Sun-Temple-Baanner

ચોલી મેં દિલ હૈ મેરા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ચોલી મેં દિલ હૈ મેરા


Take off – ચોલી મેં દિલ હૈ મેરા

Sandesh – Ardh Saptahik Purti – 17 Dec 2014

મુંબઈની લો ક લ ટ્રેનમાં મધરાત સુધી ભટકયાં કરતી સડકછાપ વેશ્યા, ભીતરથી કુંઠિત થઈ ગયેલો યુવાન પોલીસ અને એક પશ્ચાદભૂમાં પડઘાતું ગીત… આજ જાને કી ઝીદ ના કરો!

* * * * *

એ વેશ્યા છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં મધરાત સુધી ભટકયાં કરતી લગભગ સડકછાપ રુપજિવીની. ઉંમર હશે પચ્ચીસેક વર્ષની આસપાસ. ચળકતાં ટાઈટ કપડાં. રુપને ઑર ભડકામણું કરી મૂકતો મેકઅપ. હાથમાં સસ્તું પર્સ ને એમાં જાતજાતનો સામાન. એનાં લટકાંમટકાં એવાં છે કે તરત બીજાઓનું ધ્યાન ખેંચાય. એની ભાષા અને આખું વ્યકિતત્ત્વ ખડબચડાં છે, પણ એનાં તોછડાં અલ્લડપણામાં એવું કશુંક તત્ત્વ છે જે તમને કહે છે કે આ માનવપ્રાણી પાસે શરીર સિવાય પણ કશુંક છે. આ કશુંક એટલે કદાચ એનું ડહાપણ અથવા તો જિંદગીનાં કુરુપ સત્યો વિશેની સમજદારી, જે કારમી ચોટ ખાઈ ખાઈને ટીપે ટીપે ભીતર જમા થઈ છે. જેમે જેમ તમે એને ઓળખતા જાઓ છો તેમ તેમ તમે એને કેવળ માદા તરીકે નહીં, પણ એક સ્ત્રી તરીકે જોવા લાગો છે. એવી સ્ત્રી જેની પાસે એક ઘબકતું દિલ છે જેમાં લાગણીનાં સ્પંદનો જાગી શકે છે, જેના દિમાગમાંથી વિચારોના તણખા ફૂટી શકે છે. આ સ્ત્રીનાં ભદ્દા બાહૃા આવરણની નીચે કમાલની માસૂમિયત છૂપાયેલી છે. તમને સમજાય છે કે આસપાસનું ભલે બધું ક્રૂર રીતે છેદાઈ-ભેદાઈ ગયું હોય, પણ નિર્દોષતાનો એક ટાપુ એની ભીતર સલામત રહી ગયો છે.

…અને એક યુવાન પોલીસ છે. ખડૂસ. પોલીસોની પ્રવર્તમાન ઈમેજમાં મિસફિટ કહેવાય એવો સાચુકલો. એ સતત સહમેલો રહે છે. એ ખૂલીને વાત ભલે ન કરી શકતો હોય, પણ તમને એટલું જરુર સમજાય છે કે આ માણસની અંદર કશુંક બહુ જ ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગયું છે. કશાક કારમા સંઘાતને લીધે એ થીજી ગયો છે, કુંઠિત થઈ ગયો છે. આ એકલવાયા માણસની કઠોરતાની નીચે તમને એક પ્રકારની અસહાયતા સળવળતી દેખાય છે. તમે એ પણ જોઈ શકો છો કે એની ભીતર એક જ્વાળામુખી ભભૂકી રહૃાો છે જે કોઈ પણ ક્ષણે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી શકે તેમ છે.

