ટેક ઓફ – એક પત્રકાર જ્યારે સંન્યાસી બને છે…
Sandesh- Ardh Saptahik Purti- 5 Aug 2015
ટેક ઓફ
“અચાનક મહર્ષિએ આંખો ખોલીને મારી આંખોમાં સીધું જોયું. બસ,એ એક જ દૃષ્ટિ, એક જ નજર, ધેટ્સ ઓલ. મને ખાતરી થઈ ગઈ કે એ એક ક્ષણમાં મહર્ષિએ મારું છીછરાપણું, મૂંઝવણો, અશ્રદ્ધા અને ડર માપી લીધાં છે. મને એવી અનુભૂતિ થઈ કે જાણે હું ખુલ્લો પડી ગયો છું, ખાલી થઈ ગયો છું, સાફ થઈ ગયો છું અને મારી પીડાઓ દૂર થઈ ગઈ છે.”
* * * * *
દેશને આઝાદી મળવાને હજુ બે વર્ષની વાર હતી તે વખતની વાત છે. પત્રકાર તરીકે કરિયર બનાવવા એક તરવરિયો યુવાન દિલ્હીથી પ્રગટ થતાં ‘ધ નેશનલ હેરલ્ડ’ નામના અંગ્રેજી અખબારમાં ટ્રેઇની તરીકે જોડાય છે. એનું નામ છે, બાલકૃષ્ણ મેનન. કેરળના સંપન્ન પરિવારનું ફરજંદ છે. બધા એને બાલન કહીને બોલાવે છે. લખનૌ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે એ સ્નાતક થયો છે. કોલેજમાં એ ખૂબ એક્ટિવ હતો. નાટકો કરે, ડિબેટ્સમાં જોરશોરથી ભાગ લે, ટેનિસ રમે. દરેક જગ્યાએ એ કાયમ ડિમાન્ડમાં હોય. એની હાજરીથી માહોલ એકદમ જોશીલો બની જાય. નાનપણથી એ આવો જ હતો. બ્રિલિયન્ટ અને બહિર્મુખ.
કોલેજ કેમ્પસમાં ધમાલમસ્તી કરવા ઉપરાંત એ આઝાદીની ચળવળમાં પણ પોતાનાથી જે કંઈ થાય તે કર્યા કરતો. એને લખવું ખૂબ ગમતું એટલે દેશપ્રેમથી છલકતું લખાણ લખી, એનાં ચોપાનિયાં બનાવી લોકોમાં વહેંચે. જાહેરમાં ભાષણો આપે, આંદોલનોમાં આગેવાની લે. કેટલીય વાર એનાં નામનાં વોરંટ નીકળતાં. એક વાર એ પકડાઈ ગયો. કેટલાય મહિના સુધી જેલમાં સબડવું પડયંું. અહીં એકલા એકલા એને વિચારવાનો ખૂબ સમય મળતો. કોઈ પણ વિચારશીલ જુવાન માણસને સામાન્યપણે થતા હોય છે એવા તાત્ત્વિક સવાલો એને પણ થવા માંડયાઃ જિંદગી આખરે શું છે? આ બધી હાયવોયનો કોઈ મતલબ છે ખરો? જીવનમાં કશુંય કાયમી હોય છે ખરું? જો હોય તો એ શું છે? બાલનનો પરિવાર ખાસ્સો ધાર્મિક હતો, પણ એને ભગવાનની કોન્સેપ્ટ ક્યારેય સમજાઈ નહોતી એટલે આ બધા સવાલોના જવાબ એ શ્રદ્ધાના ઇલાકામાં પણ શોધી શકતો નહોતો.
બન્યું એવું કે ગંદકીથી છલકાતી જેલમાં બાલનને કોઈ ગંભીર બીમારી લાગુ પડી ગઈ. એ ટપકી પડે તે પહેલાં એને ઊંચકીને જેલની બહાર ફેંકી દેવામાં આવ્યો. માંડ માંડ એ બચ્યો. એણે કોલેજ પૂરી કરી ને પછી જર્નલિસ્ટ બની ગયો. હજુ તો ઊગીને ઊભો થતો ટ્રેઇની પત્રકાર હતો તોપણ ‘ધ નેશનલ હેરલ્ડ’ની એડિટોરિયલ મિટિંગોમાં ખૂબ દલીલબાજી કરતો. વાત આઝાદીની હોય કે બીજા કોઈ સામાજિક મુદ્દાની, એને કશુંક તો ઉગ્રતાપૂર્વક કહેવાનું હોય જ. આ આક્રમકતા એનાં લખાણોમાં પણ ઝળકતી. એ જન્મજાત પૈસાદાર હતો અને પત્રકાર બન્યા પછી વધારે ‘પ્રિવિલેજ્ડ’ બની ગયો હતો, પણ એનો ઝુકાવ હંમેશાં સામાન્ય માણસ તરફ રહ્યો. એ ક્લબો અને પાર્ટીઓમાં મહાલતો, બૌદ્ધિક ચર્ચાઓ કરતો, પત્રકાર તરીકેની પોતાની ફરજ બજાવતો, પણ એને સતત લાગ્યા કરતું કે પોતાની ભીતર એક પ્રકારનો અસંતોષ અને ન સમજાય એવી બેચેની ઉછરી રહી છે. એને થતું કે આ બધાની ઉપર પણ કશુંક હોવું જોઈએ જે વધારે અર્થપૂર્ણ હોય. તે તત્ત્વ શું હોઈ શકે તે એને સમજાતું નહીં.
એક વાર બાલનના હાથમાં ફિલોસોફીને લગતું કોઈ પુસ્તક આવી ગયું. એને ખૂબ રસ પડયો. પછી તો સ્વામી વિવેકાનંદ, સ્વામી શિવાનંદ, રામતીર્થ, અરવિંદ, રમણ મહર્ષિ વગેરેનું કેટલુંય સાહિત્ય એણે વાંચી કાઢયું. ભારતીય ઉપરાંત યુરોપિયન ફિલોસોફીમાં પણ ઊંડો ઊતર્યો. સ્વામી શિવાનંદનાં લખાણોએ એેના પર સૌથી વધારે અસર કરી હતી. ‘સારા બનો, સારું કરો, સેવા કરો, પ્રેમ કરો, શુદ્ધ બનો, ધ્યાન ધરો, પરમ અનુભૂતિ પામો અને મુક્ત થઈ જાઓ’- આ એમનાં લખાણનો મુખ્ય સૂર રહેતો. એક વાર એ સ્વામી શિવાનંદને મળવા એમના ઋષિકેશસ્થિત આશ્રમે પહોંચી ગયો. બાલન સ્વામીને મળીને જાણવા માગતો હતો કે આધ્યાત્મિકતાનો ખરો અર્થ શો છે? સ્પિરિચ્યુઆલિટીથી લાઇફમાં કંઈ નક્કર ફરક પડે ખરો? બાલનના મનમાં એવુંય હતું કે સ્વામીજી પાસેથી સંતોષકારક જવાબ મળે તો ઠીક છે, ન મળે તો કમ સે કમ આશ્રમની મુલાકાતને લીધે આર્ટિકલ લખવા માટે એકાદ વિષય તો મળી જ જશે.
પહેલી જ મુલાકાતમાં સ્વામી શિવાનંદે બાલનના આધ્યાત્મિકતા વિશેના જે કંઈ પૂર્વગ્રહયુક્ત ખ્યાલો હતા એના ભુક્કા બોલાવી દીધા. સ્વામીજીની ગરિમા, બુદ્ધિચાતુર્ય અને આભા જોઈને બાલન હલી ગયો. સ્વામી પણ આ યુવાનમાં કશુંક ભાળી ગયા. એમણે બાલનને કહ્યું, “ભગવાને તને આટલી બધી બુદ્ધિ આપી છે, એને તું ભગવાન માટે જ કેમ વાપરતો નથી? તું ઇચ્છે તો અહીં આશ્રમમાં રહી શકે છે.”
બાલન સ્વામી શિવાનંદના આશ્રમમાં એક મહિનો રહ્યો. એ પાછો દિલ્હી ગયો ત્યારે જાણે કોઈ નવી જ વ્યક્તિ બની ગયો હતો. એક વર્ષ પછી એ પાછો સ્વામી શિવાનંદ પાસે આવ્યો. આ રીતે થોડા અરસા માટે એણે દિલ્હી-ઋષિકેશ વચ્ચે આવ-જા કરતો રહ્યો. એની પત્રકાર તરીકેની કરિયર હજુ અકબંધ હતી. આખરે એણે નિર્ણય લઈ લીધોઃ હું સ્વામી શિવાનંદના આશ્રમમાં જ રહીશ,એમનો શિષ્ય બનીને. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૪૯ના રોજ સ્વામી શિવાનંદે એને દીક્ષા આપી. લાડકોડમાં ઉછરેલો, કોલેજમાં મંચ ગજાવતો, આઝાદીની લડાઈમાં ભાગ લેતો, પાર્ટીઓમાં મહાલતો, ટેનિસ રમતો અને આશાસ્પદ તેજતર્રાર પત્રકાર તરીકે ઊભરી રહેલો બાલન વિધિવત્ સંન્યાસી બની ગયો. એને નવું નામ આપવામાં આવ્યું: સ્વામી ચિન્મયાનંદ સરસ્વતી.
સ્વામી ચિન્મયાનંદને સૌથી વિશેષ જ્ઞાાનપ્રાપ્તિમાં રસ હતો એટલે એમના ગુરુએ કહ્યું હતું: “તારે હિન્દુ ગ્રંથોનો અભ્યાસ કરવો પડશે. તું ઉત્તર કાશી જા અને વેદાંતના પ્રકાંડ પંડિત સ્વામી તપોવન પાસેથી જ્ઞાાનપ્રાપ્તિ કર.” સ્વામી તપોવન પાસે આ યુવાન સાધુ આઠ વર્ષ રહ્યા. બહુ આકરા ગુરુ હતા એ. એક પાઠ ફરી વાર ક્યારેય રિપીટ ન કરે. ચિન્મયાનંદ ભણતા, ગુરુસેવા કરતા અને ગાયની ગમાણમાં પથ્થરનું ઓશિકું બનાવીને સૂતા. તેઓ સ્વામી તપોવનના શ્રેષ્ઠ શિષ્ય પુરવાર થયા. અભ્યાસ પૂરો થયા પછી સ્વામી તપોવને કહ્યું: “લોકોમાં જ્ઞાાન વહેંચવાની ઉતાવળ ન કર. તું દેશનું ભ્રમણ કર, લોકોની વચ્ચે રહેવાનો અનુભવ લે.” આથી ચિન્મયાનંદ દેશભરમાં પગપાળા ફર્યા, ભિક્ષા માગીને આશ્રમો અને મંદિરોમાં રહ્યા. આ અલગ પ્રકારનું શિક્ષણ હતું. તેમને ખાતરી થઈ ગઈ કે ભુલાઈ ગયેલી વેદાંત ફિલસૂફીનો પ્રચાર અને પ્રસાર જ મારું જીવનકર્મ બની રહેશે. તેમણે નિર્ણય લીધો કે હું હિન્દુઓને હિન્દુત્વ તરફ પાછો વાળીશ.
સ્વામી ચિન્મયાનંદનું આખું જીવન પછી આ જ નકશા પ્રમાણે જિવાતું ગયું. કોલેજજીવન શરૂ કરી એનીય પહેલાં લગભગ દાયકા અગાઉ સ્વામી ચિન્મયાનંદને રમણ મહર્ષિના આશ્રમમાં અવિસ્મરણીય અનુભવ થયો હતો. એમના ચિત્તમાં પડેલું અધ્યાત્મનું બીજ કદાચ તે વખતે પહેલી વાર સળવળ્યું હતું. આ પ્રસંગ સ્વામી ચિન્મયાનંદના શબ્દોમાં જ સાંભળવા જેવો છેઃ
“હું રમણ મહર્ષિના આશ્રમે ગયો ત્યારે મને કહેવામાં આવ્યંુ કે તેઓ અંદરમાં હોલમાં બિરાજમાન છે અને કોઈ પણ મુલાકાતી એમને મળી શકે છે. હું અંદર ગયો. મહર્ષિ વ્યાઘ્રચર્મ પહેરીને ખાટ પર બેઠા હતા. એમની આંખો બંધ હતી. હું એમના પગ પાસે બેઠો. અચાનક મહર્ષિએ આંખો ખોલીને મારી આંખોમાં સીધું જોયું. બસ, એ એક જ દૃષ્ટિ, એક જ નજર, ધેટ્સ ઓલ. મને ખાતરી થઈ ગઈ કે એ એક ક્ષણમાં મહર્ષિએ મારું છીછરાપણું, મૂંઝવણો, અશ્રદ્ધા અને ડર માપી લીધાં છે. તે એક પળમાં એક્ઝેક્ટલી શું બન્યું તે હું શબ્દોમાં સમજાવી શકું તેમ નથી, પણ મને એવી અનુભૂતિ થઈ કે જાણે હું ખુલ્લો પડી ગયો છું, ખાલી થઈ ગયો છું,સાફ થઈ ગયો છું અને મારી પીડાઓ દૂર થઈ ગઈ છે. જાણે કે મારી નાસ્તિકતા ઓગળવા માંડી છે, પણ બીજી જ પળે મને શંકાઓ અને પ્રશ્નો ઘેરી વળ્યા. મારું તાર્કિક મન પાછું જાગૃત થઈ ગયું. મેં મારી જાતને કહ્યું: “મૂરખ ન બન. મહર્ષિએ તારા પર સંમોહનવિદ્યા અજમાવી છે, તને મેસ્મેરાઇઝ કરી નાખ્યો છે. નરી બેવકૂફી છે આ, બીજું કંઈ નહીં.” હું ઊભો થઈને બહાર નીકળી ગયો, પણ આશ્રમમાં પ્રવેશેલો હું અને દસ મિનિટ પછી આશ્રમમાંથી બહાર નીકળેલો હું જુદા હતા. આ દસ મિનિટમાં મારી અંદર કશુંક બદલાઈ ગયું હતું. પછી તો ઘણું બધું બન્યું. દીક્ષા લઈને ગંગા નદીના કિનારે સ્વામી તપોવન પાસે વેદ-ઉપનિષદ ભણ્યો. એ વર્ષોમાં હું જે કંઈ પામ્યો તે વર્ષો પહેલાં જ રમણ મહર્ષિએ આપી દીધું હતું- મારા પર ફક્ત એક નજર ફેંકીને!”
એવું તે શું બનતું હશે કે દુન્યવી સુખસાહ્યબીમાં ઉછરેલો આશાસ્પદ પ્રોફેશનલ બધું તોડી-ફોડી-છોડીને, સંન્યાસી બનીને આખું જીવન ધર્મપ્રચાર અર્થે ખર્ચી નાખે? માણસની આધ્યાત્મિકતા અથવા ઈશ્વરને પામવાની ઝંખના અથવા જીવનને ભૌતિકવાદથી અલગ કરીને જુદા જ સ્તર પર લઈ જવાની ખ્વાહિશ કેવી રીતે ટ્રિગર થઈ જતી હોય છે? શંુ પરિસ્થિતિઓના વહેણમાં કશુંક બહારથી રોપાઈ જતું હોય છે? કે પછી, શું માણસની ખુદની માટીમાં જ બીજ પડેલંુ હોય છે જેને યોગ્ય પોષણ મળતાં ઊગી નીકળે છે?
વર્ષો વીતતાં સ્વામી ચિન્મયાનંદ દેશવિદેશમાં જાણીતા બન્યા. ખાસ કરીને ભગવદ્ગીતા અને ઉપનિષદ વિશેનાં એમનાં પ્રવચનો ખૂબ લોકપ્રિય બન્યાં. ચિન્મય મિશન નામની સંસ્થાના પ્રણેતા પણ એ જ. આજે ચિન્મય મિશનનાં દુનિયાભરમાં સેંકડો સેન્ટર છે જ્યાં વેદાંતના પ્રચાર-પ્રસાર ઉપરાંત શિક્ષણ અને મેડિકલ કેરને લગતાં કામ થાય છે. ત્રીજી ઓગસ્ટ, ૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની ઉંમરે સ્વામી ચિન્મયાનંદનું નિધન થયું. તે પછી મિશનનું કામકાજ એમના શિષ્યોએ ઉપાડી લીધું છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply