Sun-Temple-Baanner

બોડી લીડ્સ – તમારી એકેએક ચેષ્ટા કશુંક કહે છે!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બોડી લીડ્સ – તમારી એકેએક ચેષ્ટા કશુંક કહે છે!


ટેક ઓફ – બોડી લીડ્સ – તમારી એકેએક ચેષ્ટા કશુંક કહે છે!

Sandesh – Ardh Saptahik Purti – 16 Sept 2014

ટેક ઓફ

અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ખુદ સ્વીકાર્યું છે કે પેન્ટાગોનમાં વ્યવસ્થિતપણે વિશ્વભરના રાજકીય નેતાઓની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં ચાવીરૂપ ગણાતા મહત્ત્વના એક ડઝન દેશોના મીંઢા વડાપ્રધાનો તેમજ પ્રેસિડેન્ટોના મનમાં શું રમે છે,તેમની ડિસિઝન-મેકિંગ પ્રોસેસ ખરેખર કેવી છે તેનો ક્યાસ કાઢવા માટે અમેરિકાનો સંરક્ષણ વિભાગ રીતસર તેમની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની પ્રગટ ઘોષણાઓ અને પોલિસીઓ જ નહીં, બલકે તેઓ કેવી રીતે હાલે-ચાલે-ઊઠે-બેસે છે તેના પર, એમની શારીરિક ચેષ્ટાઓ અને મુદ્રાઓ પર, તેઓ કહ્યા વિના પણ કહી દે છે તેવાં તમામ નોન-વર્બલ કમ્યુનિકેશન પર અમેરિકા લાંબા સમયથી બિલોરી કાચ ધરીને બેઠું છે!

* * * * *

બોડી લેંગ્વેજ જબરો રસપ્રદ વિષય છે, પણ તેને છીછરો ટાઈમપાસ ગણીને ગંભીરતાથી ન લેનારા ઓછા નથી. બોડી લેંગ્વેજ એટલે આપણી હાલવા-ચાલવા-બેસવા-વાત કરવા-રિએક્ટ કરવાની રીત,જેના પરથી આપણા મનની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તેનો અંદાજ મળી શકે. આપણી જીભ એક વાત કહેતી હોય, પણ શરીર યા તો નોન-વર્બલ કમ્યુનિકેશન સાવ જુદો જ મેસેજ આપતું હોય તેમ બને. બોડી લેંગ્વેજ એક સાયન્સ પણ છે અને આર્ટ પણ છે.

ટીકાકારો કહે છે કે આ એક ઈન્ટેન્જિબલ (સ્પર્શી ન શકાય એવું,ચોક્કસ ધારાધોરણોમાં બાંધી ન શકાય તેવું) શાસ્ત્ર છે અને તેથી તેને સિરિયસલી ન લઈ શકાય. બોડી લેંગ્વેજના ટીકાકારોને ધક્કો ત્યારે લાગ્યો હતો જ્યારે ગયા માર્ચ મહિનામાં અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ખુદ સ્વીકાર્યું હતું કે પેન્ટાગોનમાં વ્યવસ્થિતપણે વિશ્વભરના રાજકીય નેતાઓની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરવામાં આવે છે. ‘બોડી લીડ્સ’ તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટ માટે વાર્ષિક ત્રણ લાખ ડોલરનું બજેટ ફાળવવામાં આવે છે! ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં ચાવીરૂપ ગણાતા મહત્ત્વના એક ડઝન કરતાંય દેશોના મીંઢા વડાપ્રધાનો તેમજ પ્રેસિડેન્ટોના મનમાં શું રમે છે,તેમની ડિસિઝન-મેકિંગ પ્રોસેસ ખરેખર કેવી છે તેનો ક્યાસ કાઢવા માટે અમેરિકાનો સંરક્ષણ વિભાગ રીતસર તેમની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની પ્રગટ ઘોષણાઓ અને પોલિસીઓ જ નહીં, બલકે તેઓ કેવી રીતે હાલે-ચાલે-ઊઠે-બેસે છે તેના પર, એમની શારીરિક ચેષ્ટાઓ અને મુદ્રાઓ પર, તેઓ કહ્યા વિના પણ કહી દે છે તેવાં તમામ નોન-વર્બલ કમ્યુનિકેશન પર અમેરિકા લાંબા સમયથી બિલોરી કાચ ધરીને બેઠું છે. મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપતી વખતે સંભવતઃ એમનું બોડી લેંગ્વેજ એનાલિસિસ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હશે!

એક અભ્યાસ મુજબ આપણે ૫૫ ટકા બોડી લેંગ્વેજ દ્વારા, ૩૮ ટકા અવાજના રણકા દ્વારા અને ફક્ત ૭ ટકા જ શબ્દો દ્વારા વ્યક્ત થતા હોઈએ છીએ! આંકડા અતિશયોક્તિપૂર્ણ હોઈ શકે, પણ આનો સાદો અર્થ એવો તારવવાનો કે આપણે બોલીને જે કહેતાં હોઈએ છીએ તેના કરતાં બોલ્યા વગર ઘણું વધારે કહી દેતા હોઈએ છીએ. અમેરિકા જેવા દેશમાં સર્વોચ્ચ રાજકીય પદ માટે અંતિમ દાવેદારો વચ્ચે જાહેરમાં ડિબેટ યા તો સામસામી ચર્ચા અથવા વાદવિવાદ કરવામાં આવે છે ત્યારે એમની બોડી લેંગ્વેજનું પિષ્ટપેષણ કરવા માટે સીપીઆર (કરિશ્મા, પ્રોફેશનલિઝમ, રેપો) મોડલ અખત્યાર કરવામાં આવે છે. કરિશ્મા ધરાવતા માણસને પોતાના વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરતાં આવડતું હોય છે, એ સંવેદનશીલ હોય છે અને તેનો ઈન્ટર્નલ કંટ્રોલ મજબૂત હોય છે. મતલબ કે એ ઠાવકો અને સૂલઝેલો માણસ હોય છે. સતત કન્ફ્યુઝનમાં જીવતો અને વૈચારિક સ્પષ્ટતા વગરનો માણસ કેરિશ્મેટિક ન હોઈ શકે. માણસ જોશીલો અને છટાદાર હોય તો એનો પ્રભાવ પડી શકે, પણ જરૂરી નથી કે લોકો એને કેરિશ્મેટિક ગણે. એ જ રીતે માણસ પ્રેમાળ અને હૂંફાળો હોય, પણ એની પાસે જો જોશ યા પાવર નહીં હોય તો લોકોને એ ગમશે ખરો, પણ એની એવી છાપ પડી શકે કે એ જાણે સૌને ખુશ કરીને ગૂડ બુક્સમાં આવવા લાલાયિત છે.

બોડી લેંગ્વેજના શાસ્ત્રમાં સેમિઓટિક્સ નામનો એક મહત્ત્વનો શબ્દ છે. સેમિઓટિક્સ એટલે સંજ્ઞાાઓનો અભ્યાસ. તેનાં ત્રણ અંગો છે – સિમેન્ટિક્સ (ચેષ્ટા, ચહેરા પરના હાવભાવ વગેરે), સિન્ટેક્ટિક્સ (એ ચેષ્ટા અને હાવભાવ વખતે ઉચ્ચારાઈ રહેલા શબ્દો વગેરે) અને પ્રેગમેટિક્સ (થિયરીઓ અગાઉ થઈ ચૂકેલા અભ્યાસોના આધારે મૂલ્યાંકન)! ખેર, આ તો ભરખમ શબ્દોની માયાજાળ થઈ, બાકી બોડી લેંગ્વેજના સાદા નિયમો ખરેખર ખૂબ સાદા છે. જેમ કે, સ્મિત જેન્યુઈન હોય ત્યારે આંખો ફરતે કરચલી પડે છે. બનાવટી સ્મિત કરતી વખતે હોઠ તો પહોળા થાય છે, પણ આંખો કોરીધાકોર રહી જાય છે. સ્ટુડિયોમાં યા તો પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે પાડેલા ઘણાખરા ફોટામાં આપણે ઓકવર્ડ લાગતા હોઈએ છીએ એનું કારણ આ જ. મુસ્કુરાહટ સાચી હશે ત્યારે જેમ આંખો ઝીણી થાય છે ને ફરતે કરચલી પડે છે, તેમ ટેન્શન, ભય અથવા આશ્ચર્ય અનુભવતા હોઈએ ત્યારે આપણાં ભંવાં વંકાય છે. કોઈ તમારા ડ્રેસનાં વખાણ કરતું હોય પણ તે વખતે એનાં ભંવાં વંકાયેલાં હોય તો સમજવું કે તારીફ ખોટી છે.

વાતો કરી રહેલા બે માણસોને ખરેખર એકમેકમાં રસ પડી રહ્યો છે એ શાના પરથી ખબર પડે? તેઓ અજાણપણે એકમેકની મુદ્રાઓની નકલ કરવા લાગે ત્યારે. જેમ કે, એક જણો પગ પર પગ ચડાવીને બેસે તો તરત સામેવાળો પણ એવું કરે યા તો ખુરસીને અઢેલીને બેસતા તરત બીજો માણસ પણ એ જ રીતે બેસે તો સમજવું કે બેય વચ્ચે સાચું સંધાન થઈ ગયું છે. આંખોમાં આંખ પરોવીને વાત સાંભળવી તે સારી વાત છે, પણ જો સામેનો માણસ પાંપણ પટપટાવ્યા વિના એકધારો તમારી આંખોમાં તાકી રહ્યો હોય તો સમજવું કે કંઈક ગરબડ છે. જૂઠાબોલા લોકોની નજર સતત ચકળવકળ થતી હોય છે. આવી ઈમ્પ્રેશન ન પડે તે માટે સામેના માણસે બળજબરીથી તમારી આંખોમાં આંખ પરોવી રાખી હોય તે શક્ય છે.

તમે કોઈ મહત્ત્વની મિટિંગ માટે ગયા હો ત્યારે સામેનો માણસ પગ પર પગ ચડાવીને (ક્રોસ-લેગ્ડ) બેસે તો પૂરી સંભાવના છે કે મિટિંગનું ધાર્યું પરિણામ નહીં આવે. માણસ પગની ચોકડી વાળે એનો અર્થ એ થયો કે તેણે માનસિક રીતે કે લાગણીના સ્તરે બારણાં બંધ કરી દીધાં છે. એ હવે સ્વીકૃતિના મૂડમાં નથી. તમે હસતાં હસતાં કોઈક રમૂજી કમેન્ટ કરો ને સામેનો માણસ સ્માઈલ પણ ન કરે તો એ સારો સંકેત નથી. તમે હસો ત્યારે સામેવાળો પણ મુક્તપણે હસે (સાચુકલું, બનાવટી નહીં) તો સમજવું કે તમારી સાથે માનસિક સ્તરે સંધાન કરવામાં એેને રસ છે.

એમી કડી નામનાં એક્સપર્ટ કહે છે કે બોડી લેંગ્વેજ ટુ-વે પ્રોસેસ છે. તમારા મનની સ્થિતિ જો તમારાં હાવ-ભાવ-વર્તાવમાં ઝિલાતી હોય તો એનાથી ઊલટું પણ શક્ય છે. મતલબ કે પેટમાં ભલે પતંગિયાં ઊડતાં હોય, પણ જો તમે પ્રયત્નપૂર્વક કોન્ફિડન્ટ માણસ જેવી બોડી લેંગ્વેજ ધારણ કરો તો શક્ય છે કે તમે ખરેખર આત્મવિશ્વાસનો અનુભવ કરવા લાગો. બોડી લેંગ્વેજના અન્ય મામલાઓમાં પણ આ રિવર્સ થિયરી લાગુ પડે છે. આની સામે એવી દલીલ થઈ શકે કે આ તો બનાવટ થઈ કહેવાય. ભીતર અનુભવતા હોઈએ એના કરતાં બહાર કંઈક જુદું પ્રોજેક્ટ કરવું બરાબર નથી. એમી કડી કહે છે કે તમારે માત્ર બે જ મિનિટ માટે બોડી લેંગ્વેજ બદલવાની છે. લિફ્ટમાં પ્રવેશો ત્યારે, મિટિંગ માટે રૂમમાં દાખલ થાઓ ત્યારે યા તો કોઈ મળવા આવે ત્યારે ફક્ત બે જ મિનિટ માટે આત્મવિશ્વાસથી છલકતા રહેવાનું છે. આટલા ટૂંકા સમયગાળામાં પણ તમારા દિમાગને તમારા શરીર તરફથી પોઝિટિવ સિગ્નલ મળી જશે ને તમારા બ્રેઈનમાં આત્મવિશ્વાસવર્ધક અંતઃસ્ત્રાવનું લેવલ ઉપર જશે!

થિયરીમાં દમ છે? તમને શું લાગે છે?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.