Sun-Temple-Baanner

ક્રિયેટિવ જિંદગી જીવવાની કળા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ક્રિયેટિવ જિંદગી જીવવાની કળા


ક્રિયેટિવ જિંદગી જીવવાની કળા

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 જૂન 2019

ટેક ઓફ

મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તો? લોકો મારા પર હસશે તો? મારી બિલકુલ નોંધ જ નહીં લે તો? ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી?

* * * * *

સુપરસ્ટાર અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ અત્યારે પાછાં ન્યુઝમાં છે. એમનું લેટેસ્ટ પુસ્તક ‘સિટી ઓફ ગર્લ્સ’ થોડા દિવસો પહેલાં જ બહાર પડ્યું. આ એક નવલકથા છે, જેમાં જૂના જમાનાના ન્યુ યોર્ક શહેરમાં રહેતી કેટલીક ગ્લેમરસ કન્યાઓની વાત છે. આ કથાનો સૂર એ છે કે સારા માણસ હોવા માટે નૈતિક જીવનશૈલી અપવાવવી જરૂરી નથી. દુનિયાની નજરમાં જે વંઠેલ કે ચારિત્ર્યહીન છે એવાં સ્ત્રી-પુરુષો માણસ તરીકે ઉત્તમ હોઈ શકે છે!

એલિઝાબેથ ગિલ્બર્ટને આખી દુનિયા ખાસ કરીને એમનાં આત્મકથનાત્મક પુસ્તક ‘ઇટ પ્રે લવ’ થકી જાણે છે. આ પુસ્તકને એટલી પ્રચંડ સફળતા મળી ચુકી છે કે એલિઝબેથનાં તે પછીનાં પુસ્તકો માટે ‘ઇટ પ્રે લવ’ની સફળતા દોહરાવવી લગભગ અશક્ય બની ગયું છે, પણ તેથી કંઈ એલિઝાબેથ ‘મારાં નેક્સ્ટ પુસ્તકને ‘ઇટ પ્રે લવ’ જેટલી સફળતા નહીં મળે તો?’ એવા વિચારથી ડરીને કંઈ નિષ્ક્રિય ન બેસી રહ્યાં. એમણે લખવાનું ચાલુ જ રાખ્યું.

ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. એલિઝબેથ ગિલ્બર્ટે ‘બિગ મેજિક’ નામનું એક અફલાતૂન પુસ્તક લખ્યું છે જે ક્રિયેટિવ મિજાજ ધરાવતા તમામ લોકોએ વાંચવું જોઈએ. ઘણા લોકોને લાગતું હોય છે કે પોતે સારું લખી શકે એમ છે, એક્ટિંગ કરી શકે છે, ગાઈ કે વગાડી શકે એમ છે. તકલીફ એ છે કે આપણે માત્ર આવું વિચારીને બેસી રહીએ છીએ. આપણી અંદરની પ્રતિભાને બહાર લાવવામાં આપણને ગભરામણ થાય છે. જેમ કે આપણને થાય કે મારામાં ટેલેન્ટ છે, પણ તે પૂરતી નહીં હોય તો? લોકો મારા પર હસશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તો? ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી? ઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?

આવા તો અસંખ્ય પ્રકારના ડર હોઈ શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટને ડર અને ક્રિયેટિવિટી કન્જોઈન્ડ ટ્વિન્સ જેવાં ગણે છે. બન્ને એકમેકથી જોડાયેલાં. અમુક અંગ-ઉપાંગ બન્નેમાં કોમન. લેખિકાએ તો ડર માટે રીતસર એક લાંબી વેલકમ સ્પીચ તૈયાર કરી છે. નવો પ્રોજેકટ શરૂ કરવાનો હોય ત્યારે એ ડરને મનોમન કહે છેઃ

‘ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટી, સાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ. હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ. હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું. ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારું કામ કરવાની જ છું. શું છે મારું કામ? પુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું. મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છે? ઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા. તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશ, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું. કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવો, કારમાં એસી કેટલું તેજ રાખવું – આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શું, એફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?’

