Sun-Temple-Baanner

કલા, ક્રિયેટિવિટી અને કરિયાણું


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કલા, ક્રિયેટિવિટી અને કરિયાણું


કલા, ક્રિયેટિવિટી અને કરિયાણું

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 18 Sept 2019 બુધવાર

ટેક ઓફ

લેખક, અદાકાર, ચિત્રકાર કે કોઈ પણ કલાકાર હોવું તે વાત છે, પણ એને કારણે તમે કંઈ આપોઆપ બીજાઓથી ચડિયાતા બની જતા નથી.

* * * * *

‘હું તો ક્રિયેટિવ માણસ છું. મારે કલાની ઉપાસના કરવાની હોય. જો કલાકાર બન્યા પછી પણ મારે જો આવું જ બધું કરવાનું હોય તો એના કરતાં મેં કરિયાણાની દુકાન ન ખોલી નાખી હોત!’

આ પ્રકારના વાક્યપ્રયોગો આપણે વાતચીત, વકતવ્ય કે લખાણમાં ઘણી વાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. આપણને થઈ શકે કે વાહ, જો તો! આ માણસને પોતાની કલા માટે કેટલું પૅશન છે. આપણે કદાચ એ જોતાં નથી કે એણે પોતાની કલાના વખાણ કરવાની સાથે સાથે કરિયાણાના વેપારીને તુચ્છ ગણી નાખ્યો છે. મારી કલા ઊંચી, કરિયાણાની દુકાન નીચી. મારી ક્રિયટિવિટી મહાન, કરિયાણાના વેપારી હોવું નિમ્ન કક્ષાનું કામ. કેમ ભાઈ, કરિયાણાની દુકાન સામે તને શો વાંધો છે? કરિયાણાનો વેપારી આખો દિવસ મહેનત કરે છે, કાયદાને અનુસરે છે, ટેક્સ ભરે છે, પોતેય કમાય છે અને દુકાનમાં બે-ચાર જણાને કામ પર રાખીને એમને ય પગાર આપે છે. તું તારી કલામાં માહેર હો તો અભિનંદન, ઓલ ધ બેસ્ટ, પણ કરિયાણાની દુકાન ચલાવવી એ ઊતરતી કક્ષાનું કામ છે એવું તું શું કામ માને છે અને શા માટે બીજાઓની સામે એવું પ્રસ્થાપિત કરવા માગે છે?

અહીં ‘કરિયાણાની દુકાન ન ખોલી નાખી હોત’ની જગ્યાએ ‘એના કરતાં હું કારકૂન ન બની ગયો હોત’, ‘એના કરતાં હું સરકારી નોકરી ન કરતો હોત’ પણ હોઈ શકે. કારકૂન હોવું, સરકારી નોકરી કરવી એ શું શરમની વાત છે? તમે લેખક કે કવિ હો, ચિત્રકાર હો, એક્ટર-ડિરેક્ટર હો, ગાયક હો કે એવું કંઈ પણ હો તે સારી વાત છે. પ્રતિભાવાન હોવું, કલાકાર હોવું, સરસ્વતીની કૃપા હોવી એ સારું જ છે, પણ એને કારણે તમે કંઈ આપોઆપ બીજાઓથી ચડિયાતા બની જતા નથી. દરેક કામ મહત્ત્વનું છે, દરેક ક્ષેત્રનું પોતાનું ગૌરવ છે. હું આર્ટિસ્ટ છું એટલે હું નાઇન-ટુ-ફાઇવની નોકરી કરનાર વ્યક્તિ કરતાં કે દુકાન ખોલીને બેઠેલા વેપારી કરતાં સુપિરીયર છું એવું કોણે કહ્યું? પોતાને કલાકાર કે ક્રિયેટિવ ગણાવીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો માણસ અસલિયતમાં કામચોર અને માણસ તરીકે તદ્દન વાહિયાત કે નઠારો હોઈ શકે છે.

નાનપણથી અમુક બાબતો આપણાં દિમાગમાં એવી જડાઈ ગઈ છે કે એક વ્યક્તિ અથવા ક્ષેત્રની તરફેણમાં પ્રશંસાત્મક સૂરે બોલતી-સાંભળતી વખતે સૂક્ષ્મ રીતે અન્ય કોઈકનો અનાદર થઈ રહ્યો છે એવું આપણે નોંધતા પણ નથી. આ પ્રકારની અભિવ્યક્તિ પ્રત્યે સભાન બનવું પડશે. એક જોક ખૂબ પ્રચલિત છે. પિતા-પુત્ર વચ્ચે સંવાદ ચાલે છેઃ ‘જો બેટા, તું જો બારમા ધોરણમાં સારા ટકા લઈ આવીશ તો બાઇક લઈ આપીશ.’ દીકરો કહે છે, ‘સારા માર્ક્સ ન આવ્યા તો?’ પિતાશ્રી કહે છે, ‘તો રિક્ષા.’