એક વેશ્યા અને એક પોલીસ – આવાં બે કિરદાર એક મોડી રાતે મુંબઈની લાસ્ટ લોકલમાં આકસ્મિકપણે અથડાઈ જાય તો એમની વચ્ચે શું બને? કેવી કેમિસ્ટ્રી સર્જાય? કેવી શકયતાઓ આકાર લે? આ પ્રશ્નોનો અફલાતૂન ઉત્તર એટલે સૌમ્ય જોશીનું લેટેસ્ટ ગુજરાતી નાટક “આજ જાને કી ઝીદ ના કરો”. અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ માત્ર ગુજરાત તેમજ મુંબઈની ગુજરાતી રંગભૂમિને જ નહીં, બલ્કે તેના ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંય સહજતાપૂર્વક કરી રહૃાા છે. એમનાં આ પહેલાંનાં બન્ને સુપરડુપર હિટ નાટકો “વેલકમ જિંદગી” અને “૧૦૨ નોટઆઉટ” પ્રેક્ષકોએ દિલપૂર્વક માણ્યા છે. જરાય સ્થૂળ બન્યા વગર, કળાના નામે અર્થહીન બૌદ્ધિક પટ્ટાબાજી ખેલ્યા વગર શી રીતે રંગભૂમિનું સત્ત્વ અને એસ્થેટિકસ જાળવી શકાય, શી રીતે પ્રેક્ષકને સતત જકડી રાખીને યાદગાર મનોરંજન પૂરું પાડી શકાય તે સમકાલીન ગુજરાતી નાટયજગતમાં સૌમ્ય કરતાં બહેતર કદાચ બીજું કોઈ જાણતું નથી. એક પછી એક શ્રેષ્ઠ મૌલિક ગુજરાતી નાટકો આપતો આ રંગકર્મી જ્યારે બીજી ભાષાનું નાટક એડપ્ટ કરે ત્યારે તે ઘટના પણ કુતૂહલ અને અભ્યાસનો વિષય બની જતી હોય છે.

“આજ જાને કી ઝીદ ન કરો”નાં મૂળિયાં “પ્રપોઝલ” નામનાં મરાઠી નાટકમાં દટાયેલાં છે. પ્રેક્ષકને ચકિત કરી નાખે, એને હચમચાવીને સ્તબ્ધ કરી મૂકે એવું માતબર આ નાટક છે. સુરેશ ચિખલેએ તે લખ્યું છે ને રાજન ત્હામણેએ ડિરેકટ કર્યું છે. બોકસઓફિસ પર પણ સુપરહિટ. સૌથી પહેલાં તો આવાં જોખમી નાટકને કમર્ર્શિયલ ગુજરાતી રંગભૂમિ પર લાવવાનું વિચારવું એ જ હિંમતની વાત છે. પ્રશ્નો ઘણા હતા. સોશ્યલ કોમેડી નાટકો જોવા ટેવાયેલો ટિપિકલ ગુજરાતી પ્રેક્ષક ભૂંડા ચાળા કરતી ને અપશબ્દો બોલતી વેશ્યાવાળું બોલ્ડ નાટક સ્વીકારી શકશે? મરાઠીમાં મુંબઈની સેકસવર્કર અને તેની આસપાસ રચાતું વાતાવરણ સહજ લાગે, પણ મોબાઈલ પર ઘરાકના ઓર્ડર લેતી ગુજરાતી વેશ્યા અપિરિચિત માહોલ પેદા કરી નાખશે એનું શું? આવાં કિરદારને અને એની વાર્તાને કઈ રીતે બિલીવેબલ બનાવવાં?

“આજ જાને કી ઝીદ ના કરો”માં રુપજીવિનીની ભુમિકા ગજબની પ્રભાવશાળી ઢંગથી પેશ કરનાર અભિનેત્રી જિજ્ઞાા વ્યાસ કહે છે, “મુંબઈમાં કયારેક નાઈટ શો પતાવીને લોકલ ટ્રેનમાં જતી વખતે કદાચ એકાદ-બે વાર આ પ્રકારની સેકસવર્કરને જોઈ હશે, પણ એ સિવાય આ પ્રકારની સ્ત્રીઓની રહેણીકરણી અને રંગઢંગ વિશે મને કશી જ ખબર નહોતી. તેથી આ નાટકમાં મારે ઓબ્ઝર્વેશન નહીં, પણ પ્યોરલી ઈમેજિનેશનથી કામ લેવાનું હતું. અમને છોકરીઓને કોઈ પુરુષ અડધી મિનિટ માટે તાકયા કરતો તો એટલું પણ સહન થતું હોતું નથી ત્યારે આ પ્રકારની સ્ત્રીઓ કેવી રીતે જીવતી હશે? માણસ તરીકે એ કેવી હોય, એ શું અનુભવતી હોય? આ બધું જાણવામાં મને ખૂબ રસ પડયો. મને સમજાતું હતું કે ખૂબ મહેનત કરવી પડશે, પણ મારે આ રોલ કરવો જ હતો.”

હોમવર્કના ભાગ રુપે મન્ટોની વાર્તાઓ વંચાઈ. “બોર્ન ઈનટુ બ્રોથેલ” નામની ઓસ્કરવિનર ડોકયુમેન્ટરી, પ્રોસ્ટિટયુટનાં પાત્રવાળી દેશવિદેશની કેટલીક ફિલ્મો જોવાઈ. શરુઆતમાં એવું નક્કી થયું હતું કે સૌમ્ય જોશી ફકત કાગળ પર નાટક ગુજરાતીમાં રુપાંતરિત કરે અને મૂળ ડિરેકટર રાજન ત્હામણે જ ગુજરાતી વર્ઝન ડિરેકટ કરે. સૌમ્યનું લિખિત-દિગ્દર્શિત “વેલકમ જિંદગી” જોયા પછી “૧૦૨ નોટઆઉટ” જોવા રાજન મુંબઈથી છેક અમદાવાદ ગયા. તે જોયા પછી એમણે વિચાર ફેંસલો સુણાવી દીધોઃ સૌમ્ય, ગુજરાતી વર્ઝનનું ડિરેકશન પણ તમે જ કરો! સૌમ્યને પોતે જ લખેલાં નાટકો ડિરેકટ કરવાની આદત, પણ આ વખતે એમણે બીજા કોઈનાં ચિત્તમાં જન્મેલાં પાત્રોેનો પુનર્જન્મ કરાવવાનો હતો.

“રિહર્સલનાં પહેલાં ૨૮ દિવસ મેં બિલકુલ ડિરેકશન ન કર્યું,” સૌમ્ય કહે છે, “હું લખી-લખીને કાગળો જિજ્ઞાા અને જયેશ (મોરે, પોલીસની ભુમિકા ભજવનાર તગડો કલાકાર)ને આપતો જાઉં. એ બન્ને વાચિક અભિનય કરે, પોતાની રીતે પાત્રનો ઘાટ ઘડવાનો પ્રયત્ન કરે. મારાં ઈનપુટ્સ ઓછામાં ઓછા હોય. આ વખતે મેં નક્કી કર્યું હતું કે એકટરો પોતે એક વાર કલર પકડે પછી જ ડિરેકટર તરીકે હું હસ્તક્ષેપ કરવાનું શરુ કરીશ. તેથી એકટરોને શરુઆતથી હેલ્પ કરવાને બદલે તેમને પછીથી મોલ્ડ કર્યા.”
ગુજરાતી વર્ઝનમાં વેશ્યાના લગભગ અડધોઅડધ સંવાદો હિન્દીમાં લખીને સૌમ્યએ સ્માર્ટ પગલું ભર્યું છે. અમુક સંવાદો ગુજરાતીમાં સંભવતઃ બેહૂદા લાગ્યા હોત, પણ હિન્દીમાં તે ધારી અસર ઊપજાવીને સડસડાટ પસાર થઈ જાય છે. સૌમ્ય કહે છે, “શરુઆતની રીડીંગ સેશન દરમિયાન જિજ્ઞાા કયારેક કહેતી કે, મારું પાત્ર આવું ન બોલે. એ પોતાની રીતે અમુક વાકયોને હિન્દીમાં ફેરવી નાખતી. શરુઆતની દસ મિનિટના નાટકની પ્રોસેસ દરમિયાન આવું બન્યું. તે પછી મેં જિજ્ઞાાની રિધમ અપનાવી લીધી અને એ જ ઢાળમાં ગુજરાતી-હિન્દી મિશ્ર ભાષામાં લખતો ગયો.”

સૌમ્યએ ગુજરાતી વર્ઝનમાં નાના-મોટા ઘણાં ફેરફારો કર્યા છે. બન્ને પાત્રો વચ્ચે ક્રમશઃ બંધાતી જતી લાગણીનો આલેખ અસરકારક બનાવવા માટે કેટલાંક સ્ટ્રકચરલ ફેરફારો કરવા જરુરી હતા. જેમ કે, નાયક પોલીસ છે તે વિગત મરાઠી વર્ઝનમાં ઈન્ટરવલ પોઈન્ટ પર ખૂલે છે, પણ સૌમ્ય આ વાત નાટકની શરુઆતમાં જ એસ્ટાબ્લિશ કરી દે છે. જો બન્ને કિરદારોનાં પ્રોફેશન પહેલેથી સ્પષ્ટ થાય તો જ તેમની વાતચીત માટેનું કોમન ગ્રાઉન્ડ વધારે સારે રીતે રચાય એવું સૌમ્યનું માનવું હતું. સેકન્ડ એકટમાં પણ લવસ્ટોરીને વધારે સુરેખ અને તાર્કિક બનાવવામાં આવી. સૌથી નાટયાત્મક પરિવર્તન નાટકમાં અંતમાં કરવામાં આવ્યું છે, પણ તેના વિશે અહીં વધારે કહેવું નથી. તે તમારે સ્વયં જોઈ લેવાનું છે.

જિજ્ઞાા ધરાર ઓછાં નાટકો કરે છે, પણ જે કરે છે એમાં જીવ રેડી દે છે. કયાં “વેલકમ જિંદગી”ની પંચાવન વર્ષીય ગૃહિણી ને કયાં “આજ જાને કી ઝીદ ના કરો”ની વેશ્યા. એ કહે છે, “”વેલકમ જિંદગી”માં એવી કેટલીય લાઈન્સ છે કે જેમાં સીધું લાફ્ટર ફૂટે, પણ “આજ જાનેકી…”માં ઓડિયન્સનું રિસ્પોન્સ મિકેનિઝમ અલગ પ્રકારનું છે. અહીં સ્ટેજ પર જે કંઈ ચાલે છે તે જોઈને ઓડિયન્સ ગંભીર થઈ જાય છે, ખામોશ બની જાય છે. આ ખામોશીની ભાષા સમજવી જરુરી છે. શું ઓડિયન્સ નાટકમાં એકદમ ખૂંપી ગયું છે એટલે ખામોશ છે કે પછી એને નાટક જરાય સ્પશ્યું નથી એટલે ચુપચાપ બેઠું છે? આવા સમયે એકટર તરીકેનો તમારો અનુભવ કામે લાગે છે.”

નાટક દરમિયાન સ્તબ્ધ બેઠેલું ઓડિયન્સ જાણે સાટું વાળી દેતા હોય તેમ પડદો પડતા જ પોતાની સીટ પર ઊભા થઈને તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ છલકાવી દે છે. તાળીઓના આ ગુંજારવમાં જાણે કે તમને ગુજરાતી ઓડિયન્સની પરિપકવતા, સજ્જતા અને પોતાને ઓછા ન આંકવાની વિનંતી પણ સંભળાય છે. નાટકમાં એક વેશ્યાના દિલની વાત થઈ છે એટલે સૌમ્ય એક તબક્કે નાટકનું ટાઈટલ “ચોલી મેં દિલ હૈ મેરા” રાખવા માગતા હતા. ટેકિનકલી આ શીર્ષક ભલે નાટકની વાર્તા સાથે બંધ બેસતું હોય, પણ ગુણવત્તાસભર નાટકો માટે પંકાયેલા પ્રોડયુસર મનહર ગઢિયાએ તેમને વાર્યા હતા કે સૌમ્ય, આ ટાઈટલ વાંચીને ભળતું જ ઓડિયન્સ નાટક જોવા આવી જશે! વેલ, હકીકત એ છે કે ના-ટ-કમાં રસ પડતા તમામ પ્રેક્ષકોએ “આજ જાને કી ઝીદ ના કરો” માણવું જ પડે. જીદપૂર્વક!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.