Sun-Temple-Baanner

દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે?


દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 એપ્રિલ 2017

ટેક ઓફ

વીગન ખાનપાન અપનાવનારો માણસ ધર્મથી ભલે ખ્રિસ્તી, મુસ્લિમ, જ્યૂ કે કોઈ પણ હોય, કર્મથી એ પાક્કો જૈન છે!

* * * * *

‘હું ડોક્ટર છું. હું વીગન છું. 5 વર્ષ.’

‘હું જનરલ મેનેજર છું. હું વીગન છું. 7 વર્ષ.’

આખા ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે આ પ્રકારનું લખાણવાળાં પતાકડાં લઈને લોકો સમૂહમાં રસ્તા પર નીકળી પડ્યા હતા. તેઓ વીગન હતા. શાકાહાર અને માંસાહાર પછી છેલ્લાં કેટલાંક વર્ષમાં વીગન એ ખાણીપીણીના એક મહત્ત્વના ખાદ્યપ્રકાર તરીકે ઊપસી આવ્યો છે. વીગન ખાનપાન અપનાવનારો માણસ ધર્મથી ભલે ખ્રિસ્તી, મુસ્લિમ, જ્યૂ કે કોઈ પણ હોય, કર્મથી એ જૈન છે! આજે મહાવીર જયંતિના પર્વ પર જોઈ લેવું જોઈએ કે દુનિયામાં વીગનીઝમની શી સ્થિતિ છે?

સૌથી પહેલાં તો વીગનીઝમ અથવા વીગન એટલે શું? VEGAN શબ્દ VEGetariANમાંથી ઊતરી આવ્યો છે. વીગન વિચારધારા શાકાહારી માણસને અતિશાકાહારના સ્તર પર મૂકી દે છે. તમારે માંસ-મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ, પણ તમારે દૂધ પણ પીવાનું નથી. દૂધ બંધ એટલે ચા-કોફી બંધ. દૂધમાંથી બનતી તમામ ચીજવસ્તુઓ જેવી કે દહીં-છાશ-લસ્સી-પનીર-ઘી-માખણ બંધ. શ્રીખંડ-ખીર-દૂધપાક જેવી વાનગીઓનો વિચાર પણ નહીં કરવાનો. આઈસક્રીમ-ચોકલેટ-પિઝા ઉપરાંત ઇંડાંવાળી જ નહીં, ઇંડાં વગરની કેકને પણ ભૂલી જવાનું. વીગન હોવું એટલે ફ્કત ડેરી પ્રોડક્ટ્સ પર ચોકડી મૂકી દેવી તેમ નહીં, તમારે સિલ્ક, ઊન અને ફરમાંથી બનતા કપડાંનેય તિલાંજલી આપવાની. જેમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થયો હોય તેવા સાબુ, કોસ્મેટિકસ, લેધર, મધ અને દવાઓથી પણ દૂર રહેવાનું. ટૂંકમાં, પશુ-પક્ષીને કષ્ટ પડયું હોય તે તમામ ચીજવસ્તુ અને ક્રિયાનો ત્યાગ કરવાનો.

ઓસ્ટ્રેલિયામાં હેલ્થ એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયનો ખોરાકમાં વધારે પડતું રેડ મીટ યા તો માંસ લે છે, આ પ્રમાણ તાત્કાલિક ઓછું કરો. દુનિયામાં સૌથી વધારે માંસ ખાનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે છે. સરેરાશ ઓસ્ટ્રેલિયન વર્ષે 111.5 કિલો માંસ ઓહિયા કરી જાય છે. દુનિયાની માંસાહારી નંબર વન પ્રજા અમેરિકનો છે. સરેરાશ અમેરિકન વર્ષે 120 કિલો માંસ ખાંસ ખાય છે. સૌથી વધારે માંસાહાર કરનારા ટોપ-ટ્વેન્ટી દેશોમાં આ બે ઉપરાંત ન્યુઝીલેન્ડ છઠ્ઠા નંબરે, ફ્રાન્સ આઠમા નંબરે, સ્પેન અગિયારમા ક્રમે અને ડેન્માર્ક-કેનેડા-ઇટલી અનુક્રમે 13, 14 અને 19 નંબર પર છે.

લોકો સમજવા માંડ્યા છે કે વીગનીઝમ એ પ્રાણીપ્રેમીઓએ શોધી કાઢેલું ફિતૂર નથી. તમને પ્રાણીઓ પ્રત્યે ખાસ દયામાયા ન હોય તો પણ વીગનીઝમ અપનાવવું પડશે. શાકાહારીઓ, બાય ડિફોલ્ટ, માંસથી દૂર રહે છે, પણ વીગનીઝમ એમને દૂધ પમ દૂર રહેવાની સલાહ અપાય છે. તમામ પ્રાણીઓ ફ્કત પોતાની જ જાતિના પ્રાણીનું, રાધર, પોતાની માતાનું દૂધ પીએ છે. સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે! પ્રાણી જન્મે પછી થોડા સમય માટે જ માતાના દૂધ પર આધારિત હોય છે. એક વાર એ જીવનસંઘર્ષ કરવા માટે સજ્જ થઈ જાય પછી એને માતાના દૂધની આવશ્યકતા રહેતી નથી. તેથી કુદરતી રીતે જ માતાના શરીરમાં દૂધ પેદા થવાનું બંધ થઈ જાય છે. આખી દુનિયામાં મનુષ્ય જ એક એવંુ પ્રાણી છે જે મરતાં સુધી દૂધ પીધાં જ કરે છે. ખુદની માતાના શરીરમાં દૂધ સુકાઈ જાય પછી ગાય-ભેંસ-બકરી જેવાં અન્ય પ્રાણીના દૂધ પર અટેક કરે છે, જે વીગન વિચારધારા પ્રમાણે કુદરતના નિયમની વિરુદ્ધ છે. માનવશરીરના વિકાસ માટે દૂધ અનિવાર્ય નથી અને ડેરી પ્રોડકટ્સથી શરીરને હાનિ પહોંચે છે એવું પૂરવાર કરતાં કેટલાંય વૈજ્ઞાનિક પ્રમાણો ઉપલબ્ધ છે. ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દૂધનું ઉત્પાદન ખાસ્સુ ઓછું થાય છે, પણ ત્યાંની પ્રજા દુનિયાના ‘દૂધ પીતી’ પ્રજા જેટલી જ સુવિકસિત છે!

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આ માતા નોનસ્ટોપ દૂધ આપતી રહે તેવા હળહળતા ધંધાદારી માહોલમાં, ખાસ કરીને વિદેશમાં, એણે કેવી યાતનામાંથી પસાર થવું પડે છે તેની વિગતો અસ્થિર કરી મૂકે તેવી છે. ગાય સતત દૂધ આપતી રહે તે માટે તેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી સતત ગર્ભવતી રાખવામાં આવે છે. તેથી તેનું 30 વર્ષનું આયુષ્ય સંકોચાઈને માંડ બારેક વર્ષ જેટલું થઈ જાય છે. એનિમલ ફાર્મ્સમાં પ્રાણીઓ પર થતી ક્રૂરતા અને કતલખાને લઈ જવાતાં જનાવરો પર થતી ક્રૂરતા વચ્ચે ઝાઝો ફરક હોતો નથી. કતલખાના પુષ્કળ કચરો પેદા કરે છે, તેને પુષ્કળ પાણીની જરૂર પડે છે, તે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, વગેરે. આમ, દૂધ ઉત્પાદનની સમગ્ર ઔદ્યોગિક પ્રક્રિયાની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. પૃથ્વી પર ભયજનક રીતે થઈ રહેલા ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્તવની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.વીગન લાઈફસ્ટાઈલનું ચુસ્તપણે પાલન કરનારાઓ તો ત્યાં સુધી કહે છે કે દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે!

એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં ગેરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું નામ મોટું છે. તેઓ દેખીતી રીતે જ જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. પશુ, પક્ષી, જંતુ, વનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છે, તેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસ, અમને જીવવા દો! ન શાસ્ત્રો કહે છે શાકભાજી, પાણી, અગ્નિ, ધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

વીગનીઝમ વિચારધારાનો સૂર આપણી પારંપરિક માન્યતાઓ સાથે મળતો નથી. હાથેથી માખણ ખાતા બાળકનૈયાનું કલ્પનાચિત્ર આપણી સામૂહિક ચેતનાનો અંશ છે. ખુદ ભગવાન ડેરી પ્રોડક્ટ્સ ખાતા હોય તો આપણે પણ તે ખાઈએ તેમાં શા માટે વાંધો હોવો જોઈએ? આપણી ધાર્મિક વિધિઓમાં દૂધનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ વીગન વિચારધારા કહે છે કે જૂની માન્યતાઓને તિલાંજલી આપવાનો સમય આવી ગયો છે. મૂર્તિઓ પર દૂધનો અભિષેક ન કરવો. પ્રસાદ વગેરેમાં દૂધનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો ગાય-ભેંસના દૂધના બદલે સોયા મિલ્કનો ઉપયોગ કરવો. મંદિરમાં ભગવાનની પ્રતિમા સામે ઘીના દીવા કરવાને બદલે વેજીટેબલ ઓઈલના દીવા કરવા. મીઠાઈઓને બદલે જુદી જુદી જાતના ડ્રાયફ્રુટ્સ વાપરવા. ધાર્મિક ફંકશનોના જમણવારમાં કેવળ વીગન વાનગીઓ જ પીરસવી. દૂધ એક સંપૂર્ણ આહાર છે તેવું આપણને બાળપણથી ક્હેવામાં આવે છે, પણ હવે આ થિયરી સામે પડકાર ઊભો થયો છે.

માણસ ગમે તેટલો પ્રાણીપ્રેમી કે અહિંસાવાદી હોય તો પણ એકઝાટકે વીગન બની શકતો નથી. અનુભવી વીગનોની સલાહ છે કે વીગન લાઈફ્સ્ટાઈલ ધીમે ધીમે અપનાવવી. જેમ કે, દિવસમાં ત્રણ વખત ચા પીવાની ટેવ હોય તો શરૂઆતમાં બે વાર, પછી એક વાર ચા પીઓ અને ક્રમશઃ બંધ કરી દો. દૂધની જગ્યાએ તમે આલ્મન્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક જેવી નોન-ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ચા-કોફીની લિજ્જત માણવાનું ચાલુ રાખી શકો છો. શરૂઆતમાં દિવસનું કમસે કમ એક ટંકનું ભોજન વેગન ફૂડ હોય તેવી કાળજી રાખો. ધીમે ધીમે વીગન ખાણીપીણીની માત્રા વધારતા જવી.

આનંદ થાય એવી વિગત એ છે કે દુનિયામાં સૌથી ઓછું માંસ ખાનારા દેશોમાં ભારત બીજા નંબરે છે. સરેરાશ ભારતીય વર્ષે કેવળ 4.4 કિલો માંસ ખાય છે. ભારતીયોનો વિરાટ સમુદાય શાકાહારી હોવાથી સરેરાશ આંકડો ખૂબ નીચે આવી ગયો છો. બાંગલાદેશ આપણા કરતાંય આગળ, નંબર વન પોઝિશન પર છે – વર્ષે કેવળ ચાર કિલો. શ્રીલંકા ચોથા નંબર પર છે – 6.3 કિલો. તમારા ધર્મ તમને માંસ ખાવાની છૂટ આપતો હોય કે ન હોય, તમારી ભવિષ્યની પેઢીઓએ માંસ શું, દૂધથી પણ દૂર રહેવું પડશે. લિખ લો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.