– ને પછી લેખિકા, ક્રિયેટિવિટી અને ડર એકસાથે પ્રવાસ પર નીકળી પડે. પ્રવાસ (એટલે કે પ્રોજેક્ટ)નું પરિણામ ધાર્યું હતું એવું જ મળે છે, ધાર્યા કરતાંય વધારે સુંદર મળે છે કે તદ્દન વાહિયાત મળે છે એ પછીની વાત છે, પણ પ્રવાસ રોમાંચક અને ઘટનાપ્રચુર પુરવાર થશે એ તો નક્કી છે. સો વાતની એક વાત એ કે મનગમતું કામ કરવા માગતા હોઈએ ત્યારે ડરના વશમાં થવાનું નથી. એનો સંગાથ અપ્રિય લાગે તો લાગે. જો ડર સાથે પ્રવાસ કરતા નહીં શીખીએ તો કયારેય કોઈ સરસ સ્થળે પહોંચી નહીં શકીએ. લાઈફમાં કયારેય કોઈ ઈન્ટરેસ્ટિંગ કામ કરી નહીં શકીએ.

‘હું માનું છું કે આ પૃથ્વી પર માત્ર માણસો, પશુપક્ષીઓ, વનસ્પતિ, બેકટરિયા અને વાઈરસ જ વસતા નથી. આ બધાની સાથે સાથે પૃથ્વી પર આઈડિયાઝ પણ વસવાટ કરે છે,’ એલિઝાબેથ ગિલ્બર્ટ ‘બિગ મેજિક’ પુસ્તક્માં કહે છે, ‘આઈડિયા પાસે શરીર ભલે ન હોય પણ એનામાં આત્મા જરુર હોય છે. ઈચ્છાશકિત તો ચોક્કસપણે હોય છે. આઈડિયાની સર્વોપરી ઈચ્છા એક જ છે – એને વ્યકત થવું હોય છે. આઈડિયા આપણી દુનિયામાં એક જ રીતે વ્યકત થઈ શકે – માણસ સાથે પાર્ટનરશિપ કરીને. જો માણસ પ્રયત્ન કરે તો અને તો જ માનમોંઘો આઈડિયા અમૂર્ત વિશ્ર્વમાંથી બહાર નીક્ળીને મૂર્ત એટલે કે વાસ્તવિક્ દુનિયામાં પ્રવેશી શકે.

યાદ રહે, અહીં કેવળ કવિતા- વાર્તા-પેઈન્ટિંગના આઈડિયાની વાત નથી. આ આઈડિયા આર્ટિસ્ટિક ઉપરાંત વિજ્ઞાન, વેપારઉદ્યોગ, રમતગમત, ધર્મ, રાજકારણ કે એવા કોઈ પણ ક્ષેત્રને લગતા હોઈ શકે. લેખિકા ક્હે છે કે આ આઈડિયાઝ આપણી આપસપાસ હવામાં ઘુમરાતા રહે છે અને પોતાને આવકારવા તૈયાર હોય તેવા માણસને શોધતા રહે છે. એને લાગે કે ફલાણો માણસ મને દુનિયામાં અવતારવા માટે સક્ષમ છે તો એનું ધ્યાન ખેંચવાની કોશિશ કરશે.

