Sun-Temple-Baanner

એ પાકિસ્તાનીઓ..


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એ પાકિસ્તાનીઓ..


ટેક ઓફ : એ પાકિસ્તાનીઓ..

Sandesh – Ardh Saptahik Purti – 20 May 2015

ટેક ઓફ

“અત્યારે પાકિસ્તાની લેખકો તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હોય તો એ કંઈ એટલા માટે નહીં કે અમે દુનિયાને પાકિસ્તાનની સમસ્યાઓ વિશે જાણકારી આપવા માગીએ છીએ. સચ્ચાઈ એ છે કે અમે લખી રહ્યા છીએ ખુદની વૈચારિક સ્પષ્ટતા માટે. સૌથી પહેલાં અમારે સમજવું પડશે કે પાકિસ્તાનનો પ્રોબ્લેમ શો છે.”

* * * * *

પાકિસ્તાન એટલે વિભાજન પછી સતત આપણું લોહી પીધા કરતો દેશ, પાકિસ્તાન એટલે ક્યારેય સખણો ન બેસી શકતો દેશ, પાકિસ્તાન એટલે ખતરનાક આતંકવાદીઓ તૈયાર કરીને ભારત પર છોડી મૂકતો દેશ, પાકિસ્તાન એટલે ઓસામા બિન લાદેન અને દાઉદ ઇબ્રાહિમ જેવાઓની આળપંપાળ કરતો દેશ, પાકિસ્તાન એટલે આખી દુનિયાની શાંતિ સામે ખતરો ઊભો કરતો દેશ. ટૂંકમાં, પાકિસ્તાન એટલે એકધારા લોહીઉકાળા. એવરેજ હિન્દુસ્તાનીનાં મનમાં પાકિસ્તાન વિશેના આ પ્રકારના ખયાલોએ એટલી બધી જગ્યા રોકી લીધી છે કે પાડોશી દેશનાં અન્ય પાસાં વિશે એ ખાસ વિચારતો નથી. હા, આપણે પાકિસ્તાની ક્રિકેટરોને જાણીએ છીએ, કેમ કે એ ક્રિકેટરો છે. આપણે ગુલામ અલી અને મહેંદી હસનથી માંડીને રાહત ફતેહ અલી ખાં અને આતિફ અસલમ જેવા આંગળીને વેઢે ગણી શકાય એટલાં ગાયકોનાં નામ-કામથી પરિચિત છીએ. એમ તો સઆદત હસન મન્ટોની વાર્તાઓ પણ આપણે માણી છે, પણ આ સૌને બાદ કરતાં પાકિસ્તાનનાં વર્તમાન આર્ટ-એન્ડ-કલ્ચરલ સિનારિયા વિશે કે પાકિસ્તાનની આમજનતા વિશે આપણા મનમાં ખાસ કુતૂહલ નથી. તે આપણા આકર્ષણનો વિષય જ નથી.

પણ આજે કેટલાક એવા પાકિસ્તાની લેખકો વિશે વાત કરવી છે, જેમણે આંતરરાષ્ટ્રીય સાહિત્યિક વર્તુળોમાં ખ્યાતિ મેળવી છે. તેમના વિશે જાણતી વખતે સહેજ અટકી જવાય છે, કેમ કે પાકિસ્તાનીઓ વિશેની આપણી ટિપિકલ થિંકિંગ પેટર્ન કરતાં આ જરા જુદું છે. નદીમ અસલમ એવોર્ડવિનિંગ નવલકથાકાર છે. ‘સીઝન ઓફ ધ રેઇનબર્ડ્સ’ (૧૯૯૪), ‘મેપ્સ ફોર લોસ્ટ લવર્સ’ (૨૦૦૪), ‘ધ વેસ્ટેડ વિજિલ્સ’ (૨૦૦૮) વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. પાકિસ્તાનમાં પંજાબના ગુજરાનવાલા નામના નાનકડા શહેરમાં જન્મેલા નદીમ ઉર્દૂ મીડિયમ સ્કૂલમાં ભણ્યા છે. એમના પિતા સામ્યવાદી કવિ હતા. જનરલ ઝિયા-ઉલ-હકના શાસનકાળ દરમિયાન એમણે પરિવાર સહિત પાકિસ્તાન છોડીને ભાગવું પડયું હતું. ઇંગ્લેન્ડમાં તેમને રાજકીય આશ્રય મળ્યો. નદીમ અસલમ એ વખતે માંડ ચૌદ વર્ષના. યોર્કશાયરની એક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે નદીમને ‘ધિસ ઇઝ બેટ… ધિસ ઇઝ કેટ’લેવલનું અંગ્રેજી માંડ આવડતું હતું.

