Sun-Temple-Baanner

ટેક ઓફ – જયશંકર સુંદરી અને બાલગંધર્વ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ટેક ઓફ – જયશંકર સુંદરી અને બાલગંધર્વ


ટેક ઓફ – જયશંકર સુંદરી અને બાલગંધર્વ

Sandesh- Ardh Saptahik purti- 15 July 2015

ટેક ઓફ

લેખકે કલ્પેલા પાત્રમાં પ્રવેશવું સહેલી વાત નથી. એમાંય પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર કન્વિક્શન સાથે ભજવવા માટે ઘણી વધારે પ્રતિભા અને સજ્જતા જોઈએ. જયશંકર સુંદરી અને બાલગંધર્વે અનુક્રમે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર સ્ત્રીપાત્રો ભજવીને દંતકથારૂપ ઊંચાઈ હાંસલ કરી. આ સમકાલીનોની જીવનયાત્રા વચ્ચે કેવું સામ્ય છે?

* * * * *

જયશંકર સુંદરી અને બાલગંધર્વ. અનુક્રમે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર દંતકથારૂપ બની ગયેલા બે મહાન કલાકારો. બન્ને સ્ત્રીપાત્રો ભજવીને વિખ્યાત બનેલા પુરુષનટ. બન્ને એકમેકના સમકાલીન. જયશંકર સુંદરીનો જન્મ ૧૮૮૮ની સાલમાં વીસનગરમાં થયો, જ્યારે બાલગંધર્વનો જન્મ તેના એક વર્ષ પછી પૂનામાં થયો. બાલગંધર્વનું મૃત્યુ આજથી એક્ઝેટ ૪૮ વર્ષ પહેલાં ૧૫ જુલાઈ, ૧૯૬૭ના રોજ થયું. જયશંકર સુંદરી તેમના કરતાં આઠેક વર્ષ વધારે જીવ્યા.

લેખકે કલ્પેલા પાત્રમાં પ્રવેશ કરીને અભિનય કરવો સહેલી વાત નથી. એમાંય પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર કન્વિક્શન સાથે ભજવવા માટે ઘણી વધારે પ્રતિભા અને સજ્જતા જોઈએ. જયશંકર સુંદરી અને બાલગંધર્વે જોકે ખુદને ચેલેન્જ કરવા માટે સ્ત્રીપાત્રો નહોતાં ભજવ્યાં. આ તો સમયનો તકાજો હતો. એ જમાનામાં નાટયકળાને નીચી નજરે જોવાતી. સ્ત્રીઓ મંચ પર અભિનય કરતી નહોતી એટલે નછૂટકે છોકરાઓએ પુરુષોએ સ્ત્રીવેશ કાઢવા પડતા.

જયશંકર સુંદરીનું આખું અને સાચું નામ જયશંકર ભૂધરદાસ ભોજક. જ્ઞાાતિએ તેઓ જૈન વણિક. આઠ વર્ષના હતા ત્યારે એમના દાદાજી ‘રાજા હરિશ્ચંદ્ર’ નાટક જોવા લઈ ગયેલા. એમાં એક ઇમોશનલ સીન જોઈને જયશંકર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. નાટકની અસર એટલી તીવ્ર હતી કે એણે જયશંકરનાં જીવનની દિશા પલટી નાખી. ગામમાં આવતા તરગાળા-ભવાયાની પાછળ પાછળ તેઓ ફર્યા કરતા. ઘરની ઓસરીમાં પડદો બાંધીને નાટક-નાટક રમતા. મુખ્યત્વે કલકત્તામાં નાટકો કરતી એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠૂંઠી નામના શેઠને જયશંકરના નાટકપ્રેમની જાણ થઈ. એમણે જયશંકરના પરિવાર સામે વાત મૂકીઃ’તમારો છોકરો મને સોંપી દો. એનામાં રહેલું હીર હું પારખી ગયો છું. હું એને કલાકાર બનાવીશ.’ માતા-પિતાએ પહેલાં તો ઘસીને નામ પાડી દીધી, પણ પછી પારસી શેઠે એટલી ઊંચી રકમનો પગાર ઓફર કર્યો કે પિતા ભૂધરદાસ ભોજક પલળી ગયા. નારાજ માને પાછળ છોડીને બાળ જયશંકર કલકત્તા ઊપડી ગયા.

ઊંચી રકમની લાલચ બાલગંધર્વના પરિવારને પણ મળી હતી. જયશંકરના કુટુંબથી વિરુદ્ધ બાલગંધર્વને (એમનું મૂળ નામ નારાયણરાવ શ્રીપાદરાવ રાજહંસ હતું) ઘરમાં જ સંગીત-નાટકનો માહોલ મળ્યો હતો. નાનપણથી જ તેઓ સંગીતની પદ્ધતિસરની તાલીમ લેતા રહ્યા હતા. એક કાર્યક્રમમાં એમનો મધુર અવાજ સાંભળીને લોકમાન્ય ટિળક બોલી ઊઠયા હતાઃ ‘આ બાલગંધર્વ બહુ સરસ ગાય છે!’ બસ, ત્યારથી નારાયણરાવનું નામ બાલગંધર્વ પડી ગયું. કિર્લોસ્કર મંડળી નામની નાટક કંપનીએ બાલગંધર્વને સ્ત્રીની ભૂમિકા ઓફર કરી. એમની માતા તો માની ગયા, પણ પિતાને દીકરો છોકરીનો વેશ કાઢે તે પસંદ નહોતું. આ સમય લોકમાન્ય ટિળક ફરી દૃશ્યમાં આવ્યા. તેમણે કહ્યું: બાલગંધર્વને જરાય નુકસાન થશે તો હું મારા ખિસ્સામાંથી ચોક્કસ રકમ તમને આપીશ! ટિળક જે આંકડો બોલ્યા હતા તે એટલો મોટો હતો કે બાલગંધર્વના પિતાએ ચૂપચાપ અનુમતી આપી દીધી.

સત્તર વર્ષની ઉંમરે બાલગંધર્વે સૌથી પહેલાં ‘શાકુંતલ’ નામના નાટકમાં શકુંતલાની ભૂમિકા ભજવી હતી. અભિનયનો કોઈ અનુભવ ન હોવા છતાં એમણે એટલું સુંદર કામ કર્યું કે પ્રેક્ષકોએ તાળીઓનો ગડગડાટ કરીને એમને વધાવી લીધા. પછી તો એમણે ખૂબ બધાં નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવ્યાં- ‘મૃચ્છકટિકમ્’માં વસંતસેના, ‘મૂકનાયક’માં સરોજિની, ‘ગુપ્તમંજૂષા’માં નંદિની વગેરે. રૂપકડો નાજુક દેખાવ, મીઠો અવાજ અને અભિનયકૌશલ્ય- આ ત્રણેય ચીજ બાલગંધર્વ પાસે હતી. તેમને ક્રમશઃ એટલી બધી પ્રસિદ્ધિ મળી કે બાલગંધર્વ એટલે કિર્લોસ્કર નાટકમંડળી એવું સમીકરણ બની ગયું હતું.

બાળગંધર્વ મહિને સો રૂપિયા જેવો માતબર પગાર કમાતા હતા એટલે તેમનાં લગ્ન લક્ષ્મી નામની કન્યા સાથે કરી દેવામાં આવ્યાં હતાં. થોડા અરસા પછી પુત્રીનો જન્મ થયો, જે અકાળે મૃત્યુ પામી. જે દિવસે એણે જીવ છોડયો એ જ દિવસે કિર્લોસ્કર નાટકમંડળીનું નવું નાટક ‘માનપમાન’ ઓપન થવાનું હતું. મંડળીએ દીકરીના મૃત્યુના શોકમાં શો કેન્સલ કરવાનો નિર્ણય લીધો,પણ બાલગંધર્વ કહેઃ જે થવાનું હતું તે થઈ ગયું. નાટક બંધ રાખવાથી શો ફરક પડશે? ‘શો મસ્ટ ગો ઓન’ના ન્યાયે તેમણે નાટકમાં દિલથી અભિનય કર્યો. પ્રેક્ષકો વાહ વાહ પોકારી ઊઠયા.

આ બાજુ જયશંકર સુંદરીએ સૌથી પહેલો મેજર રોલ ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં ભજવ્યો. કપડાં પહેરવાની અને વાળ ઓળવાની ઢબ, હાવભાવ, નખરાં વગેરે એટલું અસરકારક હતું કે પ્રેક્ષકો માની શકતા નહીં કે આ છોકરીના વેશમાં છોકરો છે. એ જ વર્ષે’વિક્રમચરિત્ર’ અને

‘દાગ-એ-હસરત’ નામનાં નાટક આવ્યાં. ‘વિક્રમચરિત્ર’માં રંભા દૂધવાળીના પાત્રમાં તેઓ ‘કોઈ ધૂપ લ્યો દિલરંગી’ એવા શબ્દોવાળું ગીત ગાતા. આ ગીત એટલું બધું પોપ્યુલર બન્યું કે તે જમાનામાં કેટલીક મિલો સાડી અને ધોતિયાની કિનારી પર તેની પંક્તિઓ છપાવતા! ગાયનકળા જયશંકર સુંદરીને વારસામાં મળી હતી. ‘અરુણોદય’ નામનાં નાટકમાં જયશંકર સુંદરી ‘ખાદી પહેરો’ ગીત ગાતા. તે સાંભળીને પ્રેક્ષકો માથા પરથી ટોપી ઉતારીને સ્ટેજ પર ફેંકતા.

જયશંકર સુંદરીના ચાહકોમાં મૈસુરના મહારાજા કૃષ્ણરાજ પણ હતા. તેમને ગુજરાતી ભાષા આવડતી નહીં એટલે દુભાષિયો રાખીને એમનાં નાટકો માણતા. વડોદરાના મહારાજા ‘સૌભાગ્ય સુંદરી’ જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે નાટયકળાની વિશેષ તાલીમ લેવા માટે એમણે આખી ટીમને રાજ્યના ખર્ચે વિદેશ મોકલવાનો નિર્ણય લીધો. કમનસીબે અંગ્રેજીનું જ્ઞાાન ન હોવાથી જયશંકરનું નામ સામેલ કરી શકાયું નહીં. બાલગંધર્વે કિર્લોસ્કર નાટકમંડળીથી અલગ થઈને ખુદની ગંધર્વ નાટકમંડળી સ્થાપી ત્યારે મહારાજા સયાજીરાવ તેમને પણ મદદરૂપ થયા હતા. ગંધર્વ નાટકમંડળીએ વર્ષમાં ત્રણથી પાંચ નાટકો વડોદરામાં ભજવવા અને બદલમાં મહારાજ એમને પાંચ હજાર રૂપિયા આપે એવું નક્કી થયું. ‘વિદ્યાહરણ’ નામના નાટકમાં બાલગંધર્વની દેવયાનીની ભૂમિકા ખૂબ વખણાઈ. એમણે ગાયેલાં ગીતો મહિનાઓ જુવાનિયાઓ ગાતા રહેતા. આ નાટકનાં ગીતોની રેકોર્ડ પણ ખૂબ વેચાઈ.

બાલગંધર્વે કુલ ૨૭ નાટકોમાં ૩૬ ભૂમિકાઓ ભજવી. છ નાટકોમાં એમના ડબલ રોલ હતા અનેે એક નાટકમાં તો ચાર-ચાર રોલ હતા. ૩૬માંથી ૭ ભૂમિકાઓ પુરુષની હતી, બાકીની સ્ત્રીની. જયશંકર સુંદરીએ ૩૨ વર્ષની કારકિર્દીમાં ૪૧ નાટકો કર્યાં. આમાંથી ૧૩ નાટકોનું ડિરેક્શન પણ કર્યું હતું. જયશંકર પુરુષવેશમાંય એટલા જ અસરકારક હતા. ‘મેના ગુર્જરી’ નાટકમાં તેઓ મેનાના વૃદ્ધ પિતા બનતા. કન્યાવિદાયવાળા દૃશ્યમાં તેઓ એટલો સુંદર અભિનય કરતા કે ઓડિયન્સ રડી પડતું.

હાઈ પ્રોફાઇલ કલાકારોના અંગત જીવનને સામાન્યપણે સીધી લીટીમાં ગતિ કરવાનું ફાવતું હોતું નથી. જયશંકરનું અંગત જીવન ભરપૂર નાટયાત્મક હતું. ચૌદ વર્ષની ઉંમરે ઇચ્છા નામની કન્યા સાથે તેમનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. પત્ની ગંભીર અને લાંબી માંદગીમાં પટકાઈ. પત્ની સહિત ઘરના સૌએ બહુ મનાવ્યા એટલે જયશંકરે મણિ નામની એક બાળવિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. જોકે, મણિ સાથેનું દાંપત્યજીવન એટલી હદે ત્રાસજનક પુરવાર થયું કે એક વાર જયશંકરે આપઘાત કરવા દરિયામાં દોટ લગાવી હતી. છેલ્લી ઘડીએ કોઈએ એમને બચાવી લીધા. વાત અહીં પૂરી થતી નથી. બન્ને પત્નીઓની હયાતીમાં જયશંકરે ચંપા નામની યુવતી સાથે ત્રીજાં લગ્ન કર્યાં. સદ્ભાગ્યે ચંપાએ એમને સુખ આપ્યું. ચાર સંતાનો પણ આપ્યાં.

આ તરફ કેટલીય મુસીબતોમાંથી પસાર થઈ રહેલી બાલગંધર્વની નાટકમંડળીમાં કર્ણાટકની ગૌહરબાઈ નામની અભિનેત્રી જોડાઈ હતી. નટી તરીકે સાવ નિષ્ફળ ગયેલી ગૌહરબાઈએ બાલગંધર્વની લગ્નનૈયા ડગમગાવી નાખી. ત્રીસ-ત્રીસ વર્ષથી નાટકો કરી રહેલા બાલગંધર્વની છાપ બહુ ચોખ્ખી હતી, પણ ગૌહરબાઈએ એમને ચલિત કરી નાખ્યા. ગૌહરબાઈને ઓલરેડી એક પતિ અને પુત્રી હતાં. બાલગંધર્વની પત્ની હયાત હોવાથી કાયદેસર બીજાં લગ્ન થઈ શકે એમ નહોતાં, પણ ગૌહરબાઈ સાથે તેમનું પ્રેમપ્રકરણ ચાલતું રહ્યું. પત્ની અને માતા બન્નેનાં મૃત્યુ થયાં બાદ જ બાલગંધર્વનો માર્ગ મોકળો થયો. ગૌહરબાઈ સાથે એમણે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં. બે જ વર્ષ પછી ૧૯૫૨માં તેમના પર પક્ષાઘાતનો હુમલો થયો. નાટકો સાવ ઓછાં કરી નાખવાં પડયાં. એવી હાલત થઈ ગઈ કે સીધા ઊભા પણ રહેવાતું નહોતું. આવી હાલતમાંય તેમણે ‘એકાચ પ્યાલા’ નામનું નાટક કર્યું, જે એમની કારકિર્દીનું છેલ્લું નાટક બની રહ્યું.

ગૌહરબાઈ તો બાલગંધર્વની કીર્તિ અને પૈસાને વરી હતી. પતિની પૂરતી સારવાર કરવામાં એ ઊણી ઊતરી. બાલગંધર્વની કથળેલી આર્થિક હાલત જોઈ મહારાષ્ટ્ર સરકારે એમને માનધન આપવાનું શરૂ કર્યું. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા. ગૌહરબાઈનાં મૃત્યુ પછી સાવ એકલા પડી ગયેલા બાલગંધર્વ મુંબઈ છોડીને સગાંવહાલાં પાસે ન જ ગયા. જિંદગીનાં છેલ્લાં ત્રણ વર્ષ એમણે લગભગ પથારીવશ થઈને ગાળ્યાં. કુદરતી હાજતે જવા માટે પણ બીજાઓની મદદ લેવી પડતી. એક પર્ર્ફોિંમગ આર્ટિસ્ટ માટે આવી હાલત કેટલી દયનીય હોવાની. એક મિત્રને એમણે પત્રમાં લખેલું: ‘હું ગાઈ શકતો નથી તેથી જાતને સખત આઘાત લાગ્યો છે. મારું આખું જીવન કલામાં ગયું અને છેવટે આવી સ્થિતિ થઈ. હું જેમતેમ કરીને દિવસો કાઢું છું.’ ત્રણ મહિના બેશુદ્ધિ બાદ તેમણે અંતિમ શ્વાસ લીધો.

પદ્મભૂષણનો ખિતાબ જયશંકર સુંદરીને પણ મળ્યો હતો. બાલગંધર્વની તુલનામાં તેમના અંતિમ વર્ષો સુખરૂપ ગયાં. નિવૃત્તિ પછી પણ તેઓ પ્રવૃત્ત રહ્યા હતા. વીસનગરમાં સાહિત્ય કલામંડળ સ્થાપી દોઢ દાયકા સુધી તેના આચાર્યપદે રહ્યા. જયશંકરે પુસ્તકો પણ લખ્યાં છે. ‘થોડાં આંસુ થોડાં ફૂલ’ નામની આત્મકથા ઉપરાંત ‘ભવાઈ અને તરગાળા’, ‘મારું સ્વપ્ન ફળશે કે’, ‘રંગભૂમિ પરના મારા સહયોગીઓ’, ‘ગુજરાતી રંગભૂમિ અને તેના ઇતિહાસની જરૂર’ જેવા અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે. ૧૯૫૧માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બહુમાન મેળવનારા તેઓ પહેલા અભિનેતા. ૨૨ જાન્યુઆરી,૧૯૭૫ના રોજ ૮૬ વર્ષની વયે તેમનું નિધન થયું. તેમની સ્મૃતિમાં અમદાવાદના એક નાટયગૃહને જયશંકર સુંદરી હોલ નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે પૂનામાં બાલગંધર્વ રંગમંદિરની સ્થાપના કરવામાં આવી, જેમાં આજેય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

૨૦૧૧માં બાલગંધર્વના જીવન પર એક ખૂબસૂરત મરાઠી કમર્શિયલ ફિલ્મ બની હતી, જે બોક્સઓફિસ પર પણ સરસ ચાલી હતી. ગુજરાતી સિનેમા જો સાચી દિશામાં ગતિ પકડશે તો કોઈ ફિલ્મમેકર વહેલામોડા જયશંકર સુંદરીના જીવન પરથી બાયોપિક બનાવવાનું જરૂર વિચારશે. ટચવૂડ.

0 0 0

Tailer of Balgandharva- a movie in Marathi :
https://www.youtube.com/watch?v=wUqArtYscIo

A song from the movie:
https://www.youtube.com/watch?v=yOb5v9NELUw

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.