કોઈ પણ આઈડિયાને તમારામાં યોગ્યતા દૃેખાય એટલે એ શું કરે? સૌથી પહેલાં તો તમને રોમાંચિત કરી નાખશે. ત્યાર બાદ એક પછી એક એવા સંજોગ સર્જશે કે જેથી એનામાં તમારો ઈન્ટરેસ્ટ જીવંત રહે. જાણે પ્રેત વળગ્યું હોય તેમ હાલતા-ચાલતા-ઉઠતા-બેસતા તમને બસ તે આઈડિયાના જ વિચારો આવતા રહેશે. મધરાતે અચાનક ઊંઘ ઉડે ને ખબર પડે કે સનામાં ય તમે એ જ આઈડિયા વિશે વિચારી રહ્યા હતા. આઈડિયાને ખાતરી થાય કે તમે એના પર પૂરેપુરું ધ્યાન આપવા તૈયાર છો ત્યારે હળવેક્થી તમને પૂછશે:

‘દોસ્ત, તું મારી સાથે કામ કરવા, મારો પાર્ટનર બનવા તૈયાર છે?’

આ સ્થિતિમાં તમારી પાસે બે વિક્લ્પો હોય. કાં તો તમે હા પાડશો અથવા ના પાડશો. ધારો કે આઈડિયા જે સમયે તમારા થકી જન્મ લેવા માગતો હોય તે વખતે તમે જીવનજંજાળમાં ગૂંચવાયેલા હો, અસલામતીથી પીડાતા હો અથવા ખુદૃની નિષ્ફળતાઓ અને ભુલોનું વિશ્ર્લેષણ કરવામાંથી ઊંચા આવતા ન હો તો શક્ય છે કે પેલો આઈડિયા થોડી મિનિટો, થોડા દિવસો, થોડાં અઠવાડિયાં કે ઈવન થોડાં વર્ષો સુધી તમારી રાહ જોશે. તે પછીય તમે આઈડિયા પર ધ્યાન ન આપો, નિષ્ક્રિય રહો કે ના પાડી દો એટલે એ બાપડો નછૂટકે કંટાળીને તમને છોડીને એવા કોઈ માણસની શોધમાં જતો રહેેશે જે એની સાથે પાર્ટનરશિપમાં કામ કરવા તૈયાર હોય.

કેટલી સરસ થિયરી.

– અને ધારો કે તમે તમારી આસપાસ હવામાં ઘુમરાતા આઈડિયાને અથવા તમારી ભીતર જન્મેલી પ્રેરણાને હા પાડો તો? હવે શું બનશે? તમે પ્રેરણા સાથે કાયદેસર કોન્ટ્રેકટ કરશો. તમારું કામ હવે સરળ પણ બની જશે અને અઘરું પણ બની જશે. હવે તમે જાણો છો કે સઘળી શકિત કઈ દિશામાં લગાડવાની છે. તમે એ આઈડિયાને નક્કર દેહ આપવાની જવાબદારી સ્વીકારી છે. તમે એક ક્રિયેટિવ પ્રોસેસની શરુઆત કરવા તૈયાર થયા છો. આ પ્રક્રિયાને અંતે તમે જબરદસ્ત સફળતા પામો એવું ય બને, તમે સાવ મિડીયોકર પૂરવાર થાય એવું ય બને અથવા ઊંધાં મોંએ પટકાઓ એવું ય બને.

ક્રિયેટિવ જિંદગી જીવવા માગતા સૌએ પોતપોતાની વાસ્તવિક્તા અનુસાર નિર્ણય લેવાનો છે. જોવાનું એટલું જ છે કે ક્રિયેટિવ જિંદગી પ્રસન્નતાથી ભરપૂર હોવી જોઈએ, માનસિક્ તાણ પેદા કરે એવી નહીં. હંમેશા એલર્ટ રહેવું પડશે કેમ કે કોઈ ગ્રેટ આઈડિયા ગમે ત્યારે પાર્ટનરશિપની ઓફર લઈને તમારી પાસે આવી શકે છે.

સો વાતની એક વાત. કશુંક ક્રિયેટિવ કરવા માગો છો? તો કરો. પૂરી જવાબદારી લઈને કરો. ડરો નહીં. જો ડર ગયા સો મર ગયા અને ડર કે આગે જીત હૈ એ સૂત્રો હંમેશાં યાદ રાખવાનાં!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.