આ જોક કહેતી કે સાંભળતી વખતે આપણે હસીએ છીએ, પણ એવું વિચારતા નથી કે આ મજાકમાં આડકતરી રીતે રિક્ષાચાલકનું અપમાન થઈ રહ્યું છે. રિક્ષાચાલક એક શ્રમજીવી માણસ છે. શ્રમ કરીને પોતાનું ને પોતાના પરિવારનું પેટ ભરતી કોઈ પણ વ્યક્તિ માટે કેવળ સન્માન જ હોય.

શબ્દોમાં ખૂબ શક્તિ છે. એને કાળજીપૂર્વક વાપરવા જોઈએ. સવારે અમુક નિશ્ચિચ સમયે ડોરબેલ વાગે એટલે કિચનમાંથી મમ્મી બૂમ પાડે, ‘રાજુ, કચરાની ટોપલી બહાર મૂક તો. કચરાવાળાં બહેન આવ્યાં લાગે છે.’ કચરાવાળાં બહેન? કચરો તમે કર્યો છે, કચરાવાળાં તમે છો. આ જે બહેન આવ્યાં છે એ કચરાવાળાં નહીં પણ સફાઈવાળાં બહેન છે. ‘સફાઈ કામદાર’ એ સરસ શબ્દપ્રયોગ છે અને એ જ વપરાવો જોઈએ. ફ્લાઇટમાં ખાવાનું સર્વ થઈ ગયા પછી એરહોસ્ટેસ મોટો કોથળો લઈને ‘ટ્રેશ પ્લીઝ… ટ્રેશ પ્લીઝ’ કરતી પસાર થાય છે, જેમાં આપણે ખાલી બોક્સ, કાગળનાં ગ્લાસ, વપરાયેલા ટિશ્યુ પેપર જેવી નકામી ચીજો નાખીએ છીએ. તમે જેને કચરાવાળાં બહેન કહો છો એ મહિલા એક્ઝેક્ટલી આ જ કામ તમારી બિલ્ડિંગના એકેએક ઘરે જઈને કરે છે.

કોઈ કામ નાનું નથી કે હલકું નથી. કામ, કામ છે. આપણે હજુય કામમાં ખૂબ ઊંચ-નીચ જોઈએ છીએ. પશ્ચિમમાં ટોઇલેટ સાફ કરવા આવતા જેનિટરને નીચી નજરે જોવામાં આવતો નથી. જેનિટર અને સવારે જેનું ઘર સાફ કર્યા હોય એ ઘરનો માલિક સાંજે બારમાં ‘ચિયર્સ…’ કહીને સમકક્ષની જેમ બિયર પી શકે છે. કામની આભડછેટ આપણે હજુય દૂર કરી શક્યા નથી.

કહેવતો અને રુઢપ્રયોગોની દુનિયા ઘણીવાર ક્રૂર બની જાય છે. સમયની સાથે એમાં સરવાળા-બાદબાકી થતાં રહેવા જોઈએ. હરિજન અને વાલ્મીકિ સમાજ માટે વપરાતાં મૂળ અપમાનજનક શબ્દ હવે આપણે ત્યાં જાહેરમાં લખી-બોલી શકાતા નથી એ સારી વાત છે. આપણી કહેવતો અને રુઢિપ્રયોગોએ જ્ઞાતિઓને હડફેટમાં લઈ લીધી છે એનું કારણ જૂના જમાનાની વર્ણવ્યવસ્થા છે. કોઈ વ્યક્તિ વાહિયાત કે મૂરખ જેવું વર્તન કરે તો એના માટે ‘સાવ હજામ જેવો છે’ એવો પ્રયોગ થાય છે, જે વ્યક્તિગત બોલચાલમાં પણ બંધ થઈ જવો જોઈએ જોઈએ. કેશકર્તન કરવું એ હલકું કામ નથી. એ મહેનત અને આવડતનું કામ છે. ફૂવડ દેખાતી સ્ત્રી માટે ‘ગાંગલી ઘાંચણ’ જેવો અપમાનજનક શબ્દ વપરાય છે. ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી’ કહેવતમાં સ્પષ્ટ વર્ગભેદ છે. આમાં તેલ કાઢવાનું કામ કરનાર તેલીને નીચી નજરે જોવાયો છે. વાસ્તવમાં મૂળ કહેવત આવી છેઃ ‘ક્યાં રાજા જ અને ક્યાં ગાંગેય અને તેલંગણ?’ માળવાના રાજા ભોજે ચેદીદેશના રાજા ગાંગેય અને તેલંગણાના રાજા આ બન્નેને હરાવીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. એના કારણે આ તુલનાત્મક કહેવત બની, જે કાળક્રમે ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી’ બની ગઈ.

આખેઆખા શહેર, પ્રાંત કે જ્ઞાતિને કોઈ ગુણાવગુણ કે લાક્ષાણિકતાના આધારે શી રીતે ડિફાઇન કરી નાખવામાં આવતા હશે તે સમજાતું નથી. ‘અમદાવાદી હરામજાદી’ જેવો તદ્દન હીન કક્ષાનો શબ્દપ્રયોગ આજે પણ બોલચાલમાં થતો રહે છે. કાઠિયાવાડીને કહેવાતું હોય છે કે, ‘જેટલા તારી પાઘડીમાં આંટા એટલા તારા પેટમાં આંટા’. અર્થાત કાઠિયાવાડીઓ કુટિલ હોય છે, એના પેટમાં પાપ હોય છે. આ પ્રકારની જનરલાઇઝ્ડ અને આપત્તિજનક કહેવતો, પ્રયોગો અને માનસિકતાથી દૂર જ રહેવાનું હોય.

મનુષ્ય હોવાનો આપણને જબરો ફાંકો છે. આપણને તો પ્રાણીઓને તુચ્છ ગણવામાં કે એમનામાં ય ઊંચ-નીચનો ભેદભાવ કરી નાખવામાં પણ કશો જ વાંધો નથી. આપણા માટે અમુક પ્રાણી પૂજનીય, આદરણીય છે જ્યારે અમુક હલકાં, નકામાં, ફાલતુ. અણસમજુ માણસ માટે ‘સાવ ગઘેડા જેવો છે’ એવો પ્રયોગ કરતી વખતે આપણે ગધેડાને નિમ્ન કક્ષાએ મૂકી દઈએ છીએ. ગધેડો, ગધેડો છે. એ પણ ગાય કે ઘોડાની માફક કુદરતનું જ સર્જન છે. એનામાં જર્મન શેફર્ડ કૂતરા જેવી બુદ્ધિ ન હોય તો ન હોય. શિયાળને આપણે લુચ્ચું ઘોષિત કરી દીધું છે. કોઈને ગાળ આપવી હોય તો ‘સાલા સુવર’ બોલવામાં આપણને કશો જ વાંધો નથી. કાદવ પસંદ હોવો એ ભૂંડની ભૂંડસહજ લાક્ષાણિકતા છે. બિલાડી આડે ઉતરે તો દિશા ફેરવી નાખતાં ભવ્ય નરનારીઓ આજે પણ જગતમાં વસે છે. ‘વહુ મરી કે ઉંદરડી મરી બધું સરખું જ’ એવી એક કહેવત છે. એનો અર્થ એ કે જેમ તુચ્છ ઉંદરડી મરે તો એનું દુખ ન હોય એમ પુત્રવધૂ મૃત્યુ પામે તો એનું દુખ પણ ન હોય. હા, પુત્ર સો વર્ષ જીવવો જોઈએ! આ કહેવતમાં સ્ત્રી અને માદા ઉંદર બન્ને માટે અનાદર છે.

કહેવતો અને રુઢિપ્રયોગો જે-તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક સચ્ચાઈને આધારે ઘડાતાં હોય છે ને પ્રચલિત બનતાં હોય છે. ખોટા સંદર્ભ પ્રસ્થાપિત કરતી કહેવતો અને રુઢિપ્રયોગો ક્રમશઃ દૂર થતાં જવા જોઈએ. નવાં સત્યો અને આધુનિક માનસિકતાને દઢ બનાવવા માટે, કલાકાર અને કરિયાણાના વેપારી વચ્ચેનો કાલ્પનિક વર્ગભેદ દૂર કરવા માટે આ જરૂરી છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.