ પાકિસ્તાન સાથે હતો એટલે તે આપોઆપ હાઇ પ્રોફાઇલ બની ગઈ. બાકી ગયા વર્ષે જુલાઈમાં ભારતે બર્મામાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ઇન્ડિયન આર્મીના 70 કમાન્ડો બર્માની સરહદમાં ઘુસીને 38 આતંકવાદીઓનો ખાત્મો બાલાવી આવ્યા હતા. દેખીતું છે કે આ ઓપરેશનની પાછળ પણ અજિત દોવલનું ભેજું કામ કરતું હતું.
અજિત દોવલે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના નામનો ઉપયોગ કરીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓને કેવા બેવકૂફ બનાવ્યા હતા અને કેવી રીતે એમને મોતને ઘાટ ઊતારવામાં અત્યંત ચાવીરૂપ કામગીરી બજાવી હતી તે આખો ઘટનાક્રમ હવે ઇતિહાસ બની ગયો છે. 1988માં ઉગ્રવાદીઓ અમૃતસરના સુવર્ણ મંદિરમાં છૂપાઈ ગયા હતા ત્યારે ગૃહ મંત્રાલય તરફથી આર્મી પર સતત દબાણ આવી રહ્યું હતું કે તમે એક્શન લો. સમસ્યા એ હતી કે સુવર્ણ મંદિરમાં એક્ઝેક્ટલી કેટલા આતંકવાદીઓ ઘૂસેલા છે, આખા પ્રિમાઇસિસમાં કોણ ક્યાં છૂપાયું છે, એમની પાસે કેવાંક અસ્ત્રશસ્ત્ર છે એ વિશેની કશી જ માહિતી આર્મી પાસે નહોતી. આ પાયાની જાણકારી વગર આપણા જવાનોને ગોલ્ડન ટેમ્પલમાં મોકલવા એ એમને સ્યુસાઇડ મિશન પર મોકલવા બરાબર હતું.
દરમિયાન એક ઘટના બની. આતંકવાદીઓએ જોયું કે એક રેંકડીવાળો સુવર્ણ મંદિરની બહાર ઘણા સમયથી આંટાફેરા કરી રહ્યો છે. આવી તંગ પરિસ્થિતિમાં કોઈ અજાણ્યો ચહેરો દેખાય એટલે ધ્યાન ગયા વગર રહે ન રહે. આતંકવાદીઓ એને મંદિરની અંદર લાવ્યા. રેંકડીવાળાએ કહ્યું કે હું વાસ્તવમાં આઇએસઆઇનો એજન્ટ છું. તમે જે રીતે ભારત સરકાર સામે લડી રહ્યા છો એનાથી પાકિસ્તાન અને આઇએસઆઇ બહુ ખુશ છે. હું તમને મદદ કરવા માટે આવ્યો છું! આતંકવાદીઓને મોજ પડી. અણીના સમયે આઇએસઆઇ જેવી પાવરફુલ એજન્સીની મદદ મળે એ કોને ન ગમે.
આતંકવાદીઓને વિશ્વાસમાં લઈને રેંકડીવાળો મંદિરના આખા પ્રિમાઇસિસમાં ફર્યો. કોણ, ક્યાં, શું, કેવી રીતે છે એ બધું સમજી લીધું. પછી શું થાય છે? ભારતીય આર્મીના જવાનો મંદિરમાં ચડી આવે છે. આતંકવાદીઓ બઘવાઈ જાય છે. આંતકવાદીઓનો વીણી વીણીને ખાત્મો કરવામાં આવે છે, પણ પેલા આઇએસઆઇના એજન્ટનો છોડી દેવામાં આવે છે. શા માટે? કારણ કે એ રેંકડીવાળો બીજું કોઈ નહીં, પણ અજિત દોવલ હતા. છદ્મવેશ ધારણ કરીને, જાનના જોખમે એ સામેથી આતંકવાદીઓની વચ્ચે ગયા હતા, ગુપચુપ સઘળી ઇન્ફર્મેશન આર્મીને પહોંચાડી હતી, જેના આધારે આપણા જવાનો ઓપરેશન બ્લેક થંડરને સફળતાપૂર્વક પાર પાડી શક્યા.
બિલકુલ ફિલ્મી લાગે એવી વાત છે. અજિત દોવલ પાકિસ્તાનમાં પણ છૂપા વેશે લાંબો સમય રહ્યા હતા. એમના બાયોડેટામાં બહાદૂરીના આવા ઘણા કિસ્સા છે. પાકિસ્તાનીઓને અજિત દોવલ દીઠા ન ગમે તે સમજી શકાય એમ છે. અજિત દોવલ વિશે પાકિસ્તાનીઓની ટીકા સાંભળીને ક્યારેક જબરી રમૂજ થાય છે. જેમ કે, ડો. રશિદ મસૂદ નામના એક પાકિસ્તાની પોલિટિકલ એનેલિસ્ટ એક ટીવી શોમાં કહી રહ્યા હતા કે, ‘રૉમાં એક અલાયદું યુનિટ છે, જેમાં ફક્ત એક્ટરો ભર્યા છે. રૉ આ એક્ટરોને મુજાહિદ્દીન જેવા કપડાં પહેરાવીને કાશ્મીર મોકલે છે. આ એક્ટરો ત્યાં જઈને પાકિસ્તાનની અને આઇએસઆઇએસની ધજા લહેરાવે છે (જેની તસવીરો પછી દુનિયાભરના મિડીયામાં ચમકે છે). જો અજિત દોવલ રૉમાં ન હોત તો એને આસાનીથી બોલિવૂડમાં કામ મળી ગયું હોત અને એ પરેશ રાવલ જેવા રોલ્સ કરતા હોત.’
ખરેખર, પાકિસ્તાનીઓની કલ્પનાશક્તિ ભવ્યાતિભવ્ય છે! જુલાઈ 2015માં પંજાબ સ્થિત ગુરદાસપુરમાં ત્રણ પાકિસ્તાની ટેરરિસ્ટોએ ચાર પાલીસમેન અને ત્રણ આમ નાગરિકોની હત્યા કરી તે પછી આ કમેન્ટ થઈ હતી. રશિદમિયા જોકે પારખુ નજર ધરાવે છે એ તો સ્વીકારવું પડે. ઉપરની કમેન્ટ કરતી વખતે એમણે વિચાર્યું હશે ખરું કે સાડાત્રણ વર્ષ પછી ‘ઉડીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ નામની સુપરહિટ ફિલ્મ બનશે અને એમાં અજિત દોવલનું પાત્ર ખરેખર પરેશ રાવલ ભજવશે!
અજિત દોવલનું આ અવતરણ લગભગ ઐતિહાસિક બની ગયું છેઃ ‘પાકિસ્તાન સમજી લે કે જો એ મુંબઈ અટેક જેવી ગુસ્તાખી બીજી વાર કરશે તો બલૂચિસ્તાન એના હાથમાંથી ગયું સમજો.’ (યુ કેન ડુ વન મુંબઇ, યુ મે લૂઝ બલૂચિસ્તાન.) દોવલના આ વિધાને પાકિસ્તાનમાં મચાવેલો ખળભળાટ હજુ સુધી શાંત થયો નથી. પાકિસ્તાનમાં કંઈ પણ ગરબડ થાય કે ન બનવાનું બને તો ત્યાંના સિનિયર પત્રકારો સુધ્ધાં ફટાક કરતાં અજિત દોવલને દોષી ગણાવી દે છેઃ નક્કી આની પાછળ અજિત દોવલનો હાથ છે! પાકિસ્તાનના ઉર્દૂ મિડીયાએ એમને નવું નામ પણ આપી દીધું છે – ડેવિલ દોવલ. ડેવિલ એટલે શેતાન!
મોદી અને દોવલની તાસીરમાં સામ્ય છે એટલે એમની વચ્ચે અફલાતૂન તાલમેલ ન રચાય તો જ આશ્ચર્ય થાય. ઘણા ટીકાકારો દોવલને ‘હિંદુવાદી બ્યુરોક્રેટ’ કહીને ઉતારી પાડવાની કોશિશ કરે છે. અજિત દોવલ અગાઉ ભારતના જેમ્સ બોન્ડ કહેવાતા હતા, પણ ,‘સેકન્ડ મોસ્ટ પાવરફુલ મેન ઇન ઇન્ડિયા’ એવો ખિતાબ એમને નરેન્દ્ર મોદીના રાજમાં મળ્યો.
ભારતીય લશ્કરના જવાનો, અજિત દોવલ જેવી પ્રતિભાઓ આપણા અસલી હીરો છે. સેલ્યુટ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply