Sun-Temple-Baanner

છેલ્લે તમે ક્યારે તાર કર્યો હતો?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


છેલ્લે તમે ક્યારે તાર કર્યો હતો?


ટેક ઓફ – છેલ્લે તમે ક્યારે તાર કર્યો હતો?

Sandesh – Ardh Saptahik purti – 19 June 2013

Column: ટેક ઓફ

ધસમસતા સમયના પ્રવાહમાં કંઈકેટલુંય અપ્રસ્તુત બનીને ટેક્નોલોજિકલ પ્રગતિના ઇતિહાસમાં એક વિગત બનીને રહી જાય છે. કોલસાથી ચાલતા એન્જિનથી લઈને ટેલિગ્રામ સવર્સિ સુધીનું ઘણું બધું.

ઝવેરચંદ મેઘાણીની એક પ્રસિદ્ધ વાર્તા છે- ‘બદમાશ’. દેશને આઝાદી મળી તે પહેલાંનો સમય છે. વાર્તાનાયકની પત્ની બાળકોને લઈને એકલી પિયર જઈ રહી છે. નાયક સૌને આગગાડીમાં બેસાડવા સ્ટેશન આવ્યો છે. આગગાડીનાં પૈડાંએ ચક્કર લેવાનું શરૂ કરી દીધું છે એટલે નાયક હાંફળોફાંફળો થઈને જે ડબો હાથમાં આવ્યો તેમાં જેમતેમ કરીને પરિવારને માલમત્તા સહિત લગભગ અંદર ફંગોળી દે છે. એને ક્યાં ખબર હતી કે આ ડબામાં અલારખ્ખા નામનો ખૂંખાર ડાકુ પણ પોતાના સાગરીત અને એક વેશ્યા સાથે મુસાફરી કરી રહ્યો છે? હકીકતની જાણ થતાં જ નાયક ફફડી ઊઠે છેઃ શું હાલ કરશે અલારખિયો મારી બૈરી-છોકરાંવના?એ તરત તાર ઓફિસ તરફ દોટ મૂકે છે અને સાળાને તાર કરી દે છેઃ રુક્મિણી અને બાળકો તારે ત્યાં પહોંચે કે વિના વિલંબે મને પહોંચનો સામો તાર કરી દેજે!

સમયચક્રને ઘુમાવીને વાર્તાને ૨૦૧૩માં ખેંચી લાવીએ અને એક મહિના પછીનો સમય કલ્પી લઈએ તો હીરો પત્નીને મોબાઇલ જોડીને એને સાબદો કરતો દેખાયઃ જો, અલારખ્ખા ન કરવાનું કરી બેસે તે પહેલાં હમણાં જ ગમેતેમ કરીને બચ્ચાં અને માલમત્તા સાથે બીજા ગમે તે ડબામાં શિફ્ટ થઈ જા! ધારો કે એ તાર કરવા પોસ્ટઓફિસ તરફ ધસી જાય તો વિન્ડો પર બેઠેલા ક્લાર્કનો સંવાદ સંભળાય, સોરી ભાઈ, ટેલિગ્રામ service બંધ થઈ ચૂકી છે!

૧૫ જુલાઈ, ૨૦૧૩. આ દિવસથી ભારતમાં ૧૬૦ વર્ષથી સક્રિય રહેલી અને દેશ-વિદેશમાં ત્વરિત સંદેશો મોકલવા માટે જેનો આધાર લેવાતો એ ટેલિગ્રામ service અસ્તિત્વશૂન્ય થઈ જવાની. મોબાઇલ ફોન, એસએમએસ અને ઇન્ટરનેટના આ જમાનામાં ફક્ત શહેરોમાં જ નહીં, ગામડાંમાં પણ તાર કરનારાઓને દૂરબીનથી શોધવા પડે છે, તેથી જ પ્રતિ વર્ષ સરેરાશ બાવીસ કરોડ રૂપિયાનું નુકસાન વેઠનાર ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલ) આદેશ જારી કરી દીધોઃ Wind up the telegram service!

ધસમસતા સમયના પ્રવાહમાં કંઈકેટલુંય અપ્રસ્તુત બનતું જાય છે. કિનારા પર ફેંકાઈને નામશેષ થતું જાય છે, ટેક્નોલોજિકલ પ્રગતિના ઇતિહાસમાં એક વિગત બનીને રહી જાય છે. નેરોગેજ પર કોલસાથી ચાલતી અને કાળાડિબાંગ ધુમાડા છોડતી બાપુની ગાડીને પાછળ છોડીને હાઈસ્પીડ ડુરોન્ટો-રાજધાની-શતાબ્દી એક્સપ્રેસ આવી ગઈ છે અને હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે જાપાનમાં બનેલી બુલેટ ટ્રેન દોડવાનું ક્યારે શરૂ થાય એની રાહ જોવાનું શરૂ થઈ ગયું છે. રસોડામાં પ્રાઇમસ સ્થાનભ્રષ્ટ થઈ ચૂક્યો છે અને રાંધણગેસની પાઇપલાઇન ફિટ થઈ ગઈ છે. હડમદસ્તા જેવા ટીવીની જગ્યાએ સ્માર્ટ એલઈડી દીવાલ પર ગોઠવાઈ ગયાં છે. ઘર્રાટી કરતો ડબ્બાછાપ રેડિયો, ભૂંગળાંવાળા ગ્રામોફોન અને ડીવીડી-વીસીડી પ્લેયર્સ યાદ છે? બજારમાંથી ઓડિયો કેસેટ આઉટ થઈ ગઈ છે, કારણ કે જમાનો સીડીનો છે. મોબાઇલ ફોન આવ્યા એટલે કેટલાય લોકો જેને કમર પર કંદોરાની જેમ પહેરી રાખતાં તે પેજર્સ અદૃશ્ય થઈ ગયાં. આવાં તો ઘણાં દૃષ્ટાંતો છે.

જૂના જમાનાની ચીજવસ્તુઓમાં એક પ્રકારનો ચાર્મ હોય છે, પણ ટેલિગ્રામ સાથે સામાન્યપણે ઉચાટ અને ગભરાટની લાગણીઓ જોડાયેલી રહી છે. ઘરે તાર આવે ત્યારે પોસ્ટમેને ધરેલાં કાગળિયાં પર સહી કરતી વખતે આપણને મનમાં કેટલાય અશુભ વિચારો આવી જતાઃ કોનો તાર હશે? કોઈ ગુજરી ગયું હશે? એક્સિડન્ટ? કોઈ ઇમરજન્સી? તાર દ્વારા જોક્ે સારા સમાચારો પણ ક્મ્યુનિક્ેટ થતા જ. તાર કરતી વખતે ભારે કરકસરથી ગણીગણીને શબ્દો વાપરવાના. શબ્દૃો વધે તેમ તાર કરવાનો ખર્ચ પણ વધતો જાય. ‘ક્ાક્ાના ઘરે સુરત સુખરુપ પહોંચી ગયો છું એમ નહીં, પણ ‘રીચ્ડ સેફ્લી એટલું જ! ‘તમારા આશીર્વાદૃથી હું બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્ે પાસ થઈ ગયો છું એવું લાંબું લાબું લખવાને બદૃલે ટૂંક્માં પતાવવાનું -‘પાસ્ડ ધ એકઝામ્સ’, બસ. ઝવેરચંદ મેઘાણીની ‘બદમાશ’ વાર્તાનો પેલો નાયક પણ ભરપૂર ટેન્શન વચ્ચે તાર મોકલતી વખતે ઓછામાં ઓછી શબ્દસંખ્યા બનાવે છે અને નવ આનામાં પતી જવાથી પોતાની અક્કલમંદી પર વારી જાય છે! એક રમૂજી ક્વોટ છે કે દસ કરતાંય વધારે શબ્દોનો ‘લાંબોલચ્ચ’ તાર મેળવનાર નક્કી બહુ મોટો અને ઇમ્પોર્ટન્ટ માણસ હોવાનો! આજે તો આપણે એસએમએસમાં પ્રેરણાદાયી વાક્યો, જોક્સ, શાયરીઓ ને એવું કંઈકેટલુંય ફોરવર્ડ કરતા રહીએ છીએ, પણ એસએમએસ સવર્સિ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં બને એટલો ટૂંકો મેસેજ લખવાનો અને અંગ્રેજીમાં આખા શબ્દો લખવાને બદલે કઢંગા શોર્ટ ફોર્મ્સ વાપરવાનો ચાલ હતો. જેમ કે, ‘ધ’નો સ્પેલિંગ ટી-એચ-ઈ નહીં કરવાનો, પણ ફક્ત ‘ડી’ લખી દેવાનું. ટેલિગ્રામ એ રીતે લઘુસૂત્રી એસએમએસના પ્રપિતામહ ગણાય!

ડિસેમ્બર, ૧૯૩૧માં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા જહાજમાં ઇંગ્લેન્ડ રવાના થઈ રહ્યા હતા એ અરસામાં ઝવેરચંદ મેઘાણીએ ‘સૌરાષ્ટ્ર’ અખબારમાં એક કાવ્ય લખ્યું હતું, જે મશહૂર થઈ ગયું: ‘છેલ્લો કટોરો ઝેરનો આ-પી જજો બાપુ… સાગરના પીનારા અંજલિ ના ઢોળશો બાપુ’. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સ્થાપક અમૃતલાલ શેઠને આ કાવ્ય એટલું પસંદ આવ્યું કે બાપુને તે વંચાવવા છાપાની કોપી લઈને મુંબઈના બંદરે પહોંચી ગયેલા. રજવાડામાં પ્રજાના કેવા બૂરા હાલ છે તે વિશેનો લિખિત અહેવાલ પણ અમૃતલાલે બાપુને સુપરત કર્યો હતો. દરિયાઈ સફર દરમિયાન તે અહેવાલ ધ્યાનપૂર્વક વાંચ્યા પછી ગાંધીજીને લાગ્યું કે ગોળમેજી પરિષદમાં આ વિષય પર રજૂઆત કરવા માટે અમૃતલાલ પણ લંડન આવી શકે તો સારું, આથી તેમણે અમૃતલાલ શેઠને તાર કર્યો હતો. તાર મળતાં જ અમૃતલાલ શેઠ બીજા બે સાથી વિશેષજ્ઞાો બેરિસ્ટર પોપટલાલ ચૂડગર અને પ્રોફેસર અભ્યંકર સાથે રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગયેલા. પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ કેટલીય વાર ‘મોંઘીદાટ’ તારસેવાનો ઉપયોગ કર્યો છે.

બંગાળના યુવા સ્વાતંત્ર્યવીરો પર દમનનો કોરડો વીંઝનાર કોલકાતાના મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની હત્યા કરવાના આશયથી ૧૯૦૮માં ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બોમ્બ ફેંક્યા હતા. કમનસીબે કિંગ્સફોર્ડની બગીમાં એમને બદલે બીજા કોઈ અંગ્રેજ અફસરની પત્ની અને પુત્રી બેઠાં હતાં, જે મૃત્યુ પામ્યાં. લપાતાછુપાતા પ્રફુલ્લ ચાકી પછી જે ગાડીમાં બેસીને નાસવાની કોશિશ કરી રહ્યા હતા તેમાં અંગ્રેજનો એક સિપાહી મુસાફરી કરી રહ્યો હતો, જેણે પ્રફુલ્લ ચાકીને ઓળખી લીધા. આગલા સ્ટેશન પરથી તેણે મુઝફ્ફરનગર તાર કરીને પોતાના ઉપરીઓને જાણ કરી દીધી. પ્રફુલ્લ ચાકી મોકામાં ઘાટ સ્ટેશન પર ઊતર્યા ત્યારે પોલીસ તહેનાત હતી, પણ પોલીસના હાથે ઝડપાઈને મરવાને બદલે તેમણે સ્વયં ખુદના શરીર પર ગોળી ચલાવી પ્રાણનો ત્યાગ કર્યા.

ભારતીય ઇતિહાસની ઘટનાઓને જ નહીં, કદાચ આપણા વ્યક્તિગત જીવનને પણ કોઈક ને કોઈક રીતે સ્પર્શ કરનાર ટેલિગ્રામ સવર્સિ હવે ખુદ ઇતિહાસનો હિસ્સો બની જવાની.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.