Sun-Temple-Baanner

સમથિંગ ઈઝ રોંગ વિથ મી…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સમથિંગ ઈઝ રોંગ વિથ મી…


ટેક ઓફ : સમથિંગ ઈઝ રોંગ વિથ મી…

Sandesh – Ardh Saptahik Purti – 6 June 2015

ટેક ઓફ

જોન નેશ, ન્યુટન, બીથોવન, હેમિંગ્વે, ટોલ્સટોય, વાન ગોગ, ચર્ચિલ, લિંકન… આ બઘા આંતરિક વાતાવરણને છિન્નભિન્ન કરી નાખે એવી ભયંકર માનસિક બીમારીથી પીડાતા હતા. પોતાનાં દરદ સામે ઝઝૂમતા રહીને તેઓ શી રીતે સફળતાનાં ઉચ્ચતમ શિખર સુધી પહોંચી શક્યા?

* * * * *

૨૦૦૧માં રિલીઝ થયેલી અને ચાર ઓસ્કર અવોડ્ર્ઝ જીતી ગયેલી ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ નામની અદભુત ફિલ્મ આપણા સૌની ફેવરિટ છે. એમાં જોન એફ. નેશ જુનિયરના જીવનની વાત હતી. જોન નેશ એટલે વીસમી સદીના મહાન ગણિતશાસ્ત્રી. ગઈ ૨૩ મેના રોજ અમેરિકામાં એક રોડ એકિસડન્ટમાં એમનું અને એમની પત્નીનું મોત થયું ને તે સાથે જ જોન નેશ ફરી પાછા એકદમ પ્રકાશમાં આવી ગયા.

જોન નેશ ૮૭ વર્ષ જીવ્યા, જેમાંથી પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી તેઓ પેેરેનોઈડ સ્કિઝોફ્રેનિયા નામની જિંદગીને છિન્નભિન્ન કરી નાખે, માણસના માનસિક-આંતરિક વાતાવરણને ખળભળાવીને ભુક્કો બોલાવી દે એવી ગંભીર માનસિક બીમારી સામે ઝઝૂમતા રહૃાા હતા. પચ્ચીસ વર્ષ! એમનો માંહૃાલો એટલો મજબૂત હતો કે તેમણે હાર ન માની. અત્યંત વિષમ માનસિક પરિસ્થિતિ વચ્ચેય તેઓ કામ કરતા રહૃાા. ૬૬ વર્ષની ઉંમરે, ૧૯૯૪માં એમને ઈકોનોમિક સાયન્સીસ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું. ગેમ થિયરી,ડિફરન્શીયલ જ્યોમેટ્રી, પાર્શિઅલ ડિફરન્શીયલ ઈકવેશન્સ વગેરેમાં એમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ ભારેખમ શબ્દો સાંભળીને આપણને ભલે માથું ખંજવાળવાનું મન થાય, પણ અર્થશાસ્ત્ર, ઈવોલ્યુશન બાયોલોજી, કમ્પ્યુટર સાયન્સ, અકાઉન્ટિંગ, મિલિટરી વગેરેમાં જોન નેશની થિયરીઓનો વ્યાપક ઉપયોગ થાય છે.

સ્કિઝોફ્રેનિયા એટલે સાદી ભાષામાં એવી માનસિક બીમારી જેમાં માણસને જાતજાતના ભ્રમ થતા રહે જેમ કે કોઈ મને મારી નાખવા માગે છે, મને ઈજા પહોંચાડવા માગે છે, હું જબરદસ્ત ટેલેન્ટેડ છંુ, હું ખૂબ ફેમસ છું, ફલાણી વ્યકિત મારા પ્રેમમાં છે (યાદ કરો પરવીન બાબીને જેને સતત લાગ્યા કરતું કે અમિતાભ બચ્ચન એને મારી નાખવા માગે છે), જેનું અસ્તિત્વ જ ન હોય એવા માણસો અથવા તો વસ્તુઓ હાજરાહજૂર દેખાય, મગજમાં અવાજો સંભળાય, કોઈ પોતાની સાથે વાતો કરી રહૃાું છે કે આદેશો આપી રહૃાું છે એવું લાગે. એ સરખી રીતે વાતચીત ન કરી શકે, અર્થહીન બબડાટ કરે, વિચિત્ર વર્તન કરે, ઉશ્કેરાય જાય, સામેના માણસને રિસ્પોન્સ ન આપી શકે, ગંદી-ગોબરી હાલતમાં ફર્યા કરે, નજરથી નજર ન મિલાવી શકે, ચહેરાના હાવભાવ સતત બદલ્યા કરે વગેરે. જોન નેશને સ્કિઝોફ્રેનિયાની અસરમાં એવું લાગ્યા કરતું કે કોઈ એને દેશની સુરક્ષા સંબંધિત ખાનગી સંદેશા મોકલી રહૃાું છે અને એણે દુશ્મનોના ગુપ્ત સંકેતો ઊકેલવાનું ખૂબ મહત્ત્વનું કામ કરવાનું છે. ‘અ બ્યુટીફુલ માઈન્ડ’માં આ દશ્યો ખૂબ અસરકારક બન્યાં છે. જોન નેશને પીડાદાયી ઈલેકિટ્રક શોક આપવા પડતા હતા. નોબલ પ્રાઈઝ મળ્યું એના બે વર્ષ પછી એમણે કહેલું, ‘હું ઢંગધડા વગરના વિચારોમાંથી આખરે માંડ માંડ દવાની મદદ વગર બહાર આવી શકયો. શકય છે કે ઉંમરને લીધે મારી અંદર કુદરતી હોર્મોનલ ચેન્જીસ થયા હોય અને તેેેને કારણે બીમારી દૂર થઈ હોય.’

જોન નેશ જિનિયસ માણસ હતા. જબરદસ્ત પ્રતિભા અને માનસિક બીમારી એક જ વ્યકિતમાં એક સાથે અસ્તિત્વ ધરાવતાં હોય એવાં બીજાં ઘણાં ઉદાહરણો છે. ગુરૂત્ત્વાકર્ષણ બળની શોધ કરનાર આઈઝેક ન્યૂટન, જોન નેશ કરતા અનેકગણા વિખ્યાત ગણિતજ્ઞ છે. સત્તરમી સદીમાં થઈ ગયેલા ન્યૂટન કેટલીય વાર નર્વસ બ્રેકડાઉનનો ભોગ બન્યા હતા. પોતાની વાત સાથે કોઈ સહમત ન થાય અથવા કોઈ પોતાનું અપમાન કરી રહૃાું છે એવું લાગે ત્યારે ન્યૂટન ભયંકર ક્રોધથી ફાટી પડતા. ન્યુટન સંભવતઃ આખું વયસ્ક જીવન બાયપોલર ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા રહૃાા.

બાયપોલર ડિસઓર્ડરમાં માણસનો મૂડ નાટયાત્મક રીતે બદલાયા કરે. કયારેક એ જબરદસ્ત ટેસમાં હોય, તો કયારેક લાંબો તબક્કો એવો આવે જેમાં એ તીવ્ર નિરાશા અનુભવ્યા કરે કે રડયા કરતો હોય. એ વાતવાતમાં અકળાય જાય, ખૂબ બોલ-બોલ કરે,એના વિચારોની ગતિ વધી જાય, અજંપો અનુભવે, સાચું શું ને ખોટું શું એનું જજમેન્ટ લઈ ન શકે, પોતાની જાતને ખૂબ ઊંચી આંકવા માંડે, એનું વર્તન ખૂબ જોખમી બની જાય, સેકસ-જુગાર-ખરીદીમાં બેફામ બની જાય વગેરે. અમર બની ગયેલા જર્મન સંગીતકાર બીથોવનને પણ બાયપોલર ડિસઓર્ડરની બીમારી લાગુ પડી હતી, પણ તીવ્ર નિરાશાના તબક્કામાં એમની ક્રિયેટિવિટી ખીલી ઉઠતી. એમનાં સૌથી શ્રેષ્ઠ કમ્પોઝિશન્સ ભયંકર એકલતા અને પીડાની અવસ્થામાં સર્જાયાં છે. છેલ્લે છેલ્લે તેઓ ઓપિયમ તરીકે ઓળખાતા કેફી દ્રવ્ય અને દારૂના રવાડે ચડી ગયેલા. લિવર ખરાબ થઈ જવાથી આખરે તેમનું મોત થયું.

વિખ્યાત બ્રિટિશ નવલકથાકાર વર્જિનિયા વુલ્ફ લગભગ આખી જિંદગી બાયપોલર ડિસઓર્ડરથી પીડાતાં રહૃાાં. પોતાનાં મનમાં આ જે કંઈ હોબાળા ચાલી રહૃાા હતા તેને સમજવા માટે જ તેઓ લખતાં. માનવમનની આ આંટીઘૂંટીઓની એમને સારી સમજ હતી. વર્જિનિયા વુલ્ફ એટલાં ભાગ્યશાળી કે એેમને સમજદાર પરિવાર મળ્યો. પરિવારજનો અને મિત્રોએ એમનાં મૂડ સ્વિંગ્સ ધીરજપૂર્વક સહન કર્યા. વિચલિત માનસિક અવસ્થામાં વર્જિનિયા વુલ્ફએ નદીમાં ડૂબીને આત્મહત્યા કરી હતી.

નોબલપ્રાઈઝ વિનર નાટયલેખક યુજિન ઓ’નીલ જિંદગીનો મોટો હિસ્સો તીવ્ર ડિપ્રેશનથી પીડાતા રહૃાા. તેમણે પોતાનું શ્રેષ્ઠ સર્જન ડિપ્રેશન સામે લડતા લડતા જ કર્યું હતું. મહાન અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેને નોબલ પ્રાઈઝ અને પુલિત્ઝર પ્રાઈઝ બન્ને મળ્યાં છે. ડિપ્રેશને તેમની વફાદાર પ્રેમિકાની જેમ આખી જિંદગી સાથ આપ્યો. ડિપ્રેશનમાં માણસને શું થાય? એ સાવ હતાશ થઈ જાય, લાચારી અનુભવવા લાગે, સતત નેગેટિવ ફીલ કરે, પોેતે સાવ નકામો છે એવી લાગણી થાય, અપરાધની લાગણી જાગે, પોતાની જાતની ખૂબ ટીકા કરે, રોજિંદી પ્રવૃત્તિઓ- શોખ-સેકસમાંથી રસ ઉડી જાય, કાં તો ભૂખ સાવ મરી જાય અથવા ખૂબ ભૂખ લાગે જેને કારણે કાં તો શરીરનું વજન ઘટી જાય અથવા વધવા લાગે, માથું – પીઠ – પેટના દુખાવા જેવી શારીરિક તકલીફોની ફરિયાદ વધી જાય વગેરે.

હેમિંગ્વેને ઈલેકિટક શૉક આપવા પડતા હતા. તેને લીધે એમની યાદદાસ્ત પર માઠી અસર થઈ હતી. આલ્કોહોલિક બની ગયેલા હેમિંગ્વેએ આત્મહત્યા કરી નાખી હતી. એમના પરિવારમાં જાણે આત્મહત્યા કરવાની પરંપરા હતા. હેમિંગ્વેના પિતા, ભાઈ, બહેન અને પૌત્રીએ પણ જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારા મહાન વિન્સેન્ટ વાન ગોગનું નામ પણ શામેલ છે. આ મહાન ફ્રેન્ચ ચિત્રકાર માંડ ૩૭ વર્ષ જીવ્યા. એમના મૂડ સ્વિન્ગ ખૂબ તીવ્ર રહેતા. તેમને વાઈની તકલીફ પણ રહેતી. સારો મૂડ હોય ત્યારે તેઓ ઉર્જાથી ઊછળતા રહેતા. મેધાવી રશિયન લેખક લિયો ટોલ્સટોયે ‘અ કન્ફેશન’ પુસ્તકમાં ખુદની માનસિક બીમારીઓ અને શરાબની લત વિશે વિગતવાર લખ્યું છે. ટોલ્સટોય ડિપ્રેશન ઉપરાંત હાઈપોકોન્ડ્રિયાથી પીડાતા હતા. હાઈપોકોન્ડ્રિયામાં માણસને સતત એવું લાગ્યા કરે કે પોતે માંદો છે, પોતાનાં ફલાણા કે ઢીંકણા અંગમાં કશીક તકલીફ છે, ખુદને દવા અને અટેન્શનની જરુર છે, વગેરે. ઓલ-ટાઈમ-કલાસિક ‘ગોન વિથ ધ વિન્ડ’ની હિરોઈન વિવિયન લીને લોકો સિનેમા અને થિયેટરની મહાન એકટ્રેસ તરીકે યાદ કરે છે. એ મેનિક-ડ્રિપ્રેશનથી પીડાતી. વચ્ચેનાં વર્ષોમાં એ ઠીક થઈ ગઈ હતી, પણ પછી ફરી પાછી ડિપ્રેશનનો શિકાર બની ગઈ. એને જાતજાતની ભ્રાંતિઓ થતી. એને નર્સિંગ હોમમાં પૂરી રાખવી પડતી. વિવિયન લીનું મોત ટીબીને કારણે થયું.

મહાન અમેરિકન પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનને અવારનવાર તીવ્ર ડિપ્રેશનના હુમલા આવતા. આત્મહત્યા કરવાના વિચારો આવતા. અબ્રાહમ લિંકન ડિપ્રેશનથી બચવા કામમાં ખૂંપી જતા, ધર્મનો સહારો લેતા. એક વાર એમણે એક મિત્રને પત્રમાં લખ્યું હતું કે, ‘મને વિષાદ અનુભવવાની આદત છે (અ ટેન્ડન્સી ટુ મેલેન્કોલી).આ મારી કમનસીબી છે, મારો વાંક નથી.’ આ માણસનો વિલપાવર કેટલો જબરદસ્ત હશે કે આવી માનસિક હાલત વચ્ચેય તેમણે મહાન સિદ્ધિઓ હાંસલ કરી અને વિશ્વકક્ષાના નેતા તરીકે ઊભર્યા. ઈંગ્લેન્ડના પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ પણ આવું જ પ્રભાવશાળી રાજકીય નામ. તેઓ તો પાછા નોબલ પ્રાઈઝવિનર લેખક અને ચિત્રકાર પણ હતા. લિંકનની માફક ચર્ચિલ પણ ડિપ્રેશનના દરદી. ડિપ્રેશન સાથેના પોતાનાં યુદ્ધો વિશે તેમણે ઘણું લખ્યું છે. ડિપ્રશનને તેઓ ‘બ્લેક ડોગ’ કહેતા.’

હેમિંગ્વે, વાન ગોગ અને વર્જિનીયા વુલ્ફે ભલે આપઘાત કર્યો, પણ આ તો ઉગ્ર માનસિક બીમારીનો આત્યંતિક અંજામ થયો. પ્રચંડ આત્મબળથી માનસિક દરદને વશમાં કરી શકાય છે. જોન નેશ, ચર્ચિલ, લિંકન વગેરેની માફક જાતને કેળવી શકાય છે. અલબત્ત,આત્મબળ ઉપરાંત યોગ્ય દવાદારુ પણ જરુરી છે. મેન્ટલ હેલ્થ એક મહત્ત્વનો મુદ્દો છે અને ધીમે ધીમે તેના વિશે સમાજમાં સભાનતા વધતી જાય છે તે સારી વાત છે. મેન્ટલ હેલ્થ એકસપર્ટ્સનું કહેવું છે કે માનસિક બીમારીમાં દર્દીને એવી કોઈ બસ કે ટ્રેન નહીં મળે જે તેને ઊંચકીને સીધા સ્વસ્થતાની મંઝિલ સુધી પહોંચાડી દે. આ મંઝિલ સુધી દર્દીએ સ્વયં પગપાળા ચાલવું પડે છે. ચાલતી વખતે જો સારાં જૂતાં પહેર્યા હશે તો સફર જલદી કપાશે. માનસિક ડોકટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા આ જૂતાંની ગરજ સારે છે. મારું શરીર બરાબર છે પણ ભીતર કશીક ગરબડ લાગે છે, સમથિંગ ઈઝ રોંગ વિથ મી – આ પ્રકારની લાગણી જો લાંબા સમય સુધી ચાલે સતર્ક થઈ જવું જોઈએ. માનસિક બીમારી નામના દુશ્મનને ઊગતા પહેલાં જ ડામી દેવાની કોશિશ થઈ શકે તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.