ટેક ઓફ : જરાક મથી જોઉં…એકાદ ગાંઠ ખૂલતી હોય તો
Sandesh – Ardh Saptahik Purti – 20 Nov 2013
ટેક ઓફ
જિંદગી સામે જીદ કરીએ, માથું ઊંચકીએ તો કારમા પ્રહારો કરીને,આપણને લોહીલુહાણ કરીને આખરે એ પોતાનું ધાર્યું જ નથી કરતી હોતી શું?
* * * * *
બહુ દેખાતાં, બહુ ગાજતાં અને બહુ ઊછળતાં નામો સામાન્યપણે વધારે પોંખાતાં હોય છે. પવનકુમાર જૈનનું નામ ન અત્યધિક ગાજ્યું કે ન ઊછળ્યું. આમ છતાંય તે પોંખાયું ચોક્કસ. અલબત્ત, એક નિશ્ચિત અને નાના ઘેરાવાવાળા વર્તુળમાં. પવનકુમાર જૈન મુંબઈના કવિ-વાર્તાકાર. તેમણે ઓછું પણ બહુ જ ઘૂંટાયેલું, યાદગાર અને મહત્ત્વનું સર્જન કર્યું. ૧૨ નવેમ્બરે એટલે કે ગયા મંગળવારે તેમનું નિધન થયું. એમ જ. કશા જ પૂર્વસંકેત વગર મૃત્યુ આવ્યું અને પળવારમાં આ વિચક્ષણ વ્યક્તિનું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું. પવનકુમારને કદાચ આવું જ મૃત્યુ ગમ્યું હોત. અચાનક ઝબકી ગયેલું. ધીમા પગલે, ડરામણી મુદ્રા ધારણ કરીને આવતાં મોતને એમણે સિરિયસલી લીધું ન હોત. ૬૭ વર્ષ પહેલાં થયેલા પોતાના જન્મને પણ ક્યાં સિરિયસલી લીધું હતું? પોતાનાં અવતરણની વાત કરતી ‘ઓત્તારીની’ શીર્ષકધારી કવિતામાં કૌતુક ઓછું ને ઉપહાસ વધારે છે. જુઓ,
પછી હું જન્મ્યો.
કહો, કેવો જન્મ્યો?
અહો, એવો જન્મ્યો:
ગંધાતી, સાંકડી તિરાડમાંથી
એક અળસિયું મેળેમેળે
બહાર આવે તેમ,
ઊંધે માથે,
નિર્લજ્જ, નીપટ નાગો,
ઝીણું-ઝીણું, હાસ્યાસ્પદ
કલપતો,
અબૂધ, આંધળો, મૂંગો,
ભૂખ્યો, તરસ્યો,
હાથપગ વીંઝી તરફડતો
અવતર્યો.
ત્યારે, લોકોએ હરખપદૂડા
થઈ પેંડા ખાધા બોલો!
ખુદને બહુ ગંભીરતાથી ન લેનાર પવનકુમારે અંતરંગ સંબંધોને ખૂબ ગંભીરતાથી લીધા અને નિભાવ્યા. એમના વ્યક્તિત્વમાં એક આકર્ષક વિરોધ હતો. રોજબરોજનાં કામોમાં એ ભયાનક ચોકસાઈ રાખશે, સામેનો માણસ થાકી જાય એટલું ઝીણું કાંતશે, પણ જીવન પ્રત્યેના એટિટયૂડમાં મસ્તમૌલા રહેશે. એમની એવી પ્રકૃતિ જ નહોતી કે જિંદગીને ચોક્કસ ઘાટ આપવા એકધારું દે-ઠોક કર્યા કરે. વિના અવરોધે લાગણીઓની ભરતી-ઓટ આવતી રહી અને જિંદગી એની સ્વાભાવિક લયમાં વહેતી રહી. ડુઝ એન્ડ ડોન્ટ્સની જાળથી ખુદને બચાવવી જોકે કઠિન હોય છે. આ કવિતા જુઓ :
સુખમાં ઉલ્લાસિત થવું નહીં,
દુઃખમાં ઉદ્વિગ્ન થવું નહીં,
હારથી અકળાવું નહીં.
આવી શિખામણો માનું
તો હું
મૂર્તિમંત સુવાક્ય હોઈ શકું,
પથ્થરનું પૂતળું હોઈ શકું,
ભરમડાની જેમ ફરતા
સૂર્ય, ચંદ્ર, તારા હોઈ શકું,
નાગા વરસાદથી રચાતું,
મેઘધનુષ્ય હોઈ શકું,
કાંઠાથી બંધાયેલો સમુદ્ર હોઈ શકું.
એવું અઢળક.
નહીં માનું આવી શિખામણો.
બાપલિયા માણસ છું,
મને માણસ રહેવા દો.
‘મને માણસ રહેવા દો’ કહીને સૌથી અઘરી વસ્તુ માગી લીધી પવનકુમારે. વધતી જતી વય સાથે નિર્ભેળપણું અને પારદર્શિતા બહુ ઓછા માણસો ટકાવી શકતા હોય છે. લો-પ્રોફાઇલ રહીને, પ્રચંડ સમપર્ણભાવ સાથે પહેલાં માંદી માને અને પછી માનસિક રીતે વિકલાંગ બહેનને વહાલ અને સેવા બન્ને કરતા રહીને ઝાઝી હાયવોય કર્યા વગર જીવવાનું પવનકુમારને વધારે પસંદ હતું. મહત્ત્વાકાંક્ષાઓમાં સળગતા રહેવાની તેમની તાસીર નહોતી. સતર્ક હોવું અને છતાંય નિસ્પૃહ રહી શકવું એ કેટલી મજાની વાત છે! એમણે સ્વીકૃતિભાવ કેળવી લીધો હતો. વત્તેઓછે અંશે આપણે સૌએ સ્વીકૃતિભાવ કેળવી લેવો પડતો હોય છે. જીદ કરીએ,માથું ઊંચકીએ તો જિંદગી કારમા પ્રહારો કરીને, આપણને લોહીલુહાણ કરીને આખરે પોતાનું ધાર્યું જ નથી કરતી હોતી શું? આ કૃતિમાં પવનકુમાર કેટલી મજાની વાત કરે છે :
કાચી વયે દાદીમાએ
કહ્યું હતું: “બેટા, મનમાં
ગાંઠ વાળ કે…”
પછી તો બા-બાપુજી,
નાના-નાની, મામા-માસી,
કાકા-કાકી, પડોશીઓ,
મિત્રો, પરિચિતો,
જ્ઞાનીઓ, સહુ કહેતાં
ગયાં: “મનમાં ગાંઠ
વાળો, તો કામો પાર પડશે.
આગળ વધશો, સુખી થશો.”
હું વર્ષાનુવર્ષ મનમાં
ગાંઠો વાળતો રહ્યો.
આજે જોઉં છું તો
તમારા, મારા, આપણા
સહુનાં મનમાં
ગાંઠો જ ગાંઠો છે…
કોઈ કામ પાર નથી પડતું,
તસુંય ખસી નથી શકાતું.
ના, હવે કામો પાર
નથી પાડવાં,
આગળ નથી વધવું,
સુખી પણ નથી થવું.
નવરા બેઠા
અમસ્તુ
જરાક મથી જોઉં,
એકાદ ગાંઠ
ખૂલતી હોય તો…
મનમાં, સંબંધોમાં અને પરિસ્થિતિઓમાં પડી ગયેલી ગાંઠોને ખોલતા જવું. આપણું જીવનકર્મ આખરે તો અહીં આવીને જ અટકતું હોય છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply