ટેક ઓફ – નવરાત્રિ – ઢોલ, નગારાં, લોહી અને શેરોવાલી!
Sandesh – Ardh Saptahik Purti – 24 Sept 2014
ટેક ઓફ
‘તેઝાબ’માં સ્થાનિક ગુંડો મુન્નો (અનિલ કપૂર) હનુમાન ગલીના ડિસ્કો દાંડિયામાં પહોંચી જાય છે. પછી પોતાની ટિપિકલ ટપોરી હિન્દીમાં કાચુંપાકું ગુજરાતી ઉમેરીને અનાઉન્સ કરે છેઃ “આજ કી રાત મા દેવીમાની રાત છે… જીન્હેં બડે બડે દુર્જનો કા નાશ કિયા… બજાવ… વગાડો…” ને પછી શરૂ થાય છે ડિસ્કો ડાંડિયાની રમઝટ. આ માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ સિકવન્સ છે, જે પૂરી થઈ ગયા પછી અનિલ કપૂર પાછો બૂમ પાડે છેઃ “અરે પતી ગયો… ખલાસ થઈ ગયો…!” યુટયુબ પર ‘તેઝાબ’ના આ ડિસ્કો ડાંડિયા સાંભળજો. મજા આવશે.
* * * * *
ગામની હવેલીની વચ્ચોવચ ચોકમાં રંગોની છાકમછોળ છે. “હેજી રે… ઊડે ઊડે મન ઊડે… પર ઊડે મન સંગ ઊડે…” કરતો ઢોલી દુહો લલકારે છે અને તે સાથે એક રમણી અને બાંકા જવાન વચ્ચે આંખોઆંખોમાં મસ્તી શરૂ થાય છે. બન્ને એકમેક માટે સાવ અજાણ્યાં છે, પણ તેમની વચ્ચે કશુંક ક્લિક થઈ ગયું છે. કેડિયું-ચોરણી ધારણ કરેલો જુવાન ઈશારાથી પડકાર ફેંકે છેઃ ખુદનો ગાલ ગુલાલથી રંગવામાં શી બહાદુરી? જો ખરી હો તો મારા હોઠ રંગી જો, તારા હોઠના રંગથી! એને એમ કે ચણિયાચોળીમાં સજ્જ યુવતી શરમાઈને નાસી જશે, પણ આ તો બોલ્ડ અને બિન્ધાસ્ત કન્યા છે. જુવાનની આંખોમાં સતત આંખો પરોવી રાખીને એ મક્કમતાથી નજીક આવે છે, પેલાને નજીક ખેંચે છે અને એ કંઈ સમજે તે પહેલાં નાજુકાઈથી તેના હોઠ ચૂમી લે છે! બીજી જ ક્ષણે ઉછળી ઉછળીને ગરબે ઘૂમી જુવાનિયાઓના વર્તુળમાં ભળી જાય છે. મદહોશ થઈ ગયેલો યુવક પણ પાછળ પાછળ જોડાય છે અને બેકગ્રાઉન્ડમાં ગીત ગુંજી રહ્યું છેઃ ‘લહુ મુંહ લગ ગયા… સોયા થા નસ નસ મેં અબ જગ ગયા… હે… લહુ મુંહ લગ ગયા!’
સંજય ભણસાલીની ‘રામ-લીલા’ ફિલ્મનું આખું શરીર રણઝણાવી મૂકે તેવું આ કમાલનું ગીત, જે આવનારા દાયકાઓ સુધી ગુંજતું રહેવાનું છે. દીપિકા પદુકોણનું એ અદ્ભુત રૂપ અને ગરબાની મુદ્રાઓ લોકો ભૂલી શકવાના નથી. ફિલ્મના ઉત્તરાર્ધમાં ગરબા શૈલીનું બીજું ગીત છે અને તે પણ એટલું જ અસરકારક છે. હવે તેમનો પ્રેમ કદાચ નિર્ભેળ રહ્યો નથી, તેમાં વેર અને વેદનાનાં ઝેરી ટીપાં ઉમેરાઈ ચૂક્યાં છે. નાયક-નાયિકા અને તેમના પરિવારો વચ્ચે ઘણું બધું બની ચૂક્યું છે. પતિ હવે પરોણો બનીને ઘરે આવ્યો છે. હીરો રણવીર સિંહ તેમજ મા સુપ્રિયા પાઠક સામે દર્શક થઈને બેઠાં છે. ઘેરા તનાવના માહોલમાં રતુંબડા કપડાંમાં સજ્જ દીપિકા ભીની આંખે આક્રોશપૂર્વક શરૂઆત કરે છેઃ ‘હે…ધિન તણાક ધિન તણાક આજા ઉડ કે સરાત પેરોં સે બેડી જરા ખોલ… નગારા સંગ ઢોલ બાજે, ઢોલ બાજે… ધાંય ધાંય ઢમ ઢમ ધાંય…’
આમ તો ‘લીલી લીમડી રે…’ અસંખ્ય વખત આપણા કાન પર પડી ચૂક્યું છે, પણ ‘રામ-લીલા’ના આ ગીતમાં એને જે રીતે વણી લેવામાં આવે છે તે જોઈ-સાંભળીને આનંદ થાય છે. આ જ ફિલ્મમાં ટ્રેડિશનલ ફોર્મમાં ફિલ્માવાયેલું ‘ભાઈ ભાઈ’ ગીત છે અને અફકોર્સ, ફિલ્મનો ઉઘાડ જ ઝવેરચંદ મેઘાણીના અમર ગીત ‘મન મોર બની થનગાટ કરે’થીના ઓડિયો વર્ઝનથી છે. ‘રામ-લીલા’ થિયેટરમાં બીજી વાર જોવાનું મન થયું હોય તો તે ફ્ક્ત તેના રાસ-ગરબાની રમઝટને કારણે.
છેલ્લાં વર્ષોમાં હિન્દી સિનેમામાં રાસ-ગરબાને શાનથી અને સ્ટાઈલથી ધબકતા રાખવા બદલ સંજય ભણસાલીને ફુલ માર્ક્સ આપવા પડે. ‘હમ દિલ દે ચુકે સનમ’ (૧૯૯૯)માં ઐશ્વર્યા રાય અને સલમાન ખાન પર ફિલ્માવાયેલાં ‘ઢોલી તારો ઢોલ બાજે’ ગીતે તરખાટ મચાવી દીધો હતો. ‘લહુ મુંહ લગ ગયા’ ગીતનાં મૂળિયાં ‘ઢોલી તારો ઢોલ બાજે’માં છે. એ જ રીતે હવામાં ફેંકાતો ગુલાલ, બુલંદ અવાજે લલકારાતો દુહો, ઐશ્વર્યા-સલમાન વચ્ચે છેડછાડ, ચડસાચડસી અને પછી તરત જ ‘ઝનનન ઝનઝનાટ ઝાંઝર બાજે રે આજ… ટનનન ટનટનાટ મંજીરા બાજે… ઘનનન ઘનઘનાટ ગોરી કે કંગના… આજ છનનનન છનછનાટ પાયલ સંગ બાજે… બાજે રે બાજે રે ઢોલ બાજે…” અને પછી વિદ્યુતના તરંગોની ગતિથી ઉછળતાં જુવાન શરીરો!
ભરપૂર ગ્લેમર અને ઝાકઝમાળની વચ્ચે રાસ-ગરબાના ફોર્મનું સત્ત્વ જાળવી રાખવું અને સાથે સાથે ધારી એસ્થેટિક અસર ઉપજાવવી – આવું કોમ્બિનેશન અચિવ કરવું સહેલું નથી. ઐશ્વર્યા અને દીપિકા જેવી સાઉથ ઈન્ડિયન હિરોઈનો પાસે ગુજરાતણો પણ શરમાઈ જાય એવા અદ્ભુત ગરબા કરાવવા કદાચ એનાથીય વધારે અઘરું છે. આનો જશ સંજય ભણસાલીને આપવો જ પડે. ‘રામ-લીલા’ના તો મ્યુઝિક કમ્પોઝર તરીકેની ક્રેડિટ પણ તેમના નામે છે.
ફિલ્મી રાસ-ગરબાની વાત આવે ત્યારે ‘સુહાગ’ (૧૯૭૯) ફિલ્મનો અમિતાભ બચ્ચન-રેખા પર ફિલ્માવાયેલો રાસ અચૂક યાદ આવે. મહોલ્લાની વચ્ચે મંદિર રોશનીથી ઝળહળી રહ્યું છે. ગર્ભદ્વારની સામે ઘૂમતા ખેલૈયાઓની વચ્ચે પીળા ઝભ્ભા પર કમરે ગુલાબી દુપટ્ટો બાંધીને યુવાન અમિતાભ બચ્ચન દુહા શૈલીમાં શરૂઆત કરે છેઃ ‘કાલ કે પંજે સે માતા બચાઓ… જય મા અષ્ટભવાની…’ ને પછી મુખ્ય ગીતઃ ‘એ નામ રે… સબ સે બડા તેરા નામ… શેરોવાલી… ઊંચે ડેરોવાલી… બિગડે બના દે મેરે કામ નામ રે…’ તરત ડાંડિયા ટકરાવતી રૂપકડી રેખા આ પંક્તિ ઝીલી લે છે. મોહમ્મદ રફી -આશા ભોંસલેનો અવાજ ને લક્ષ્મીકાંત -પ્યારેલાલનું સંગીત. મુખડું પૂરું થતાં જ અમઝદ ખાન સાધુનો છદ્મવેશ ધારણ કરીને એન્ટ્રી મારે છે અને ઝુમાવી દેતાં આ ગીતના ભક્તિભાવમાં ટેન્શનનો અન્ડરકરન્ટ ઉમેરાઈ જાય છે.
‘તેઝાબ’ (૧૯૮૮) એટલે માધુરી દીક્ષિત, તેનો ‘એક દો તીન’નો ડાન્સ અને બહુ બહુ તો અનિલ કપૂર એટલું જ આપણને યાદ રહ્યું છે, પણ આ ફિલ્મમાં ડિસ્કો ડાંડિયાની એક અફલાતૂન સિકવન્સ પણ હતી તે ભુલાઈ ગયું છે. સીન એવો છે કે સ્થાનિક ગુંડો મુન્નો હનુમાન ગલીના દાંડિયામાં પહોંચી જાય છે. પછી પોતાની ટિપિકલ ટપોરી હિન્દીમાં કાચુંપાકું ગુજરાતી ઉમેરીને અનાઉન્સ કરે છેઃ “આજ કી રાત મા દેવીમાની રાત છે… જીન્હેં બડે બડે દુર્જનો કા નાશ કિયા… બજાવ… વગાડો…” ને પછી શરૂ થાય છે ડિસ્કો ડાંડિયાની રમઝટ, જેમાં કેટલાંય હિટ ફિલ્મી ગીતોની ટયૂનો સંભળાય છે. આ માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ સિકવન્સ છે, જે પૂરી થઈ ગયા પછી અનિલ કપૂર પાછો બૂમ પાડે છેઃ “અરે પતી ગયો… ખલાસ થઈ ગયો…!” યુટયુબ પર ‘તેઝાબ’ના આ ડિસ્કો ડાંડિયા સાંભળજો. મજા આવશે. આના કંપોઝર પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલ.
ગુજરાતી મ્યુઝિક કંપોઝર બેલડી કલ્યાણજી-આનંદજીએ હિન્દી સિનેમામાં એક કરતાં વધારે રાસ-ગરબા આપ્યા છે. સૌથી પહેલાં તો ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮)નો આ યાદગાર ગરબોઃ ‘મૈં તો ભુલ ચલી બાબુલ કા દેસ પિયા કા ઘર પ્યારા લાગે…’ ગોવિંદ સરૈયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં નૂતન પર ગરબો ફિલ્માવાયેલો હતો. શબ્દો ઈંદિવરના હતા. પછીના વર્ષે ‘સટ્ટાબજાર’ નામની ફિલ્મ આવી હતી. રવીન્દ્ર દવેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં બલરાજ સહાની અને મીનાકુમારીની મુખ્ય ભૂમિકાઓ હતી. આ ફિલ્મ માટે કલ્યાણજી-આણંદજીએ કમ્પોઝ કરેલાં અને હસરત જયપુરીએ લખેલાં ગરબા પ્રકારનાં ગીતના શબ્દો જુઓઃ ‘જરા ઠહરોજી અબ્દુલ ગફાર… રૂમાલ મેરા લેકે જાના…’ કંઈ યાદ આવે છે? ‘મારી સગી નણદલડીના વીરા… રૂમાલ મારો લેતા જાજો’ના પડઘા સંભળાયા? બસ, ગીતનો રાગ પણ આ ગુજરાતી લોકગીત પર આધારિત છે. ગીત ગાયું છે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરે.
તે પછીના વર્ષે એટલે કે ૧૯૭૦માં ‘પ્રિયા’ નામની ફિલ્મ આવી. ગોવિંદ સરૈયાનું ડિરેક્શન અને આપણા કચ્છીમાડુઓનું સંગીત. સંજીવકુમાર અને તનુજાને ચમકાવતી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ માટે ઈંદિવરે લખેલું એક ગીત લતાએ ગાયુું છેઃ ‘મીઠે મધુ સે મીઠી મીસરી રે લોલ… પર સબ સે મીઠે હૈં માં કે બોલ…’ ગીતની ધૂન અને કમ્પોઝિશન બિલકુલ ગરબા જેવા છે, પણ કોણ જાણે કેમ સ્ક્રીન પર દેખાતી સન્નારીઓની વેશભૂષા તેમજ ડાન્સના સ્ટેપ આદિવાસી નૃત્યની યાદ અપાવે છે!
૧૯૫૫માં નિરુપા રોય-મનહર દેસાઈને હીરો-હિરોઈન તરીકે ચમકાવતી એક હિન્દી ફિલ્મ આવી હતી. રમણ વી. દેસાઈ ડિરેક્ટર હતા. પૌરાણિક થીમવાળી આ ફિલ્મમાં ચિત્રગુપ્તનું સંગીત હતું. ફિલ્મનું ટાઈટલ ‘નવરાત્રિ’ હતું, પણ વિચિત્રતા એ હતી કે આમાં સમ ખાવા પૂરતો એક પણ રાસ કે ગરબો નહોતો! એમ તો ૧૯૫૪માં ‘દુર્ગા પૂજા’ નામની ફિલ્મ પણ આવી હતી. નિરુપા રોય-ત્રિલોક કપૂરને ચમકાવતી આ ફિલ્મના ડિરેક્ટર પણ ગુજરાતી હતા- ધીરુભાઈ દેસાઈ. રાસ-ગરબા જેવું આ ફિલ્મમાં પણ કશુંય નહોતું.
હિન્દી સિનેમામાં આ સિવાય પણ કેટલાંક ગરબાગીતો આવ્યાં છે. કયાં કયાં? આનો ઉત્તર તમારે આપવાનો છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply