Sun-Temple-Baanner

અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે


ટેક ઓફ – અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે

Sandesh – Ardh Saptahik Purty – 30 July 2014

ટેક ઓફ

આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે,આજ નથી જાવું બસ કોઈનાય કામ પર… અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર!

* * * * *

મસ્ત ચોમાસું જામ્યું હોય ત્યારે વરસાદી કાવ્યોથી ન ભીંજાઈએ તે કેમ ચાલે. સુરેશ દલાલે ‘ગીતવર્ષા’ નામનું વર્ષાકાવ્યોનું સુંદર સંપાદન કર્યું છે. વર્ષો પછી હિતેન આનંદપરાએ આ અન્ય કવિઓ અને કવિતાઓને સમાવતું ઔર એક સંપાદન કર્યું, જે ‘મોન્સૂન મસ્તી’ નામે પ્રકાશિત થયું. તે પણ મસ્તમજાનું છે.

શરૂઆત કરીએ ચોમાસા સાથે સંકળાયેલી પીંગળશી ગઢવીની આ પંક્તિઓથી, જે એટલી હદે પ્રચલિત થઈ ચૂકી છે કે તેને લગભગ લોકસાહિત્યનો દરજ્જો મળી ગયો છેઃ

આષાઢ ઉચારં, મેઘ મલારં
બની બહારં જલધારં,
દાદૂર ડકારં, મયૂર પુકારં
તડિતા તારં વિસ્તારં.
નાં લહી સંભારં, પ્યાસ અપારં
નંદકુમાર નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુલ આવો ગિરધારી રે જી રે
ગોકુલ આવો ગિરધારી!

પ્રત્યેક ગુજરાતી આ પંક્તિઓ, એના રાગ અને લયથી પરિચિત છે, પણ એટલું પૂરતું નથી, અર્થની પણ ખબર હોવી જાઈએ! કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ સમજાવે છે, ‘દાદૂર ડકારં એટલે દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં. તડિતા તારં વિસ્તારં એટલે વીજળીના તાર વિસ્તરતા જાય છે. ના લહીં સંભારં અર્થાત, મારી સંભાળ ન લીધી!’ બાકીની પંક્તિઓ સ્વયં સ્પષ્ટ છે.

ચોમાસું જો ડાહ્યુંડમરું થઈને સમયસર હાજર થઈ ગયું હોય તો મોન્સૂન મસ્તી કરવાની મજા બમણી થઈ જાય, પણ આ વખતની જેમ વર્ષાઋતુ જો મોડી બેસે તો સંદીપ ભાટિયાની જેમ આપણા મનમાંય સવાલ થાયઃ કુદરતે તો વરસાદ મોકલી આપ્યો હતો, એ ક્યાંક ગેરવલ્લે તો નહીં ગયો હોયને?

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયાં તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.

ચોમાસું ખેંચાઈ જાય એટલે આકાશ ઘેરાયેલું રહે, આપણને ટગવતું રહે, પણ વરસવાનું નામ ન લે. આપણે અકળાવા લાગીએ,ધીરજ ખૂટવા લાગે. આખરે કંટાળીને કૃષ્ણ દવેની માફક વાદળ પર ગુસ્સો કરી નાખીએ, પણ વાદળ પાસે ક્યાં પ્રતિપ્રશ્નો અને પ્રતિદલીલોની કમી છે. જુઓ કવિ અને વાદળ વચ્ચેની તડાફડીઃ

છેવટે કંટાળીને મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાનાં શું જાવ છો!
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ’દી ભીંજાવ છો?

મેં કીધું શું ક્યો છો? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
છત્રી ઉઘાડવાનો વેંત?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉઘાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયાને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો?

મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ?
વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો?

મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ઘોઘમારી વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો?

ખેર, મોડું તો મોડું, ચોમાસું આવ્યું એટલે ભયો ભયો. ચડો માળિયા પર, ઉતારો છત્રી, શોધો રેઈનકોટ. વરસાદને ગમે તેટલો મિસ કરતા હોઈએ તો પણ આખી સીઝન થોડા પલળતા રહીશું? છત્રીની જરૂર ક્યારેક તો પડવાની જ છે. ઉદયન ઠક્કર શું કહે છે તે સાંભળોઃ

ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે.

આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે –

આજ નથી જાવું બસ કોઈનાય કામ પર –
અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર!
ચોમાસું આવે ને યાદ આવો તમે,

દિલને ગુલાબી આ ગમગીની ગમે

જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે
આજ મને આવી છે ઊલટ આરામ પર
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર.

વરસાદમાં અલસાતા પડયા હોઈએ ત્યારે વિચારતાં વિચારતાં કશુંક લખવાની બહુ મજા આવે. ધારો કે કાગળ પર કવિતા કે નવા વિચારો ન ઊતરે તો પણ સવારનું છાપું લઈને આડાઊભા ખાનાંની શબ્દરમત તો રમી જ શકાય છે. ભગવતીકુમાર શર્મા વરસાદી ક્રોસવર્ડ પઝલ કેવી રીતે ઉકેલે છે તે જુઓઃ

અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૃંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના બાર મેઘમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

તમે કહેશો કે ચો-મા-સું તો ત્રણ અક્ષરનું થયું, એને અઢી અક્ષરનું કેવી રીતે ગણી શકાય? વેલ, કવિતામાં બધી છૂટ છે! કવિતા ભાવ અને સ્પંદન સમજે છે, ગણિત નહીં! એ જ રીતે વરસાદ પણ માત્ર વરસવાનું સમજે છે, પક્ષપાત નહીં. એ તો સૌના પર એકસરખો વરસે. વરસાદમાં તારું-મારું થોડું હોય. અલબત્ત, જો તમારી પાસે મનોજ્ઞા દેસાઈ જેવી સંવેદનશીલતા હોય તો વરસાદના પણ ભાગલા પાડી શકો છો ને પ્રેમપૂર્વક હક જમાવી શકો છો! જુઓઃ

એક મારો વરસાદ એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
આ સૌનાં હૈયાંમાં સૌનો વરસાદ લઈ
જોને વહેતાં જાય લોકો.

મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે?

વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જોજે વહી ન જાય મોકો…

બધાં કંઈ વર્ષાઋતુના પ્રેમમાં ન પણ હોય. દિવસોના દિવસો સુધી ખેંચાયા કરતો સૂર્યપ્રકાશ વગરનો ધાબળિયો માહોલ વિપિન પરીખને તો સાડાસાતી જેવો લાગે છે! સાંભળોઃ

માથા પર તોળાઈ રહેલું ગમગીન વાતાવરણ-
સાડાસાતી જેવું.
ગલી અને રસ્તા ઉપર ગંદા પાણીનાં વિશાળ સરોવર,
ટાયરમાં નકશો ભરીને કાદવ ઉડાડતી
દોડી જાય મોટર
ખાબોચિયાંમાંથી.
ભીનાં ભીનાં વસ્ત્રોની હાર
દિવસોના તાર ઉપર એમની એમ.
હવાઈ ગયેલા મિત્રો…
પોતાના જ ઘરમાં પોલીસ વિનાની નજરકેદ.
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ…
વરુણનું એકધારું સામ્રાજ્ય આ નધણિયાતા નગર ઉપર.
હવે આ ધોધમાર પાણીના પૂરમાં
સૂરજ પણ તણાઈ ગયો શું?
અમારાં મકાનોની જેમ…

તમે શાની રાહ જોઈ રહ્યા છો – વરસાદને ઔર માણવાના અવસરોની કે પછી વર્ષાઋતુની વિદાયની?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.