“જો પાકિસ્તાનમાં ઉર્દૂ મીડિયમમાં જ આગળ ભણ્યો હોત તો મેં ઇતિહાસ, સાહિત્ય, સોશિયોલોજી જેવા વિષયો પસંદ કર્યા હોત,પણ ઇંગ્લેન્ડ શિફ્ટ થયા પછી મારે ફરજિયાત સાયન્સ-મેથ્સ પસંદ કરવાં પડયાં, કેમ કે આ વિષયો અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ન હોય તો પણ ભણી શકાય છે. યુનિર્વિસટીમાં હું બાયોકેમિસ્ટ્રીનું ભણતો હતો, પણ થર્ડ યરમાં આવ્યો ત્યાં સુધીમાં સમજાઈ ગયું કે આ કંઈ મારા રસનો વિષય નથી. વળી, ત્યાં સુધીમાં મારુંં અંગ્રેજી પણ ઠીક ઠીક થઈ ગયું હતું. મેં ભણવાનું પડતું મૂક્યું અને અંગ્રેજીમાં નવલકથા લખવાનું શરૂ કર્યું. ‘સીઝન ઓફ ધ રેઇનબર્ડ્સ’ પૂરી કરતાં મને અગિયાર વર્ષ લાગ્યાં!”

આ વાતો નદીમે સુનીલ સેઠી નામના અંગ્રેજી કોલમનિસ્ટ-કમ-ટીવી પ્રેઝન્ટરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરી છે. સુનીલ સેઠીને આપણે ‘જસ્ટ બુક્સ’ નામના ટીવી શોમાં જોયા છે. પાકિસ્તાનમાં જન્મેલા એક માણસનું અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાાન ટીનેજ થાય ત્યાં સુધી સાવ પ્રાથમિક હોય, પણ આગળ જતાં એ અંગ્રેજીમાં એવોર્ડવિનિંગ નવલકથાઓ લખવા માંડે એ વાત ઇન્ટરેસ્ટિંગ તો ખરી જ.

‘ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ,’ ૪૯ વર્ષીય નદીમ અસલમ કહે છે, “આમેય નાનપણમાં તમે કોઈ પણ નવી વસ્તુ ઝડપથી શીખી શકો છો. એવા કેટલાય લેખકો છે જે મોડેથી અંગ્રેજી શીખ્યા હોય અને પછી એ ભાષામાં સરસ સાહિત્યસર્જન કર્યું હોય. (‘લોલિતા’ના રશિયન મૂળ ધરાવતા લેખક) વ્લાદીમીર નોબોકોવ મોડેથી અંગ્રેજી શીખેલા, જોેસેફ કોનરેડ (આ પણ રશિયન લેખક) મોટી ઉંમરે અંગ્રેજી શીખ્યા હતા. અત્યારના લેખકોની વાત કરીએ તો બોસ્નિયન લેખક એલેકઝાન્ડર હેમનના કિસ્સામાં પણ એવું જ છે. જોકે, આ બધા તો જિનિયસ લોકો છે. એમની તુલનામાં હું કશું નથી. મુદ્દો એ છે કે ઇંગ્લિશ આખરે તો એક ભાષા જ છે અને તે કોઈ પણ ઉંમરે શીખી શકાય છે.”

વચ્ચે નદીમ અસલમના હાથમાં સત્તર વર્ષની ઉંમરે લખાયેલી એક જૂની ડાયરી આવી ગઈ હતી. એમાં કેટલાક અંગ્રેજી શબ્દોના ઉતારા કર્યા હતા. નદીમ વિચારવા લાગ્યા કે મેં આ શબ્દો સ્પેલિંગ ગોખવા માટે લખ્યા હશે? પછી એમને યાદ આવ્યું કે આ શબ્દો એમણે એટલા માટે લખ્યા હતા કે એનો ‘સાઉન્ડ’ એમને પસંદ નહોતો! કાનને સાંભળવા ગમતા ન હોય એવા શબ્દોના અર્થ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હતી. નદીમે પછી કુતૂહલ ખાતર પોતાની છેલ્લી બે નવલકથાઓ ‘મેપ્સ ફોર લોસ્ટ લવર્સ’ અને ‘ધ વેસ્ટેડ વિજિલ’ની કમ્પ્યૂટર ફાઇલ્સ ફંફોસી જોઈ. એમણે જોયું કે જે શબ્દો નોટબુકમાં ઉતાર્યા હતા એમાંનો એકેય શબ્દ આ નવલકથાઓમાં ક્યાંય વાપર્યો નહોતો! “આવું એટલા માટે બન્યું હતું કે આ શબ્દોના ધ્વનિ ઉર્દૂથી અત્યંત જુદા હતા અને તેથી મને એ શબ્દો બિલકુલ ગમતા નહોતા!” નદીમ કહે છે, “ઉર્દૂ સાથે મારો આટલી હદે લગાવ છે…”

પહેલી નવલકથા ‘સીઝન ઓફ ધ રેઇનબર્ડ્સ’ લખી ત્યારે ઇંગ્લેન્ડમાં રહેવાનો દસ વર્ષનો અનુભવ થઈ ચૂક્યો હતો. આ નવલકથામાં પાકિસ્તાનના એક નાનકડા ગામની વાત છે. આ કથા લખતી વખતે પહેલાં ઉર્દૂમાં વિચારીને પછી મનોમન એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાને બદલે નદીમ સીધા અંગ્રેજીમાં જ વિચારીને લખવાની સભાન કોશિશ કરતા. એ કહે છે, “અત્યારે પાકિસ્તાની લેખકો તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હોય તો એ કંઈ એટલા માટે નહીં કે અમે દુનિયાને પાકિસ્તાનની સમસ્યાઓ વિશે જાણકારી આપવા માગીએ છીએ. સચ્ચાઈ એ છે કે અમે લખી રહ્યા છીએ ખુદની વૈચારિક સ્પષ્ટતા માટે. સૌથી પહેલાં અમારે સમજવું પડશે કે પાકિસ્તાનનો પ્રોબ્લેમ શો છે.”

નદીમ અસલમ પાકિસ્તાની-બ્રિટિશ છે, તો ચંુમાળીસ વષર્ના મોહસીન હમીદ પાકિસ્તાની-અમેરિકન લેખક છે. એમની બે નવલકથાઓ લોકપ્રિય બની છે- ‘મોથ સ્મોકર’ (૨૦૦૦) અને ‘ધ રિલક્ટન્ટ ફંડામેન્ટલિસ્ટ’ (૨૦૦૭). પહેલી નવલકથામાં લાહોરના એક બેન્કરની વાત છે, જ્યારે ‘ધ રિલક્ટન્ટ ફંડામેન્ટલિસ્ટ’માં એક ન્યૂ યોર્કવાસી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટનું જીવન નાઇન-ઇલેવનના હુમલા પછી કેવી રીતે બદલાઈ ગયું એની કહાણી છે. ‘ધ રિલક્ટન્ટ ફંડામેન્ટલિસ્ટ’ મેન બુકર પ્રાઇઝ માટે શોર્ટ-લિસ્ટ થઈ હતી. એના પરથી મીરાં નાયરે બનાવેલી એ જ ટાઇટલવાળી ફિલ્મ ૨૦૧૩માં રિલીઝ થઈ.

લાહોરમાં જન્મેલા મોહસીનનો ત્રણથી નવ વર્ષનો ગાળો અમેરિકામાં પસાર થયો હતો, કેમ કે એમના પ્રોફેસર પિતાજી સ્ટેનફર્ડ યુુનિવસિર્ટીમાં પીએચ.ડી. કરી રહ્યા હતા. ત્યાર બાદ પાછા લાહોર. અઢાર વર્ષની ઉંમરે મોહસીને પાકિસ્તાન છોડયું. પ્રિન્સ્ટન અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી ડિગ્રીઓ લીધી. ન્યૂ યોર્ક અને લંડનમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. ૨૦૦૯માં ફરી પાછા લાહોર. બસ, ત્યારથી તેઓ પાકિસ્તાનમાં જ સેટલ થયા છે.

મોહસીન ફુલટાઇમ રાઇટર બન્યા તેની પહેલાં અઠવાડિયાના ત્રણ દિવસ કોર્પોરેટ સેક્ટરમાં પુષ્કળ જવાબદારીવાળું કામ કરતા અને બાકીનો સમય લેખનને આપતા. પહેલી બે નવલકથાઓ આ રીતે લખાઈ. ‘સુનીલ સેઠી ઇન કન્વર્સેશન વિથ થર્ટી ફેમસ રાઇટર્સ’ પુસ્તકમાં મોહસીન હમીદની મુલાકાત પણ સમાવાઈ છે. મોહસીન કહે છે, “વિદેશના મીડિયામાં અને ટીવી પરના ન્યૂઝ તેમજ ડિબેટમાં એવું જ ચિત્ર ઊપસતું હોય છે કે જાણે પાકિસ્તાન એક વિલન હોય, પણ મને પાકિસ્તાનની આ ઇમેજ પર ક્યારેય ભરોસો નહોતો બેસતો, કારણ કે મેં જે પાકિસ્તાન જોયું હતું અને અનુભવ્યું હતું તે સાવ જુદું હતું, હૂંફાળું અને અસલી હતું. મને પાછા પાકિસ્તાન શિફ્ટ થવાનું મન થયું તેનું આ જ તો કારણ છે.”

ત્રીજા પાકિસ્તાની સર્જક છે, બેપ્સી સિધવા. એમની ‘આઇસ કેન્ડી મેન’ નવલકથા પરથી દીપા મહેતાએ આમિર ખાન-નંદિતા દાસવાળી ‘અર્થ’ (૧૯૯૮) નામની ફિલ્મ બનાવી હતી. તેનાં થોડાં વર્ષો પછી દીપા મહેતાએ સિક્વલ બનાવી – ‘વોટર’. તેમણે બેપ્સીને કહ્યું: હવે મારી ફિલ્મ પરથી તમે નવલકથા લખો. બેપ્સીએ લખી પણ ખરી!

૧૯૩૮માં લાહોરમાં જન્મેલાં બેપ્સીને બે વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. પહેલાં લગ્ન મુંબઈનાં પારસી પરિવારમાં થયાં હતાં. આ લગ્ન વધારે ન ટક્યાં. ડિવોર્સ પછી બેપ્સી પાછાં પાકિસ્તાન ચાલ્યાં ગયાં. પરિવાર તૂટી ગયો. બે સંતાનોમાંથી એક દીકરો મા સાથે રહ્યો, એક બાપ સાથે. બીજા દીકરાને મળવા ઇન્ડિયા આવવું હોય તો વિઝા ન મળે. ખૂબ તકલીફવાળાં એ વર્ષો હતાં. એમણે લખવાનું બીજાં લગ્ન પછી શરૂ કર્યું. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલાં બેપ્સી કહે છે, “હું આઝાદ માહોલમાં મોટી થઈ હોત, દોસ્તો સાથે ધમાલમસ્તી કરી હોત, બોયફ્રેન્ડ્ઝ હોત તો હું ક્યારેય લેખિકા બની શકી ન હોત. રુંંધામણ અને પીડાને લીધે જ હું લેખન તરફ વળી. આજે હું સુખની જિંદગી જીવી રહી છું એટલે મને લખવાનું બહુ મન પણ થતું નથી.”

વાત તો ખરી. પોતાનાં દુઃખ અને મુશ્કલીઓને લેખનના કાચા માલ તરીકે ‘વાપરવાની’ લેખકોની જૂની આદત છે! પાકિસ્તાનની સાધારણ જનતા અને વિદેશમાં વર્ષો ગાળી ચૂકેલા આ પાકિસ્તાની સર્જકોની માનસિકતા વચ્ચે શો ફરક છે?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.